લાઇફ સ્ટાઇલ
આ તસવીર ખેંચવાવાળા છે હઝરત ઉમર બિન ખત્તાબ રદિ. ! ફરમાવે છે કે હું એક વાર મુહમ્મદ (સ.અ.વ)ની સેવામાં ઉપસ્થિત થયો. આપ (સ.અ.વ) ઉપરી મંજિલ પર હતા. હાજર થયો તો જોયું કે ઘરમાં સાજો-સામાનની સ્થિતિ શું છે.
મુબારક શરીર પર ફક્ત એક તહબંદ (લુંગી, અધોવસ્ત્ર) છે. એક બિસ્તર વગરનો ખાટલો છે. માથાની જગ્યાએ એક તકિયો પડ્યો છે, જેમાં સૂકાયેલા ખજૂરની છાલ ભરેલી છે. એક તરફ મુઠ્ઠીભર જઉ મૂકેલા છે, એક ખૂણામાં પગ-મુબારકની પાસે કોઈ જાનવરની ખાલ પડેલી છે. અમુક (પાણી ભરવાની) મશકોની ખાલો માથાની પાસે ખૂંટી પર લટકી રહી છે.
આ જોઈને હઝરત ઉમર રદિ. કહે છે કે, ‘મારી આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા.’ મુહમ્મદ (સ.અ.વ)એ રડવાનું કારણ પૂછ્યું.
મેં અરજ કરી: હે અલ્લાહના રસૂલ ! હું કેમ ન રોઉં ! ખાટલાના વાણથી પવિત્ર શરીર પર સળ ઉઠી ગયા છે. આ તમારી કોઠરી છે, એમાં જે સામાન છે તે દેખાઈ રહ્યો છે. કૈસર (રોમનો શહેનશાહ) અને કિસરા (ઈરાનનો શહેનશાહ) તો સુંદર અને નયનરમ્ય બાગોમાં મજા લૂટે, અને અલ્લાહના પયગંબર અને આજ્ઞાંકિત બનીને મુહમ્મદ (સ.અ.વ)ના ઘરના સામાનની હાલત આ હોય !
ઇરશાદ થયો, ”હે ઇબ્ને ખત્તાબ ! તમને એ પસંદ નથી કે તેઓ આ દુનિયા લઈ લે અને આપણે આખિરત.” (શિબ્લી નો’અમાની અને સુલેમાન નદવી, સીરતુન્-નબી, ભા-ર, પૃ. ૩૦૭)
જેમને દુનિયાનું બધું જ મળી શકતું હતું, તેમણે કંઈ જ ન લીધું. જેમના પાસે બધું જ આવ્યું, તેમણે બધું જ આપી દીધું. જેઓ કૈસર અને કિસરાની જેમ એશઆરામથી પોતાના જીવનના રાત-દિવસને સુશોભિત કરી શકતા હતા, તેમણે ફકીરીનું જીવન સજાવી લીધું હતું.
રિવાયતથી સાબિત છે કે આપ (સ.અ.વ) એ સ્વયં સારું ભોજન લીધું પણ છે, સારા કપડાં પહેર્યા પણ છે, હાથથી ભૂંજેલો ગોશ્ત ખૂબ પસંદ હતો, જ્યારે મળતો તો ખૂબ શોખથી ખાતા. ખુશ્બૂનો ઉપયોગ હંમેશા કરતા હતા. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ. ફરમાવે છે કે મેં આપ (સ.અ.વ) ને સારામાં સારા કપડાંમાં જોયા છે. (અબૂ દાઉદ) હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.એ એક વખતે બજારમાંથી શામી (સીરિયન) વસ્ત્રો ખરીદ્યા. ઘર આવીને જોયું તો તેમાં લાલ રંગની પટ્ટીઓ હતી. જઈને પાછા આપી આવ્યા. કોઈએ આ ઘટનાનું વર્ણન હઝરત અસ્મા રદિ.ની સામે કર્યું. તેમણે હુઝૂર (સ.અ.વ) નો ઝભ્ભો મંગાવીને લોકોને બતાવ્યો, જેના ખિસ્સાઓ અને બાંયો અને કાંડાઓ પર વણેલા ઝીણા કાપડની પટ્ટીઓ હતી. (અબૂ દાઉદ) વાત એ નથી કે હુઝૂર (સ.અ.વ) ના દરેક અનુયાયી માટે આ જ પ્રકારનું જીવન વિતાવવું ફરજિયાત અને અનિવાર્ય છે. સ્પષ્ટ છે કે જે શોભા અલ્લાહે પોતાના બંદાઓ માટે બનાવી છે, તેને અલ્લાહના રસૂલ (સ.અ.વ) કેવી રીતે હરામ (અવૈધ) કરી શકતા હતા.
આ તસવીરનો અસલ રંગ એ છે કે સત્ય-માર્ગ પર ચાલવાનો નિર્ણય આખિરતને અપનાવી લેવાનો નિર્ણય છે. તેના પછી ઓછામાં ઓછું એ લોકો, જેઓ આખી દુનિયાને અલ્લાહની બંદગીના વર્તુળમાં લાવવાનો ક્રાંતિકારી ધ્યેય લઈને ઊભા થઈ જાય છે, તેમનાં દિલ અને જીવન દુનિયા બનાવવાની એવી ચિંતાથી તદ્દન ખાલી થઈ જવા જોઈએ, જેનાથી આખિરતનું નુકસાન થતું હોય, અર્થાત્ આ જીવનમાં આખિરત માટે સંઘર્ષ અને મહેનત કરવાનું નુકસાન. જે પ્રકારની ચિંતાઓ દુનિયાના લોકોના હૃદયમાં વસી ગયેલી હોય છે, એવી ચિંતાઓથી તેમનાં દિલ ખાલી હોવા જોઈએ.
તેથી તાકીદ કરવામાં આવી છે કે જૂઓ, તમારી નજરો ભટકે નહીં, એવું ન થાય કે તે ભટકીને એ લોકોની લાઇફ-સ્ટાઇલ પર ચોંટી જાય, જેમની બધી ખુશહાલી આ દુનિયા સુધી સીમિત છે. તેમનાં આલીશાન ઘર છે, જે સંગે-મરમરથી સુશોભિત છે, નયનરમ્ય બગીચાઓ છે, તેમનાં ઘરોમાં કીમતી ગાલીચાઓ છે, સોફા છે, ફર્નિચર છે, તેમના પાસે ઍરકન્ડિશનો છે, તેમનાં બેંક-બેલેન્સ પણ ઊંચા છે. તેમાંથી કોઈ વસ્તુ તમારા માટે હરામ નથી, પરંતુ તેમાંથી કોઈ વસ્તુ તમારું લક્ષ્ય અને ધ્યેય પણ નથી, તમારી મંજિલ નથી. જો આમાંથી કોઈ વસ્તુની કિંમત દા’વતે-હક્કના કામનું નુકસાન, રાહે-હક્કની હાનિ હોય, તો પછી આ જાયઝ નથી, તેની અવગણના કરવી જ ઉત્તમ છે.
”અને આંખ ઉઠાવીને પણ ન જુઓ દુનિયાના જીવનના તે ઠાઠ-માઠને જે અમે આમાંથી વિવિધ પ્રકારના લોકોને આપી રાખ્યો છે. તે તો અમે તેમની પરીક્ષા કરવા માટે આપ્યો છે, અને તારા રબની આપેલી હલાલ (વૈધ) રોજી જ વધુ સારી અને બાકી રહેનારી છે.” (સૂરઃ તા-હા, ૧૩૧)