પ્રકાશનો પર્વ, વિજયનો ઉત્સવ, સ્નેહનો દિવસ દિવાળી આપણા ભારતવર્ષમાં ખૂબ જ ધામ-ધૂમથી લોકોએ એક બીજાને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા. અમુક દિવસો પહેલા એક મંત્ર મારી નજરથી ગુજર્યો હતો – ‘તમસોમાં જ્યોતિર્ગમ્ય’. જેનો ભાવાર્થ એવો થાય છે હે પ્રભુ તુ અમને અંધકારથી પ્રકાશ તરફ લઇ જા. મુસલમાનોને ‘ઇહદિનસ્સિરાતલ મુસ્તકીમ’ (અમને સીધો માર્ગ બતાઓ – સૂરઃ ફાતેહાઃ૫) દુઆ શીખવવામાં આવી હતી જેના જવાબરૃપે અલ્લાહે કુઆર્ન અવતરિત કર્યું. જેના વિશે ફરમાવ્યું, “આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઇ શંકા નથી, માર્ગદર્શન છે તે સંયમી લોકો માટે” (સૂરઃબકરહ-૨).
મે વિચાર્યું મારા મિત્રોને રિવાજી શબ્દો કહેવા કરતા દિલથી આ પ્રાર્થના મોકલું તો કેવું ! કેમકે તેમાં જીવનનું સત્વ અને સત્યનો તત્વ છુપાયેલો છે. જોકે મારે તેમને મળીને આ વાત કહેવી જોઇતી હતી પરંતુ બીજા કામોની વ્યસ્તતા અને મુસાફરીના કારણે પ્રબળ ઇચ્છા હોવા છતાં સમય કાઢી ન શક્યો. તેથી ટેકનોલોજીનો લાભ લઇ બધાને મોબાઇલથી મેસેજ કર્યો. આધુનિક યુગે વ્યક્તિને એેટલો તો વ્યસ્ત કરી દીધો છે કે પોતાના પ્રિયજનો માટે પણ સમય કાઢી શકતો નથી. આમતો વિચારો થકી જ વિજ્ઞાન પ્રગતિ પામ્યો છે પરંતુ આધુનિકયુગમાં વિચાર કરવાની શક્તિ જ નાબૂદ થઇ ગઇ છે. કઇ વસ્તુને પ્રાધાન્ય આપવું કઇ વસ્તુને વિકલ્પ તરીકે રાખવો. આ ક્રમની ગોઠવણીમાં માણસ થાપ ખાઇ ગયો છે. જન્મ પહેલા તે ક્યાં હતો મૃત્યુ પછી ક્યાં જશે ? વગેરે એવા ઘણા પ્રશ્નો છે જેના ઉપર ગંભીરતાથી વિચારવાનો સમય એની પાસે નથી, જ્યાં વ્યક્તિ પોતાને માટે સમય ન આપી શકતો હોય તો પછી તેના સગા વ્હાલા અને મિત્રો માટે સમય કઇ રીતે ફાળવશે.
મને ઘણી વખત એવું લાગે છે કે આજનો માનવ વિજ્ઞાનના અંધકારયુગમાં શ્વાસ લઇ રહ્યો છે અને વૈભવના પીડાકારી વાહનમાં યાત્રા કરી રહ્યો છે. આ ગફલત, આ બેદરકારી ક્યાં જઇને અટકશે મને સમજાતું નથી. ક્યાંક એવું ન થાય કે જ્યારે આપણે જાગીશું ત્યારે બહુ મોડું થઇ ગયું હોય. આ જ કારણે મને વિચાર આવ્યો કે કંઇક એવું લખું જે વાંચક મિત્રોને મનોમંથન કરવા મદદ કરે. આપણે ઘરની ગંદકી સાફ કરવા માટે કે દાંત સાફ કરવા માટે જેટલો સમય આપીએ છીએ શું આટલો સમય આપણા મન માનસમાં રહેલો અંધકાર (અસત્ય)ના દૂષણોને સ્વચ્છ કરવા માટે નહી આપીએ !!! મારો આ લેખ વાંચવાની જહેમત તમને ક્ષણિક વિચારવા માટે વિવશ કરે તો હું મારી મહેનતને સાર્થક સમજીશ.
આજે માણસ પોતાના વ્હાલાસોયા કુટુંબીજનો માટે અર્થોપાર્જન કરવામાંય એટલો ગળાડૂબ છે કે તે જીવનના અગત્યના પ્રશ્નો જ ઉકેલવાનો ભૂલી ગયો છે. ઓચિંતા કોઇ સત્સંગ કે ધાર્મિક કાર્યક્રમમાં શામેલ થઇએ તો આ બાબતે ક્ષણિક વિચાર આવે છે ખરો, પરંતુ તેને ગંભીરતાથી નથી લેતા. કોઇ મોટા પર્વ નિમિત્તે વર્ષમાં એકાદવાર જેમ આપણે ઝાંખી પડેલી બારીઓ અને ગંદા થઇ ગયેલા વાસણોને સાફ કરીને ચમકાવીએ છીએ ત્યારે તેઓ કેટલા સુંદર અને શોભનીય લાગે છે. આજ રીતે હૃદયના ધબકારા પાછળ છુપાયેલા અંધકારને દૂર કરીશ તો સત્યના પ્રકાશથી હૃદય દેદિપ્યમાન થઇ જશે.
બહુદેવવાદના ફટાકડા ફોડી બીજાને દઝાડવા કરતા એટલે મૂર્તિ પુજાના ‘તાર્કિક’ દાખલાઓ આપી ભોળા લોકોને મુર્ખ બનાવવાની ક્રિયા બંધ કરી અને આપણમાં રહેલા દંભ, કુવિચારો, જુલ્મ અને અન્યાયના અંધારા ઉલેચી સત્ય, પ્રેમ, સમાનતા, ન્યાય અને નિખાલસતાના કોડિયુ પ્રગટાવીશું તો સમાજને દિવ્ય પ્રકાશની અનુભૂતિ થશે અને એક ઇશ્વરની જ્યોતથી જ્યોત જલાવીશું તો સાચા અર્થમાં પ્રાર્થના સાર્થક થશે. ચાલો, એકવાર ફરી મનના અંતરથી પ્રાર્થના કરીએ “તમસોમાં જ્યોતિર્ગમ્ય”.
ચિંતા અને મનોમંથન કરવાનો હક માત્ર મોટા ચિંતકો કે વિદ્વાનોનો નથી. એ દરેક વ્યક્તિનો સમાન અધિકાર છે અને ઇશ્વરે કોમનમેનને પણ વિચારવાની શક્તિ અને સામર્થ્ય પ્રદાન કર્યું છે. આ જ વિશેષતા મનુષ્યને પશુથી જુદો પાડે છે જો આપણે પોતાની બુદ્ધિનો ઉપયોગ બંધ કરી દઇશું તો પશુસમાન બની જઇશંુ અને પોતાના વડીલો, ગુરૃઓ કે સમાજ અથવા જ્ઞાતિનું આંધળુ અનુકરણ કરીશું તો ઘેંટા સમાન બની જઇશું.
રંગોળી ઉજવવાનો મર્મ કદાચ આ હશે કે માનવીય જીવનમાં રંગની સમતુલા જળવાઇ રહે. રંગોળી જહેમત અને મહેનતથી બને છે કોઇ વ્યક્તિ આ રંગોળીને વિખેરી નાંખે તો કેટલું દુઃખ થાય છે !! માનવીય જીવનની રંગોળીને પણ ઇશ્વરીય ગુણોના રંગથી ભરવી જોઇએ. માનવીય હદ સુધી ઇશ્વરીય ગુણોનું સીંચન કોઇ સરળ કામ નથી. તે જ શુરવીરો આ ગુણોના રંગોની રંગોળી બનાવી શકે છે જેમના હૃદય માનવીય જીવનની વાસ્તવિક્તાથી દેદિપ્યમાન થઇ ગયા છે. સૃષ્ટિનો સર્જક કોણ ? ઇશ્વર કેટલા છે ? ઇશ્વરના ગુણો ક્યા છે ? તેનો સ્વરૃપ કેવા છે? તેનું માર્ગદર્શન શું છે ? વગેરે જીવનના મૂળ પ્રશ્નો છે જેના જવાબ મેળવવાથી શ્રદ્ધાનું જે ચિત્ર ઉપસે છે તેમાં રંગ ભરવાથી જ આદર્શ સમાજના નયનરમ્ય દૃશ્યનું નિર્માણ થાય છે. જેમાં લોકો એટલા સોહામણા લાગે છે કે જાણે બગીચામાં સુગંધ રેલાવતા પુષ્પો.
આજે દુનિયામાં કયાંક દીપ જલે છે અને ક્યાંક દિલ જલી રહ્યા છે. જ્યાં ગ્રહ, પુર્વગ્રહ, ઇર્ષ્યા, ઘૃણા, ક્રોધ, પક્ષપાત અને કુરિવાજોથી દિલ સળગી રહ્યા હોય તે દિલોમાં પ્રેમ, ભાઇચારા, વિનમ્રતા, સહિષ્ણુંતા અને સુવિચારોના દીપ જલાવવાની જરૃર છે. મન માનસમાં ચોટી ગયેલી નકારાત્મકતાથી બાહર આવી, તનમનમાં સદ્વિચાર અને નૈતિક શક્તિનો સંચાર કરો. આ નૈતિક શક્તિ વિવિધ દૂષણોથી ગંધાતા અને મહામારીમાં જકડાયેલ વ્યક્તિને અમરત્વ પ્રદાન કરશે. આવા જ લોકો સાચા અર્થમાં ઉમંગ, ઉલ્લાસ અને શુભેચ્છાની અરસપરસ વ્હેંચણી કરી શકે છે.
આપણે હાલ ગર્ભસ્થ નથી પરંતુ સ્થિતિ તેના જેવી જ છે. ગર્ભમાં ઘોર અંધકાર હોય છે એવું આપણે માનીએ છીએ. આપણે જોયો નથી પરંતુ આ હકીકત છે. ગર્ભસ્થ શિશુને એવું લાગતુ નથી કે તેના ચોતરફ અંધકાર વ્યાપેલો છે. આ તેનું અજ્ઞાન નથી બલ્કે શૂન્ય જ્ઞાન છે. કેમકે હજી સુધી તેને પ્રકાશના દર્શન જ થયા નથી. તો પછી અંધકારની ઓળખ કેમ થાય ! તેથી જ ગર્ભસ્થ શિશુને તેની ચારેય બાજુ વિંટંળાયેલો અંધકાર પણ સુઃખદ લાગે છે અને પોતાની નાભિ સાથે જોડાયેલ નાળ દ્વારા જરૂરી ખોરાક, હવા અને પાણી મેળવતો રહે છે. પછી ચિંતા શેની !!! પરંતુ જન્મતાની સાથે જ એ પોતાની જાતને એક નવી દુનિયામાં પામે છે. પરિસ્થિતિ બદલાઇ જાય છે. આપણે પણ ગર્ભસ્થ શિશુની જેમ કે કુવાના દેડકાની મર્યાદિત સીમામાં જીવન ગુજારી રહ્યા છીએ. વિવેક અને બુદ્ધિને સ્વતંત્રતા આપો, દૃષ્ટિને દીર્ધ રાખો, જાત-પાત, ધર્મ-સંપ્રદાયની વાડાબંધીથી ઉપર જઇ તટસ્થ મન માનસે વિચાર કરશો. વિવિધ ધર્મો અને વિચારધારાઓનું ઉંડું અધ્યયન કરશો તો સત્યની દુનિયામાં પહોંચી શકો છો. જ્યાં સુધી જે તે માન્યતામાં પડ્યા રહેશો તે અંધકાર છતાં ગર્ભસ્થ શિશુની જેમ તેમાંય “સુઃખદ” અનુભુતિ કરશો. અને જ્યારે મૃત્યુના ફરિશ્તાઓ સામે આવીને ઉભા થશે ત્યારે સમજાશે કે સત્ય શું હતું ? જો જો વાર ન થઇ જાય …
