Friday, January 3, 2025
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવ્યાજ રહિત અર્થવ્યવસ્થા વધુ ફળદાયી બની શકે છે

વ્યાજ રહિત અર્થવ્યવસ્થા વધુ ફળદાયી બની શકે છે

આજે દુનિયાની લગભગ તમામ અર્થવ્યવસ્થાઓ વ્યાજ આધારિત છે. પ્રત્યેક કે પરોક્ષ રીતે આર્થિક વ્યવહારોમાં વ્યાજનું અસ્તિત્વ જોવા મળે છે. વ્યાજ હકીકતમાં ‘ટાઇમ વેલ્યુ ઑફ મની’ વિચારની ઉપજ છે. જેની પાસે નાણાં છે તે વ્યક્તિ જો કોઈ બીજી વ્યક્તિને નાણાં વાપરવા માટે કે રોકાણ કરવા માટે આપે તો નાણાં આપનાર વ્યક્તિ રોકડની તરલતા જતી કરવાની કીંમત નાણાં લેનાર વ્યક્તિ પાસેથી વ્યાજ સ્વરૃપે વસૂલ કરે છે. આમ વ્યાજ એ જોખમ વગરનું વળતર છે. કારણ કે નાણાં આપનારને નાણાં લેનાર વ્યક્તિએ ગમે તેમ કરીને ચોક્કસ ટકાવારીની ગણતરીએ વધારાના નાણાં ચુકવવાના હોય છે.

વ્યાજ આધારિત અર્થતંત્રમાં જેની પાસે નાણાં છે તે કોઈ પણ જોખમ વગર ચોક્કસ રકમ ચોક્કસ સમયગાળા સુધી મેળવતો હોવાથી બજારનો રાજા હોય છે. તે વધુને વધુ પૈસા બજારમાં રોકીને નફામાં ભાગીદારી ભોગવતો હોય છે. અને તે વધુને વધુ અમીર અને આર્થિક તેમજ સામાજિક રીતે સદ્ધર થતો જાય છે. જ્યારે વ્યાજે પૈસા લેનાર વ્યક્તિ સદંતર સ્થિર ખર્ચાઓના બોજા તળે દબાતો જાય છે અને તેની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ નબળી થતી જાય છે.

દુનિયાના બીજા દેશોની આર્થિક નીતિ કે આર્થિક કાયદાઓની ચર્ચા કરવાને બદલે આપણે આપણા ભારત દેશની આર્થિક બાબતોની સમિક્ષા કરીશું. ભારત દેશ મુક્ત બજાર અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે જ્યાં દરેકને બજારમાં ઝંપલાવવાનો અધિકાર છે. અહીં કોઈ ખાસ ઉત્પાદક વર્ગ કે ઉદ્યોગ સાહસિકને કે ગમે તેને કોઈ પણ રીતે પ્રાથમિકતા આપવામાં આવતી નથી. આ દેશે વખતો વખત આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ (World Bank અને IMF) પાસેથી લૉન લીધેલી છે. આ લૉનની ચુકવણી આપણા દેશ માટે શક્ય નથી કે નજીકના ભવિષ્યમાં કરી શકે પરંતુ તેનું વ્યાજ દર વર્ષે અવશ્ય ચુકવવું પડે છે. આ વ્યાજની રકમ દેશની કુલ આવકના ૧૮ ટકા થાય છે!!! જો આ રકમ દેશના ઉદ્ધાર માટે ખર્ચાય તો દેશમાંથી પાંચ વર્ષની અંદર તમામ આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવી જાય. ખેર, તમને જાણીને આશ્ચર્ય થશે કે World Bank અને IMF શરતોને આધીન જ પૈસા ઉછીના આપે છે એટલે કે ઉછીના પૈસા લેનાર દેશની આર્થિક અને સામાજિક એમ બન્ને નીતિઓ પર આ સંસ્થાઓનો દખલ પ્રત્યક્ષ રીતે જોવા મળે છે. મતલબ આ કે આ સંસ્થાઓ દેશને પણ પોતાના પ્રભુત્વ હેઠળ લાવી મનમાની કરે છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પશ્ચિમી વિચારધારાની અસર વધુ હોવાથી દેશોની નીતિઓમાં તેઓ પોતાની વિચારધારાને જ પ્રોત્સાહન મળે તેવી બાબતોને સમાવિષ્ટ કરવાનો આગ્રહ કરે છે અને બિચારા ઉછીના પૈસાના ઉપકારના બોજા હેઠળના દેશો આવી બાબતોનો સમાવેશ પોતાની સભ્યતા, સંસ્કૃતિ અને પર્યાપરણના ભોગે કરવા મજબૂર બને છે. આમ આખો દેશ પ્રત્યક્ષ રીતે વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય અને પરોક્ષ રીતે ગુલામ બની જાય છે.

જ્યારે એક દેશને વ્યાજને આટલા સખત પરિણામો ભોગવા પડે છે તો વિચારો આ વ્યાજઆધારિત અર્થતંત્રમાં લોકોની કેવી હાલત થતી હશે? આપણે અવારનવાર છાપામાં વાંચીએ છીએ કે ખેડૂતે આત્મહત્યા કરી, વેપારીએ આત્મહત્યા કરી, નોકરીયાતે આત્મહત્યા કરી વગેરે. આવી ઘણી આત્મહત્યાઓની પાછળ વ્યાજની સમયસર ચુકવણી ન થતી હોવાથી, ઉછીની રકમ સતત વધતી જતી હોવાથી અને ઉછીના પૈસા આપનારની અવિરત્ ધમકીઓ જવાબદાર હોય છે.

ઇસ્લામ વ્યાજને સંપૂર્ણપણે હરામ ઠેરવે છે. કુઆર્નમાં સ્પષ્ટ નિર્દેશ છે,

“પરંતુ જે લોકો વ્યાજ ખાય છે, તેમની સ્થિતિ તે વ્યક્તિ જેવી હોય છે, જેને શેતાને સ્પર્શ કરીને પાગલ કરી દીધી હોય, અને આ સ્થિતિમાં તેમના ફસાઇ જવાનું કારણ એ છે કે તેઓ કહે છે, ”વેપાર પણ છેવટે તો વ્યાજ જેવી જ વસ્તુ છે,” જો કે અલ્લાહે વેપારને હલાલ (વૈધ) કરેલ છે અને વ્યાજને હરામ (અવૈધ). તેથી જે વ્યક્તિને તેના રબ તરફથી આ ઉપદેશ પહોંચે અને ભવિષ્યમાં તે વ્યાજખોરીથી દૂર રહે, તો જે કંઈ તે પહેલા ખાઈ ચૂકયો, તે ખાઈ ચૂક્યો, તેનો મામલો અલ્લાહને હવાલે છે; અને જે આ આદેશ પછી ફરી આ જ કૃત્યનું પુનરાવર્તન કરે તે જહન્નમી છે, જ્યાં તે હંમેશા રહેશે. અલ્લાહ વ્યાજને તમામ બરકતો (વૃદ્ધિ, ઉન્નતિ અને સમૃદ્ધિ)થી વંચિત કરે છે અને દાનને વૃદ્ધિ આપે છે, અને અલ્લાહ કોઈ અપકારી અને દુરાચારી વ્યક્તિને પસંદ કરતો નથી.” (સૂરઃબકરહ–૨૭૫-૨૭૬)

ઇસ્લામ લોકોને માલ-દોલતને પ્રેમ કરવાથી રોકે છે. કેમકે જેને માલથી પ્રેમ હશે તે આપોઆપ લોભી અને તકસાધુ બની જશે. લોકોની મજબૂરીમાં કામ આવવાને બદલે તે તેની મજબૂરીને તક ગણી ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. જ્યાં સુધી ધંધા માટે પૈસા ઉછીના આપવાની બાબત છે તો તેને ઇસ્લામ જોખમ લેવાની શરતે હલાલ ઠેરવે છે. ‘મુશારેકા’, ‘મુરાબહા’, ‘મુદારબા’, ‘ઇજારા’ વગેરે ઇસ્લામિક બેંકિંગના વિવિધ પ્રોડક્ટ્સ છે જેમાં શરીઅતે બન્ને પક્ષકારો (પૈસા આપનાર અને પૈસા લેનાર)ની જોખમ, કૌશલ્ય અને ધંધાના પ્રકારના હિસાબે ન્યાય કર્યો છે. ઇસ્લામી શરીઅતમાં લોભ, લાલચ અને મજબૂરીના લાભને કોઈ સ્થાન નથી.

વ્યાજને સંપૂર્ણ અને અવૈકલ્પિક સમજનારા લોકો દુનિયામાં એક નજર નાંખીને જુએ તો તેમને સમજાશે કે લોકોની ગરીબી, બેરોજગારી અને દુઃખોની પાછળ વ્યાજનો ખૂબ મોટો ભાગ છે. કેટલાક દેશોએ ઇસ્લામી શરીઅતના નિયમો અને ઉત્પાદકોને ભેદભાવ અને દ્વેષી ચશ્માઓ પહેર્યા વગર જોયા તો તેમને ફાયદાકર લાગી. તેથી તેમણે પોતાના દેશોમાં ઇસ્લામિક બેંકિંગના નામે એક વિકલ્પ રજૂ કર્યો અને તેના ફાયદાઓ લોકોને અને અર્થવ્યવસ્થાને મળી રહ્યા છે. આ દેશોમાં મુસ્લિમ હસ્તકના દેશો સિવાય ફ્રાંસ, જર્મની, યુ.કે. અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

દુનિયાના બીજા દેશોએ પણ ઇસ્લામી બેંકિંગ અને શરીઅત કોમ્પ્લાયન્ટ પ્રોડક્ટ્સની સમજ હાંસલ કરી તેમાં રોકાણ કરવું જોઈએ અને પોતાના નાગરિકોને વ્યાજ આધારિત બેંકિંગ વ્યવસ્થાના વિકલ્પ સ્વરૃપે ઇસ્લામિક બેંકિંગ કે વ્યાજરહિત બેંકિંગ અમલમાં મુકવી જોઈએ. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments