આજકાલ સમાચાર પત્રો જોતા લાગે છે કે રોજ રોજ નવા નવા વિરોધવંટોળ, પ્રદર્શનો, રેલીઓ, ધરણાઓ, સભાઓમાં વાણી-વિલાસ, આક્ષેપો – પ્રતિઆક્ષેપો, વચનોની લ્હાણીની મોસમ પૂરબહારમાં સોળેકલાએ ખીલી ઉઠી હોય તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. જેમાં કેન્દ્રબિંદુની રીતે તે સ્થાન પર પ્રજાનો એક મોટો વર્ગ સમો યુવા વર્ગ અપેક્ષીત છે. આજે કોઇ પણ પક્ષ હોય કે સંસ્થા, જેઓ પોતાના મુખ્ય હાથા એટલે કે એક્ટીંગ ફોર્સ રૃપે યુવાઓને જ ટાર્ગેટ કરે છે. અને મારૃ માનવું છે ત્યાં સુધી કરવા પણ જોઇએ. તેનું કારણ છે કે આપણે જોઇએ છીએ તેમ યુવાનોમાં જ્યારે ધગસ, હોસલો, વલવલો હોય, મક્કમ નિર્ધાર હોય અને યોગ્ય માર્ગદર્શન તેમજ દિશા નિર્દેશની સાથે જ્યારે સૌ સંગઠિત થઇને લડે એટલે કે ઉભા થાય તો ભલભલા ચમરબંધી અન્યાયી અને જુલ્મી શાસનના મૂળીયા કાઢીને સમાજમાં પરિવર્તનની લહેર આણી શકે છે. ઇતિહાસના પાના ભરેલા છે. આવા વિરોધના વંટોળ ઉભા કરીને બળવો કરીને મોટા મોટા જુલ્મી શાસકોની ધૂરાને ઉખેડી ફેંકી છે.
હાલમાં જ આપણા દેશમાં ઘણી જગ્યાઓ પર એ કોઇ સ્તરે સમાજ કે જ્ઞાતી હોય કે ગ્રામ્ય કક્ષાએ હોય કે પછી એક વસ્તી પૂરતા હોય પરંતુ જ્યાં પણ અન્યાય અને જુલ્મ રૃપી માત્ર ખુરશીની શોભા વધારતા હોય તેવા શાસકોને આ જ યુવાવર્ગ બહુ સારી રીતે ધૂળ ચાટતા કર્યા હોય તેવા તાદૃશ્ય નમૂના આપણી સમક્ષ મોજુદ છે. આથી જ આપણા જેવા સર્વે યુવાઓ એ ઉભા થઇને જુલ્મી તેમજ ફાસીવાદી તાકાતો સામે બળવો કરીને સમાજના હામી થવાની આજની તાતી જરૃર છે. આજે યા તો ઇતિહાસમાં આપણે જ્યારે ઝાંખી કરીએ છીએ તો આપણને આ માલૂમ પડે છે કે યુવાવર્ગ જ સમાજનો એક એવો ઘરેણો છે કે જે સમાજના વડીલોની દિશા નિર્દેશને આધીન સમાજને ખેંચી લઇ જઇ અને તેમાં યોગ્ય અને સાનૂકૂળ પરિસ્થિતીનું નિર્માણ કરે છે. આજે યુવા બ્રિગેડ જ કેન્દ્ર સ્થાને રહેલી જણાય છે. આથી જ કોઇ પક્ષ કે સંસ્થા તેમની વિચારસરણીને પાર પાડવા માટે ટાર્ગેટ પણ યુવાઓને જ કરે છે અને તેેના માટે પણ યુવાઓનો જ ઉપયોગ થાય છે. હાલમાં દેશ કે પ્રદેશમાં ચાલતી પરિસ્થિતીનો કયાસ કાઢીએ તો આપણને જોવા મળે છે કે યુવાઓ દ્વારા જ યુવાઓને ઉદ્દેશીને પોતાના મુદ્દાઓ સમાજમાં લાવવામાં આવે છે. આજે આ યુવાવર્ગનો વંટોળ જે તરફ ફંટાય છે. તે બાજુ જ વાતાવરણને ઉભુ થતા વાર લાગતી નથી.
આજની પરિસ્થિતીને જોતા ઘણા પક્ષો પોતાના લક્ષને – ધ્યેયને સાધવા માટે શોર્ટકટ અપનાવવાના ભાગરૃપે (ભુતકાળની માફક) સમાજના આવા ઉપયોગી પ્રભાગનો સામાન્ય તેમજ ક્ષુલ્લક બાબતોને લઇને પરસ્પર વર્ગ વિગ્રહ તેમજ સંઘર્ષ કરાવતા પણ જરાય ખચકાટ અનુભવતા નથી. સમાજમાં સરાજાહેર પોતાના જુઠ્ઠાણાઓે પોતાની આગવી શૈલીમાં બિન સંસ્કારી રીતે આપણી ભારતીય સંસ્કૃતિને ન છાજે, તેવો વાણી વિલાસ અને વચનોની હાસ્યાસ્પદ લ્હાણી દ્વારા હાજર સભાજનોમાં તાળીઓના ગળ ગળાટ ઉભો કરીને પરસ્પર પોતાના કદને “તુજ સે ઉંચા લંબા મેરા કદ”નો વટ બતાવીને આ યુવા વર્ગને અંજાવી પોતાની નૈયા પાર પાડવાની વેતરણીમાં લાગેલા હોય છે. આ પછી આવા લોકો આ સમાજની અસલ મુડી માટે થોડા અંશે પણ કદરદાન હોતા નથી. આ જ તો એનું કારણ છે કે સમાજનો મોટો વર્ગ બેરોજગારીમાં, વ્યાજુફંદાઓમાં તેમજ મોંઘી શિક્ષણ પ્રણાલીની આ વ્યવસ્થામાં ખૂંપાતો જાય છે. અને તેથી જ સમાજમાં ઘરેલુુ હિંસાઓ તેમજ આત્મઘાતી પગલાઓ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
આથી જ મારા સર્વે વ્હાલા યુવાવર્ગને વિનંતી સહ અપીલ છે કે આપણે સર્વેએ આજની પરિસ્થિતિને જોઇ સમજી વિચારી ઇતિહાસને નજર સમક્ષ રાખી કોઇ પક્ષના કે આવા સમયે તત્કાલ ઉભી થતી કોઇ સંસ્થાના હાથા કે કઠપુતળી ન બનતાં આપણે યુવાઓએ પોતાની આગવી સમજ બુઝથી સમાજોપયોગી અને રાષ્ટ્રોપયોગી એવા યોગ્ય અને સમાજના નવનિર્માણ માટે આગળ આવી અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને એક ખાસ અહેસાસ અને લાગણી સાથે અંજામ આપીએ.
આપણે સૌ આજે એ દૃઢ નિર્ધાર કરીએ કે, આવી કપરી પરિસ્થિતિમાં આપણે કોઇનો હાથો ન બનતા અને કોઇની હલકી ભાષાને તાબે ન થઇ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પ્રત્યે સજાગ રહીને તેમજ કાલે મૃત્યુ પછીના જીવનમાં આપણા સૌના સર્જનહાર પાલનહાર માલિકની સામે ઉભા થઇને બદલાના દિવસે પૂછવામાં આવનાર યુવાની ઉપરના એક ખાસ સવાલના જવાબ દેવાનો અહેસાસ ઉભો કરીને સમાજ અને આપણા રાષ્ટ્રના નવનિર્માણ માટે આપણને પ્રાપ્ત થયેલી આ તકનો યોગ્ય અને સદ્ઉપયોગ કરી તેમજ કરાવીને સમાજ પ્રત્યેનું આપણું ઋણ અદા કરીએ.