અમેરિકા દ્વારા ઇરાકમાં હિંસાનું તાંડવ નૃત્ય હોય કે અફઘાનમાં નિર્દોષોની કત્લેઆમ, સીરિયા અને ઇજિપ્ત પ્રત્યે આરબની બેવડી નીતિ હોય કે તેલ પર કબ્જા કરવા માટે મૂડીવાદીઓની આરબ દેશો સંબંધિત કૂટનીતિ, તમિલ ટાઇગર્સની અલગતાવાદ ચળવળ હોય કે આસામમાં બોડોની હિંસા, બર્મામાં બૌદ્ધોનો આતંક હોય કે બાંગ્લાદેશમાં ઇસ્લામપસંદોને કચડવાનું ષડયંત્ર, પાકિસ્તાનમાં ડ્રોન હુમલાઓ હોય કે ભારતમાં ‘હિંદુત્વ’વાદી વિચારધારકોની વિસ્ફોટોમાં સંડોવણી. બધે જુલ્મ કરનારા જુદા છે, હિંસા આચનાર જુદા છે. ષડયંત્ર અને ખોટા પ્રોપેગન્ડા કરનારા જુદા છે. આતંક કરનારા જુદા છે, આતંક કરાવનારા જુદા છે. રમખાણોનું આયોજન કરનારા જુદા છે અને રમખાણો કરનારા જુદા છે. પરંતુ જે વસ્તુઓ બધે સમાન જોવા મળે છે તે છે ‘સ્વાર્થ’. આ જ સ્વાર્થવૃત્તિ સામુહિક રીતે રાવણની જેમ જુદા જુદા સ્વરૃપ ધારણ કરેલી જોવા મળે છે. ક્યાંક રાષ્ટ્રવાદ અને કોમવાદના સ્વરૃપમાં તો ક્યાંય વર્ણવ્યવસ્થા અને પ્રાંતવાદના સ્વરૃપમાં, ક્યાંક રંગભેદ અને ઊંચનીચના સ્વરૃપમાં તો ક્યાંક મૂડીવાદ અને તાનાશાહી વગેરેના રૃપમાં. આ બધી સ્વાર્થ વૃત્તિઓ પેદા થાય છે શ્રદ્ધાના ઝાંખા પડવાની કે અભાવથી, જીવનના મૂળ હેતુથી અજ્ઞાનતાથી. આપણું જીવન ક્ષણિક છેે, ક્ષુલ્લક છે. જીવનમાં કશું જ કાયમી નથી. જે આજે છે તે આવતી કાલે નહી હોય. ધનાઢયપણું હોય કે દીનતા બધુ વિનાશી છે. સગા વ્હાલા હોય કે સમાજ કશું જ શાશ્વત નથી, જીવન હોય કે જીવન સંબંધિત વસ્તુઓ, દુઃખદ પરિસ્થિતિ હોય કે સુઃખદ ક્ષણો બધી વસ્તુઓનો અંત છે. જો વ્યક્તિ સચેત ન હોય તો બધી વસ્તુઓ દિશાહીન કરી શકે છે, બેદરકાર અને વિચારહીન બનાવી શકે છેે. તેથી સજાગ રહો, સાવધ રહો અને આત્મમંથન કરતા રહો કે આપણે અહી કેમ આવ્યા છીએ. ધંધા રોજગાર માટે ? વંશવૃદ્ધિ વાસ્તે? એશ આરામ કરવા કાજે ? ડિગ્રી અને પદો મેળવવા માટે? ધન દોલત રાખવા અને ઇમારતો બાંધવા માટે ? જો આપણે જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય પામી ગયા તો અંધકારની સાંકળી ઘાટીઓમાંથી નિકળી પ્રકાશના એક્સપ્રેસ હાઇવે પર જવાનો માર્ગ મોકળો થઇ જશે.
અંધકાર (અસત્ય) શ્રદ્ધા પહેલા શંકા અથવા અસ્વીકારના રૃપમાં હોય છે અનેે શ્રદ્ધા પછી દંભ અને બગાડના સ્વરૃપમાં હોય. ક્યારેક કહેણી કરણીના વિરોધાભાસના રૃપમાં તો ક્યારેક અંધશ્રદ્ધાના રૃપમાં, ક્યાંક વ્યક્તિપુજા કે મૂર્તિ પુજાના રૃપમાં તો ક્યાંક નૈતિક દુષણોના રૃપમાં ક્યારેક મનેચ્છાના રૃપમાં તો ક્યારેક સામાજિક બંધનોના રૃપમાં, ક્યાંક નિખાલસતાના અભાવના રૃપમાં ક્યાંય આડંબર સ્વરૃપે વગેરે. અંધકારના વિવિધ સ્વરૃપોની ઓળખ પ્રાપ્ત કરો કેમ કે માત્ર ‘તમસોમા જ્યોતીર્ગમ્ય’ કહેવાથી કે “ઇહદિનસ્સિરાતલ મુસ્તકીમ” જેવી પ્રાર્થના માત્રથી પ્રકાશ (સત્ય) મળશે નહીં. એ પ્રાર્થના જીવ વગરના શરીર જેવી હોય છે જેના માટે વ્યક્તિ પ્રયત્ન કરતી નથી. તેથી વાંચો, અધ્યયન કરો, શીખતા રહો અને પ્રશ્નો પુછતા રહો. કોઇનું આંધળું અનુકરણ ન કરો. વસ્તુ બીજાની આંખોથી ન જુઓ. પોતાની આંખોથી જુઓ અને આંતરદૃષ્ટિથી વાતની સત્યતા તપાસો. જીવનને પ્રકાશિત કરવાનો આ જ કીમિયો છે. મારૃં માનવું છે અને દૃઢ વિશ્વાસ છે કે ‘ઇસ્લામ’ જ સત્ય અને મૂળ ધર્મ છે. પ્રેમ, સદ્ભાવના અને ભાઇચારાનો ધર્મ છે.
“હકીકત એ છે કે આ કુઆર્ન તે માર્ગ દેખાડે છે જે તદ્દન સીધો છે. જે લોકો આને માનીને સારા કાર્યો કરવા લાગે તેમને એ ખુશખબર આપે છે કે તેમના માટે મોટો બદલો છે.” (સૂરઃબની-ઇસરાઈલ–૯).
હવે મારો દાવો સાચો છે કે ખોટો એ પણ તપાસવા માટે મહેનત તો કરવી પડશે. માત્ર તમાશાબીન બની રહેવાથી પ્રાર્થના સાર્થક થશે નહીં. ‘આ તો આપણી કૌટુંબિક રીત છે’, ‘માતા-પિતા રિસાઇ જશે’, ‘કુટુંમ્બ કબીલાવાળા શું કહેશે’, ‘ફલાણું સંગઠન આ ન ચલાવી શકે’, ‘ગેર-કાયદાકીય પગલુ છે’, ‘છોડો ખોટી માથાકૂટ’, ‘પેલા શું કહેશે’ વગેરે જેવા કંટકોથી માર્ગને પવિત્ર કરજો કેમકે તમે સત્યશોધક છો. સત્યવાદી છો. સત્યપ્રિય છો. આ માર્ગમાં કોઇ પીડા, અત્યાચાર અને કષ્ટ વેઠવા પડે તો તેને સત્યની પરિક્રમા સમજી સહન કરજો. ૧૪૦૦ વર્ષ પહેલા મક્કાની તપતી ધૂપમાં બિલાલ (રદિ.) પર થયેલ જુલ્મને યાદ કરજો, સત્ય માટે સુમૈયા (રદિ.)ની શહીદી યાદ કરજો. જીવનના બદલામાં સત્યનો અમૂલ્ય રતન પ્રાપ્ત થતો હોય તો એ પણ સસ્તો સોદો છે અને છેલ્લે આપણા બધાનો પાલનહારના ઉપદેશથી પોતાની વાત પૂરી કરૃં છું.
“જે લોકો ઇમાન લાવે છે, તેમનો સમર્થક અને સહાયક અલ્લાહ છે અને તે તેમને અંધકારમાંથી પ્રકાશમાં કાઢી લાવે છે અને જે લોકો ઇન્કારનો માર્ગ અપનાવે છે, તેમના સમર્થકો અને સહાયકો તાગૂત છે અને તેઓ તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ ખેંચી લઇ જાય છે. આ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશા રહેશે.” (સૂરઃબકરહ–૨૫૭)