બોર્ડની પરીક્ષાઓ બાદ હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ક્યાંક પૂરી થઈ ગઈ છે અને ક્યાંક ચાલી રહી છે. જે ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે; અને રજાઓ શરૃ થઈ જશે. રજાઓ કેટલી કીંમતી વસ્તુ છે તેનો અંદાજો જેમને બહુ મુશ્કેલથી રજાઓ મળતી હોય છે તેમને પૂછીને કે જોઈ-મળીને જ લગાવી શકાય છે. આથી રજાઓની કદર કરી તેનો પૂરેપૂરો સદ્ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.
આ વાત અહીં એટલા માટે કહેવાઈ રહી છે કે સામાન્ય રીતે જોવામાં આવે છે કે આ રજાઓની જોઈએ તેટલી કદર કરવામાં નથી આવતી. લોકો ક્યાં તો પોત-પોતાના ગામ ચાલ્યા જાય છે અને સગાં-વ્હાલાઓ સાથેની જરૂરી મુલાકાતો બાદ પોતાનો મોટાભાગનો સમય બિન-જરૂરી વ્યસ્તતાઓ કે પ્રવૃત્તિઓમાં ગુજારી નાંખે છે. કેટલાક લોકો પ્રવાસ કે ફરવા માટે નીકળી જાય છે અને મોટાભાગની રજાઓ તેમાં ગાળી નાખે છે. જોકે આવી મુલાકાતો કે પ્રવાસને સંપૂર્ણપણે બિન-જરૂરી તો ન જ ઠેરવી શકાય, પરંતુ આમાં જરૃર પૂરતો જ સમય ખર્ચી બાકીનો મોટાભાગનો સમય કંઇક શીખવા, શીખવાડવા અને આગામી વર્ષની જરૂરી તૈયારી માટે ખર્ચાય તે પણ એટલું જ આવશ્યક છે.
આમાં કેટલાક લોકો એવા પણ હશે જેઓ એક યા બીજા કારણસર ગામડે કે અન્ય ક્યાંય જઈ શકતા નથી કે જતા નથી. અને રજાઓ આમ ને આમ વ્યતીત થઈ જતી હોય છે. અને આ વાત તો સૌ જાણે જ છે કે વીતી ગયેલો સમય પાછો આવતો નથી. આથી જે સમય હાલમાં આપણા હાથમાં કે ઉપયોગમાં છે તેનો વધુને વધુ સારો ઉપયોગ કરવો એ જ બુદ્ધિમત્તાની નિશાની છે. જે રીતે બાળકોના માતા-પિતા કે વાલીઓએ બાળકોની પરીક્ષાની તૈયારીની ચિંતા કરી હતી એવી જ રીતે વેકેશનના સદુપયોગની પણ ચિંતા કરી તેનું અત્યારથી જ આયોજન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
વાસ્તવમાં તો આ રજાઓ એવો ઉપહાર છે કે જે અન્ય ચાલુ દિવસોમાં મળવો શક્ય નથી હોતો. શાળાનો ટાઈમ, હોમવર્કની ચિંતા અને ટ્યુશનની વ્યસ્તતાને કારણે રજાઓમાં કરવાના કાર્યો આ ચાલુ દિવસોમાં શક્ય નથી હોતા. એ ને’મતથી લાભાન્વિત થવું શક્ય નથી બનતું. દા.ત. કોઈ વિદ્યાર્થીનો ગણિત કે અંગ્રેજી વિષય કમજોર છે તો તે આ દિવસોમાં પાકું કરી શકે છે. કોમ્પ્યુટર વિ.માં જ્ઞાન વધારવું હોય તો તે પણ કરી શકાય છે. આ સિવાય કોઈ ટેકનિકલ વસ્તુ પણ રજાઓમાં શીખી શકાય છે. આ ઉપરાંત કોઈ બાળકે સંબંધિત ભાષાના વિખ્યાત પુસ્તકો નથી વાંચ્યા તો તે વાંચી જ્ઞાનમાં ઉમેરો કરી શકે છે. જેથી ક્યારેક તેનો ઉલ્લેખ થાય તો તે અંગે અજાણ હોવાથી લજ્જિત થવું ન પડે. આ તો માત્ર કેટલાક ઉદાહરણો છે, નહિંતર રજાઓ (vacation)માં કરવા લાયક ઘણાં બધા કાર્યો કે પ્રવૃત્તિઓ હોઈ શકે છે. આ રજાઓ તેમના માટે શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.
જો આપણે આપણી આસ-પાસ જોઈશું તો આપણને એવા કેટલાય લોકો મળી આવશે કે જેઓ શાળા કે કોલેજના અભ્યાસ દ્વારા જે કાંઇ બનવા ઇચ્છતા હતા તે બની ન શકયા તો રજાઓ (vacation)માં શીખેલ કોઈ હુનર-કળા કે ટેકનિકલ કાર્ય કામ આવ્યું અને જેને તેમણે પોતાના રોજગાર તરીકે અપનાવ્યું અને સફળ રહ્યા.
ડ્રાયવિંગ, કોમ્પ્યુટર ઓપરેટિંગ, કોમ્પ્યુટરના વિવિધ કોર્સ, સિલાઈ અન્ય ટેકનિકલ કોર્ષ વિ. શીખી તેને પણ ઉપયોગમાં લાવી શકાય છે.
બીજી એક મહત્ત્વની વાત આ પણ ધ્યાનમાં રહે કે આધુનિક શિક્ષણ પ્રણાલી કંઇક એવી છે કે એની સાથે-સાથે દીની શિક્ષણ હાંસલ કરવું ખૂબ મુશ્કેલ હોય છે; આથી રજાઓ (vacation) દરમિયાન દીની શિક્ષણ મેળવવા પ્રત્યે પણ ધ્યાન આપી તે વધુને વધુ મેળવવા પ્રયત્નો કરવા જોઈએ.
વિદ્યાર્થીઓની સાથો સાથ વાલીઓએ પણ બાળકોના એડમિશન અને જરૂરી હોય તો શાળાના જવાબદારો સાથે અગાઉથી મળી તેને લગતા પ્રશ્નો વિષે ભરપૂર પ્રયત્નો કરવા જરૂરી છે. દા.ત. શાળા કે વર્ગો ઓછા હોય તો તે વધારવા પ્રયત્નો કરવા.
સમાજની શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓએ પણ આ સમય દરમિયાન જરૂરી માર્ગદર્શન અને શક્ય હોય ત્યાં સુધી સહાયરૃપ થવા પ્રયાસો કરવા આગળ આવવું જોઈએ. દા.ત. ડ્રોપ આઉટ અટકાવવા સર્વેક્ષણ અને સ્કોલરશીપ, યુનિફોર્મ અને પુસ્તકો-નોટબુકો ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો કરવા કે માર્ગદર્શન આપવું, તેમની સમાજ પ્રત્યેની ફરજ અને કર્તવ્યનો એકભાગ બની રહેવો જોઈએ.