“અલ્લાહ અદ્લ (ન્યાય) અને એહસાન (ઉપકાર અને ભલાઈ) કરવા અને સગાઓ સાથે સદ્વર્તાવનો હુકમ આપે છે અને બૂરાઈ અને અશ્લીલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો.” (સૂરઃનહ્લ-૯૦ )
શૈક્ષણિક સંકુલો (Educational Campuses) વિદ્યાર્થીઓના કેળવણીના ધામ છે. શૈક્ષણિક જીવનકાળ દરમિયાન વિદ્યાર્થીનો વ્યક્તિત્વ વિકાસ થાય છે અને આ સમયગાળામાં જ બૌદ્ધિક અને શારીરિક વૃદ્ધિ પણ થાય છે. આજના વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના ઘડવૈયા છે. પરંતુ શૈક્ષણિક સંકુલોમાં જોવા મળતો અનૈતિક માહોલ અને વિદ્યાર્થીઓમાં વધતા જતા ગુનાના બનાવો ચિંતાના વિષય છે. જો હાલની પરિસ્થિતિ ઠેરની ઠેર રહી તો સમાજ અને દેશને સારા નેતાઓ નહીં મળે, સારા વિજ્ઞાનિકો નહીં મળે, વિકાસશીલ નીતિનું ઘડતર કરે તેવા વહીવટી અમલદારો નહીં મળે, દેશની રક્ષા કરી શકે તેવા જવાનો નહીં મળે, અને દેશને આર્થિક સમૃદ્ધિ આપે તેવા બિઝનેસ-મેન નહીં મળે. આ પરિસ્થિતિને બદલવા માટે વિદ્યાર્થીનું ધીરગંભીર થવું અને નૈતિકતાના શિખર પર પહોંચવું અત્યંત જરૂરી છે.
અશ્લીલતા, અનૈતિકતા અને બિભત્સતા
વિદ્યાર્થીઓમાં અશ્લીલતા ખૂબ જોવા મળી રહી છે. તેમના મોબાઈલ ફોનમાં બિભત્સ ફોટાઓ અને બ્લ્યુ ફિલ્મની વીડિયો અને ક્લિપિંગ અચૂક હોય છે, મન-મસ્તિષ્કને દુષિત કરવા માટે આ વસ્તુઓ પૂરતી છે. વિદ્યાર્થી આવા ફોટાઓ અને વીડિયોને ખૂબજ બેશરમીથી જુએ છે અને તેના વિશે ચર્ચા કરે છે. કોલેજકાળની યુવાનીના દિવસોને મોજમસ્તીના દિવસો સમજી તેને મન ભરીને માણી લેવાનો ક્રેઝ, તેમના માટે કેટલો નુકસાનકારક છે તેનો ખ્યાલ સુદ્ધા તેમને નથી હોતો. પળવારનો સંતોષ કાયમી દુઃખમાં પરિણમે છે, હૃદયમાં કંઈ ખોટું કર્યું છે તેઓ એહસાસ થયા કરે છે. આ બિભત્સ ફોટાઓ અને બ્લ્યુ વીડિયોનો તગડો વેપાર છે જે આખા વિશ્વમાં ફેલાયેલ છે. આપણા દેશમાં આ વેપાર ખૂબજ ફળ્યુ છે, તે પણ આપણા મુર્ખ અને અજ્ઞાન વિદ્યાર્થીઓના કારણે…
વિદ્યાર્થીઓનો પાર્કિંગમાં, બસ સ્ટેન્ડ પર કે કેન્ટીનમાં જમાવડો હોય ત્યાં તેમના દ્વારા ઉપયોગ લેવામાં આવતી ભાષા બિલકુલ ઉતરતી કક્ષાની હોય છે. વાતવાતમાં ગાળ અને છિછરા શબ્દો અચુક હોય છે. સમાજમાં આવી સ્થિતિ અસભ્યતાના પ્રતીક સમાન છે. વિદ્યાર્થીઓમાં ગંભીરતા એ સ્વપ્ન સમાન બની ગઈ છે. સ્વસ્થ્ય શૈક્ષણિક સંકુલ માટે જરૂરી છે કે વિદ્યાર્થીઓમાં એક બીજા માટે માન-સન્માન હોય, સારા શબ્દોનો ઉપયોગ હોય કે જેથી વાતચીતમાં બધાને પરસ્પર પ્રેમ અને આદરભાવનો એહસાસ થાય.
