મુશ્કેલીઓના ત્રણ મૂળ કારણ છો ઃ
(૧) આપણે આ દુનિયાને જ સર્વ કાંઇ સમજી લીધી છે. (૨) આપણે શરીરની આસપાસ જ જીવીએ છીએ. (૩) આપણે બીજાઓને પારકા સમજી લીધા છે.
આજે દરેક વ્યક્તિ પરેશાન દેખાઈ રહી છે. તે સંતુષ્ટ નથી. તેનો બધો સમય એક પ્રકારના તનાવમાં વીતી જાય છે. ધૈર્ય અને શાંતિની કોઈ રીત દેખાતી નથી. એવું લાગે છે કે જાણે તેની કોઈ કીંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે, અને તે તેનાં માટે પરેશાન છે. અથવા જાણે કે તે કોઈ વસ્તુને પામવા ચાહે છે, જેને પ્રાપ્ત કરવાની કોઈ સ્થિતિ દેખાતી નથી. તે ધન-દૌલત કે પછી હોદ્દો મેળવવા માટે દોટ મૂકે છે, અને ઇચ્છે છે કે તે બીજાઓ કરતાં આગળ નીકળી જાય. આમાં તે ક્યારેક મોટી હદ સુધી સફળ પણ થઈ જાય છે. તે ઘણી બધી દૌલત એકત્ર પણ કરી લે છે, જમીન-જાયદાદ પણ બનાવી લે છે, તેના ઘણાં બધા નોકર-ચાકર પણ થઈ જાય છે. તેના જીવનમાં દેખીતી રીતે કોઈ વસ્તુની કમી દેખાતી નથી, તેમ છતાં તેની મુશ્કેલી દૂર નથી થતી, તે અધીરો ને અધીરો જ રહે છે.
ક્યારેક એવું બને છે કે માણસ કોઈ એવું કામ કરી જાય છે, દા.ત. કોઈ એવું સંશોધન કરી લે છે કે જેનાથી તેને મોટી ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે. દૂર દૂર સુધી લોકો તેને જાણવા લાગે છે, અને સમજે છે કે તે જીવનમાં સફળ છે. લોકો તેના દૃષ્ટાંતો આપવા લાગે છે, અને કહે છે કે તેનું પરાક્રમ એવું છે કે તેને ભુલાવી શકાય તેમ નથી, મીડિયામાં તેની ચર્ચા સામાન્ય થવા લાગે છે. તેની સાથે જ લોકો ફોટા પડાવવા ઇચ્છે છે, અને તેની સાથે સંપર્ક જાળવી રાખવાને ગૌરવ-પાત્ર સમજે છે. પરંતુ જ્યારે આપણે એ વ્યક્તિને નજીકથી જોઈએ છીએ તો તે પણ પરેશાન જ દેખાય છે. સર્વ કાંઇ હોવા છતાં પણ તે બેચેન જ દેખાય છે. તેની ખુશીઓમાં કોઈ ઊંડાણ નથી દેખાતું. તેની પાસે શિકાયતોનો ભંડાર હોય છે. લાગે છે કે ખુશીઓને સમેટવાના પરિશ્રમ પછી પણ હજી સુધી તેને એ ખુશી પ્રસન્નતા નથી મળી કે ધરાઈ જાય અને કહી શકે કે મને એ બધું મળી ગયું છે, જે હું ઇચ્છતો હતો, બલ્કે પોતાની ઇચ્છાઓથી વધીને મને એ બધું પ્રાપ્ત છે જેની કોઈ કલ્પના કરી શકે છે. એવી જ વ્યક્તિ જીવનભર દોડતી રહે છે. તેની દોટ ક્યારેય સમાપ્ત નથી થતી. પરંતુ તેની મંઝિલ તેને દેખાતી નથી. એવું લાગે છે કે તે મંઝિલથી એટલી જ દૂર છે જેટલી દૂર એ વખતે હતી કે જ્યારે તેણે જીવન-ક્ષેત્રે ડગ માંડયા હતા.
માનવીની પરેશાની અને તેની વિનમ્રતાના મૂળ કારણને સામાન્ય રીતે લોકો નથી જાણતા. આથી તેમના પ્રયત્નોથી પરેશાનીઓ ઓછી નથી થતી, બલ્કે વધી જ જાય છે. ધન-દૌલત અને કોઈ હોદ્દાની પ્રાપ્તિ માટે જીવનમાં માનવીના પ્રયત્નોથી તેની દુન્યવી જરૂરતો તો ચોક્કસપણે પૂરી થઈ જાય છે, પરંતુ માનવીના કેટલાક તકાદા એવા પણ છે કે જે ભૌતિક નથી. જ્યાં સુધી આપણે આ ગેબી કે આંતરિક જરૂરતોને નથી જાણી લેતા આપણે તેની પૂર્ણતા માટે કોઈ અમલી આગેકૂચ પણ નથી કરી શકતા.
આપણી પરેશાનીઓ અને મુસીબતોના મૂળ કારણોમાંથી એક કારણ આ છે કે આપણે મૌજૂદ દુનિયા અને બાહ્ય જીવનને જ સર્વ કાંઇ સમજી લેવાની ભૂલ કરીએ છીએ. વર્તમાન દુન્યવી જીવનની સાધન-સામગ્રી આપણે ખુશહાલ નથી કરી શકતી. એક તો આ જરૂરી નથી કે અહીં આપણી તમામ ભૌતિક જરૃરિયાતો પૂરી થઈ શકે. બીજું આ કે ભૌતિક સંસાધનોની રૃએ બધા સમાન નથી હોઈ શકતા. કોઈ વ્યક્તિ અબજપતિ હોઈ શકે છે અને કોઈ આર્થિક દૃષ્ટિએ મધ્યમ વર્ગની હોઈ શકે છે, અને કોઈ ગરીબ અને કોઈ અન્યોની મદદની મહોતાજ હોઈ શકે છે. આથી જ્યાં સુધી માણસ ઓછું મળવા અંગે પણ સંતુષ્ટ થવાનું નથી જાણતો, ત્યાં સુધી તેની પરેશાની દૂર નથી થઈ શકતી. વાસ્તવમાં ત્યાં ઘણું બધું પામી લીધા પછી પણ હજી વધુ પામવાની ભૂખ મટતી દેખાતી નથી. જ્યાં સુધી કે માનવીની નજરમાં એ કાંઈ ન હોય કે જેને આપવાનો વાયદો અલ્લાહે તેનાથી કર્યો છે. એટલે કે કાયમી જીવન અને કાયમી જીવનની શાન-વ-શૌકત. આવી સ્થિતિમાં જો માણસની મૂળભૂત જરૃરિયાતો પૂરી થઈ રહી હોય તો તેને પોતાના માટે પૂરતી સમજવી જોઈએ. કેમકે જીવનનો ધ્યેય ધન-દૌલત એકત્ર કરવી નથી હોઈ શકતો. જીવન અહીંની ધન-સંપત્તિ કરતાં ઘણું કીંમતી છે. આથી જીવનની વાસ્તવિક પ્રાપ્તિ કંઇક બીજી જ હશે. અને તે છે પોતાના વાસ્તવિકતાનું જ્ઞાાન અને સમજ. માનવી જ્યારે પોતાની વાસ્તવિકતાથી વાકેફ થઈ જાય છે તો આ વાકેફિયત સ્વયં તેને એટલો માલદાર બનાવી દે છે કે તેનાથી વધીને કોઈ અન્ય દૌલતની કલ્પના પણ આપણે નથી કરી શકતા. માનવી સ્વયં પોતાનામાં માલદાર છે, પરંતુ તેને તેનાથી વાકેફિયત નથી, જેના કારણે તે પોતાને ફકીર અને મુફલિસ સમજતો રહે છે. અને પોતાની ગરીબીને દૂર કરવા માટે પ્રયત્નો કરતો રહે છે. અને તેનો પ્રયાસ ભૌતિક દૌલત એકત્ર કરવા સિવાય કોઈ અન્ય વસ્તુ માટે નથી હોતો. પરંતુ તેનાથી તેની પરેશાની દૂર નથી થતી. હા, આ તો હોઈ શકે છે કે બીજાઓની સરખામણીમાં તે ધનવાન બની જાય અને સ્વયં પોતાને સફળ વ્યક્તિ સમજવા લાગે. પરંતુ આ ફકત ધોકો હોય છે, અને કોઈ વ્યક્તિ સ્વયં પોતાને વધુ લાંબા સમય સુધી ધોકો નથી આપી શકતી. ફકત દૌલત અને હોદ્દાથી જીવનની મુફલિસી દૂર નથી થતી અને ન તો જીવનની ગરીબીનો અંત આવે છે. ધન-દૌલત અને હોદ્દાની સાથે આફતો લાગેલી રહે છે. વ્યાપારમાં નુકસાન પણ હોઈ શકે છે. માણસોને હોદ્દાથી પણ હાથ ધોવા પડી શકે છે. આ જગતમાં તો દરેક પળે આશા સાથે નિરાશા, સફળતા સાથે નિષ્ફળતાનો ખતરો લાગેલો રહે છે.
આપણી પરેશાનીઓનું એક મૂળ કારણ આ પણ છે કે આપણે સામાન્ય રીતે શરીરની આસપાસ જીવીએ છીએ. શરીરથી વધુ પોતાને કંઈ અન્ય નથી સમજતા. દુન્યવી એશો-આરામથી આપણે વાકેફ હોઈએ છીએ અને તેનાથી જ સ્વયં પોતાને સાનુકૂળ બનાવી લઈએ છીએ. અને શારીરિક તકલીફો અને દુઃખોને જ વાસ્તવિક દુઃખ સમજી લઇએ છીએ, અને શારીરિક લિજ્જત અને ભૌતિક ખુશીઓને જ સાચી ખુશી સમજવાની ભૂલ કરી બેસીએ છીએ. આપણે નથી જાણતા કે વાસ્તવમાં આપણે શરીર નથી, બલ્કે આપણું અસ્તિત્વ બિન-શારીરિક છે જેની શક્યતાઓની કોઈ હદ નથી. અને જેની પ્રાપ્તિનો મુકાબલો દુનિયાની કોઈ સફળતા નથી કરી શકતી. જે પ્રાપ્તિઓ આપણને રૃહ દ્વારા થઈ શકે છે, તે શરીરની આસપાસ જ જીવતા રહેવાના કારણો નથી થઈ શકતી. ઘણા બધા લોકો પોતાના જીવનના આંતરિક અનુભવો અને મનની શાંતિની ખુશીઓથી એટલા માટે જ વંચિત રહી જાય છે કે તે જીવનપર્યંત પોતાના શરીરની આસપાસ જ ફરતા રહે છે. તેઓ જીવનભર જીવનની શક્યતાઓથી અજાણ રહે છે.
આપણી પરેશાનીઓ અને દુઃખોનું એક ખાસ કારણ આ પણ છે કે આપણે માનસિક સંકિર્ણતાના ભોગ બનેલા હોઈએ છીએ. માનવીઓમાંથી કોઈને પોતીકા અને કોઈને પારકા સમજવાની ભૂલ કરીએ છીએ. આપણે આ નથી વિચારતા કે જ્યારે સમગ્ર માનવોને અલ્લાહતઆલાએ પેદા કર્યા છે અને સૌને આ અધિકાર પ્રાપ્ત છે કે તે અલ્લાહના વ્હાલા બની શકે તો પછી આનું ઔચિત્ય ક્યાં રહે છે કે સમગ્ર માનવોને એક નજરથી ન જોઈએ અને પોતાના ઘરના કે બાળ-બચ્ચાંઓ સિવાય સૌને પોતાના હરીફ કે દુશ્મન સમજ્વા લાગી જઇએ છીએ. દુશ્મન તો દૂરની વાત છે કોઈને પારકા સમજવા પણ અતિશ્યોક્તિપૂર્ણ દૃષ્ટિકોણ છે. પોતાના સિવાય સૌને પારકા સમજવાની ભૂલના કારણે જ ઇર્ષ્યા, ક્રોધ અને લાલચ વિ. રોગો આપણને ઘેરી વળે છે, અને આપણે પોતાના જ નહીં બલ્કે બીજાઓના સુખ-ચેનના દુશ્મન બની જઈએ છીએ. આપણું દૃષ્ટિકોણ સ્વસ્થ કે નિરોગી છે તેની એક મોટી ઓળખ આ જ છે કે આપણું હૃદય એટલું વિશાળ હોય કે જેમાં સૌના માટે આદર-સન્માન તથા પ્રેમ હોય. બીજાઓની પ્રસન્નતાથી આપણે પ્રસન્ન થઈ જઈએ અને બીજાઓના ગમથી ગમગીન થઈ જઇએ. *