Sunday, September 8, 2024
Homeમનોમથંનકાશ્મીર હિંસા : અત્યાચાર ક્યાં સુધી?

કાશ્મીર હિંસા : અત્યાચાર ક્યાં સુધી?

૮ જુલાઈના રોજ સલામતી દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલ બુરહાન વાની કાશ્મીરીઓમાં ખૂબ લોકપ્રિય હતો અને આઝાદ કાશ્મીરની વિચારધારા સાથે કાર્યરત્ સંગઠન હિઝબુલ મુજાહિદીનનો કમાન્ડર હતો. ભારતીય સલામતી દળો અને પોતે કાશ્મીરીઓએ પણ સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે બુરહાનનો મૃત્ય શાંત કાશ્મીરને હચમચાવી નાખશે. ૯ જુલાઈથી શરૃ થયેલ હિંસા ખૂબજ લોહિયાળ સાબિત થઈ રહી છે. સરકારી આંકડાઓ અનુસાર અત્યાર સુધી ૮૬ જેટલા લોકો મૃત્યુને ભેટી ચૂક્યા છે, દસ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને સાતસોથી વધુ લોકોને પેલેટ ગન્સના છરા વાગ્યા છે જેમાંથી ઓછામાં ઓછા ૬૦ લોકોએ પોતાની દૃષ્ટિ ગુમાવી છે. હિંસા કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં પ્રસરી ચૂકી છે જેમાં ઉત્તર-દક્ષિણ પુલવામા, કુપવાડા અને અનંતનાગ જેવા જિલ્લાઓનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

કાશ્મીરી પ્રજાનું આ રીતે સડક પર ઊતરી આવવું અને સુરક્ષા દળો સામે પત્થરમારો ચલાવવો તે પણ સતત બે મહિના સુધી એ કંઈ નાનીસુની વાત નથી. સામાન્ય પ્રજામાં પોલીસ વિરુદ્ધ આટલો જાકારો, વિરોધ અને આક્રોશ શા માટે? અને કઈ રીતે ઉદ્ભવ્યો? તેને સમજવાની જરૃર છે. કાશ્મીરી પ્રજા દાયકાઓથી ભારતીય સુરક્ષા દળોનો અમાનુષી અત્યાચાર ભોગવી રહી છે. સામાન્ય નાગરિકોને સુરક્ષા દળો દ્વારા વારંવાર હેરાનગતિ વેઠવી પડે છે. સુરક્ષા દળો દ્વારા માનવ અધિકારના નિયમોને નેવે મૂકીને કોઈ પણ શંકમંદને ઠાર મારી દેવાનો ઇતિહાસ છે. ભારતનો કબ્જો કાશ્મીરના ભૌગોલિક વિસ્તારમાં છે કાશ્મીરીઓના દિલ પર નહીં. તેની પાછળ પાકિસ્તાન, આઝાદ કાશ્મીર ચળવળ કે અલગાવવાદી વિચારધારા અથવા તો ભારતીય સુરક્ષા દળો પોતે જવાબદાર હોઈ શકે છે. આ સંશોધનનો વિષય છે.

૯ જુલાઈના રોજ ફાટી નીકળેલ હિંસાને બળ પ્રયોગ દ્વારા દાબી દેવાશે તેવા વિચાર સાથે શરૃ થયેલ ઓપરેશને હિંસાને વધુ વિકરાળ, આક્રમક અને હિંસક બનાવી દીધી છે. બેફામ પેલેટ ગન્સ (જે બિનઘાતક શસ્ત્ર માનવામાં આવે છે) છોડીને ટોળાના વિરોધને આટોપી લેવાશે તેવી ગણતરી ઊધી પડી છે. લોકોમાં સરકાર અને સેના બન્ને માટે ઘૃણા અને નફરતના કેટલાક કારણો છે જે નીચેની ચર્ચા પરથી જાણી શકાય.

CRPFના ઇન્સ્પેકટર જનરલ અતુલ કરવાલે એક ન્યૂઝ નેટવર્કને જણાવ્યું હતું કે “તેઓ વધુ બળપ્રયોગ કરતા પહેલાં વિરોધીઓને ચેતવણી આપે છે અને કમરની નીચે પેલેટ ગન્સની ગોળીઓ છોડતા પહેલાં રબરની બુલેટ્સ સાથે શુટીંગ કરે છે અને જ્યાં સુધી જીવન અને મૃત્યની પરિસ્થિતિ ન આવે ત્યાં સુધી હંમેશાં પ્રમાણભૂત ઓપરેટીંગ પ્રક્રિયાનું પાલન કરે છે.” પરંતુ ડોકટરોનું માનવું છે કે પોલીસ ભાગ્યે જ આ નિયમનું પાલન કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં ગોળીઓ કમરના ઉપરના ભાગમાં વાગી હોય છે. શ્રી મહારાજા હરીસિંહ (SMHS) હોસ્પિટલના નૈત્ર રોગ વિભાગના એક સલાહકાર ડો. રશીદ મકબૂલ વાની કહે છે કે “જ્યારે હું દર્દીની આંખની શસ્ત્ર ક્રિયા કરૃં છું તો હું જોઉં છું કે ગોળીઓ છાતી, પીઠ, ગરદન અને ચહેરા પર જ વાગેલી હોય છે. આ (પોલીસ) લોકો જાણી જોઈને કાશ્મીરના લોકોને અંધ બનાવવા માંગે છે અને આવી ઘટનાઓ સતત ચાલુ છે.”

સરકારે દેખીતી રીતે ૩૧ ઓગષ્ટે કાશ્મીરમાંથી સંચારબંદી ઉઠાવી લીધી હતી પરંતુ ૮ સપ્ટેમ્બર પછી પણ એક હજાર કરતાં વધુ લોકો ઘાયલ થયા છે અને કાશ્મીરમાં સમગ્ર અથડામણોમાં પાંચ લોકો માર્યા ગયા છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે કાશ્મીર મુલાકાત બાદ કહ્યું હતું કે “સુરક્ષા દળોને પેલેટ ગન્સનો ઉપયોગ ઘટાડવા કહેવામાં આવ્યંું છે અને તેના વિકલ્પો માટે ભલામણ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.” પરંતુ આ પછી પણ એક અહેવાલ મુજબ CRPFને પેલેટ ગન્સના એક લાખ કારતૂસોનો નવો જથ્થો પ્રાપ્ત થયો છે અને આ દરેકમાં ધાતુના ૬૩૫ છરાનો સમાવેશ થાય છે.

SMHS ડોકટર્સ એસોસિએશનના પ્રમુખ અને દવા રજિસ્ટ્રાર ડો. આદિલ અશરફ કહે છે કે દરેક વખતે પેલેટ ગન્સમાંથી કરવામાં આવેલી ફાયરિંગ ઉશ્કેરણી પછી જ કરવામાં આવે છે તેમ લાગતું નથી. આ માત્ર બહાનું હોઈ શકે છે. દર્દીઓની ઉંમર અને ઈજાની પ્રકૃતિ અમારા રેકોર્ડ પર છે. અહીં આવેલા દર્દીઓમાં મોટાભાગના ૧૭ થી ૨૫ વર્ષના વય જૂથના હતા. પરંતુ તેમની વચ્ચે એક ૮૨ વર્ષીય મહિલા પણ હતી જેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને એક ત્રણ વર્ષની છોકરી પણ સારવાર હેઠળ છે જેના શરીરમાં છરા વાગ્યા છે. એક બીજા હોસ્પિટલમાં એક ૨૨ વર્ષીય ATM રક્ષકના શરીરમાં ૩૬૨ ગોળીઓ જોવા મળી હતી!!! આવું ત્યારે જ શક્ય છે કે જ્યારે તેને ખૂબ નજીકથી ગોળીઓ મારવામાં આવી હોય અને આવા લોકો પત્થરમારો કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા ન હતા.

પેલેટ ગન્સના છરાને શસ્ત્ર ક્રિયા દ્વારા દૂર કરવામાં ૯૦ થી ૧૨૦ મિનિટનો સમય લાગે છે. અને આ છરાઓ સ્નાયુની અંદર રહી જાય છે. SMHSએ હવે આ છરાના વિશ્લેષણમાં તેને રાસાયણિક લેબમાં તેના બે નમૂના મોકલ્યા છે. વરિષ્ઠ ડોકટર કહે છે કે “અમે જાણવા ઇચ્છીએ છીએ કે શા માટે આ છરા દૂર કરવા માટે દોઢ કલાક લાગે છે. જ્યારે અન્ય કોઈ બહારની વસ્તુઓ શરીરમાંથી કાઢવા માટે માત્ર ૪૫ મિનિટનો મહત્ત્મ સમય લાગે છે. શું તે કોઈ રાસાયણિક સ્ત્રાવ કાઢે છે? અને તેને ફાયર કરવામાં આવે છે તો તેની સાથે કેટલી ધૂળ અને ગંદકી હવામાંથી આંખોમાં ભેગી થાય છે? અને શા માટે કેટલાક છરા બહાર કાઢી શકાય છે અને કેટલાક શરીરમાં જ રહી જાય છે?”

કાશ્મીરમાં પ્રથમ વખત અને કદાચ વિશ્વમાં પણ પ્રથમ વખત ભીડને નિયંત્રિત કરવા માટે વ્યાપક રીતે પેલેટ ગન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. CRPFએ જમ્મુ અને કાશ્મીર કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેના જવાનોએ પ્રથમ પચાસ દિવસોમાં ત્રણ હજાર કારતૂસ ફાયરિંગ કર્યા હતા,  જે એક વિશ્વ વિક્રમ છે. ૭૦ના દાયકામાં મોટા ભાગે પક્ષીઓના શિકાર માટે પેલેન્ટ ગન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. અશાંતિના પ્રથમ દિવસે ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તે પણ એક વિશ્વ વિક્રમ છે.

કેટલી હદ સુધી સેનાએ ટોળાને કાબૂમાં લેવા અત્યાચાર ગુજાર્યો છે તેનો ખ્યાલ કરી શકાય છે. સોશ્યલ મીડિયા પર પ્રાપ્ત વીડિયો અને સીસીટીવી ફુટેજ પણ સ્પષ્ટ દર્શાવે છે કે સેનાએ કાશ્મીરી પ્રજાને માણસ નહીં સમજી જાનવરથી પણ બદતર વ્યવહાર કર્યો છે. આ સંજોગોમાં જમ્મુ-કાશ્મીરની મહેબૂબા મુફ્તી સરકાર, કેન્દ્રની મોદી સરકાર અને સુરક્ષા દળો કયા આધારે કાશ્મીરીઓને શાંત રહેવાનું કહી રહ્યા છે? એક બાજુ સખત બળ પ્રયોગ દ્વારા પ્રજા પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યું છે અને બીજી તરફ તેમની પાસેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે તેઓ શાંતિ જાળવશે. આ બિલકુલ અસંગત, અતાર્કિક અને હાસ્યાસ્પદ છે.

કાશ્મીરીઓનો દર્દ અને સહનશીલતા બન્ને બેકાબૂ બનતા જાય છે, તેનો ખ્યાલ આ ઘટના પરથી આવે છે. ૧ સપ્ટેમ્બરના રોજ જ્યારે બે લોકોને SMHS હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને ડોક્ટરે એમને મૃત જાહેર કર્યો ત્યારે લોકો તેના મૃતદેહ પાસે ભેગા થઈ ગયા હતા. યુવાન પુરુષોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બે મહિલાઓ જેમના માથા પર પાટો બાંધેલો હતો તેઓએ આ શહીદ વિશે ગીત ગાયું હતું. SMHSના મેડીસીન રજિસ્ટ્રાર કહે છે કે “એ સમયે જ્યારે એક પોલીસ અધિકારી આ હોસ્પિટલમાં આવવા માંગતા હતા અને તેમને રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો પણ લોકોએ તેમને ભગાડી મૂકયા હતા. તેઓ કહે છે કે CRPFના જવાનોએ હોસ્પિટલમાં અશ્રુ વાયુના શેલો ફોડયા હતા, જેના કારણે ઘણા શીશુઓને શ્વાસનળીમાં તકલીફ થઈ હતી અને અસ્થમાના દર્દીઓની પોસ્ટ ઓપરેટીવ કાળજી લેવાનું મુશ્કેલ બન્યું હતું.” તેઓ કહે છે કે આરોગ્ય વિભાગના સચિવ એમ.કે. ભંડારી અમરનાથ યાત્રામાં ઘાયલ થયેલા યાત્રાળુઓને મળવા SMHSમાં આવ્યા હતા ત્યારે તેઓને પણ લોકોનો વિરોધનો સામનો કરવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે આ ઈજાગ્રસ્ત યાત્રાળુઓને કાશ્મીરના કેટલાક યુવાનો જ હોસ્પિટલ લઈ આવ્યા હતા. કાશ્મીરીઓએ હજુ પણ તેમની માનવતા ગુમાવી નથી. પરંતુ હજારો લોકોના વિરોધ પછી પણ સરકાર સ્પષ્ટ રીતે બધા લોકોની વાતની અવજ્ઞાા કરી રહી છે. SMHSમાં સેવા બજાવતા ડો. યાકૂબ પોતે એક કાશ્મીરી છે જેઓ ૯૦ના દાયકામાં નુકસાન અને વિશ્વાસઘાતની વાર્તાઓ સાંભળીને મોટા થયા છે અને તેમના મિત્રો અને પરિવાર સાથે હિંસાના આઘાતજનક દૃશ્યો જોયા છે. પરંતુ તેઓ અંતે એક ડોકટર બની ગયા. છેલ્લા બે મહિલા પછી જ્યારે ઘાયલ લોકો  એવી શપથ લે છે કે તેઓ એક આંખ પર પાટો બાંધીને પણ હથિયારો સાથે ફરીથી વિરોધમાં જોડાશે ત્યારે તેમની વાત સાંભળીને તેઓ હચમચી જાય છે. આગળ કહે છે કે હું શેરીઓમાં જઈને પત્થરો ફેંકી શકું તેમ નથી. મારામાં લશ્કરનો સામનો કરવાની હિંમત જ નથી. આ કડવું સત્ય છે. પરંતુ મને પણ અંદરથી એક વિરોધ કરનાર લોકો જેવી જ લાગણી થાય છે.

હિંસાનો આ તાંડવ ક્યાં જઈ અટકશે એ અત્યારે કહી શકાય તેમ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેટ ગન્સના ઉપયોગના કારણે લોકોનું ધ્યાન ખેંચાયું છે અને દેશની પ્રતિષ્ઠાને દાગ લાગી રહ્યો છે. અગ્રણી માનવ અધિકાર સંગઠન જમ્મુ-કાશ્મીર કોયલીશન સિવિલ સોસાયટી (JKCCS)ના સંયોજક ખુર્રમ પરવેઝની ૧૫ સપ્ટેમ્બરની સાંજે શ્રીનગર ખાતેના નિવાસસ્થાને ધરપકડ કરવામાં આવી હતી. તેના એક દિવસ અગાઉ તેમણે જીનીવા ખાતે ચાલી રહેલા યુએન હ્યુમન રાઈટ કાઉન્સિલ સેશનમાં હાજરી આપવા માટે જીનીવા જતા તેમને અટકાવવામાં આવ્યા હતા. માનવ અધિકારીઓની હિમાયત માટે વિદેશ જવા માટે એક પ્રખ્યાત માનવ અધિકાર કાર્યકરને અટકાવવા અને ત્યાર બાદ ઉપજાવી કાઢેલા આધાર પર તેમની અટકાયત કરવી એ કાશ્મીરમાંથી શાંત અવાજને દબાવી દેવાનો શરમજનક પ્રયાસ છે એવું એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયન એક્ઝીક્યુટીવ આકાર પટેલે જણાવ્યું હતું. ખુર્રમ પરવેઝ કાશ્મીરી લોકોની વ્યથાઓની રજૂઆત કરવા જીનીવા જતા હતા. બીજી તરફ યુએન અધિકારીઓએ ભારત પાસે કાશ્મીરમાં વધુ પડતા બળ ઉપયોગની તપાસ કરવા મંજૂરી માગી હતી. જેના જવાબ રૃપે ભારતે મંજૂરી આપી નથી.  જેથી યુએન સ્પષ્ટપણે ભારતનો બદ ઇરાદો હોવાનું માની રહ્યું છે.

કોઈપણ સમસ્યાનો ઉકેલ હિંસા ન હોઈ શકે જ્યારે તમારી સમક્ષ કોઈ ચોક્કસ દુશ્મન ન હોય. અહીં પોલીસ દળો કાશ્મીરી પ્રજા સાથે પ્રત્યક્ષ રીતે મેદાને પડયા છે અને પરિસ્થિતિ ઉત્તરોત્તર વણસ્તી જાય છે. સમસ્યાનો ઉકેલ વાતચીત થકી જ આવી શકે. અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાની પણ સર્વ પક્ષ સમિતિના કેટલાક સભ્યો સાથે વાતચીત કરવા તૈયાર નથી, તે પણ સમજદારી નથી. અલગાવવાદીઓએ પણ સર્વપક્ષીય સમિતિ સાથે વાતચીતનો દોર આરંભી દેવો જોઈએ અને કાશ્મીરી પ્રજાને કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવાનું આહ્વાન કરવું જોઈએ. અને ભારતીય સેનાએ પણ હિંસક માર્ગ છોડી પ્રજા સાથે સારા સંબંધોની સ્થાપના કરવી જોઈએ. ભારતીય સૈન્ય કાશ્મીરી નાગરિકોને વિશ્વાસમાં લેવાની અને તેમના દિલ જીતવાની જરૃર છે. કાશ્મીર પર ભારતનો કબ્જો થયેલ ત્યારે જ ગણાશે કે જ્યારે કાશ્મીરીઓના દિલમાં ભારત હશે. *

kalim.madina@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments