માર્ક ઝકરબર્ગ અને મિત્રો એ જ્યારે ફેસબૂકની સ્થાપના કરી ત્યારે એમનો આશય માત્ર નજીકના મિત્રો એકબીજાને સંદેશની આપ લે કરે અને ખેરખબર પૂછે એટલો જ હતો. એવી જ રીતે વોટ્સએપ બનાવનારનો આશય પણ આ જ હતો. ટ્વિટર શરૃ કરનારને માત્ર એટલી જ આશા જ હતી કે મિત્રો એકબીજાને ૧૪૦ અક્ષરોમાં હાયહેલો કરી પોતાની સ્થિતિ જણાવશે. આ યુવાનિયાઓને એવો અંદાજ પણ નહતો કે એમણે શરૃ કરેલી આ વેબસાઈટ થોડાક જ સમયમાં વિશ્વના કોમ્યુનિકેશનમાં ક્રાંતિ આણી દેશે. આ વેબસાઈટો મિત્રો સંબંધીઓથી આગળ વધી દેશદેશાવરમાં પ્રસરી ગઈ અને માત્ર હાય હેલો કે ખબર અંતર પૂછવા માટે જ ન રહેતા. દેશ વિદેશના સામાજિક, આર્થિક અને રાજકીય સમાચારોની વહેચણીનું પણ માધ્યમ બની ગયા. સમાજના પ્રશ્નો સાથે સંકળાયેલ હોવાથી આવી વેબસાઈટો સોશ્યલ્ મીડિયા તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. આ વેબસાઈટોએ સંવાદ અને સમાચારોના પ્રસારણને સરળ તો કરી જ દીધું પરંતુ એટલી હદે અસરકારક બની ગયું કે તોફાનો કે વર્ગવિગ્રહ કે હુલ્લડો વખતે કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વખતે કેટલીય સરકારોને એના ઉપર હંગામી પ્રતિબંધ લગાવવાની નોબત આવી. ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલનો વખતે ઘણીવાર ગુજરાત સરકારે માત્ર સોશ્યલ્ મીડિયા જ નહીં આખેઆખા ઇન્ટરનેટ ઉપર જ પ્રતિબંધ લગાવવાની ફરજ પડી. એ આ સોશ્યલ્ મીડિયાની ક્રાંતિ છે. આવા સોશ્યલ્ મીડિયા વિશે ઘણી વખત પ્રશ્ન ઉઠે છે કે આને આર્શિવાદ સમજવું કે અભિશાપ? એ તો દરેકની જોવાની દૃષ્ટિ ઉપર નિર્ભર કરે છે પરંતુ ઘણા લોકોને આશિર્વાદ લાગે કે ઘણા બધાને અભિશાપ પણ લાગી શકે છે. એ એનો ઉપયોગ કયા સંજોગોમાં અને કેવી રીતે થાય છે એના ઉપર આધાર રાખે છે.
આજથી દસ વર્ષ પહેલા જે સ્થિતિ હતી એની કલ્પના કરો. તમારે મિત્રો, કે સગાસંબંધીઓને વાર તહેવારે કોઈ મેસેજ કે શુભેચ્છક સંદેશો આપવાનો હોય તો પહેલા તો દીવાળી ઈદ અને ક્રિસમસ ટાણે કાર્ડ મોકલવા પડતા હતા. એની ઉપર પોસ્ટલ સ્ટેમ્પ ચોટાડી પોસ્ટમાં મેઈલ કરવા પડતા અને ત્રણચાર દિવસ પછી એ ગંતવ્ય સ્થાને પહોંચતું અને દરેક વખતે એ પહોંચે એની કોઈ ગેરંટી પણ નહોતી. કેટલાક કાર્ડ્સ (ઘણા બધા પત્રોની જેમ) તહેવારો પતી જાય એના ઘણા દિવસો પછી મળતા – ત્યારે એનું મહત્વ ઘટી જતું હતું. એની સામે હાલમાં ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, હાઈક, વીચેટ, વાઈબર જેવી ઘણી બધી એપ્લિકેશન્સ અને વેબસાઈટ્સ છે જ્યાં તમે તમારૃં મનગમતું ઈ-કાર્ડ કે શુભેચ્છક સંદેશ માત્ર કેટલીક સેકન્ડમાં જ દુનિયાના કોઈપણ છેડે તમારા મિત્રો કે સંબંધીઓને પહોંચાડી શકો છો! આનાથી ઘણાબધા વેપારીઓ અને ડીઝાઈનરો, એન્જિનીયર્સ, આર્કીટેકટ્સને ફાયદો થયો છે. બનાવેલી ડીઝાઈનના ફોટા અપલોડ કરી ગ્રાહકને બતાવવામાં આવે. તરત જ ગ્રાહક એની ઉપર પ્રતિક્રિયા મોકલી આપે અથવા ડિઝાઈનમાં સુધારાવધારા સુચવે. ડિઝાઈનર ફરીથી સુધારા વધારા કરી ઇમેજ અપલોડ કરે અને ખૂબ જ ટુંકા સમયગાળામાં ડીઝાઈન પાસ થઈ જાય અને ગ્રાહક પોતાના ત્યાં પ્રિન્ટ પણ કઢાવી લે! ઓફિસમાં બેઠા બેઠા જ સંદેશા અને ડીઝાઈનની આપ લે થઈ જાય, એ પણ ગેરંટેડ ગ્રાહકને પહોંચે પહોંચે ને પહોચે. ભારતીય ટપાલ સેવાની જેમ નહીં કે ના પણ પહોંચે!
સોશ્યલ્ મીડિયાએ લગભગ દરેક સામાન્ય માણસને લેખક કવિ, પત્રકાર અને વિવેચક બનાવી દીધા છે. જેઓ પોતાનો અભિપ્રાય કોઈપણ ખચકાટ વિના કે શેહશરમ વિના વ્યક્ત કરી શકે છે. જે કવિતાઓ મિત્રો પણ ન સાંભળી શકે એને અપલોડ કરી ઘણા લાઈક્સ પણ મેળવી શકાય છે. બ્લોગ લખી એને શેર કરી શકાય છે. ત્યાં ધક્કા ખાઈ એમનું અપમાન સહન કરવાની કોઈ આવશ્યકતા નથી. મનગમતા સમાચારો શેર કરી બીજા લોકોની પ્રતિક્રિયા જાણી શકાય છે. કોઈ રાજકીય પાર્ટી કે નેતાઓના ભકતો વાહવાહી કરતા સમાચાર શેર કરે અને વિરોધીઓને એ વાત ન ગમે તો તીખી પ્રતિક્રિયાઓ પણ આવે. એટલું જ નહી ંસત્ય છુપાવતી સરકારોની ઘણી બધી પોલ આ સોશ્યલ્ મીડિયાના ‘પત્રકારો’ ખોલી નાંખે છે જે સમાચાર કે ફોટાઓ સરકાર સેન્સર કરવા માગતી હોય એ વિરોધીઓ શેર કરી નાંખે છે. પરિણામે સરકારને જો ખોટું કરતી હોય તો ડેમેજ કંટ્રોલ માટે લાગી જવું પડે છે. અને એના ખુલાસાઓ મીડિયા સમક્ષ કરવાની ફરજ પડે છે.
ચૂંટણીઓમાં આ જ સોશ્યલ્ મીડિયા આશિર્વાદરૃપ સાબિત થાય છે જેમાં બધા જ પક્ષો પોતપોતાની વાત અને એજન્ડા ફેલાવે છે. બુદ્ધિજીવી ટીકાકારોની એમાં ઘણી બધી ટીકાઓ પણ પક્ષોને સહન કરવી પડે છે. ચૂંટણી ના પતે ત્યાં સુધી આશિર્વાદ લાગતો આ જ સોશ્યલ્ મીડિયા પરિણામો આવી ગયા પછી હારી જનારા પક્ષ માટે અભિશાપ સાબિત થાય છે. પછી હારના કારણોની ચર્ચા તો પાર્ટીમાં થાય ત્યારે થાય પણ એમના વિરોધીઓ કાર્ટુન, જોક્સ અને કટાક્ષમય પ્રતિક્રિયાઓથી ચટકાં લેતા હોય છે.
પ્રેમીઓ માટે તો આ સોશ્યલ્ મીડિયા માત્ર આશિર્વાદરૃપ જ નથી. અતિઆશીર્વાદરૃપ છે. જેઓ દરેક ક્ષણે પોતાની હૃદયોર્મિઓ એકબીજાને દર્શાવતા રહે છે. કેટલીક વખત તો સગાઈ અને લગ્નપ્રસંગોએ દુલ્હા-દુલ્હન એકબીજાના ફોટા શેર કરીને જણાવતા રહે છે કે મે હવે આ ડ્રેસ પહેર્યા કેવી/ કેવો લાગું છું? હવે આ ફંકશનમાં આ મોજડી કે બુટ પહેર્યા? ગમ્યા ન ગમ્યા? સોશિયલ મીડિયાએ છોકરા-છોકરી વચ્ચે લાજ શરમને થોડી બાજુ ઉપર મુકાવડાવી દીધી છે, એ પાછી એક અલગ વાત છે.
વિદ્યાર્થી મિત્રો માટે પણ સોશ્યલ્ મીડિયા આશિર્વાદરૃપ છે. ઘણા બધા એસાઈમેન્ટ્સ, નોટ્સની આપેલ આમાં થઈ જાય છે. ક્લાસ છૂટી ગઈ હોય તો પણ કોઈ વધારે ફર્ક પડતો નથી.
ઘણા બધા કન્સલ્ટીંગ ડોક્ટરો સોશ્યલ્ મીડિયા ઉપર દર્દીના ફોટા રીપોર્ટ્સ જોઈ દવાઓ પણ એના ઉપર જ લખી મોકલે છે અને એમાં સમયની બચત થાય છે અને નર્સો તરત એના ઉપર અમલ કરી દર્દીને રાહત પણ પહોંચાડે છે.
ઘણાં બધા લોકો ધાર્મિક સૂત્રો, ફોટાઓ, સાધુ, સંતોની વાતો શેર કરી પુણ્ય કમાવી લેતા હોય છે. જોકે એની પ્રમાણભૂતતા ઉપર પણ ઘણા પ્રશ્નાર્થચિહ્નો હોય છે. તોય કહી શકાય કે મોટાભાગનું આ ધાર્મિક મટીરીયલ ૧૦૦ ટકા પ્રમાણભૂત ન હોય તો પણ સારૃં તો હોય જ છે. જો કે લોકો એને વાંચીને એના ઉપર કેટલું આચરણ કરે છે એ મહત્વનું છે. મોટાભાગના લોકો તો પોસ્ટ વાંચ્યા વિના જ આગળ ફોરવર્ડ કરી પોતાની ફરજ નિભાવવાનો સંતોષ માણતા હોય છે. ગઈ કાલે જ એક પોસ્ટ આવી હતી એમાં એક મિત્રે બીજાને મેસેજ મોકલ્યો કે ભાઈ ફલાણી જગ્યાએ મારૃં એકસીડન્ટ થઈ ગયું છે, પગ ભાંગી ગયો છે, ૧૦૮ના કોઈ ઠેકાણા નથી તો તું જલ્દીથી આવી જા. જેને મેસેજ મોકલ્યો હતો એણે વાંચ્યા વિના જ વળતો જવાબ આપ્યો હેપી ન્યુ યર, ભગવાન તમને નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ, શ્રેય અને અપાર ખુશીઓ આપે એવી હૃદયથી પ્રાર્થના અને શુભેચ્છાઓ! આટલું જ નહીં આવેલા મેસેજને એણે વાંચ્યા વિના બીજા ગ્રુપમાં ફોરવર્ડ પણ કર્યા! આવા વખતે મીડિયા પહેલા વ્યક્તિ માટે આશિર્વાદરૃપ હતો પણ બીજાએ એને અભિશાપ બનાવી દીધો!
અત્યાર સુધી જે કંઇ વાંચ્યુ એના ઉપરથી તમને એવું જ લાગ્યું હશે કે સોશ્યલ્ મીડિયાને તો આશિર્વાદરૃપ જ ગણવો જોઈએ. પરંતુ એ અભિશાપ પણ સાબિત થઈ શકે છે. આનો સૌથી વધુ અનુભવ ગુજરાતની ભાજપ સરકારને થયો હશે એટલે આનંદીબેનથી વધારે આને કોણે જાણતુ હશે! પાટીદારોના અનામત આંદોલન વખતે સરકાર એવી ભીંસમાં મૂકાઈ ગઈ હતી કે પાટીદારો માટે જે સોશ્યલ્ મીડિયા આશિર્વાદરૃપ હતો એ સરકાર માટે અભિશાપ બની ગયો.
હાર્દિક પટેલની ધરપકડ અને પાટીદારો ઉપર પોલીસના લાઠીચાર્જની વાતથી પાટીદારો એવા ઉશ્કેરાયા કે સોશ્યલ્ મીડીયા દ્વારા આ વાતો વીજળી વેગે આખા ગુજરાતમાં પ્રસરી ગઇ જેના રીએક્શનરૃપે પાટીદારોએ પોલીસ સામે ઘર્ષણમાં ઉતર્યા અને એસ.ટી. બસો, બી.આર.ટી.એસ. સ્ટેન્ડો વગેરેને નુકશાન પહોંચાડી પબ્લિક પ્રોપર્ટીને એટલે કે જનતાને જ નુકશાન કર્યું. બીજી બાજુ પોલીસે પાટીદારોની સોસાયટીઓમાં ઘુસી એમના કારના કાંચ ફોડી નાખ્યા જે સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયા અને પાટીદારોએ ક્ષણોમાં જ સોશ્યલ્ મિડિયામાં મુકી દેતા ગજરાત સરકારની માત્ર ગુજરાત કે ભારત જ નહીં વિદેશોમાં પણ નાલેશી થઇ.
એવી જ રીતે દેશમાં કેટલાક સમયથી અસહિણુતાનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. નિર્દોષ મુસ્લિમોને રંજાડવામાં આવે છે, દલિતોને નાગા કરી શેરીઓમાં ફેરવવામાં આવે, દલિત બાળકોને બાળી દેવામાં આવે વિચારકો લેખકો અને બુદ્ધીજીવીઓને ધમકીઓ આપવામાં આવે અને એમ એમ કલબુર્ગી,પનસરો અને ડાભોલકર જેવા લોકોને મારી નાંખવામાં આવે. લેખકોને ન લખવા માટે મજબૂર કરવામાં આવે. મુહમ્મદ એખ્લાક જેવા લોકોને એક બુદ્ધીહીન ટોળું માત્ર અફવાના આધારે મારી નાંખે. ટીપુ સુલ્તાન જેવા રાષ્ટ્રભક્તને દેશદ્રોહી ગણાવવામાં આવે આ બધાજ વખતે સોશ્યલ્ મીડીયા ઉપર સમજદાર અને સહિષ્ણુ લોકોએ સરકારનો જોરદાર વિરોધ કર્યો. એનાથી સરકાર તો ચુપ છે હજી સુધી કોઇ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ એને આ સોશ્યલ્ મીડીયા અભિશાપ લાગે છે. આનાથી આખા દેશમાં અને વિદોશોમાં પણ નાલેશી થઇ છે. બિહારની ચુંટણીઓમાં ઘણા બધા મુદ્દાઓ હશે એનડીએને હારવા માટે. પણ એક કારણ સોશ્યલ્ મીડીયા પણ છે. જેણે બિહારીઓના મન બનાવ્યા કે કોણ સારૃં છે અને કોણ ખરાબ છે, કોણ સાચો છે કોણ જુઠો છે, આમ લોકો માટે જે સોશ્યલ્ મીડીયા આશિર્વાદ એ સરકાર માટે અભિશાપ સાબિત થયો.
વિદ્યાર્થી મિત્રો લેસન, નોટ્સ કે સુચનાઓ એક-બીજાને શેર કરે ત્યાં સુધી તો ઠીક છે પરંતુ ઇન્ટરનેટ અને સોશ્યલ્ મીડીયાનો ચસકો લાગી જાય તો ખાસ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થિઓ માટે અભિશાપ જરૃર સાબિત થઇ શકે છે. કારણ કે એમાં સમયનો વ્યય તો થાય જ છે પરંતુ તે ધ્યાનભંગ કરી અભ્યાસમાં વિક્ષેપ પણ પાડે છે.
તાજેતરમાં થયેલ સર્વે મુજબ જો તમારે સુખી થવું હોય તો ફેસબુક વાપરવાનું છોડી દેવું એવું તારણ નિકાળ્યુ છે એમાં પોસ્ટ કર્યા પછી મિત્રો લાઇક કરશે કે નહીં એની ચિંતામાં માણસોનું ધ્યાન બીજે કેન્દ્રીત થઇ શક્તું નથી. સમયનો વ્યય પણ થાય છે. જે લોકો કંઇક ક્રિએટીવ સર્જનાત્મક કામ કરવા માંગતા હોય એમણે સોશ્યલ્ મીડીયાથી દૂર રહેવું જોઇએ. સોશ્યલ્ મીડીયામાં જ્યાં સારી સારી વાતો,લખાણો, વાક્યો, પ્રેરણાત્મક સુત્રો શેર કરવામાં આવે છે. ત્યાં કીમતી સમયનો દુરૃપયોગ પણ થાય છે. સામાજીક સંબંધો ખાસ કરીને પતિ-પત્નિ વચ્ચે અણબનાવ પણ સર્જાય છે. કુંટુંબીઓ સાથે સમય આપવાના કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે. સારૃ વાંચન કરવાનો સમય તો આ સોશ્યલ્ મીડીયા લઇ લે છે, બાકી વધ્યું તે ટી.વી.ની સીરીયલો. આનાથી માણસો એમ સમજે છે કે પોતે રીલેક્ષ થઇ રહ્યો છે. વાસ્તવમાં તે વાધારે તણાવમાં જીવે છે. વધુ ટેન્શ બને છે, જે શક્તિ ક્રિએટીવ સર્જનાત્મક કાર્યમાં લાગવી જોઇતી હતી એ ક્ષુલ્લક જોકસ અને ટુચકાઓ વાંચવા અને શેર કરવામં ખર્ચાય છે. સોશ્યલ્ મીડીયાથી તંદુરસ્તી ઉપર પણ અસર થાય છે. માસિક તાણ ઉપરાંત રાત્રે મોડા સુધી જાગવાથી ઊંઘ બગડે છે અને લાંબાગાળે અનિદ્રાના રોગનો ભોગ બનવું પડે છે. ઉપરાંત ઓફીસમાં કે ધંધામાં કાર્યક્ષમતા પણ ફરક પડી જાય છે. સ્મરણશક્તિ બગડે છે મહત્વના કામ વખતે જ ઊંઘ આવે છે. ના ઊંઘો તો માઇન્ડ બરાબર કામ કરતું નથી. પરીણામે લાંબાગાળે શરીરને નુકશાન થઇ શકે છે.
આમ સોશ્યલ્ મીડીયાના લાભ પણ ઘણા છે તો સામે નુકશાન પણ ઘણા વધારે છે. તેથી ટુંકો સાર આટલો જ છે કે જેમ મિઠાનો જરૂરીયાત જેટલો જ ઉપયોગ કરીએ છીએ ન વધારે ન ઓછું એમ સોશ્યલ્ મીડીયાનો પણ મર્યાદામાં રહીને ઉપયોગ કરવામં આવે તો લાભદાયક છે નહીંતર એ ઘણું નુકસાનકારક સાબિત થઇ શકે છે. પસંદ અપની અપની!!.
આમાં કુઆર્નની કેટલીક આયતો અને કેટલીક હદીસો પણ શેર કરવામાં આવે છે આમાં ખોટું કેટલું એ તપાસનો વિષય બની જાય છે.
માસ મીડીયાનો હથિયાર તરીકે પણ ઉપયોગ થઇ રહ્યો છે. કેટલાક લોકો ખોટી આઈ.ડી. બનાવે બે કોમો કે જુથો કે સંપ્રદાયો કે જાતિઓ વચ્ચે વેર અને ઘૃણા વધે એવી કોમેન્ટ્સ કરે છે. અથવા તો ખોટી ખોટી અફવાઓ ચલાવી બંનેને લડાવે છે. જે કાનુની રીતે દંડનીય અપરાધ છે આના માટે આઇટી કાયદો પણ છે પરંતુ આપણી પોલીસ હજુ એટલી સક્ષમ નથી બની ગઇ કે તરત જ કાર્યવાહી કરી અપરાધીને પકડે અને સજા અપાવે. કેટલાક લોકોે બીજા ધર્મના પવિત્ર ફોટાઓ કે બાબતો સાથે ચેડા કરી ધાર્મિક લાગણીઓ ઉશ્કેરે છે. એ આ મીડીયાનું સૌથી મોટું નકારાત્મક પાસું છે. બે કોમો વચ્ચે ભાઇચારો વધે એના કરતા ઘટે અને ઘૃણા વધે એવા પ્રયત્નોમાં કેટલાક ધર્મ ઝનૂનીઓ સફળ થઇ જાય છે. આવા સમયે આ સોશ્યલ્ મીડિયા અભિશાપ બની જાય છે.*