ગુજરાત રમખાણોના ૧૯ વર્ષ..
ગોધરા કાંડ અને ત્યાર પછી ફાટી નીકળેલા રમખાણોને આજે 19 વર્ષ પુરા થયા. આ અવસરે જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના નેશનલ અને કોમ્યુનિટી અફેર્સ વિભાગ દ્વારા “ચાલો શાંતિ, ન્યાય અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે સંઘર્ષ કરીએ”ના શીર્ષક હેઠળ તારીખ ૨૮-૨-૨૦૨૧, રવિવારનાં રોજ સવારે ૧૧.૦૦ વાગે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. આ વેબીનારમાં જનાબ શરીફ મોહમ્મદ મલેક (કો-કન્વિનર અલ્પસંખ્યક અધિકાર મંચ), એડ. ગોવિંદ પરમાર (એડ. હ્યુમન રાઇટ્સ લો નેટવર્ક), જનાબ મુજાહિદ નફીસ (કન્વિનર, માયનોરીટી કોઓર્ડિનેશન કમિટી), એડ. આનંદ યાજ્ઞિક (સિનિ. એડ. હાઈકોર્ટ ઓફ ગુજરાત), જનાબ તન્વિર જાફરી (મર્હૂમ અહેસાન જાફરીના પુત્ર) અને જનાબ મોહમ્મદ શફી મદની (નેશનલ સેક્રેટરી, જમાઅતે ઈસ્લામી હિન્દ) લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
આ વેબીનારની શરૂઆત કરતા અલ્પસંખ્યક અધિકાર મંચના કો કન્વિનર મોહમ્મદ શરીફ મલિકે કહ્યું કે “૨૦૦૨ના ગુજરાત રમખાણ પછી પણ રમખાણો બંધ નથી થયા. હા, ફકત સ્વરૂપ બદલાયું છે. આવી પરિસ્થિતિમાં દેશનો સંવિધાન જ આપણને સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે.” તેમણે તેમની સંસ્થા દ્વારા વિવિધ ફેક્ટ ફાઈન્ડિંગ અહેવાલો ઉપર પણ પ્રકાશ પાડ્યો.
એડવોકેટ ગોવિંદ પરમારે કહ્યું હતું કે, “આજની ભયાનક પરિસ્થિતિને જોઈને નાના સ્તરે કોમી સંવાદિતાના કાર્યક્રમોને વધારે પ્રમાણમાં કરવાની જરૂર છે. તો જ આપણે બિનસાંપ્રદાયિક સમાજ બનાવવામાં સફળ થઈ શકીશું.”
મર્હૂમ અહેસાન જાફરી ના પુત્ર તનવીર જાફરી એ કહ્યું કે, “આજે હિન્દુસ્તાનની પબ્લિક સેક્યુલર નેચરની છે અને વર્તમાન સરકારના વિચારો તેનાથી તદ્દન વિરોધી છે. તે સેક્યુલર શબ્દથી નફરત કરે છે. તેમ છતાં મોટાભાગના લોકો જે સામાન્ય વ્યક્તિ છે, શિક્ષિત વર્ગ છે તે સેક્યુલર પ્રેમી છે. તેના લીધે હજુ સુધી દેશમાં સૌહાર્દ અને શાંતિ જળવાયેલી છે.”
વધુમાં મુસ્લિમ સમાજને માર્ગ ચીંધતા જણાવ્યું કે “મુસ્લિમોએ અત્યારે બધું છોડીને શિક્ષણ માટે કામ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ, એજ્યુકેશન મૂવમેન્ટ ચલાવે, તેમાં જરા પણ ઢીલાશ ન દાખવે, નહિતર બર્મામાં જે રીતે રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિ છે, તેના કરતાં પણ ખરાબ સ્થિતિ અહીંના મુસ્લિમોની થઈ શકે છે.”
એડ. આનંદ યાજ્ઞિક કે જેમણે એક હિંદુ તરીકે ગોધરા કાંડમાં મુસ્લિમો સાથે જે થયું તેના માટે અફસોસ વ્યક્ત કર્યો અને મુસ્લિમોથી માફી માંગી. તેમણે જણાવ્યું કે, “2002ના રમખાણો હજુ સુધી બંધ નથી થયા. રમખાણો ચાલુ છે. સંસ્થાઓ પર રમખાણો થાય છે. સંસ્થાઓમાં જે બંધારણ પર ચાલી રહ્યાં છે અને કામ કરી રહ્યા છે તેને અવગણીને તેને ફેંકી દેવામાં આવે છે. જેમ કે જસ્ટિસ જયંત પટેલ કે જેમણે ઇશરત જહાં કેસમાં જજમેન્ટ આપ્યું હતું. તે સિનિયર મોસ્ટ વ્યક્તિ હતા. ન તેમને હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યાં અને ન તેમને સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવ્યા. જસ્ટિસ કુરેશી સિનિયર મોસ્ટ ગુજરાત હાઈ કોર્ટના જજ કે જેમણે અમિત શાહને દસ દિવસના રિમાન્ડ આપ્યાં હતાં, તેમને અત્યારે એક હાઈકોર્ટથી બીજી હાઈકોર્ટ ભટકાવવામાં આવે છે અને દુઃખની વાત આ છે કે તેમને મધ્ય પ્રદેશની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવ્યાં હતાં, પરંતુ સુપ્રીમ કોર્ટના જજો એ અમુક લોકોના કહેવાથી આ જજમેંટ બદલી નાખ્યો.
અંતમાં કહ્યું કે રમખાણો કોઈને કોઈ સ્વરૂપે થયાં કરે છે. રિલીફ કેમ્પમાં રહેનારા લોકો માટે, પેન્ડિંગ કેસ છે તે લોકો માટે હું કેસ લડવા તૈયાર છું.
મુજાહિદ નફિસે કહ્યું કે, “શાંતિ સ્થાપિત કરવાની જવાબદારી સત્તાપક્ષની હોય છે, પરંતુ જોવામાં આવે છે કે શાંતિને ડામવામાં સત્તાપક્ષના લોકો જ હોય છે. વધુમાં કહ્યું કે રુલ ઓફ લૉની દિશામાં આગળ વધી સમાજમાં અમન-શાંતિને સ્થાપિત કરવા સહિયારા પ્રયાસનો વારો આવી ગયો છે.”
નેશનલ સેક્રેટરી મોહમ્મદ શફી મદનીએ તેમની વાત મુકતા કહ્યું કે, “2002ના રમખાણો પછી જે કંઈ અહેવાલો આવ્યા તેના પરથી ચોક્કસ કહી શકાય છે કે આ રમખાણો ચોક્કસ હેતુ પાર પાડવા માટે કરવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું કે ગુજરાત સરકારે એ સમયે પીડિત લોકોની સહાય કરવાના બદલે એ લોકોની સહાય કરી જે અત્યાચારી હતા. અને જે લોકો આમાં રાહતની કામગીરી કરી રહ્યા હતા તેમાં સરકાર કોઈને કોઈ રીતે અડચણ પેદા કરતી હતી. આગળ કહ્યું કે શાંતિ અને સૌહાર્દ ઊભું કરવા અને તેને જાળવી રાખવા જમાતે ઇસ્લામી હિંદ અને તેનાં જેવી બીજી ઘણી સંસ્થાઓ, એનજીઓએ મહેનત કરી, તેના ફળ સ્વરૂપે થોડા અંશે સફળતા મળી, પરંતુ જેની આ મહત્વની જવાબદારી છે તે જ શાંતિ અને સૌહાર્દ વિરુદ્ધ કામ કરી રહી છે.
આ સમગ્ર વેબીનારનું સફળતા પૂર્વક હોસ્ટિંગ વાસિફ હુસૈન (સેક્રેટરી, નેશનલ અને કોમ્યુનિટી અફેર્સ વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજારાત) એ કર્યું હતું.