સુપ્રીમ કોર્ટે પરિણીત મહિલા સાથે પરપુરુષના સંબંધને ગુનાહિત ગણાવતી 158 વર્ષ જુની આઇપીસીની કલમ 497ને ગેરબંધારણીય ગણાવી. સમગ્ર વિશ્વભરની માનભેર ભારતીય સંસ્કૃતિ પર ગુરુવારના સર્વોચ્ચ અદાલતના વ્યભિચાર સંબંધી આ ચુકાદાએ રીતસરનો કુઠરાઘાત કર્યો છે. આ સંબંધે જમાઅતે ઇસ્લામી હિંદ-ગુજરાતની મહિલા પાંખ દ્વારા આયોજિત શુક્રવારની પત્રકાર પરિષદને સંબોધતા સેક્રેટરી આરેફા પરવીને જણાવ્યુ કે, આપણો દેશ આઝાદ થયાને ૭૨ વર્ષો થવા છતાં આપણી આટલી ઉચ્ચ ભારતીય સંસ્કૃતિને બદલે આપણે આજે પણ પશ્ચિમી સંસ્કૃતિનું જ આંધળું અનુસરણ કરતા હોઈએ એવું લાગી રહ્યું છે. જે ખરેખર બહુ જ દુઃખદ અને આશ્ચર્ય પમાડે તેવું છે. તેમણે વધુમાં જણાવ્યું કે,કોઈ પણ સામાજિક ઢાંચાના પાયાના પથ્થર સમા એક ઘરની ખુશીઓનો આધાર પતિ-પત્નીની પારસ્પરિક વફાદારી પર રહેલો છે પરંતુ આ ચુકાદાથી તો જ્યારે લગ્નેત્તર સંબંધ ગુન્હો જ રહેતો નથી તો પછી પતિ-પત્નીના પારસ્પરિક સંબંધોનો પાયો કેવી રીતે ટકી શકે છે. કોઈપણ સાંસ્કૃતિક અને સામાજિક ઢાંચાને જકડી રાખવા માટે કાયદાની નહીં પરંતુ નૈતિકતાની વધારે જરૂર રહે છે અને આ ચુકાદાથી નૈતિકતા જ ખલાસ થઈ જાય છે, જ્યારે નૈતિકતા જ મરી પરવારશે તો યુવા વર્ગ કે જે નૈતિક અધઃપતન તરફ ધકેલાઈ રહ્યો છે તે એક ઊંડી ગર્તા માં જઈ પડશે અને ભારતીય સંસ્કૃતિનો સામાજિક ઢાંચો પડી ભાંગશે. જે દેશોમાં લગ્નેત્તર સંબંધો માન્ય છે ત્યાંની છિન્ન-ભિન્ન થયેલી અને પડી ભાંગેલી પારિવારિક પરિસ્થિતિથી આપણે બોધપાઠ લેવાની તાતી જરૂર છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, જ્યારે પારસ્પરિક સંમતિ થી સમલૈંગિક સંબંધ બાંધી શકાતા હોવાનો અને એ જ રીતે જો લગ્નેત્તર સંબંધ બાંધી શકાતા હોવાનો ચુકાદો જો દેશની સર્વોચ્ચ અદાલત આપતી હોય તો પછી પારસ્પરિક સંમતિ અને આંતરિક સમજૂતી સાથે એક પુરુષ બીજી પત્નિનો પણ અધિકાર ધરાવી શકવો જોઈએ જે ઇસ્લામી શરીઅત મુજબ તદ્દન વ્યાજબી હોવા છતાં તેના પર રોક લગાવી એક અસમંજસભરી પરિસ્થિતિનું નિર્માણ કરી અનેક તર્ક-વિતર્ક ઉભા કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટરૂપે પ્રતીત થઈ રહ્યું છે.
આ સંદર્ભે અમો આ ચુકાદાને ભારતની સમાજવ્યવસ્થા માટે વજ્રાઘાત સમો ગણાવીએ છીએ અને સાથોસાથ અમારો અનુરોધ છે કે, માનનીય સર્વોચ્ચ અદાલતે આ ચુકાદા સંદર્ભે ફેરવિચાર કરી ભારતીય દંડ સંહિતાની કલમ 497 ફરી બરકરાર કરવી જોઈએ.
લી.
ડૉ. ફારૂકઅહેમદ
સેક્રેટરી-મિડીઆ સેલ,
જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત.
મો.9427813797