એ પ્રશ્ન વિજ્ઞાનની સીમાઓથી પર છે કે મૃત્યુ પછી પણ કોઇ જીવન છે, કારણ કે વિજ્ઞાનનો સંબંધ તો માત્ર ઇન્દ્રિય-જગતથી છે. આવી જ રીતે એ વાત પણ સાચી છે કે માણસ તો પાછલી અમુક સદીઓથી વિજ્ઞાનની શોધો અને વિશ્લેષણોમાં રુચિ રાખવા લાગ્યો છે, જ્યારે કે મૃત્યુ પછીના જીવનના વિચારથી તે ઘણા પ્રાચીન કાળથી જોડાયેલો છે. ઇશ્વરે મોકલેલ બધા જ પયગંબરોએ લોકોને ઇશ્વરની ઉપાસના કરવા અને મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસ રાખવા ઉપર એટલો ભાર મૂક્યો કે એના કોઇપણ પાસામાં રતિભાર પણ શંકા જાય, તો એનાથી ઇશ્વરનો ઇન્કાર થયો કહેવાય અને ઈમાન (વિશ્વાસ)ની બીજી બધી બાબતો નિરર્થક થઇ જાય. એ પણ એક વાસ્તવિક્તા છે કે બધા જ પયગંબરો મૃત્યુ પછીના જીવનમાં જબરજસ્ત શ્રદ્ધા રાખતા હતા. એક-બીજા વચ્ચેના હજારો વર્ષોના લાંબા ગાળા છતાંય વહી (દિવ્ય વાણી) દ્વારા મળેલ આ જ્ઞાનને તેઓ સત્ય માનતા હતા. આપણે એ પણ જાણીએ છીએ કે આ મુદ્દા પર પયગંબરોની જાતિના લોકોએ એમનો વિરોધ કર્યો, એટલા માટે કે તેઓ આને અશક્ય માનતા હતા. આ પ્રબળ વિરોધ છતાં એ પયગંબરોને એવા લોકો મળતા રહ્યા, જેઓ એમની દરેક વાતને સાચી માનતા હતા. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે એ માનવાવાળા લોકોએ પોતાની જ કોમના લોકો દ્વારા કરવામાં આવેલા ત્રાસ અને અત્યાચાર છતાંય પોતાના બાપ-દાદાના રીત-રિવાજો, પરંપરાઓ અને વિશ્વાસોને કેમ ન માન્યા ? સરળ ઉત્તર એ છે કે એમણે સત્યને પોતાના મનો-મસ્તિષ્કમાં વસાવી લીધું હતું. પ્રશ્ન એ છે કે એમણે આ સત્યની અનુભૂતિ કરી હતી?
ના, આવું નહોતું, એટલા માટે કે મૃત્યુ પછીના જીવનની અનુભૂતિ અસંભવ છે. સાચુ તો એ છે કે ઇશ્વરે માનવીને અનુભૂતિ ઉપરાંત બુદ્ધિ, સંવેદનશીલતા અને નૈતિક બોધ પણ આપી રાખ્યો છે. આ જ બોધ છે, જે માનવીને સત્ય સુધી પહોંચાડે છે. આ જ કારણ છે કે બધા જ પયગંબરોએ જ્યારે પણ ઇશ્વર પર અને મૃત્યુ પછીના જીવન પર લોકોને ઇમાન લાવવાનું કહ્યું તે એમણે એમની બુદ્ધિ, સંવેદશીલતા અને નૈતિક બોધથી જ અર્પીત કરી. ઉદારહરણાર્થ, જ્યારે મક્કાના અનેકેશ્વરવાદીઓએ મૃત્યુ પછીના જીવનની સંભાવનાનો ઇન્કાર કર્યો, તો કુઆર્ને એમના આ વિચારની નિર્બળતાને તાર્કિક દલીલોથી સ્પષ્ટ કર્યું અને કહ્યું, :
કહે છે, ”કોણ આ હાડકાંને જીવતા કરશે, જ્યારે તે જર્જરિત થઈ ગયા હશે ?” આને કહો, ”એમને તે જ જીવતા કરશે જેણે પહેલાં એમને પેદા કર્યા હતા.” અને તે સર્જનનું પ્રત્યેક કામ જાણે છે, તે જ જેણે તમારા માટે લીલાછમ વૃક્ષમાંથી આગ પેદા કરી દીધી અને તમે જેનાથી તમારા ચૂલા જલાવો છો. શું જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા, એ સામર્થ્ય ધરાવતોે નથી કે આમના જેવાઓને પેદા કરી શકે ? કેમ નહીં, જ્યારે કે તે નિપુણ સર્જક છે. (૩૬ ઃ ૭૮ – ૮૧)
એક બીજી જગ્યાએ કુઆર્ને સ્પષ્ટ રીતે કહે છે કે ઇન્કાર કરવાવાળાઓ પાસે કોઇ મજબૂત પાયાની દલીલ નથી કે મૃત્યુ પછીના જીવનનો ઇન્કાર કરે. એમનો આ ઇન્કાર માત્ર અટકળોે પર આધારિત છે.
“આ લોકો કહે છે કે ”જીવન માત્ર આ જ અમારું દુનિયા (આલોક)નું જીવન છે, અહીં જ અમારું મરવું અને જીવવું છે અને કાળચક્ર સિવાય કોઈ વસ્તુ નથી જે અમારો નાશ કરતી હોય.” હકીકતમાં આ બાબતમાં આમના પાસે કોઈ જ્ઞાન નથી. આ લોકો માત્ર અટકળોના આધારે આ વાતો કરે છે. અને જ્યારે અમારી સ્પષ્ટ આયતો આમને સંભળાવવામાં આવે છે તો આમના પાસે કોઈ દલીલ એના સિવાય નથી હોતી કે ઉઠાવીને લઈ આવો અમારા બાપ-દાદાઓને જો તમે સાચા છો.” (૪૫ઃ ૨૪-૨૫)
નિશ્ચિતપણે ઇશ્વર બધા જ મૃત લોકોને ઉઠાવશે, પરંતુ તેની દરેક વસ્તુ વિશે પોતાની યોજના હોય છે. એક દિવસ આવશે, જ્યારે સંપૂર્ણ સૃષ્ટિનો નાશ થશે અને બધા લોકોને ફરીથી જીવિત કરીને ઇશ્વર સમક્ષ રજૂ કરવામાં આવશે. એ દિવસ એ જીવનનો પ્રથમ દિવસ હશે, જે શાશ્વત છે, ક્યારેય સમાપ્ત નહીં થાય અને એ જ દિવસે માનવીઓને એમના કર્મો અનુસાર સજા અથવા ઇનામ મળશે.
મૃત્યુ પછી જીવન વિશે કુઆર્નના સ્પષ્ટીકરણથી જણાય છે કે માણસના નૈતિક બોધની આ માંગ છે. સત્ય તો એ છે કે જો મૃત્યુ પછી જીવન ન હોય તો ઇશ્વરમાં આસ્થા પણ હકીકતથી વિપરીત વાત જણાય છે અથવા તો એક વ્યક્તિ ઇશ્વરમાં આસ્થા રાખે પણ છે, તો આવો ઇશ્વર અનિવાર્યપણે અન્યાય કરી રહ્યો હશે, દુનિયાના કોઇપણ મામલે એનો કોઇ સંબંધ બાકી નહીં રહે, જેણે માણસને જન્મ તો આપી દીધો અને એનો ભવિષ્યથી એનો કોઇ સંબંધ ન હોય. ખરેખર તો ઇશ્વર ન્યાયી છે. તે એ અત્યાચારીઓને સજા અવશ્ય આપશે, જેમના ગુનાઓ અનેક છે અને જેમણે અસંખ્ય નિર્દોષ લોકોની હત્યા કરી છે, સમાજમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે, અગણિત લોકોને પોતાની મનમાની સેવા કરવા લાચાર કરી દીધા છે. અહીં માણસનું જીવન ઘણું ટૂંકું છે, આ દુનિયા પણ નાશ થઈ જવાની છે, તેથી દુષ્કૃત્યો પર અથવા સત્કર્મો પર યોગ્ય સજા અથવા ઇનામ આપવું અહીં સંભવ નથી.
કુઆર્ન તો ભારપૂર્વક કહે છે કે બદલાના દિવસ (કયામતના દિવસ)નું આવવું અત્યંત આવશ્યક છે, જ્યારે ખુદા દરેકના વિશે, ભલે એની મરજી અનુસાર થયો હોય કે ન થયો હોય, ફેંસલો કરશે.
“ઇન્કાર કરનારાઓ કહે છે શું વાત છે કે ‘કયામત’ (પ્રલય) અમારા ઉપર આવતી નથી ! કહો, ”સોગંદ છે અદૃષ્યના જાણકાર મારા પાલનહારના ! તે તમારા ઉપર આવીને રહેશે. તેનાથી રજભાર કોઈ વસ્તુ ન આકાશોમાં છૂપાયેલી છે ન ધરતીમાં. ન રજકણથી મોેટી અને ન તેનાથી નાની. બધું જ એક સ્પષ્ટ પુસ્તકમાં અંકિત છે.” અને આ ‘કયામત’ એટલા માટે આવશે કે વળતર આપે અલ્લાહ તે લોકોને જેઓ ઈમાન લાવ્યા છે અને સદ્કાર્યો કરતા રહ્યા છે. તેમના માટે માફી છે અને પ્રતિષ્ઠાપૂર્ણ રોજી. અને જે લોકોેએ અમારી આયતોને નીચું દેખાડવા માટે જોર લગાવ્યું છે, તેમના માટે સૌથી ખરાબ પ્રકારની દુઃખદાયી યાતના છે.” (૩૪ ઃ ૩-૫)
ફરીથી જીવિત કરવાનો દિવસ એ જ હશે, જ્યારે ઇશ્વરનો ન્યાય, એની દયા અને કૃપા સંપૂર્ણ ચરમસીમાએ હશે, ઇશ્વરની કૃપાના છાંટા એમની ઉપર પડશે, જેમણે દુનિયામાં ઇશ્વર માટે તકલીફો વેઠી હતી; જેમને વિશ્વાસ હતો કે આવું કરવાથી મૃત્યુ પછીના જીવનમાં ઇશ્વરની દયા અને કૃપાઓની છત્રછાયા જરૃર હશે. રહ્યા એ લોકો, જેમણે ખુદાની ને’મતો (કૃપાઓ)નો ઇન્કાર કર્યો, આવનાર જીવનની રતિભાર પણ પરવા ન કરી એવા લોકો દયનીય સ્થિતિમાં હશે.
આ બે ચરિત્રોનું વર્ણન કરતાં કુઆર્ન કહે છે ઃ
“શું તે માણસ જેના સાથે અમે સારો વાયદો કર્યો હોય અને તે તેને મેળવવાનો હોય, ક્યારેય તે માણસ જેવો હોઈ શકે છે જેને અમે માત્ર દુનિયાના જીવન માટેની સામગ્રી આપી દીધી હોય અને પછી તે કયામતના દિવસે સજા માટે રજૂ થવાનો હોય ?” (૨૮ ઃ ૬૧)
કુઆર્ન એ પણ કહે છે કે દુનિયાનું આ જીવન મૃત્યુ પછીના શાશ્વત જીવનની તૈયારી માટેની તક છે. રહ્યા એ લોકો, જેઓ આવું નથી વિચારતાં, પોતાની ઇચ્છાઓ અને કામનાઓના ગુલામ બની જાય છે અને જેઓ ભલા અને ઈશભય રાખનારા લોકોની હાંસી ઉડાવે છે, તે તેમને તેમના મૃત્યુ સમયે જ પોતાની ભૂલ સમજાઈ જાય છે અને ઇચ્છે છે કે એમને આ દુનિયામાં ફરીથી જીવન આપવામાં આવે, જેથી તેઓ સજ્જન બની જાય, પરંતુ આ અસંભવ છે. મૃત્યુ સમયે એમની દયનીય સ્થિતિ, બદલાના દિવસે (કયામતના દિવસે) એમની વ્યગ્રતા અને ભલા લોકોને મળનારા ઇનામ તથા શાશ્વત રહેનારી કૃપાઓ, આ બધી વાતો કુઆર્નની નિમ્ન આયતોમાં ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવી છે ઃ
“(આ લોકો પોતાની કરણીથી અટકવાના નથી) ત્યાં સુધી કે તેમનામાંથી કોઈને મૃત્યુ આવી જશે તો કહેવાનું શરૃ કરશે કે ”હે મારા રબ ! મને તે જ દુનિયામાં પાછો મોકલી દે જેને હું છોડીને આવ્યો છું, આશા છે કે હવે હું સદ્કાર્ય કરીશ” – કદાપિ નહીં, આ તો માત્ર એક વાત છે જે તે બકી રહ્યો છે. હવે આ સૌ (મરનારાઓ)ના પાછળ એક બરઝખ (આડ) છે બીજા જીવનના દિવસ સુધી. પછી જેવું રણશિંગું ફૂંકી દેવામાં આવશે, તેમના વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં અને ન તેઓ એકબીજાને પૂછશે. તે વખતે જેમના પલ્લાં ભારે હશે તેઓ જ સફળતા પામશે અને જેમના પલ્લાં હલકાં હશે, તે જ લોકો હશે જેમણે પોતાને નુકસાનમાં નાખી દીધા. તેઓ જહન્નમ (નર્ક)માં હંમેશા રહેશે. આગ તેમના ચહેરાની ચામડીને ચાટી જશે અને તેમના જડબા બહાર નીકળી આવશે –” (૨૩ઃ ૯૯-૧૦૪)
માનવ-વિચારોનું નવું રૃપ આપવાવાળો :
મૃત્યુ પછીના જીવન પર શ્રદ્ધા અને ઈમાન ન માત્ર પરલોકની સફળતાની ખાતરી આપે છે, બલ્કે આ દુનિયામાં પણ વ્યક્તિને એટલી ઈમાનદાર, જવાબદાર અને કર્તવ્યપરાયણ બનાવી દે છે કે આ દુનિયા પણ સુખઃશાંતિથી ભરાઈ જાય છે. આરબ લોકો વિશે જ વિચાર કરો; જ્યાં સુધી એમનામાં પરલોક માટે શ્રદ્ધા નહોતી જન્મી, દારૃ, જુગાર, છળકપટ, લૂંટમાર, હત્યા એમના ખુલ્લા કાર્યો હતા. પરંતુ જેવા તેઓ ઇશ્વર અને મૃત્યુ પછીના જીવન પર ઈમાન લઈ આવ્યા, દુનિયાની સૌથી સભ્ય અને અનુશાસિત જાતિ બની ગયા. એમણે પોતાના દુષ્કૃત્યો ત્યજી દીધા, જરૂરતમંદોને મદદ કરી તેમજ ન્યાય અને સમાનતાના મૂલ્યો અપનાવી લીધા અને પોતાના બધા ઝઘડાઓ બંધ કરી દીધા. એ જ રીતે મૃત્યુ પછીના જીવનના ઇન્કારથી પોતાના પરિણામો મળે છે. ન માત્ર પરલોકમાં, બલ્કે આ દુનિયામાં પણ. એ જ રીતે જ્યારે કોઇ રાષ્ટ્ર આનો ઇન્કાર કરે છે, ત્યારે દરેક જાતના અનિષ્ટો અને ભ્રષ્ટાચાર સમાજમાં ફેલાઈ જાય છે અને પરિણામ એની બરબાદીમાં જોવા મળે છે. કુઆર્ન આદ, સમૂદ અને ફિરઔનની જાતિઓના ભયંકર અંતનું સવિસ્તાર વર્ણન કર્યું છે ઃ
“ઘટિત થઈને રહેવાવાળી ! શું છે તે ઘટિત થઈને રહેવાવાળી ? અને તમે શું જાણો કે તે શું છે ઘટિત થઈને રહેવાવાળી ? સમૂદ અને આદે તે એકાએક તૂટી પડનારી આપત્તિને જૂઠી ઠેરવી. તો સમૂદને એક ભીષણ દુર્ઘટનાથી નષ્ટ કરવામાં આવ્યા. અને આદને એક ખૂબ જ તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરવામાં આવ્યા. અલ્લાહે તેને લગાતાર સાત રાત્રિઓ અને આઠ દિવસો તેમના ઉપર છવાયેલી રાખી. (તમે ત્યાં હોત તો) જોયું હોત કે તેઓ ત્યાં એવી રીતે પટકાયેલા પડ્યા છે જાણે તેઓ ખજૂરીઓના ક્ષીણ થડ હોય. હવે શું તેમનામાંથી કોઈ તમને બાકી બચેલો દેખાય છે ? અને આ જ મોટા ગુનાનું આચરણ ફિરઔન અને તેના પહેલાંના લોકોએ અને ઊલટ-પૂલટ થઈ જનારી વસ્તીઓએ કર્યું. આ બધાએ પોતાના રબ (પ્રભુ-પાલનહાર)ના રસૂલ (સંદેશવાહક)ની વાત ન માની તો તેણે તેમને ખૂબ જ સખતાઈથી પકડ્યા. જ્યારે પાણીનું તોફાન હદ વટાવી ગયું તો અમે તમને નૌકામાં સવાર કરી દીધા હતા જેથી આ ઘટનાને તમારા માટે બોધપ્રદ યાદગાર બનાવી દઈએ અને યાદ રાખવાવાળા કાન તેની યાદ સુરક્ષિત રાખે. પછી જ્યારે એક વખત રણશિંગામાં ફૂંક મારી દેવામાં આવશે અને ધરતી અને પર્વતોને ઉઠાવીને એક જ પ્રહારે ચૂરેચૂરા કરી નાખવામાં આવશે, તે દિવસે તે ઘટિત થનાર ઘટના સામે આવી જશે. તે દિવસે આકાશ ફાટશે અને તેનું બંધન ઢીલું પડી જશે, ફરિશ્તાઓ તેના આજુબાજુ હશે અને આઠ ફરિશ્તાઓએ તે દિવસે તારા રબનું સિંહાસન (અર્શ) પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે. તે દિવસ હશે જ્યારે તમને લોકોને રજૂ કરવામાં આવશે, તમારું કોઈ રહસ્ય પણ છૂપું રહી જશે નહીં. તે દિવસે જેની કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે, તે કહેશે, ”લો જુઓ, વાંચો મારી કર્મનોંધ, હું સમજતો હતો કે મને અવશ્ય મારો હિસાબ મળવાનો છે.” પછી તે મનગમતા આનંદમાં હશે, ઉચ્ચ દરજ્જાની જન્નત (સ્વર્ગ)માં, જેના ફળોના ઝૂમખાં લચી પડતાં હશે. (આવા લોકોને કહેવામાં આવશે) આનંદથી ખાઓ અને પીઓ, તમારા તે કર્મોના બદલામાં જે તમે વિતી ગયેલા દિવસો દરમ્યાન કર્યા છે. અને જેની કર્મનોંધ તેના ડાબા હાથમાં આપવામાં આવશે, તે કહેશે, ”કદાચ, મારી કર્મનોંધ મને આપવામાં આવી ન હોત અને હું ન જાણતો કે મારો હિસાબ શું છે ! કદાચ મારું તે જ મૃત્યુ (જે દુનિયામાં આવ્યું હતું) નિર્ણાયક હોત ! આજે મારું ધન, મારા કોઈ કામમાં ન આવ્યું. મારું બધું જ પ્રભુત્વ સમાપ્ત થઈ ગયું.”” (૬૯ઃ ૧-૨૯)
આમ, મૃત્યુ પછીના જીવન પર શ્રદ્ધા રાખવાના ઘણા કારણો છે :
૧. એક એ કે બધા જ પયગંબરોએ પોતાની જાતિના લોકોને આમાં વિશ્વાસ રાખવાનું જણાવ્યું.
૨. બીજું એ કે જ્યારે પણ આ વિશ્વાસ ઉપર માનવ સમાજનું નિર્માણ થાય છે, સૌથી વધારે આદર્શ અને સુખ-શાંતિપૂર્ણ એ જ હોય છે.
૩. ત્રીજું એ કે ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે કોઇ સમુદાયે પયગંબરોની આજ્ઞા છતાં આને ન માન્યું, ઇશ્વરે સામૂહિક રૃપે આ દુનિયામાં પણ એને સજા આપી.
૪. ચોથું એ કે માનવતાએ નૈતિક, સંવેદનશીલતા અને બૌદ્ધિક પાસાઓને ધ્યાનમાં રાખી એને સજા આપી.
૫. પાંચમું એ કે ઇશ્વરના ન્યાય અને ઇન્સાફનો કોઇ અર્થ બાકી નથી રહેતો, જો મૃત્યુ પછી જીવન ઉપર વિશ્વાસ મૂકવામાં ન આવે.