અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, ન પુરુષો બીજા પુરુષોની મજાક બનાવે, શક્ય છે કે તેઓ તેમના કરતાં સારા હોય, અને ન તો સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની મજાક ઉડાવે, શક્ય છે કે તેઓ તેમના કરતાં સારી હોય. પરસ્પર એકબીજાને મહેણાં ન મારો અને ન તો એક બીજાને બૂરા ઇલ્કાબોથી યાદ કરો. (કુઆર્ન, ૪૯ઃ૧૧)
સમજૂતી :
માનવી(ના સર્જન)માં પોતાને મહાન સાબિત કરવાની એક લાગણી હોય છે. આ લાગણી માનવી અને સમાજ માટે બહુજ લાભદાયી છે. જો આ ના હોત તો દુનિયામાં કોઈ પણ નવુ કામ ન થઈ શકતુ, ન કોઈ નવું બિલ્ડીંગ બનતુ, ન કોઈ નવા સંશોધન થતા. જ્ઞાનનો વિકાસ પણ અટકી જતો.
બીજાના મુકાબલામાં, પોતાને મહાન સાબિત કરવાની આ લાગણી માનવીની અંદર એક દબાવ ઉત્પન્ન કરે છે. કોઈ માનવીમાં આ દબાવ વધુ હોય છે તો કોઈ માં ઓછી. આ લાગણીને પરિપૂર્ણ બે રીતે કરી શકાય છે.
(૧) નકારાત્મક રીતે
(૨) સકારાત્કમ રીતે
નકારાત્મક રીત એ છે કે પોતાને મહાન સાબિત કરવા માટે બિજાને નાના સાબિત કરવું, કે જેના માટે તેમની મજાક ઉડાવવી, તેમને મહેણાં મારવા, બૂરા નામોથી તેમને બોલાવવા. સકારાત્મક રીત એટલે કે જાતે જ મહેનત કરી અત્યંત લાભદાયી અને નવું કાર્ય કરવામાં આવે કે જેથી લોકો મોટા માને અને માન આપે. પ્રથમ રીત સરળ છે અને બીજી મુશ્કેલ. વધુ પડતા લોકો પ્રથમ રીતને જ અપનાવે છે.
કોઈ ની મજાક ઉડાવવામાં માત્ર જીભ કે પેનનો જ ઉપયોગ નથી થતો, પરંતુ નકલ ઉતારવી, હાંસી ઉડાવવી, કોઈની શારિરીક ખામી પર લોકોનું ધ્યાન દોરવુ, ટીકા કરવી, ખોટા આરોપો ઘડવા, ખુલ્લેઆમ અથવા ઈશારાથી કોઈની મજાક કરવી, મહેણાં મારવા વિગેરે શામેલ છે.
અલ્લાહને આ બધી જ બૂરી વાતો ના પસંદ છે. એના અસરો બંને બાજુ પડે છે. એક મજાક ઉડાવવાવાળા અને જેનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે, બંનેના સંબંધો બગડે છે. અને બીજુ બંનેના સંબંધીઓ, મિત્રો તથા હમદર્દી ધરાવતા લોકોના પણ એક બીજાથી સંબંધ ખરાબ થાય છે. આ વાતો સમાજમાં બગાડ ફેલાવી નફરતનું વાતાવરણ ઉભુ કરે છે. આ નફરત આગળ વધી દુશ્મની અને વેરમાં પરિવર્તન પામે છે. —