Friday, November 22, 2024
Homeમાર્ગદર્શનમધુરવાણીગુસ્સામાં પોતાના મનને કાબૂમાં રાખો

ગુસ્સામાં પોતાના મનને કાબૂમાં રાખો

હઝરત અબૂહુરૈરહ રદી. ની રિવાયત છે રસુલુલ્લાહ સલ્લ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું : “પહેલવાન એ નથી જે (હરીફને મેદાનમાં) પછાડી દે બલ્કે પહેલવાન એ છે કે જે ગુસ્સામાં પોતાના મનને કાબૂમાં રાખે” (સહીહ મુસ્લિમ)

હઝરત અબૂહુરૈરહ રદી. ની રિવાયત છે એક માણસે રસૂલુલ્લાહ સલ્લ્લાહુ અલૈહિ વસલ્લમ ને વિનંતી કરી કે, “મને ઉપદેશ આપો.” આપ સલ્લ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું : “ગુસ્સે ન થા.” આ હુકમ આપ સલ્લ્લાહુ અલૈહિ વસલ્લમ એ વારંવાર આપ્યો. “ગુસ્સે ન થા.” (બુખારી)

સમજુતી :

ક્રોધ એક નબળાઇ છે. ગુસ્સો કરનાર કરતાં ગુસ્સો ન કરનારનો પ્રતાપ કંઇક જુદો જ હોય છે. માણસ ગુસ્સે ક્યારે થાય ? સામાન્ય રીતે ધાર્યું ન થાય, આપણી વાત સામે વાળો ન સમજતો હોય, કોઇક આપણું અપમાન કરે, કંઇક વિચારવા બેસીએ અને કઇ સમજ ના પડે, આપણે સાચા હોવા છતાં કોઇ આપણને ખોટો પાડે, કોઇક જુલ્મ કરતો હોય, અન્યાય થાય, કોઇક દગો આપે કે માણસની લાગણીઓ દુભાય વગેરે ત્યારે માણસને ગુસ્સો આવતો હોય છે.

ગુસ્સો બે પ્રકારનો હોય છે. એકના મૂળમાં અહંકાર છુપાયલો છે ને બીજો અહંકાર રહિત છે. એટલે આપણે વિશ્લેષણ કરવું પડે કે આપણને ગુસ્સો આવે તેનું કારણ અહંકાર છે કે બીજું કોઇ? જેનો સંબંધ તમારા ‘હું’ની સાથે, તમારા સ્વાર્થ સાથે હોય ત્યાં અહંકાર હોય છે અને જ્યાં કોઇકનું સારૃં કરવાની ઇચ્છા હોય, સમાજ સુધારણાનું કાર્ય હોય, કોઇને ન્યાય અપાવવાનું હોય ત્યાં અહંકાર હોતો નથી. પણ બન્નેમાં સુક્ષ્મ ફરક છે. તેનેેે તપાસતો પણ આવડવું જોઇએ. મોટા ભાગે માણસ અહંકારના કારણે ગુસ્સો કરતો હોય છે. વાસ્તવમાં તો ગુસ્સો કરવું એ ચારિત્રિક નબળાઇ છે. વહેલી તકે એને કંટ્રોલ કરવું જોઇએ. ગુસ્સો એ આગ જેવું છે જે પોતાને બાળે છે ને સામે વાળાને પણ. અને જો બંને ગુસ્સો કરે તો આ આગ ભડકી જાય છે. લોકો ગાળો બોલે, હાથાપાઇ કરે, ઝગડાઓ થાય. ઇતિહાસ જોશો તો ખબર પડશે કે સમ્રાટો વચ્ચે ઘણાં બધા યુદ્ધોના મૂળમાં અહંકાર જ છુપાયલો છે. માણસ સમજે છે કે હું ગુસ્સો કરી સામે વાળાને વશ કરી લઇશ. પણ આ તેનો ભ્રમ છે. ગુસ્સાથી કદી વશ ન કરાય. એ તો દિવાસળીનું કાર્ય કરે છે. કોઇક વખત કોઇ માણસ નબળાઇના કારણે અથવા ગમે તે કારણે વશ થઇ જાય તોય તેના મનમાં તો જવાળા જ પ્રગટે છે. માણસમાં બે વસ્તુઓ હોય છે. ગુસ્સો અને નમ્રતા. બંન્ને વચ્ચે મેળના થાય. જ્યાં નમ્રતા હોય ત્યાંથી ગુસ્સો ભાગે અને જ્યાં ગુસ્સો હોય ત્યાં નમ્રતા ન હોય. પણ બન્નેમાં નમ્રતાનો ગુણ ભારે છે. આમ પણ જોઇએ તો ગરમ કરતા ઠંડુ વધારે ભારે હોય છે. માણસમાં નમ્રતા હોય તો સામે વાળાના શરીર ને જ નહીં પણ એના મનને પણ વશ કરી શકાય. ગુસ્સાથી દુશ્મનાવટ વધે અને નમ્રતાથી મિત્રતા.

ગુસ્સાથી સંબંધો બગડે પણ નમ્રતાથી સુધરે. ગુસ્સાથી ચારિત્રયનું પતન થાય જ્યારે નમ્રતાથી વ્યક્તિત્વનું વિકાસ. જે રીતે આગથી આગ ન ઓલાય તે જ રીતે ગુસ્સો કરનારની સામે ગુસ્સો કરવા જઇએ તો સમસ્યાનું સમાધાન ક્યારે નહીં થાય. પણ જેવી રીતે આગને ઓલવવા માટે પાણીની જરૃર હોય છે તેજ રીતે ગુસ્સાને ઠંડો પાડવા નમ્રતાની જરૃર હોય છે. નમ્રતાથી સમસ્યાનું સમાધાન થઇ શકે છે. ગુસ્સો એ અંધાપો છે જ્યારે નમ્રતાથી દૃષ્ટી મળે છે. ગુસ્સામાં કંઇ સુજ મળતી નથી, નમ્રતાથી રસ્તાઓ મળે છે. એટલે ગુસ્સા પર કાબૂ રાખવો જોઇએ. તેથી આપ સલ્લ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું “પહેલવાન એ નથી જે (હરીફને મેદાનમાં) પછાડી દે બલ્કે પહેલવાન એ છે કે જે ગુસ્સામાં પોતાના મનને કાબૂમાં રાખે.” બીજી હદીસમાં ગુસ્સા પર કાબુ કરવા માટે આપ સલ્લ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું કે ગુસ્સો શેતાનના કારણે આવે છે અને શેતાન આગથી બનાવવામાં આવ્યો છે. જ્યારે તમને ગુસ્સો આવે તો તમે વુઝુ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments