“તો હે પયગંબર! ધૈર્ય રાખો, શિષ્ટ ધૈર્ય” (સૂરઃઅલ-મઆરિજ – ૫)
કેટલા પ્રેમભાવ અને સ્નેહપૂર્વક અલ્લાહ પોતાના પ્રિય પયગંબરને સંબોધન કરી રહ્યો છે અને હઝરત મુહમ્મદ સ.અ.વ. પછી તેમની ઉમ્મતનો દરેક વ્યક્તિ સંબોધિત છે. દયા અને કૃપાના સાગર એવા નબી મુહમ્મદ સ.અ.વ.નું સમગ્ર જીવન સબ્રે જમીલનો અભૂતપૂર્વ નમૂનો છે. આવી બુલંદીને કોઈ પહોંચી શકતું નથી.
સબ્રનો અર્થ ધૈર્ય કે ધીરજ એવું કરી શકાય. ખંત, અડગતા, અચલતાનું નામ સબ્ર છે. સબ્ર કોઈ મજબૂરીનું નામ નથી બલ્કે એ ઊંચી કક્ષાનું લક્ષણ છે, એક શિષ્ટ છે. અન્યાય વેઠવાનું અને દરિદ્રતામાં પડી રહેવાનું, નિરાશ થઈ સંઘર્ષ ન કરવાનું નામ સબ્ર નથી. બલ્કે સત્ય ઉપર અડગ રહેવું, જાલિમ સત્તાધીશો સામે સાચી વાત કહેવાનું, સતત સંઘર્ષ કરવાનું, વિરોધીઓનો મુકાબલો કરવાનું, જાનના જોખમે સત્યનો પ્રચાર કરવાનું અને આવા કાર્યોમાં જે અજમાયશો આવે, જે તકલીફો પડે, જે સમસ્યાઓ નડે તેને ખુશ દિલીથી સ્વીકારી હિંમતભેર વિપરીત પરિસ્થિતિઓનો મુકાબલો કરવાનું નામ સબ્ર છે.
એટલે જ આપ સ.અ.વ.એ પણ તેની તાલીમ આપી છે. એક સ્ત્રી જે કબર પાસે બેસીને રડી રહી હતી તેને સંબોધિત કરતા ફરમાવ્યું “અલ્લાહથી ડર અને સબ્ર કર” (બુખારી). બીજી હદીસનો ભાવાર્થ છે, “જે વ્યક્તિ પોતાના ઉપર જોર કરીને પણ સબ્ર કરે તો અલ્લાહ પણ તેને સબ્ર આપે છે અને કોઈને પણ સબ્રથી શ્રેષ્ઠ અને બેપાયા વસ્તુ મળી નથી” (બુખારી).
કોઈ બીમારી હોય, કંઈ લૂંટાઈ ગયું હોય, વ્હાલસોયાનું મૃત્યુ થયું હોય, મહેનત કરવા છતાં ઇચ્છિત પરિણામ ન મળ્યું હોય, એવી કોઈ પણ ક્ષણ જેને વ્યક્તિ પસંદ કરતો નથી તેવા વિપરીત સંજોગોમાં અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.એ આપેલી તાલીમ મુજબ અડગતા દાખવવાનું નામ સબ્ર છે.
પોતાના મનની મુરાદ પૂરી થઈ જાય તો વ્યક્તિને ખુશી થવી પ્રાકૃતિક છે. પરંતુ જો એ ઇચ્છા કે કોઈ દુઆ કુબુલ ન થાય તેવી પરિસ્થિતિમાં ખુશ રહેવાનું નામ સબ્ર છે. કેમકે કોઈ તમન્ના પૂર્ણ થાય એમાં મારી ઇચ્છા છે અને પૂર્ણ ન થવામાં મારા રબની ઇચ્છા છે અને તે જે કંઈ કરે છે તે પોતાના બંદાઓની ભલાઈ માટે કરે છે. જોકે કેટલીકવાર તેના પરિણામો કે પૂર્ણ ન થવાની હિકમતથી આપણે બિલકુલ અજાણ હોઈએ છીએ.
અલ્લાહતઆલાએ તમને જે ને’મતો આપી છે તેને જાહેર કરવું ખોટું નથી પરંતુ તેમાં અહંકાર કે ઘમંડ ન હોવો જોઈએ. પરંતુ જો અલ્લાહે તમને ઘણું બધું ન આપ્યું હોય કે તમારાથી છીનવી લીધું હોય તેવી પરિસ્થિતિમાં ઉહાપોહ અને ફરિયાદ ન કરી પોતાના સ્વાભિમાન સાથે સમાજમાં જીવવાનું નામ સબ્ર છે. પોતાના રબની બક્ષીસ ઉપર સંપૂર્ણપણે ખુશ રહેવાનું નામ જ સબ્ર છે. અલ્લાહની પસંદ તમારી પસંદ બની જાય.
અલ્લાહતઆલાથી પ્રેમ જેટલો વધારે હશે, સંબંધ જેટલો ઘનીષ્ટ હશે સબ્રનો ગુણ આપણા વ્યક્તિત્વને તેટલો પ્રકાશિત કરશે. અરે સાજા થવાની બધી આશાઓ ખત્મ થઈ ગઈ હોય, જીવિત રહેવાના બધા દરવાજા બંધ થઈ ગયા હોય, ખતરાઓ તમારી પરિક્રમા કરી રહ્યા હોય, મોતનો ફરિશ્તો આવી ધોરી નસ સુધી પહોંચી ગયા હોય, તો પણ મોમિન બંદો નાસીપાસ થતો નથી બલ્કે દરેક પરિક્ષામાં તેનો ચહેરો એક નિર્વાત મુસ્કાનથી શણગારેલ હોય છે, મન સ્થિર અને શાંત હોય છે, હૃદયના ધબકારા અલ્લાહના ગુણગાન અને તેના શ્વાસો તેનું મહિમાગાન કરતી હોય છે. આ જ પરિસ્થિતિને આમીર ઉસ્માનીએ એમ કહ્યું હતું,
ઇશ્ક કે મરાહિલ મેં વો ભી વકત આતા હૈ
આફતેં બરસ્તી હૈં દિલ સુકૂન પાતા હૈ
સબ્રનું લક્ષણ પોતાનામાં બહુ મોટી ને’મત છે. તેથી જ અલ્લાહે આવા ધૈર્યવાન લોકો સાથે હોવાનોે ઉલ્લેખ કુઆર્નમાં કર્યો છે. “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! ધૈર્ય અને નમાઝથી મદદ લો. અલ્લાહ ધૈર્યવાન લોકોના સાથે છે” (સૂરઃબકરહ -૧૫૩). એટલે જ અલ્લાહે પોતાના બંદાઓને દુઆ શિખાવી છે. “… હે અમારા માલિક! અમારા ઉપર ધૈર્યની વર્ષા કર, અમારા કદમ જમાવી દે અને અમને આ ઇન્કાર કરવાવાળા જૂથ ઉપર વિજય પ્રદાન કર”(સૂરઃબકરહ -૨૫૦).