દેશમાં એક બાજુ બેરોજગારીની સંગીન સમસ્યા છે. અને બીજી બાજુ ઉચ્ચ શિક્ષણનું સ્તર દિવસે દિવસે નિમ્ન થતું જઈ રહ્યું છે. બેરોજગારીથી મુક્તિ માટે હકુમત હુન્નર-કળાને પ્રોત્સાહિત કરવા માટે કેટલાય કાર્યક્રમો પર અમલ કરી રહી છે. તેનાથી રોજગારમાં વધારો તો થશે. પરંતુ દેશ એક મધ્યમ માનસિકતા ધરાવતો દેશ બનીને રહી જશે. જ્યાં નવી પેઢીથી કેટલાક અસાધારણ કારનામા અંજામ આપવાની શક્યતાઓ ધીમે ધીમે લુપ્ત થઈ જશે.
પાછલા કેટલાક મહિનાઓમાં કેટલાય વેપારી સંગઠનો અને શિક્ષણવિદોએ ઉચ્ચ શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ તકનીકી શિક્ષણની નિમ્ન સ્તરે જતી ગતિ પર વ્યાકૂળતા પ્રદર્શિત કરતા તેને દેશના ભવિષ્ય માટે અત્યંત હાનિકારક ઠેરવ્યું છે. ઓછા વત્તા અંશે આ બધા લોકોનું મંતવ્ય હતું કે ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ લઈને કોલેજથી નિકળનારા વિદ્યાર્થીઓને તે જાણકારી નથી હોતી જે હોવી જોઈએ. બલ્કે એક વેપારી સમુહે તો સખત શબ્દોમાં અહીં સુધી કહી દીધું કે આ વિદ્યાર્થીઓમાંથી ૮૦ ટકા તો નોકરીને લાયક પણ નથી. આવી રીતે જોઈએ તો દેશમાં ભણેલા ગણેલા અજ્ઞાનિઓના ધાળા તૈયાર થઈ ગયા છે અને થતા જઈ રહ્યા છે.
બીજી બાજુ દેશવ્યાપી કેટલીક કોલેજો અને શાળાઓને અપવાદ રૃપે છોડી દેવાય, અને બાકીની કોલેજો તથા ખાસ કરીને સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓની હાજરી સખતમાં સખત સમસ્યા બનતી જઈ રહી છે. હાલત તો આ છે કે ઘણી બધી કોલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી દસ ટકાની પણ હાજરી હોતી નથી. પરંતુ કોલેજ સંચાલકો પોતાની આબરૃ બચાવવા માટે પરીક્ષામાં બેસવા માટેની પરવાનગી આપે છે એટલું જ નહીં તેમને પાસ થઈ જવાની પણ વ્યવસ્થા કરી આપે છે. કોલેજોના આવા વર્તનથી વિદ્યાર્થીઓનો જુસ્સો ઔર વધી જાય છે.
પરિસ્થિતિ આ છે કે હવે વધુ પડતા વિદ્યાલયો તિવ્રગતિએ Non Attending થતા જઈ રહ્યા છે. પ્રાધ્યાપકો પણ વિશેષ ધ્યાન આ બાબતે આપતા નથી. કારણ કે તેઓને પણ રાહત મળી જાય છે. પરંતુ આ પરિસ્થિતિ નવી પેઢી માટે મસ મોટું શાપ પુરવાર થઈ રહ્યું છે. સરકાર, નિષ્ણાંતો અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળી ચિંતન કરી આ સંગીન સમસ્યાના નિવારણની શક્યતાઓ શોધી કાઢવી જોઈએ. અને સર્વમાન્ય એકીકૃત રણનીતિ તૈયાર કરીને તેના પર અમલીકરણ કરવું જોઈએ. *