Wednesday, January 15, 2025
Homeઓપન સ્પેસઉત્તમ આદર્શ

ઉત્તમ આદર્શ

હઝરત ઉમર બિન ખત્તાબ રદિ. એક દિવસ અલ્લાહના રસુલ સલ્લ.ની સેવામાં હાજર થયા તે વખતે આપ સલ્લ. રેતી ઉપર બેસ્યા હતા અને આપના પવિત્ર શરીર અને ભોંયની માટી વચ્ચે કોઇ બિસ્તર  ન હતો. માટીની છાપ આપની પીઠ ઉપર ઉપસી આવેલી દેખાઇ રહી હતી. અને આપ સલ્લ. ખજૂરના પાંદડાથી ભરેલા ઓશિકાને આધારે સુઇ રહેલા હતા. હઝરત ઉમર ફારૃક રદિ.એ ઘરમાં ચારેકોર નજર દોડાવી પરંતુ ચામડાના આ તકીયા સિવાય કઇં જ જોવા ન મળ્યું. ઉમરની આંખોમાં પાણી ભરાઇ આવ્યા. અરજ કરી, હે અલ્લાહના રસુલ સલ્લ.!  આપ અલ્લાહથી દુઆ કરી નાંખો કે આપની ઉમ્મતને ખુશહાલી પ્રદાન કરે. ઇરાન અને રોમ તો અત્યંત ખુશહાલ છે. તેમને અઢળક ધનસંપત્તીથી નવાઝવામાં આવ્યા છે. જ્યારે કે તેઓ અલ્લાહની બંદગી સુધ્ધાં નથી કરતા. ઉમર રદિ.ની આ વાત સંભળીને અલ્લાહના અંતિમ પૈગમ્બર સલ્લ. સહસા તકીયો છોડીને ઝાટકા સાથે ઉઠીને બેસી ગયા અને કહ્યું “હે ઇબ્ને ખત્તાબ (ખત્તાબના પુત્ર) શું તમે પણ હવસના શિકાર થઇ ગયા!?” અરે, આ તે લોકો છે જેમને આ દુનિયામાં જ બધું આપી દેવામાં આવ્યું છે”….

અહીં આ પ્રશ્ન ઉપર વિચાર કરીએં કે જો અલ્લાહના વ્હાલાં નબી સલ્લ.ની પવિત્ર જાત સહાબાઓ માટે આદર્શ કે નમૂનો ન હોત તો શું સન્માનીય સહાબાઓ  રદિ. ઉપર આપ સલ્લ.ની તાલીમની કોઇ અસર થાત ખરી!? શું આપ સલ્લ. પોતાના જીવનને નમૂનારૃપ બનાવ્યા વગર કુઆર્ન અને હિકમતનું શિક્ષણ અને તાલીમ તેમના જીવનમાં ઉતારી શક્તા કે તેમની મનેચ્છાઓને પવિત્ર માર્ગ તરફ દોરવણી આપી શક્તા? શું તેમની તર્બિયત અને પ્રશિક્ષણ એવા થઇ જતાં જેમના મૂળ આટલા ઉંડા હોય. શું આપના અમલી નમૂના વગર સહાબાએ કિરામ રદિ. પોતાના મનની સફાઇ, ઉમદા ચરિત્ર અને વ્યક્તિત્વના લક્ષણોને આટલી ઉચ્ચ ગરીમા સુધી પહોંચાડી શક્તા હતા અને ભૌતિકતાની ગુલામી તેમજ મનેચ્છાઓની જાળમાંથી પોતાને મુક્ત કરી શક્તા હતા? શું અમલી નમૂનો બન્યા વગર કે દૃષ્ટાંત રૃપ જીવન વગર આ બધું શક્ય હતું.?

અમલી નમૂનો વાસ્તવમાં તરબિયત અને પ્રશિક્ષણનો સૌથી શ્રેષ્ઠ અને કાર્યસાધક નુસખો છે. અમલી નમૂનો એક વાસ્તવિક, રચનાત્મક, જીવંત અને અનુભવી શકાય તેવી ચીજ છે. જે વાણી કરતાં પહેલા વર્તન અને આચરણ જ નમૂનો રજુ  કરી દે છે. જ્યાં થિયરી પછી, પણ પ્રેક્ટીકલ પહેલા દેખાય છે. દૃશ્ય, અદૃશ્ય કરતાં વધારે પરિણામલક્ષી હોય છે.

અલ્લાહ તઆલા કુઆર્નમાં ફરમાવે છે ઃ હકીકતમાં તમારા માટે અલ્લાહના રસુલ (સલ્લ.)માં એક ઉત્તમ આદર્શ છે. દરેક તે વ્યક્તિ માટે જે અલ્લાહ અને આખિરત (પરલોક) ના દિવસની અપેક્ષા રાખતો હોય અને અલ્લાહનું પુષ્કળ પ્રમાણમાં સ્મરણ કરે. (સુર ઃ અહઝાબ-૨૧)

અલ્લાહના રસુલ સલ્લ. લોકોને જે વાતની દા’વત આપતા અને જે કામ તરફ બોલાવતા તેનો અમલી નમૂનો પોતાના કાર્ય અને જીવનથી પૂરો પાડતા.

એક વખત અલ્લહના રસુલ સલ્લ.ના પુનિત પત્ની હઝરત આયશા રદિ.થી એક વ્યક્તિએ પુછયું હે, ઉમ્મતની મા! અલ્લાહના રસુલ સલ્લ. પોતાના ઘરમાં જીવન કેવી રીતે વિતાવતા હતા! હઝરત આયશા રદિ.એ પુછયું, “શું તમે કુઆર્ન નથી વાંચતા! તમારા રસુલ સલ્લ.નું ઘરનું જીવન પણ બહારના જીવનની જેમજ કુઆર્નને અનુરૃપ હતું”

એટલા માટે જે લોકો બીજાઓની તરબિયત અને પ્રશિક્ષણના જવાબદાર હોય તેમણે બીજાઓની તરબીયત કરતાં પહેલાં પોતાની જાતને દૃષ્ટાંતરૃપ અમલી નમૂનો બનાવવો જોઇએ. શું તે લોકો જેઓ આલીશાન મકાનોમાં એશ કરે છે અને કિમતી લિબાસ પહેરીને ઘમંડપૂર્વક ચાલે છે, ફરે છે, આડંબર કરે છે, જીવનની તમામ લિઝ્ઝતો લુંટે છે. જીવન વૈભવના તમામ સાધનો મેળવવા તલપાપડ રહે છે, તેઓ એમ સમજે છે કે તેઓ ભોગ, બલિદાન અને કુર્બાની જેવા વિષયો ઉપર પોતાના પ્રવચનો અને વાર્તાલાપથી બીજા લોકોને પ્રભાવિત કરી દેશે? કદાપી નહીં… એ શક્ય જ નથી…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments