Thursday, January 2, 2025
Homeસમાચારઉદ્યોગસાહસિકતા ઉપર વર્કશોપનું થયેલ આયોજન

ઉદ્યોગસાહસિકતા ઉપર વર્કશોપનું થયેલ આયોજન

 સ્ટૂડન્ટ્‌સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત ઝોન અને જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ‘આશિયા ઇંગ્લિશ સ્કૂલ’, દાણીલીમડા, અહમદાબાદ મુકામે  “નવા અને અજાણ્યા વિચારો પર આધારિત વ્યક્તિગત વ્યવસાય” એટલે Entrepreneurship Workshopનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો આશય મુસ્લિમ ઉમ્મતમાં સ્વતંત્રતા અને સ્વનિર્ભરતા, મહેનત અને જોખમ ઉઠાવવાની ભાવના બળવત્તર બને અને એન્ટરપ્રિન્યશીપના ચાલકબળો ઉપલબ્ધ કરાવવાનો હતો.

એન્ટરપ્રિન્યરશીપ વર્કશોપમાં રાજ્યભરમાંથી લોકોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં ઉદ્યોગસાહસિકતાઃ હેતુ, ઉદ્દેશ્ય અને પદ્ધતિઓ, ઉદ્યોગસાહસિકતા માટે પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.નો અભિગમ, સ્ટાર્ટઅપઃ પરિણામ અને પડકારો, વિકાસશીલ વિચાર માટે માર્ગદર્શન, ઉદ્યોગસાહસિક સ્પર્ધાત્મક વિચારો અને શિક્ષણ પ્રણાલી, ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓના પડકારો, ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સરકારની નીતિઓ જેવા વિવિધ વિષયોને નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સહભાગીઓએ ધ્યાનપૂર્વક આ એક દિવસીય વર્કશોપમાં ભાગ લઈ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

વર્કશોપમાં બિ. ઉમર મનસૂરી (પ્રદેશ અધ્યક્ષ. એસ.આઈ.ઓ., ગુજરાત), ડો. અબરાર અલી સૈયદ (આસિસ્ટન્ટ પ્રોફેસર, અહમદાબાદ યુનિવર્સિટી), મુનવ્વર હુસૈન (પ્રદેશ સચિવ, એસ.આઈ.ઓ. ગુજરાત), શાહનવાઝ અશરફ (રિસર્ચ સ્કોલર, એન્ટ્રપ્રિન્યરશીપ ડેવેલપમેન્ટ ઓફ ઇન્ડિયા), સોહેલ સાચોરા (સેલ્સ અને માર્કેટીંગ પ્રોફેશનલ), અબ્દુસ્સલામ વહોરા (જી.એસ.ટી. ઓફિસર, ગુજરાત સરકાર), લઈક અહમદ ખાન (મેમ્બર, રાષ્ટ્રીય સલાહકાર સમિતિ, એસ.આઈ.ઓ.), ચંદ્ર મોલી પાઠક (આંતરરાષ્ટ્રીય એન્ટ્રપ્રિન્યરશીપ નિષ્ણાત અને સલાહકાર) અને વાસિફ હુસૈન (સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એસ.આઈ.ઓ.ના પ્રદેશ અધ્યક્ષ ઉમર મનસૂરીએ જણાવ્યું હતું કે “મુસ્લિમ યુવાનો પોતાને માઈનોરીટીમાં ન ગણે. મુસ્લિમ સમુદાય ભારતમાં બીજા વિશાળ જનસમૂહ છે. તે પોતાનામાં ઉદ્યોગસાહસિકતા કેળવી દેશના નિર્માણ માટે સાધન-સંસાધન ઉપલબ્ધ કરાવી શકે છે.”

અધ્યક્ષીય પ્રવચનમાં જનાબ વાસિફ હુસૈન જે જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાતના સેક્રેટરી છે, “જણાવ્યું કે શિક્ષિત નવયુવાનો અને વિવિધ આધુનિક શિક્ષણ-જ્ઞાન અને કળાના નિપૂણ વિદ્યાર્થીઓ માત્ર નોકરી શોધવાના બદલે નવા વ્યવસાયિક સંસ્થાનો અને તેના સંબંધિત સેવાઓ આપવા તત્પર થાય. તેથી તેઓ સ્વયં નિર્ભરતા, બીજા લોકો માટે રોજગારની ઉપલબ્ધી અને મુસ્લિમ ઉમ્મતની આર્થિક મજબૂતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે. ઉલ્લેખનીય છે કે આવા નવયુવાનો પોતાની અસરોનું બહોળું વર્તુળ ધરાવે છે અને સામાજિક-રાજકીય દબાણ ઉત્પન્ન કરી શકે અને ઇસ્લામી ઘણી બધી જરૂરતને પૂરી કરવા માટે સાધનો-સંસાધનો પણ ઉપલબ્ધ કરાવી શકે છે. વધુમાં જણાવ્યું કે ભારત સરકારના વિવિધ ખાતાઓ અને ઉમ્મતની ઘણી સંસ્થાઓ પણ આ સંબંધે જરૂરી જાણકારી, યોગ્યતાઓનું વળતર, કળા, કૌશલ્ય બાબતે સલાહ, માર્ગદર્શન અને જરૂરી સાધનો પૂરા પાડે છે. જેનાથી ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ.”

વર્કશોપના અંતે એવી ઘોષણા પણ કરવામાં આવી કે નજીકના ભવિષ્યમાં એસ.આઈ.ઓ. ગુજરાત દ્વારા ’ઉદ્યોગસાહસિકોનું સેલ’ પણ બનાવવામાં આવશે. સમગ્ર વર્કશોપનું સંચાલન બિ. જાવેદઆલમ કુરૈશીએ સફળતાપૂર્વક કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments