સ્વચ્છ રહેવું એ માનવીય પ્રકૃતિનું ભાગ છે. સફાઈ તેને ગમેે છે અને સ્વચ્છતા પ્રગતિ માટે પણ જરૂરી છે. બલ્કે સ્વચ્છતા સ્વસ્થ્ય રહેવા અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. ભારતના પ્રધાનમંત્રીએ ૨જી ઓક્ટોબરે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની શરૃઆત કરી. તે બદલ અભિનંદન. આ એક દિવસીય કે એક સપ્તાહનો અભિયાન નથી છેકે પાંચ વર્ષ સુધી ચાલશે. જેમાં ૪૦૧૧ વૈધાનિક ટાઉનને સ્વચ્છ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આપણા ભારતના પ્રધાનમંત્રીએ તેમના નિવેદનમાં આ અભિયાનને રાજનીતિ સાથે નથી બલ્કે દેશદાઝ સાથે જોડતા જણાવ્યું કે ભારતને સ્વચ્છ કરી આપણે રાષ્ટ્રપિતા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરી શકીશું. અત્યાર સુધી કેન્દ્રની ઘણી બધી સ્કીમો પોતાના નામે ચડાવીને રાજનિતિક લાભ મેળવનાર નરેન્દ્ર મોદી આ અભિયાનને રાજનીતિથી પર રાખી શકશે!!! ભલે, પરંતુ જો તેઓ તેમની વાતમાં સાચા અને નિખાલસ હોય તો તે સરાહનીય છે. જો કે તેની આશા ઓછી છે કેમકે એક મોટા વર્ગે તેમને ‘ફેકૂ’ જેવું ઉપનામ આપ્યું છે જે એમ જ નથી તેની પાછળ ચોક્કસ કારણો હશે.
આપણા દેશના ગામડાઓ અને ઘણા બધા શહેરોમાં સ્વચ્છતાનો અભાવ નરી આંખે જોઈ શકાય છે. નાગરિકોમાં સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે જે જાગૃતિ હોવી જોઈએ તેનો અભાવ છે. ઉકળતી ગટરો, ખુલી નાળીઓ, જાહેરમાં શોજવુંં, રસ્તાઓ પર ગંદકી કરવી, ગલીઓ અને શેરીઓમાં કચરો ઢાલવો, ધુમ્રપાન વડે થતી ગંદકી… વગેરે આપણા માટે પડકારરૃપ છે. કોઈપણ પરિવર્તન જનતાના સમયે અને સહકાર વગર શક્ય નથી અને આપણા સહકારની પરિસ્થિતિ આ છે કે જે દિવાળ પર લખેલુ હોય કે ‘અહિં ગંદકી કરવી નહીં’ તેની નીચે જ આપણને કચરો અને ગંદકી દેખાઈ આવશેે અને આપણા સમર્થનનો તો કહેવું જ શું !!! દવાખાના સુદ્ધાપણે પણ આમાં સ્વચ્છતા પાળવી શકતા નથી. સરકારી ઇમારત હોય કે નાના મોટા હોસ્પિટલ દરેક ખૂણે ખાંચે પાન અને ગુટખાની પીચકારી જોઈ શકાય. એવું ન કરે તેના માટે લોકો અને વ્યવસ્થાપકો ધાર્મિક ચિન્હો દિવાળમાં લગાવે છે. છતાં આપણે આપણી કુટેવ માટે જગ્યા શોધી જ લઈએ છીએ. આપણી કુટેવથી પર્વતો પણ બાકાત નથી. મોટાભાગના પર્યટન સ્થળોએ પણ ગંદકીની સમસ્યા ઉભી થઈ રહી છે. રણમાં જ નહીં એવરેસ્ટ પર પણ આપણા ‘પ્રકૃતિ પ્રેમ’ના દાખલા મળી જશે. આ પડકારને આપણે જ પડકારવી છે. જનતાનો સહકાર અને ભાગીદારી વગર કોઈ અભિયાન સફળ થઈ શકે છે.
પ્રધાનમંત્રીએ ‘લીલા પાદડા’નો કચરો વાળીને સંદેશ તો આપયો છે કે આપણે સ્વચ્છતા જાળવી જોઈએ પરંતુ ઔદ્યોગીકરણના કારણે જે કચરો અને પ્રદુષણ પેદા થઈ રહ્યો છે તેનો નિરાકરણ શું? વિકાસના નામે જે વાયુ પ્રદુષણ થઈ રહ્યું છે તેના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. જળચર પ્રાણીઓનું જીવન જોખમાઈ ગયું છે. પૃથ્વીના સુરક્ષા કવચ એવા ઓઝોન સ્તરમાં છિદ્રો પડી રહ્યા છે. પક્ષીઓના કલરવના સુંદર ગીતો ગળામાં ગૂગળાઈ ગયા છે. ગૌચરની જમીનો ઉદ્યોગ સાહસિકોને પધરાવતા જે ‘મૂડીવાદી પ્રદુષણ’ ફેલાઈ રહ્યો છે તેણે કોણ નાબૂદ કરશે. મૂડીવાદી પ્રદુષણ એટલા માટે કહુ છું કે તેમના કારણે જ ભારતમાં અમીરી-ગરીબીનું અંતર વધી રહ્યું છે અને ગરીબ દૂર ન થાય ત્યાં સુધી ‘સંપૂર્ણ સ્વચ્છ ભારત’ એક સ્વપ્ન જ રહેશે. જે માત્ર સૂત્રો અને જાહેર સ્થળોએ મૂકેલી હોર્ડીંગ્સની શોભા બનીને રહી જશે. આ એક કદમ સ્વચ્છ ભારત કી ઓર ઉઠાવવા વિચારવુ જ રહ્યું.
પ્રધાનમંત્રીએ ઝાડુ વાળવા વાલ્મીકી નિવાસ પસંદ કર્યું કદાચ તેઓ એ સંદેશ આપવા માગતા હોય કે ભારતમાં અછુતપણાનો જે કચરો છે તે વાળવો પડશે. મારો ખ્યાલ છે કે જ્યાં સુધી વર્ણવ્યવસ્થા છે ત્યાં સુધી ઊંચનીચ અને અસ્પૃશ્યતાની સમસ્યા હલ થઈ શકેે નહીં. ઊંચ વર્ણના લોકોમાં આ માનસિકતા એટલી હદે પ્રસ્થાપિત થયેલી છે કે તેને દૂર કરવું મુશ્કેલ જણાય છે. હાલ એક સપ્તાહ પહેલાના સમાચાર તમે વાચ્યા હશે. એક કહેવાતી નીચલી જાતિના વ્યક્તિનો પ્રાણી ઉચ્ચ જાતિની વ્યક્તિના ખેતરમાં ચરવા જતી રહી અને તેના બદલ તે નીચલી જાતિના વ્યક્તિને સળગાવી દેવાઈ!!! માનસમાં રહેલા કોમવાદ, ઘૃણા, અસ્પૃશ્યતા અને અછૂતપણાના કચરાને ધર્મ વડે જ દૂર કરી શકાય. આ કામમાં મુસલમાનો પાસે જે કઈ વ્યવસ્થા છે તે વિકલ્પ તરીકે દેશના સત્તાધારી પક્ષ સામે પણ મુકવાની જરૃર છે.
નિર્મળ ભારત આપણી સહીયારી જવાબદારી :
૨૧મી સદીમાં ઉદ્યોગો-વાણિજ્યની પ્રગતિ, કુદરતી સંસાધનોનો દોહન, પર્યાવરણ જન્ય અને પાણી જય ગંદકી વગેરેના પરિણામે સફાઈ, સ્વચ્છતા તેમજ આરોગ્યની જે સમસ્યાઓ પેદા થઈ છે તેના નિરાકરણ માટે પ્રયત્ન કરવું આપણા બધાની સહીયારી જવાબદારી છે. લોકભાગીદારી અને લોક ચળવળ વગર તે શક્ય નથી કોઈ પણ પોલીટીકલ પાર્ટી તેના બળે અથવા સરકારી કર્મચારીઓના બળે બધુ જ કરી શકે નહીં. આપણી જગ્યા રહીને આપણે પોતાની જવાબદારી નિભાવવી જ પડશે. શિક્ષણ વ્યવસ્થામાં શરૃઆતથી જ એવા વિષય ફરજીયાત પણે ભણાવવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ નાગરિક તરીકેની જવાબદારી સમજે. ટ્રાફિક નિયમોનું પાલન, પર્યાવરણ પર જતન, સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ, ધુમ્રપાનથી દૂરી વગેરે શીખવી સીવિલ સેન્સનો વિકાસ થાય. ધાર્મિક આગેવાનો સામાજિક કચરો વાળવાનો કાર્ય કરે. તેમના ભકતજનોને એવા સંસ્કાર પીરસે કે સામાજિક સમાનતા પેદા થાય. વંચિતો પ્રત્યે દયાભાવના પેદા થાય. પીડિત લોકોના હક્ક માટે ઉભા થાય. અસ્પૃશ્યતા દૂર થાય, જવાબદારીનું ભાન થાય. કોર્પોરેટ લોબી પણ તેની સામાજિક જવાબદારી અદા કરે. સ્વચ્છતા માટે જે પ્રાથમિક માળખાની જરૃર છે તેના માટે પૈસા પુરા પાડે. શોચાલય બંધાવે, વિસ્તારો અને શેરીઓ દત્તક લે વગેરે લેખકો તેમના વાંચકો માટે સ્વચ્છતા પ્રત્યે લેખ અને કૃતિ રચી એક માહોલ ઉભા કરે સરકાર એવી નીતિ ઘડે કે જેથી અમીરો અને ગરીબ- વંચિતો વચ્ચેનો અંતર ઓછુ થાય, ઉચ્ચ પદો ઉપર સ્વચ્છ થાપના અધિકારીઓની નિમણૂંક કરે કે જેથી ભ્રષ્ટાચારનો કચરો વાળી શકાય અને ઉદ્યોગ સાહસિકોને વધુને વધુ ઇકોફ્રેન્ડલી બનાવવા પ્રયત્ન કરે. સરકાર બેવડી નીતિ ન અપનાવે એક બાજુ ગુટખા-તંબાકુને હાનિકારક અને કેન્સરનું કારણ માને છે બીજી બાજુ ઉત્પાદન કંપનીઓને ખુલ્લી છૂટ આપે છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક બધી જ વસ્તુઓને પ્રતિબંધિત કરતા કાયદા પસાર કરે. વાલીઓ તેમના બાળકોને સ્વચ્છતા અને સફાઈનું મહત્વ સમજાવે, સામાજિક કાર્યકરો શેરી મોહલ્લાને સ્વચ્છ રાખવા જાગૃતિ કેળવે …
સ્વચ્છતા એટલે શું ?
સ્વચ્છતા એટલે શરીરની સફાઈ, વસ્ત્રોની સ્વચ્છતા, મન તેમજ દૃષ્ટિની પવિત્રતા, ઘર, રસ્તા, મકાનો, શેરીઓ, સડકો, પર્યટક સ્થળો, જાહેર સ્થળો, સરકારી ઇમારતો પર્યાવરણ અને પાણી વગેરે બધુ જ સ્વચ્છ રાખવું. સફાઈ એ માત્ર આપણા આરોગ્ય માટે જ જરૂરી નથી કે માત્ર આસપાસના વાતાવરણને સુંદર અને શૌભામય બનાવવા માટે અનિવાર્ય નથી પરંતુ દરેક સર્જન અને ઉન્નતિ માટે અગત્યનું છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે ફરજીયાત છે.
ઇસ્લામ ધર્મમાં સ્વચ્છતાનું મહત્વ :
કોઈપણ આચરણનું પ્રેરકબળ ઇરાદો હોય છે અને ઇરાદો વિચારમાંથી જન્મે છે. એટલે જ્યાં સુધી વિચાર સત્ય આધારિત ન હોય ત્યાં સુધી આચરણ સારા થઇ શકે નહીં. એટલે વિચારોની શુદ્ધતા જ વ્યક્તિને સુસંકાર, સ્વચ્છ હદથી અને ગંદકીથી પાક કરવા આહવાન કરે છે. એ વિચારો શુદ્ધ અને સ્વચ્છ ન હોય તો ધર્મમાં મિશ્ર થયેલ અશુદ્ધિઓ વ્યક્તિ જોઈ શકતો નથી. સત્ય પારખવાની કસોટી ન હોય તો આધ્યાત્મ વિશ્વમાં દેખાતી ગંદકી અને અશુદ્ધિ પણ લોકોને સામાન્ય બલ્કે ઉચ્ચ નૈતિક મૂલ્ય જેવી લાગે છે. ઇશ્વરે તેને પારખવા માટે કુઆર્ન જેવી કસોટી ભેટરૃપે આપી છે. જે સત્ય-અસત્યને અલગ કરી શકે છે.
સામાન્ય રીતે દરેક ધર્મમાં સ્વચ્છતા ઉપર થોડુ ઘણું ભાર મુકવામાં આવ્યું છે. કેમકે ઇશ્વરની કલ્પના સાથે સ્વચ્છતાનું જોડાણ અતૂટ છે. મૂર્તિ (જેનેે પોતે સનાતન ધર્મીઓ અશુદ્ધિ માને છે)માં વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ પણ અસ્વચ્છ સ્થાને તેને મુકતો નથી. ન ધાર્મિક પુસ્તકોને ગંદકીની જગ્યાએ રાખવાનું પસંદ કરે છે. હું અહીં માત્ર ઇસ્લામી શિક્ષણ ઉપર પ્રકાશ પાથરીશ.
ઇસ્લામનું મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે માણસ દરેક પ્રકારની બાહ્ય અને આંતરિક ગંદકીથી પવિત્ર બને. માણસના વિચારો પવિત્ર થાય તથા શરીર અને વસ્ત્રો સાફ રહે. ઇબાદતની જગ્યા હોય કે ઘર અને રસ્તાઓ હોય બધુ જ સ્વચ્છ હોવવું જોઈએ. જીવનના બધા જ પાસામાં સફાઈની સુંદર શિખામણ ઇસ્લામે તેના અનુયાયીઓને આપી છે.
“અલ્લાહ તે લોકોને પસંદ કરે છે, જેઓ બૂરાઈથી બચે અને પવિત્રતા અપનાવે.” (સૂરઃબકરહ-૨૨૨)
“અને પોતાના રબની મહાનતાની ઘોષણા કરો. અને પોતાના કપડાં સ્વચ્છ રાખો” (સૂરઃ મુદ્દસ્સિર-૩,૪)
પયગંબર હઝરત મુહમ્મદ સલ્લ.એ ફરમાવ્યું “પાકી પવિત્રતા અડધો ઈમાન છે.” (મુસ્લિમ) અને પવિત્ર રહેવાની પ્રાર્થના પણ આપે સલ્લ. મુસ્લિમોને શીખવાડી છે. ઇસ્લામે સ્વચ્છ રહેવાની જે વ્યવસ્થા કરી છે જે બીજા ધર્મોમાં જોવા મળતી નથી. ઇસ્લામના રોજીંદા જીવનમાં નમાઝનું ખુબજ મહત્વ છે. જે દિવસમાં પાંચ વખત અદા કરવામાં આવે છે. નમાઝની બુનિયાદી શરતોમાં એક શરત છે કે માણસનું શરીર પવિત્ર હોય, કપડા સ્વચ્છ હોય અને નમાઝની જગ્યા સાફ હોય. મળ-મૂત્રથી ફારેગ થઈને પાણીથી તે સ્થાનને ધોવું જરૂરી છે. તેના વગર વ્યક્તિ શારીરિક રીતે પવિત્ર ન થઈ શકે. મોટાભાગે લોકો મુત્રત્યાગ પછી તે અંગને ધોતા નથી. નમાઝ માટે વ્યક્તિને વુઝુ કરવું જરૂરી છે. વુઝુ એટલે હાથ-પગ-અને ચહેરાને યોગ્ય ક્રમમાં વ્યવસ્થિત રીતે પાણીથી સ્વચ્છ કરવું. દરરોજ સ્નાન કરવો એ ઇચ્છનીય છે પરંતુ સહશયન પછી સ્નાન કરવું અનિવાર્ય છે. સ્ત્રીઓને માસિક અને પ્રસુતી સ્ત્રાવના દિવસો પછી સ્નાન કરવું અનિવાર્ય છે ત્યારે જ તેઓ પવિત્ર થઈ શકે છે. આપ સલ્લ.એ ફરમાવ્યું “અલ્લાહ સુંદર છે અને સુંદરતાને પસંદ કરે છે.” (મુસ્લિમ) તેમજ આપ સલ્લ.એ શારીરિક સ્વચ્છતા વિશે ફરમાવ્યું, “દસ વસ્તુઓ માનવીની પ્રકૃતિમાં દાખલ છે. એટલે કે મુંછો કાઢવી, દાઢી વધારવી, મિસ્વાક કરવું, નાકમાં પાણી લઈ તેમાં સાફ કરવું, નખ કાપવા, જોડોને ધોવવું, બગલ તથા દૂટી નીચેના વાળ અસ્તરાથી સાફ કરવા અને ઇસ્તેંજા કરવા.” (મુસ્લિમ).
માનવ શરીર પવિત્રતા અને સ્વચ્છતાનું બુનિયાદી એકમ છે જે વ્યક્તિમાં તેને પાક-સાફ રાખવાની સમજ પેદા થશે એ બીજી બધી જ વસ્તુઓની સ્વચ્છતા બાબતમાં પણ ધ્યાન આપશે. જે શરીર પ્રત્યે જ બેપરવા હશે તેના પાસેથી શું આશા રાખી શકાય કે તે રસ્તો, જગ્યા, ઘર, મોહલ્લો, અને શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા ધ્યાન આપશે. ગંદા અને અસ્વચ્છ સાધુ-સંતોને બીજા ધર્મોમાં કદાચ કોઈ ઉચ્ચ દરજોજો હોય પરંતુ ઇસ્લામમાં એવું નથી. જેને શારીરિક ગંદકીનું એહસાસ ન હોય તે શું સાફ રાખી શકે!!! અને અસ્વચ્છ રહી અલ્લાહની ઉપાસના પણ કેવી રીતે કરી શકશે.!!! “હે આદમની સંતાન ! દરેક બંદગી (ઉપાસના) વખતે પોતાની સાજ-સજ્જા (સંપૂર્ણ સારા પોશાક)થી આભૂષિત રહોે અને ખાઓ-પીઓ અને હદથી આગળ ન વધો.” (સૂરઃ આ’રાફ-૩૧)
એકવાર આપ સલ્લ.એ એક માણસના ગંદા કપડા જોયા તો આપે તેણે ધોઈ લેવા જણાવ્યું. આ જ રીતે આપ સલ્લ.એ ધાર્મિક સ્થળને, ઘર અને માર્ગને સ્વચ્છ રાખવાના આદેશ કર્યો છે. “અને એ કે અમે આ ઘર (કા’બા)ને લોકો માટે કેન્દ્ર અને શાંતિનું સ્થળ ઠેરવ્યું હતું અને લોકોને આદેશ આપ્યો હતો કે ઇબ્રાહીમ જ્યાં બંદગી માટે ઊભો રહે છે, તે સ્થળને સ્થાઇ રૃપે નમાઝની જગ્યા બનાવી લો, અને ઇબ્રાહીમ અને ઇસ્માઈલને તાકીદ કરી હતી કે મારા આ ઘરને તવાફ (પરિક્રમા) અને એતિકાફ (એકાંતમાં અલ્લાહની તપશ્ચર્યા) અને રુકૂઅ અને સિજદો કરનારાઓ માટે પવિત્ર રાખો.” (સૂરઃબકરહ-૧૨૫)
જો મસ્જિદમાં ગંદકી હોય અને કોઈ વ્યક્તિ એને દૂર કરે એને આપ સલ્લ.એ સદકાર્ય ગણાવ્યું છે. (અબુદાઊદ). અને કહ્યું “અલ્લાહ કરીમ છે તેથી મહેરબાનીને પસંદ કરે છે. સખી અને દાતા છે સખાવતને પસંદ કરે છે. તેથી તમે પણ સ્વચ્છતા અને સુંદરતાને અપનાવો. અને ઘરના આંગણા સ્વચ્છ રાખો. ગંદકીમાં યહૂદીઓની જેમ ન બનો.” (તિર્મીઝી.) “સહાબા રદી.એ પૂછયું કે લાનતવાળાઓ એ બે કામ કયા છે? આપ સલ્લ.એ જવાબ આપ્યું લોકોના રસ્તામાં અથવા છાયડાની જગ્યામાં હાજત પૂરી કરવી.” (મુસ્લિમ) “હઝરત ઉમર રદી.એ મુસા અશઅરી રદી. (ગવર્નર)ને લખ્યું કે લોકોને કુઆર્ન અને સુન્નતની તાલીમ આપો અને તાકીદ કરો કે રસ્તા સ્વચ્છ રાખે.” (દારમી)
મુસલમાનો એવા નથી:
ઇસ્લામમાં સ્વચ્છતા અને સફાઈને જે પ્રાધાન્યતા અને મહત્વ આપવામાં આવ્યું છે તેના પરથી ખ્યાલ આવે છે કે પાકી અને સફાઈ વિના કોઈ વ્યક્તિ એક મુસ્લિમની જેમ જીવન પસાર કરી શકશે નહીં. પરંતુ અમુક લોકો કહેશે કે ઇસ્લામની તાલીમ સો ટકા સાચી પરંતુ મુસલમાન એવા દેખાતા નથી. આ વાતમાં અમુક તથ્ય છે જે હું સ્વીકારૃં છું અરે, મુસલમાનો તેમના ધર્મ પર સારી રીતે આચરણ કરતા હોત તો કદાચ ‘સ્વચ્છ ભારત અભિયાન’ની જરૃર ન પડત. એમના માટે વિચારવાનું બિંદુ છે કે તેઓ ઇસ્લામ ઉપર તેમની શ્રદ્ધા પર પુનઃવિચારણા કરે અને જુવે કે ક્યાંય તેમની શ્રદ્ધામાં કમજોરી તો નથીને.!!!
અંતે:
નારાઓ અને અભિયાનોથી ભારત સ્વચ્છ થઈ શકતો નથી. તેના માટે જરૂરી છે કે લોકો પોતે પોતાની જવાબદારી સમજે અને નિખાલસતાથી અદા કરે. જબરદસ્તીથી કોઈ કાર્યો કરાવવો અઘરો છે. જ્યાં સુધી મનુષ્યના હૃદયના ઊંડાણમાંથી એ ભાવ પેદા ન થાય ત્યાં સુધી ‘એક કદમ સ્વચ્છતા કી ઓર’ ઉપાડવું પણ મુશ્કેલ છે. અને આ ભાવ ત્યારે જ શક્ય છે જ્યારે સ્વચ્છતા અને સુંદરતાને શ્રદ્ધા સાથે જોડી દેવામાં આવે. આપણે ધર્મ પ્રિય છે. આપણી શ્રદ્ધા દૃઢ અને અતૂટ છે. ઇસ્લામ સ્વચ્છતાને ઈમાનનું એક ભાગ બતાવે છે અને દરેક ઉપાસના માટે પાકી અને સફાઈ માટે અનિવાર્ય ઠેરવે છે. આપણે કોઈ પુર્વગૃહ વગર ઇસ્લામના આ શિક્ષણ ઉપર અમલ કરીશું તો આખા સમાજને બાહ્ય તેમજ આંતરિક પવિત્રતાના રંગમાં રંગી શકીશું. એજ ઇસ્લામનો પેયગામ, આહ્વાન છે.