‘લગભગ ર૮ વર્ષ પછી મેરઠના હાશિમપુરા હત્યાકાંડ મામલામાં સાક્ષી ન મળવાના કારણે તમામ આરોપીઓ છૂટી ગયા. તો શું આ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોએ પોતે જ પોતાને ગોળીઓ મારી લીધી હતી ? પ્રશ્ન એ છે કે ગત ર૮ વર્ષથી સાક્ષીઓની શોધખોળ થઈ રહી હતી કે ગુનેગારોની ? હવે ત્રીસ વર્ષ પછી શીખ રમખાણોના આરોપમાંથી જગદીશ ટાઈટલર પણ આઝાદ થઈ ગયા છે. આગળ પણ હજુ આવું જ થતું રહેશે… મુદત અને મુદતના આ ચક્રવ્યૂહમાં કોણ જાણે કેટલા સાક્ષીઓ આ સંસારમાંથી જ જતા રહે છે. જેઓ જિંદા હોય છે તેઓ પણ વિચારવા લાગે છે કે, છોડો ભાઈ, જે થવાનું હતું તે તો થઈ ગયું, હવે કોર્ટના નાહક ધક્કા ખાઈને શું ફાયદો થવાનો છે ! આ નિરાશાજનક પરિસ્થિતિ આપણી સમગ્ર ન્યાય વ્યવસ્થા માટે ઘાતક પુરવાર થશે.’ આ હિન્દી દૈનિક ‘હિન્દુસ્તાન’ના એક વાંચક યશવીર આર્યનો પત્ર છે. (ર૭ માર્ચ) આ પ્રકારના પ્રતિભાવો અંગ્રેજી અને હિન્દીના અન્ય અખબારોમાં પણ છપાયા છે. પરંતુ અફસોસ… કે હાશિમપુરાનો આ ચુકાદો મીડિયા માટે કોઈ મોટા સમાચારનો વિષય ન બની શકયો !!
દુર્ઘટના શું શું કહે છે ?
હાશિમપુરાની આ કરૂણ દુર્ઘટના સ્વતંત્ર ભારતના ઇતિહાસનો કલંકિત અધ્યાય છે. આ દુર્ઘટના જ્યાં એક તરફ સંગઠિત જાલિમો અને હત્યારાઓની નૃશંસતા જાહેર કરે છે, ત્યાં બીજી તરફ કાનૂન અને તેના રખેવાળોની નિર્દયતાની દાસ્તાન પણ સંભળાવે છે. આ રાજ્ય સરકારના દોગલાપન અને ભારતીય રાજકારણની નિર્લજ્જતા પણ છતી કરે છે. આમાં સિવિલ સોસાયટીની સૂચક નિષ્ક્રીયતા પણ છૂપાયેલી છે. સૌથી મોટી વાત એ કે ભારતની ન્યાય વ્યવસ્થાનું ખોખલાપણું અને તેનાથી સંકળાયેલા લોકોની લાપરવાહીનું વધુ એક સ્પષ્ટ પ્રમાણ પણ સામે આવી ગયું છે. રર મે, ૧૯૮૭ની વહેલી સવારે પોલીસનું એક ભયાનક સ્વરૂપ પીએસીની સશસ્ત્ર વાન મેરઠના હાશિમપુરા પર છાપો મારે છે અને પચાસથી વધુ લોકોને ઉપાડીને લઈ જાય છે. તેમાં વધુ પડતા નવયુવાનો હોય છે. પછી તેમને મુરાદનગર ગંગ નહેર પાસે લાઈનમાં ઊભા કરી દેવામાં આવે છે અને પીએસીના હિંસક વરૂ એક-એક યુવાનને ગોળી મારતા જાય છે, નદીમાં ફેંકતા જાય છે. પાંચ વ્યક્તિઓ ઘાયલ થવા છતાં કોઈ રીતે બચી જવામાં સફળ થઈ જાય છે. તે પછી આ દુર્ઘટનાની જાણ અને વિસ્તૃત માહિતી તેમના જ દ્વારા દુનિયાને મળે છે. યુપીમાં એ સમયે કોમવાદી તનાવનો માહોલ હતો જે બાબરી મસ્જિદનું તાળું ખોલી નાંખવાના કારણે ઊભો થયો હતો.
જ્યારે નિય્યત સાફ ન હોય તો-
રાજ્ય સરકાર અને તેની પોલીસના પશુઓ પોતાનું કામ કરી ચૂકયા હોય છે અને હવે શરૂ થાય છે કાયદાકીય ખટપટો અને રાજકીય સોદાબાજીઓ જે પૂરા ર૮ વર્ષ પછી દિલ્હીની તીસ હજારી કોર્ટના ચુકાદા સાથે પૂર્ણ થાય છે. ચુકાદાનો સરળ ભાષામાં અનુવાદ એ છે કે હાશિમપુરાના નિર્દોષોની હત્યા કોઈએ કરી જ નથી. એટલા માટે જ દૈનિક હિંદુસ્તાનના વાંચક યશવીર આર્ય કહી રહ્યા છે કે ર૮ મહિનાનું કામ ર૮ વર્ષમાં કરવામાં આવે તો પછી આવું જ થાય ! અને આટલો લાંબો સયમગાળો સામાન્ય રીતે ત્યારે જ થાય જ્યારે નિય્યત સારી અને સાફ ન હોય અને રાજકીય આકાઓ ગુનેગારોને બચાવવા માગતા હોય.
અમુક સંજોગોમાં આ કામ અત્યંત નિર્લજ્જતા સાથે અને ખુલ્લેઆમ કરવામાં આવે છે. ગુજરાત હત્યાકાંડ અને નકલી એન્કાઉન્ટરના ગુનેગારા હોલસેલના ભાવે છૂટી રહ્યા છે, જ્યારે કે તેના પહેલાં મુંબઈ ધડાકાઓના આરોપીઓ જેઓ સામાન્ય શંકાના આધારે પકડવામાં આવ્યા હતા, તેમને જથ્થાબંધ ભાવે સજાઓ સંભળાવવામાં આવે છે- હાશિમપુરા એ પણ સૂચવે છે કે જ્યાં સુબ્રમણ્યમ સ્વામી જેવા રાજકારણીઓ હશે ત્યાં આ જ થશે ! આ ડો.સ્વામી હાશિમપુરાના મજલૂમો માટે અત્યંત ક્રિયાશીલ હિમાયત કરનાર અને વકીલ હતા. તેઓ ન્યાય અપાવવા માટે લાંબા સમય સુધી ‘સરગર્મ’ રહ્યા. આ દુર્ઘટના તેમના જ દ્વારા જગતભરમાં વિખ્યાત થઈ હતી પરંતુ હવે અદાલતનો ચુકાદો આવી ગયા પછી આ મહાશય તદ્દન ચૂપ છે… થઈ ગયા છે… કેમ ? (દા’વતઃ મુ.અ.શે.)