Saturday, December 21, 2024
Homeમનોમથંનમી લોર્ડ! ન્યાય પાંગળો કેમ થઈ ગયો?

મી લોર્ડ! ન્યાય પાંગળો કેમ થઈ ગયો?

સ્વસ્થ અને મજબૂત લોકશાહી જેના આધારે ટકી શકે તેવા આધારસ્તંભોમાં એક એવો અતિ મહત્ત્વનો આધારસ્તંભ “ન્યાય પાલિકા”કેમ આટલી પાંગળી અનુભવાય છે? જાણે કે ‘ન્યાય’ પોતાના પગ પર ઊભો ન રહેતાં તે બહોળા જનસમૂહના અંતરાત્મા (collective conscience)ના સહારે ચાલી રહ્યો છે તેવું પ્રતીત થાય છે. ક્યાંક તો એ બહુમતના ક્રોધના બોજા હેઠળ દબાઈ જાય છે અથવા તો શક્તિશાળી રાજકારણીઓના પોલિટીકલ કેરિયરનો વાહક બની જાય છે.

‘ન્યાય’ની આ દયનીય હાલત પર તાજેતરમાં આવેલા શીખ વિરોધી રમખાણોના એક કેસના ચુકાદા દ્વારા ફરી એક વખત નજર પડી છે. આ ચુકાદામાં અસાધારણીય લાંબા સમય પછી કોંગ્રેસ પક્ષના નેતા સજ્જન કુમારને ઉમરકેદની સજા થઈ છે. ૩૪ વર્ષના આ લાંબા ગાળા દરમ્યાન કંઈ કેટલાય કમિશનો બન્યા અને કેટલાય રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા; છતાં કેમ આટલા વર્ષો સુધી રમખાણોના પીડિતો અને મૃતકોના પરિવારો ન્યાય માટે તરસતા રહ્યા? એટલું જ નહીં આ રમખાણોમાં સીધી કે આડકતરી રીતે જે રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાઓ સામેલ હતા તે પક્ષ અવાર-નવાર પ્રાદેશિક અને રાષ્ટ્રીય ચૂંટણીઓ જીતતો રહ્યો. ક્યાં મરી પરવાર્યો હતો લોકસમૂહનો અંતરાત્મા? વાસ્તવિકતા એ છે કે ૮૦ અને ૯૦ના દાયકામાં જનસમૂહના collective conscienceમાં શીખ-વિરોધ ઘર કરી ગયો હતો. તેથી જ કોઈ શીખ સમુદાયના સભ્યને અક્ષમ્ય રીતે મારી નાખવામાં આવે કે આવા રમખાણોના પીડિતોને ન્યાય મળે કે ન મળે સામાન્ય જનતાના અંતરાત્માને કોઈ ફેર પડે તેમ ન હતો. કોઈ શીખ ક્રોસ ફાયરમાં મરી જાય એ એટલું જ નોર્મલ હતું જેમ આજે કોઈ કાશ્મીરી. એટલું જ નહીં દિલ્હી અને હરિયાણાની આમ જનતા શીખોનો ક્રૂર હત્યાકાંડ એ તેમના પોતાના કર્મોની સજા કહેવામાં ક્ષોભ અનુભવતી ન હતી. મુસ્લિમ વિરોધી રમખાણો તરફ જેમ આજે ગુજરાત અને ઉત્તરપ્રદેશની જનતાનું માનસ છે તે જ તર્જ પર. પરંતુ આટલા વર્ષો પછી આ જ collective conscienceમાંથી શીખ વિરોધે હટીને મુસ્લિમ-વિરોધે જગ્યા બનાવી હોવાથી સજ્જન કુમારને આસાનીથી સજા મળી શકી.

આ એ જ collective conscience છે જેના સહારે ચાલતી ‘ન્યાય’ની પ્રક્રિયાએ ન્યાયને શરમાવ્યો છે. ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો કેસ ઉકેલવામાં જે ‘આરોપી’એ ઇન્ટેલીજન્સની મદદ કરી હતી તે યા’કૂબ મેમનને તો ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યો, પરંતુ તે પહેલાના ૧૯૯૨ના રમખાણોના આરોપીઓ કાયદાઓની કેદમાંથી આઝાદ રહ્યા. એટલું જ નહીં જસ્ટીસ કૃષ્ણા રિપોર્ટ પ્રમાણે રમખાણોને ભડકાવવા અને ઉશ્કેરવામાં જેનો મુખ્ય ભાગ હતો એવા બાલ ઠાકરેને આ જ collective conscienceને પોષવા રાજકીય માન સાથે ‘state funeral’ આપવામાં આવ્યું.

તાજેતરના ચુકાદા પછી, એક વ્યાખ્યાનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શું ચાર વર્ષ પહેલાં કોઈકે વિચાર્યું હતું કે શીખ વિરોધી રમખાણોના કેસમાં કોંગ્રેસના નેતાને સજા મળી શકશે? પરંતુ હું કહેવા માંગું છું કે કોઈ એક સમુદાય કે અલ્પસંખ્યકો સામેના વિરોધ અને પૂર્વગ્રહથી છલોછલ એવા collective conscienceથી ન્યાયપાલિકા સ્વતંત્ર થઈ ‘ન્યાય’ને ન્યાય અપાવી શકશે? શું નજીકના ભવિષ્યમાં એવું સાંભળવા મળી શકશે કે કોઈકે વિચાર્યું હતું કે ૨૦૦૨ના મુખ્ય આરોપીઓને પણ સજા થઈ શકે છે?

આવી જ કંઈક વેદના દર્શાવતાં જસ્ટિસ મુરલીધર અને જસ્ટીસ ગોયેલ તેમના જજમેન્ટમાં ૧૯૩ પેજ પર લખે છેઃ

“ભારતમાં ૧૯૮૪ના નવેમ્બરની શરૂઆતમાં ફકત દિલ્હીમાં ૨૭૩૩ શીખોને અને સમગ્ર દેશમાં લગભગ ૩૩૫૦ શીખોને નિર્મમતાથી મારી નાખવામાં આવ્યા હતા. આ ન તો નરસંહારના પ્રથમ મામલા હતા અને ન જ છેલ્લા. ભારતના વિભાજન સમયે પંજાબ, દિલ્હી તથા અન્ય સ્થળો પર નરસંહારોની સામૂહિક સ્મૃતિઓ ૧૯૮૪ના નિર્દોષ શિખોની હત્યાઓની જેમ ભયાનક છે. આનાથી મળતી આવી જ ઘટનાઓ ૧૯૯૩માં મુંબઈમાં, ૨૦૦૨માં ગુજરાતમાં, ૨૦૦૮માં કંધમાલમાં, અને ૨૦૧૩માં મુઝફ્ફરનગરમાં થઈ ચૂકી છે. મેરઠ, મલિયાના, ભાગલપુર, જમશેદપુર, માલેગાંવ, ભીવંડી, મુરાદાબાદ અને દેશના અન્ય ભાગોમાં કેટલીય ઘટનાઓ ઘટી છે. આ બધા સામૂહિક અપરાધોમાં એક વાત તો સામાન્ય છે કે હંમેશાં લઘુમતિઓને લક્ષ્ય બનાવવામાં આવે છે. અપવાદની જેમ નહીં, બલ્કે દરેક જગ્યાએ. પરંતુ સમાજ પણ ભૂતકાળમાં મળેલ આવા જખ્મોની તપાસ માટે આગળ આવે તે જરૂરી છે.” •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments