એક સમય હતો જ્યારે માનવીની મૂળભૂત જરૃરિયાત ફકત ત્રણ જ હતી ‘રોટી, કપડા ઔર મકાન.’ કારણ કે ત્યારે માનવીનું કદ તેના ગુણો જેવા કે પ્રમાણિકતા, કરૃણા, દાનશીલતા અને ભલમનસાઈથી મપાતું. પણ આજે વ્યક્તિની ગણના તેની ડિગ્રી, ક્વોલિફિકેશન અને દુઃખ સાથે કહેવું પડે છે કે પૈસાથી થાય છે. આથી મોડર્ન યુગમાં સમય પ્રમાણે શિક્ષણ અને પરિવર્તન પણ મૂળભૂત જરૃરિયાત બની ગઈ છે.
ગ્લોબલ યુગમાં દરેક વસ્તુમાં પરિવર્તન આવ્યું છે. એનીસાથે માનવીઓની રહેણીકરણી, રીતરિવાજ, સમાજ અને પહેરવેશમાં પણ પરીવર્તન આવ્યું છે. પરંતુ આજે પણ આપણા સમાજનો એક ભાગ ઠેરનો ઠેર જ છે અને એ છે મુસ્લિમ સમાજની સ્ત્રીઓ જેના વિચારો આજથી ૫૦ વર્ષ પહેલા હતા એવા જ છે કારણ કે અશિક્ષિત હોવાના કારણે તેમની વિચાર શક્તિ કુંઠિત થઈ ચૂકી છે. આમ જોવા જઈએ તો બાળક જન્મ લે ત્યારથી જ તેનું શિક્ષણ શરૃ થઈ જાય છે ત્યાર બાદ સમજણું થતાં દીની તાલીમ માટે મદરેસાઓમાં અને દુન્યવી તાલીમ માટે સ્કૂલોમાં દાખલ કરાય છે. પાયાનું શિક્ષણ મળ્યા બાદ તેઓને હાઈસ્કૂલ અને કોલેજોમાં મોકલાય છે પરંતુ આ બધુ માત્ર છોકરાઓ માટે જ. છોકરીઓ માટે તો પ્રાથમિક શિક્ષણ સુધી માંડ ભણાવાય અને બહુ બહુ તો દસમા ધોરણ સુધી ભણવાય છે અને ક્યાંક તો સાવ અશિક્ષિત રખાય છે. (છોકરીએ તો ચૂલો ફૂંકવાનો હોય પછી ભણવાની જરૃર શી?) મને યાદ છે જ્યારે હું બીજા કે ત્રીજા ધોરણમાં હતી ત્યારે અમુક સગાઓ મારી મમ્મીને કહેતા કે કાગળ લખતાં વાંચતા આવડી જાય એટલે બસ પછી શું ભણાવવું? (આની પાછળ એવી માન્યતા કે છોકરી ને સાસરે સમસ્યા હોય તો એ પોતાના માતા પિતાને કાગળ લખી શકે) ખેર એ લગભગ ૯૨-૯૩નો સમય હતો પણ આજે પણ એવી માન્યતાઓમાં ખાસ પરિવર્તન આવ્યું નથી. મારા માતાપિતાનો દિલથી આભાર કે જેમણે મને ભણાવી અને મારી સમસ્યાઓ હું પોતે ઉકેલી શકું એટલી લાયક બનાવી. પણ મોટાભાગના મુસ્લિમ માબાપ એવું વિચારતા નથી.
ખરેખર સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે કોઈ અણધારી મુસીબતમાં સપડાઈ જાય છે. જિંદગીના દરેક દિવસ સરખા હોતા નથી અને ઘરના લડાઈ-ઝઘડાઓ, સ્વજનનું આકસ્મિક મૃત્યુ, અચાનક આવી પડેલી બીમારી કે નાદારી જેવી પરિસ્થિતિમાં સ્ત્રી જ એવી શક્તિ છે જે જીવનના ઝંઝાવાતોથી લડીને કપરા સમય સામે લડી શકે છે. પણ જો સ્ત્રી શિક્ષિત ના હોય તો આવી આફતના સમયે ના તો તેમની પાસે આરોગ્ય સંબંધી જાણકારી હોય છે કે ના તો કાયદાકીય બાબતોનું જ્ઞાન. આજે મુસ્લિમ સમાજના ઘણા કુટુંબ સદ્ધર થઈ ગયા છે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. પણ આવા કુટુંબની સ્ત્રીઓ પણ ઝાઝું ભણેલી હોતી નથી. પરિણામે જો અકસ્માતે ઘરના મોભીનું મૃત્યુ થાય તો ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે કે પ્રોપર્ટી છે એ સ્ત્રીઓને ખબર હોતી નથી. આથી ક્યારેક લેવાના દેવા થઈ શકે છે. અથવા તો માતાને પાછલી જિંદગીમાં બેઘર થવું પડે છે. આવી સ્થિતિ નિવારવી હોય તો સ્ત્રીએ સ્ત્રીનું દુશ્મન થવાનું છોડવું પડશે. સાસુ-વહુ એ લડાઈ ઝગડા વાળી સિરિયલો છોડીને રચનાત્મક કામોમાં સમય આપવો પડશે. અને ‘બેટી ભણાવો’ અભિયાન ચાલું કરવું પડશે. કારણકે દીકરીને સાસરે જવાનું હોય છે એ માન્યતા હેઠળ આપણે ક્યારેય સ્ત્રી શિક્ષણને મહત્વ આપ્યું જ નથી પણ માન્યતા ખોટી નથી. દ્રષ્ટિકોણ ખોટો છે. બીજા સમાજના લોકો પણ દીકરીઓને સાસરે વળાવે જ છે ને! પણ ભણાવી ગણાવી ને. આથી જ તેમની પેઢી દર પેઢી વધુ શિક્ષિત અને વધુ સદ્ધર બનતી ગઈ છે.
પણ આ સમસ્યા વકરાવવામાં જેટલો હાથ સ્ત્રીઓનો છે એટલો જ પુરૃષોનો પણ છે. જો પુરૃષો સ્ત્રીઓને સહયોગ આપે, દીકરીઓને ભણાવે અને ઇસ્લામી સંસ્કાર સાથે દુન્યવી રેહણીકરણીથી જાગૃત કરે તો આવતીકાલ આપણી જ હશે. મને ખબર નથી કે મારો આ લેખ કેટલી બહેનો વાંચશે છતાં આશા રાખું છું કે વધુને વધુ બહેનો વાંચે. આ મુદ્દા વિષે વિચારે અને કોશિશ કરે કે હવેની મુસ્લિમ પેઢી પછાત ના હોય, અશિક્ષિત ન હોય અને ખાસ કરીને છોકરા-છોકરી વચ્ચે શિક્ષણ બાબતે કોઈ ભેદભાવ ના હોય. બસ અલ્લાહ-તઆલા આપણી આ દુઆ કબૂલ ફરમાવે. આમીન.