“ધૈર્ય અને નમાઝની મદદ લો, નિશંકઃ નમાઝ એક ભારે મુશ્કેલ કામ છે, પરંતુ એ આજ્ઞાાકારી બંદાઓ માટે મુશ્કેલ નથી જે માને છે કે છેવટે તેમને તેમના માલિકને મળવાનું અને તેની જ તરફ વળીને પાછા જવાનું છે.” (સૂરઃબકરહ – ૪૫,૪૬)
અર્થાત્ : એટલે કે જો તમને નેકીના રસ્તા ઉપર ચાલવામાં મુશ્કેલી જણાતી હોય તો એ મુશ્કેલીનો ઇલાજ ધૈર્ય અને નમાઝ છે. આ બે વસ્તુઓમાંથી તમને એ શક્તિ મળશે જેનાથી આ રસ્તા આસાન બની જશે.
સબ્રનો અર્થ શબ્દકોશમાં રોકવાનું તથા બાંધવું છે અને આનો અર્થ મજબૂત ઇરાદો, દૃઢ હિંમત તથા મનની ઇચ્છાઓ ઉપર અંકૂશ છે જેના વડે કોઈપણ માણસ મનના પ્રલોભનો અને બાહ્ય મુશ્કેલીઓની સામે પોતાના હૃદય અને મનને પસંદ કરેલા રસ્તા ઉપર સતત આગળ વધારતો જાય. અહીં આયતનો આશય એ છે કે આ નૈતિક ગુણને તમારી અંદર કેળવો અને તેને બહારથી શક્તિ પહોંચાડવા માટે નમાઝ નિયમિત રીતે અદા કરો.
જે મામણ અલ્લાહનો આજ્ઞાાંકિત ન હોય અને આખિરતમાં માનતો ન હોય તેના માટે તો નમાઝની પાબંદી એક એવી મુસીબત છે કે જેને એ ક્યારેય સહન કરી શકતો નથી. પરંતુ જે સ્વૈચ્છાએ ખુદાની સામે માથું ઝૂકાવી ચૂક્યો છે, તથા જેને એ ખ્યાલ છે કે એક દિવસે મરીને પોતાના ખુદાની સામે જવાનું પણ છે, તેના માટે નમાઝ અદા કરવાનું નહીં બલ્કે નમાઝ છોડવાનું મુશ્કેલ છે. *