કુઆર્નની એક આયત છે,
”અમારો રબ (પ્રભુ) તે છે જેણે દરેક વસ્તુની રચના કરી, પછી તેને માર્ગ દેખાડ્યો.” (સૂરઃ તાહા – ૫૦)
આ આયતમાં મૂળભૂત નિયમનું વર્ણન કરવામાં આવ્યું છે. તે નિયમ એ છે કે અલ્લાહે વિશ્વમાં જે પણ વસ્તુઓ પેદા કરી છે તેને બનાવવા માટેના મુખ્ય હેતુપ્રમાણે તેની રચના પણ કરી છે. પછી જે મુખ્ય હેતુ માટે તે વસ્તુ પેદા કરવામાં આવી છે, અલ્લાહ તેને તે હેતુ પ્રાપ્તિના માર્ગ પર લગાવી દે છે, જ્યાં સુધી તે વસ્તુ પોતાના સર્જનના મુખ્ય હેતુને સિદ્ધ નથી કરતી, ત્યાં સુધી તે અપૂર્ણ સ્થિતિમાં હોય છે. પોતાના સર્જનના હેતુને પૂર્ણ રીતે પ્રાપ્ત કરવામાં જ તેની સાર્થકતા જાહેર થાય છે. જે વસ્તુથી જે કામ લેવાનું હોય છે તેની પ્રકૃતિ અને રચના તે ઇચ્છિત ધ્યેય અનુસાર જ હોય છે. ચકલીઓને હવામાં ઉડવાનું હોય છે, તો અલ્લાહે ચકલીઓના શરીરની રચના એ પ્રમાણે કરી છે કે જે તેને ઉડવામાં સહાયક થાય. તેને પીંછાં અને પાંખો પણ આપી અને શારીરિક રચના પણ એ અનુસાર કરી કે તે હવામાં સહેલાઈથી ઉડી શકે. માછલીઓને પાણીમાં તરવાનું હોય છે તો આપણે જોઈએ છીએં કે તેના માટે એક એવું શરીર અર્પણ કરવામાં આવ્યું કે જે પાણીમાં તરી શકે અને પાણીમાં રહેવું અને તરવું તેના સ્વભાવમાં દાખલ કરી દેવામાં આવ્યું.
ફૂલનો એક છોડજ્યારે તમે તમારા કૂંડામાં રોપો છો તો તે ધીરેધીરે પોષણ પ્રાપ્ત કરીને વૃદ્ધિ પામે છે અને લીલોછમ અને સમૃદ્ધ બની જાય છે. અહીં સુધી કે તે પોતાની અંતિમ કક્ષાએ પહોંચી જાય છે. હવે તેમાં ફકત પાંદડા જ નથી હોતા પરંતુ તેમાં કળીઓ પણ ઉત્પન્ન થાય છે અને પછી તે કળીઓ ખીલવા લાગે છે અને ફૂલ બનીને પોતાની સુગંધ ફેલાવવા લાગે છે. છોડમાં મહેંકતા ફૂલો ખીલી ઉઠે છે તો આપણે સમજીએ છીએ કે હવે તેને વધારે કંઇ બનાવવાનું નથી. તેણે પોતાની જિંદગીનો મુખ્ય હેતુ પ્રાપ્ત કરી દીધો છે. જેના માટે તે પ્રથમ દિવસથી જ અગ્રેસર દેખાઈ રહ્યો હતો. જો આ છોડ ફૂલ ખિલ્યા અગાઉ જ સુકાઈ જાત તો એમ કહેવામાં આવતું કે તેની જિંદગી બરબાદ થઈ. કારણકે તે પોતાનો હેતુ સિદ્ધ ન કરી શક્યું.
દુનિયામાં દરેક વસ્તુ પોતાની પૂર્ણ કક્ષાએ પહોંચવા ઇચ્છે છે. આ જ નિયમ જિંદગીનો પણ છે અને આ જ જીવનનું અસલ ચાલકબળ પણ છે. પોતાની આ પ્રકૃતિ અને સ્વભાવના સાથેે દરેક વસ્તુ દુનિયામાં અસ્તિત્વમાં આવે છે. આ નિયમ તેની સંપૂર્ણ શક્તિ સહિત માનવીના જીવનમાં પણ જારી અને લાગુ થઈ શકે છે. એવા લોકોે ઘણા જ ભાગ્યશાળી છે જે આ નિયમથી જાણકાર અને તેની પાયમાલીને એક સંગીન ગુનાહિત કાર્ય સમજે છે. કુઆર્નમાં આ કાનૂનનું વર્ણન કરતાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે આ નિયમનું સંચાલન માનવજીવનમાં જ સૌથી વધુ ફળદાયી છે એટલા માટે આ નિયમ પ્રત્યે બેપરવા બની જવું મનુષ્ય માટે કોઈ અઝાબથી કમ નથી.
કુઆર્નમાં છે, “(હે પયગંબર!) પોતાના સર્વોચ્ચ રબ (પ્રભુ-પાલનહાર)ના નામની તસ્બીહ (ગુણગાન) કરો જેણે પેદા કર્યા અને પ્રમાણ સ્થાપ્યું, જેણે ભાગ્ય બનાવ્યું, પછી માર્ગ દેખાડ્યો, જેણે વનસ્પતિઓ ઉગાડી પછી તેને કાળો કચરો બનાવી દીધી.” (સૂરઃ અલ-આ’લા ૧ થી ૫)
પછી આગળ કહેવામાં આવ્યું, “સફળ થઈ ગયો તે જેણે પવિત્રતા અપનાવી” (સૂરઃ અલ-આ’લા ૧૪)
આ પૂર્ણતા એ જ માનવીની વાસ્તવિક પૂંજી અને જિંદગીની સાર્થકતા છે. આ પૂર્ણતાની જાણકારી પ્રાપ્ત થાય છે એ રબ્બાની અનુભૂતિના માધ્યમથી જે તેને પ્રાપ્ત થાય છે અન ેતે તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેના સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે છે.
માનવ જીવનમાં ઉપર વર્ણન થયેલ નિયમની પરિપૂર્ણતા ફકત એ બાબતથી જ નથી થતી કે મનુષ્ય બાલ્યાવસ્થાથી વૃદ્ધિ પામીને યુવાવસ્થા સુધી પહોંચી જાય. એ તો ફકત શારીરિક વિકાસ થયો. મનુષ્ય ફકત શારીરિક અસ્તિત્વ જ નથી ધરાવતો પરંતુ એક આત્મિક અસ્તિત્વ પણ ધરાવે છે બલ્કે એમ કહેવામાં આવે તો જરા પણ અસ્થાને નહીં ગણાય કે તે વાસ્તવમાં એક આત્મિક અસ્તિત્વ જ છે. આ જુદી વાત છે કે સામાન્ય દ્રષ્ટિથી માનવીના આત્મિક અસ્તિત્વની અનુભૂતિ નથી કરી શકાતી. પરંતુ જે અદૃશ્ય હોય છે તે જ સત્યથી વધારે નજીક હોય છે. માનવી એક આત્મિક અસ્તિત્વ હોઈ તેની સંપૂર્ણતાનો અર્થ અત્યંત વિશ્વાસપાત્ર, પવિત્રતા અને ઉત્તમતા થશે અને આ સંપૂર્ણતાનો અર્થ એ હશે કે માનવી પ્રાકૃતિક રીતે પણ જીવનના બુનિયાદી સ્ત્રોતોથી જોડાઈ ગયો. તેણે પોતાના જીવનમાં અલ્લાહની ઓળખાણ આત્મસાત કરી લીધી. નદીએ સમુદ્રને ઓળખી લીધો. કિરણોએ સૂર્ય સાથે સંબંધ સ્થાપિત કરી દીધો. તેણે શાશ્વત જીવનને પ્રાપ્ત કરી દીધું. સંપૂર્ણતાનું આ સ્વરૃપ કોઈ શુષ્ક સ્વરૃપ નથી. આ કક્ષાએ જ્ઞાન અને આચરણ ફકત જ્ઞાન અને આચરણ જ ન રહ્યું, બલ્કે તે એક સુંદર અનુભૂતિમાં પરિણમી ગયું. “ફૂલ વાસ્તવમાં પાંદડાઓનું જ બદલાયેલું સ્વરૃપ છે.”
આ સુંદર અનોખી અનુભૂતિમાં કોઈ પણ જાતની મલિનતા કે બનાવટ જોવા મળતી નથી. અહીં પ્રેમ પોતાના શુદ્ધ સ્વરૃપમાં પ્રગટ થાય છે. જીવનની મીઠાસ હંમેશાથી તેની આભારી છે. આ નિયમની એક વિશિષ્ટતા એ છે કે પોતાની મંઝિલ ઉપર પહોંચીને દરેક વસ્તુ પોતાના અંતિમ ધ્યેય સુધી પહોંચી જાય છે. તેને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. વ્યાકુળતા અને કુશંકાઓ નાશ પામે છે. તેના મગજ ઉપરથી ભાર ઉતરી જાય છે. આ સ્થિતિમાં માનવી પોતાને હળવો ફૂલ સમજે છે. કોઈપણ પ્રકારનો તણાવ બાકી નથી રહેતો. જે કંઇ તેના ઉપર પ્રકટ થાય છે તે એટલુ અમુલ્ય હોય છે કે જ્યાં દરેક વસ્તુ તેની સામે હોય છે. તેને પોતાની મંઝિલ મળી જાય છે. આ સ્થિતિને વિવિધ નામો આપવામાં આવે છે. કોઈએ તેને જાગૃતિ અથવા સભાનતા કહ્યું તો કોઈએ તેને અખંડ આનંદ અથવા સાચી ખુશીના નામથી યાદ કર્યું છે અને કોઈએ તેને સમાધિ (મુરાકબા) અથવા અલૌકિક પદ્ધતિનું નામ આપ્યું છે.
લેખક પ્રખ્યાત વિદ્વાન અને અનુવાદક કુઆર્ન મજીદ હિન્દી છે.