વ્યસન અને નશો
વધતા જતા તમાકુ અને વ્યસન મુક્તિના કાર્યક્રમ પણ નકામા સાબિત થઈ રહ્યા છે. તમાકુની પડીકીથી લઈ દારૃ અને ડ્રગ્સનું સેવન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ વધી ગઈ છે. દેખીતી રીતે અભણ અને વ્યસનના નુકસાનથી નાવાકેફ લોકો તમાકુ, બીડી, સીગારેટ કે અન્ય માદક પદાર્થોનું સેવન કરે તો એટલી નવાઈ નથી લાગતી. પરંતુ શાળા કોલેજમાં અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી વ્યસનના શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન કઈ રીતે છુપા રહી શકે!!! વ્યસનથી કેન્સર થાય છે તે બાબત જગજાહેર છે. છતાં વિદ્યાર્થીઓ વ્યસન કરે તે બાબત ખૂબજ ચિંતાજનક છે.
વિદ્યાર્થિનીઓની છેડછાડ અને માનસિક અત્યાચાર
યુવાનોમાં વિજાતીય આકર્ષણ થાય તે સ્વભાવિક છે પણ આ આકર્ષણ પ્રેમ નહીં, જાતીય આવેગ માત્ર છે. જેના પણ નિયંત્રણ મેળવવાની જરૃર છે નહીં કે મનેચ્છા પર નિયંત્રીત થવાની. મન પર આપણો કાબૂ હોવો જોઈએ, મનને આપણે ઇચ્છીએ તે મુજબ વર્તવાની ફરજ પાડવી જોઈએ. પરંતુ પરિસ્થિતિ વિપરીત છે. અહીં વિદ્યાર્થીઓ મનના ગુલામ જોવા મળે છે. ખોટા વિચારો આવે કે તરત તેમાં રાચવા લાગે છે. આગળ વધી આ વિજાતીય આકર્ષણ પર કાબૂ ન થવાથી તે છેડતીના સ્વરૃપમાં બહાર આવે છે અને વ્યભિચાર સુધી પહોંચે છે. વિદ્યાર્થિનીઓની પાછળ ગીત ગાઈને તેને ઇશારો કરીને તેને મદદ કરીને તેને પામવાની કોશિશ કરવામાં આવે છે. જ્યારે યોગ્ય ‘પ્રતિભાવ’ નથી મળતો ત્યારે તેને પામવા માટે અધીરો બની જાય છે, ધાકધમકીથી કે બ્લેકમેલીંગથી લઈને તમામ પ્રકારના રસ્તાઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થિનીઓના જીવનને નર્ક બનાવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થિનીઓ મોહજાળમાં આવી પ્રેમ નામના હવસ કુંડાળમાં ફસાઈ જાય છે અને પોતાના સર્વસ્વ લુટાવી દે છે. આવા કિસ્સાઓથી આપ વાકેફ હશો. રોજબરોજના છાપામાં જોવામાં આવતી બળાત્કારની ઘટનાઓ આવી પરિસ્થિતિને કારણે જ જન્મે છે. તેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ વિજાતીય મિત્રતાથી યોગ્ય અંતર રાખવું જોઈએ કે જેથી પાછળથી પસ્તાવો ન થાય.
શિક્ષકોના આદર અને સન્માન
વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો અને શિક્ષિકાઓને ઉપનામ આપવા માટે જાણીતા છે. દરરોજ મિત્ર વર્તુળમાં તેમની ઠેકડી ન ઉડાવવામાં આવે તે અશક્ય છે. બહાર તો દૂરની વાત છે ક્લાસની અંદર પણ શિક્ષકો પ્રત્યે આદરભાવ દંભ જેવો હોય છે. એ શિક્ષકો અને શિક્ષિકાઓ જેમણે તેમને ભણતા-ગણતા શિખવાડ્યું, જેમણે તેમને જ્ઞાન પિરસ્યું, જેમની સાથે દરરોજ ઓછામાં ઓછા પાંચ કલાક ગાળ્યા, તેમને આપણે આદર અને સન્માન નથી આપતા!!! આ કેવા સંસ્કાર છે!!! માતા-પિતા પછી જે સૌથી આદર સન્માન મેળવવા હકદાર હોય તે આપણા શિક્ષકગણો છે. તમે ક્યારેય વિચાર્યું કે તમારા અનાદરથી તેમને કેટલું દુઃખ પહોંચતું હશે, તેમને કેવો એહસાસ થતો હશે અને તમારૃં વ્યક્તિત્વ તેમની નજરમાં કેવો વામણો થઈ જતો હશે??? ખરેખર શિક્ષકગણોની ઠેકડી ઉડાવી અને તેમની મશકરી કરી તમે પોતે પોતાની જાતને નીચ અને મુર્ખ સાબિત કરો છો.
વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે કે તેઓ, અશ્લીલતા અનૈતિકતા અને બિભત્સતાથી દૂર રહે, તમાકુ, બીડી, સીગારેટ, પાન-મસાલા, દારૃ અને ડ્રગ્સના વ્યસનથી દૂર રહે, છોકરીઓની છેડતી અને તેમના પર માનસિક અત્યાચાર કરવાથી દૂર રહે, અને પોતાના શિક્ષકગણોને માન-સન્માન અને આદર આપે.