ઝાડું ઝંઝાવાતની માફક કોંગ્રેસ પર ફરી વળી. મીડિયા, પોલીટીકલ પાર્ટીઓ કે ખુદ આપ પણ દિલ્હી વિધાનસભાના પરિણામોથી આશ્ચર્યચકિત થઇ ગયું. આ ‘અસાધારણ’ ઘટના નાગરિકોના બન્ને મુખ્ય પક્ષો પ્રત્યે પ્રવર્તી રહેલ અસંતોષની લાગણીને છતિ કરે છે. કોંગ્રેસ કે ભાજપ, બન્ને પક્ષો પ્રજાના મૂળભૂત પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ નિવડ્યા છે. બન્ને પક્ષોનેે પ્રજાએ અજમાવી જોયા. આમ આદમી પાર્ટીનો ભ્રષ્ટાચાર વિરોધી તેમજ સ્વરાજનો નારો પ્રજાલક્ષી હોઇ તેમાં લોકોને આશાનું કિરણ દેખાયું. ‘આપે’ ચૂંટણી ઢંઢેરામાં બીજા રાજકીય પક્ષોની જેમ લેપટોપ, ટીવી, અનામત કે મંગળશુત્ર આપવાની લોભલાલચ આપવાને બદલે વિજળી, પાણી, સ્કૂલ, આંગણવાડી વગેરે પાયાની જરૂરીયાતો પુરી પાડવાનું વચન આપ્યું.
મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના ત્રણ જ દિવસમાં અરવિંદ કેજરીવાલે વિજળી અને પાણીનું વચન પુરું પાડ્યું. આ ઘટનાઓ ખુબજ ઝડપથી બની ગઇ. વર્ષ ૨૦૧૩માં પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં અરવિંદ કેજરીવાલ સ્થાન પામી ગયા. ભારતીય રાજકારણમાં અત્યાર સુધી ચૂંટણી જાતિવાદ, પ્રદેશવાદ, કોમવાદ, વંશવાદ વગેરે મુદ્દાઓ પર લડાઇ છે. જ્યારે આપએ આ ગંદા રાજકારણને પડકાર ફેંક્યું છે અને તેમણે મૂળભૂળ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને જે મુદ્દાઓ બનાવ્યા છે તે અદ્ભુત છે. અત્યાર સુધી આપનું વલણ સેક્યુલર રહ્યું છે, રાષ્ટ્રીય સ્તરે આ વલણ બદલાય છે કે કેમ તે જોવું રહ્યું.
મુખ્યમંત્રી બન્યા પછી તરત જ લોકસભાની ચૂંટણીઓમાં ઝુકાવવાનો બ્યુગલ ફુંકીને કેજરીવાલે દેશમાં બનનારી આગામી સરકારમાં નવા સમીકરણો ઉમેરી દીધા છે. બુદ્ધિજીવીઓ, વિવેચકો અને લેખકો કેજરીવાલ દેશના વડાપ્રધાન બને તો નવાઇ ન પામવાનું જણાવી રહ્યા છે. તેથી દેશની વડાપ્રધાનની ખુરશી પર બિરાજવા થનગની રહેલા કેટલાક નેતાઓના પેટમાં તેલ રેડાય તે સ્વભાવિક છે. આવા નેતાઓમાં મોખરાનું સ્થાન ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રીનું હૃદય ધબકારું ચુકી ગયું હશે અને પગતળે ભુંકપની પરિસ્થિતિ સર્જાઇ હશે. કેજરીવાલના સુર્યોદય પહેલા દિલ્હીનું સિંહાસન હાંસલ કરવું કદાચ તેમના માટે આસાન હતું. કારણ કે યુ.પી.એ. સરકારના અત્યાર સુધીના સમયગાળામાં બિલાડીના ટોપની માફક કૌભાંડો ઉગી નિકળ્યા છે. આ કૌભાંડોનો જવાબ આપવા (કે જવાબ વાળ્વા?) કોંગ્રેસનો કોઇ નેતા સક્ષમ નથી. દેશના વડાપ્રધાન જાહેર વક્તા નથી. આર.બી.આઇ. અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓમાં સેવાઓ આપી ચુકેલા ડૉ. મનમોહનસિંહ (કે મનમૌન સિંહ?) પાસે એક રાજકારણી બોલે તેમ બોલવાની અપેક્ષા રાખવી જ કદાચ મુર્ખામી ગણાશે. ‘રાહુલ ક્યારેય પરિપક્વ રાજકારણી બનશે?’ આ પ્રશ્ન જ કોંગ્રેસીઓની ઊંઘ હરામ કરે છે. છાશવારે પોતાના વક્તવ્યોમાં પોતે બાફી મારે છે અને સામે ચાલીને વિરોધી નેતાઓને પોતાની સભાઓ ગજવવાનો મોકો આપે છે. દિગ્વીજયનો ‘બોલે નહીં તો શું કરે?’ જેવા ઘાટ છે. તેથી તેમની કોઇ નોંધ લેતુ નથી. બાકીના નેતાઓનો રીમોટનો બટન સોનિયા ગાંધી પાસે છે, તેઓ તેટલું જ બોલે છે જેટલું મેમનું ફરમાન હોય.!!! આમ સરવાળે કોંગ્રેસની હાલત અત્યંત કફોડી છે.
બીજી તરફ ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર એવા નરેન્દ્રમોદી કોંગ્રેસની આ કફોડી હાલતનો પૂરો ફાયદો ઉઠાવી લેવાનો પુરતો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રત્યે પ્રજાનો જાકારો સ્પષ્ટ જણાઇ રહ્યો છે. જેનો સીધો લાભ. ભાજપને મળે તેવી તેમની ગણતરી છે. બીજું, દેશનો ઉદ્યોગજગત જેમાં અંબાણી અને તાતા જેવા જાયન્ટ કોર્પોરેટ્સનો સમાવેશ થાય છે, ઇચ્છે છે કે મોદી વડાપ્રધાન બને. આ મૂડીવાદીઓને સસ્તામાં સરકારી જમીન પથરાવી દેવાના દાખલાઓ ગુજરાતમાં બન્યા છે જેમકે તાતાનો નેનો પ્લાન્ટ (કે જેને પશ્ચિમ બંગાળના સીંગુરમાંથી ખદેડી દેવામાં આવ્યું હતું અને સામે ચાલીને ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની ઓફર કરી હતી) અને નિરમાને જમીનની ફાળવણી વગેરે. નમોની આ ઉદારવાદી નીતિ મૂડીવાદીઓ માટે લાભદાયી છે. ત્રીજું, મીડિયાએ જોરદાર રીતે નમોને વધાવ્યો છે તેમની આત્મ વિશ્વાસથી ભરપૂર વાક્છટા ભલભલાને મોહિત કરે છે. ચોથું, પોતાની જાતને એટલી હદે પ્રસ્તુત કરે છે કે લોકમાનસ પર તેમની છબી અંકિત થઇ જાય. સરકારી વિભાગો દ્વારા આપવામાં આવતી જાહેરાતોમાં મુખ્યપ્રધાનનો ફોટો ન હોય તેવું ભાગ્યે જ બને છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને શ્રમ, ખેલકૂદ વગેરે વિજ્ઞાપનોમાં મોદી અચુક જોવા મળે છે. કોઇ મુખ્યપ્રધાને આટલા ફોટા પડાવ્યા હોય તેવું સ્વતંત્ર ભારતમાં પહેલા ક્યારેય નહી ં બન્યું હોય.!!!
કેજરીવાલના આગમનથી મોદીની સડસડાટ જતી ગાડી પર અચાનક બ્રેક લાગી છે. કેજરીવાલ આઇ.આઇ.ટી. ખડગપુરથી એન્જીનિયરીંગનો અભ્યાસ પુર્ણ કરીને આઇ.આર.એસ. (ઇન્ડિયન રેવન્યુ સર્વિસ) પાસ કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જોડાયા. શિક્ષણની રીતે જોઇએ તો દેશનો શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગ તેમની તરફ આકર્ષાય તે સ્વભાવિક છે. બીજું, તે ઇન્કમટેક્ષ કમિશનરની નોકરી છોડીને આવ્યા છે. રાજકારણમાં આ રીતે જોડાનાર લોકોને આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. તેથી તેમને કોઇ એમ ન કહી શકે કે રાજકારણમાં નસીબ અજમાવવા આવ્યા છે. રાજકારણમાં તેમનું કોઇ ઇતિહાસ નથી. હાલ પુરતુ તો એવું લાગી રહ્યું છે કે તે ખરેખર દેશ સેવા અર્થે જ રાજકારણમાં ઝંપલાવ્યા છે કરિયર બનાવવા નહીં. ત્રીજું તેમનો કોઇ ક્રિમીનલ રેકોર્ડ કે આરોપ નથી. ચોથું તેમની સાદગી, શાલીનતા અને શાંત સ્વભાવ. પાંચમું કોઇપણ પ્રકારની સુરક્ષા અને સગવડો લેવાનો ઇન્કાર કે જેથી સરકારી તિજોરીથી ભાર ન પડે અને સરકારી પૈસા પ્રજાલક્ષી કાર્યોમાં વપરાય. (કેજરીવાલ પહેલા આવી જ સગવડો નકારીને આમ આદમી તરીકે રહેનારાઓમાં ત્રીપુરા, ગોવા અને પશ્ચિમબંગાળના મુખ્યપ્રધાનોનો સમાવેશ થાય છે.) છઠ્ઠું, તેમના ચૂંટણીના મુદ્દાઓ : ભ્રષ્ટાચાર મુક્ત ભારત, વિજળી, પાણી, સ્કૂલ, આંગણવાડી જેવી પ્રાથમિક અને તર્કસંગત વસ્તુઓ આપવાની વાત. આ તમામ બાબતો એટલી સકારાત્મક છે કે બન્ને મુખ્ય પક્ષોના જુઠ્ઠાણાંથી ત્રસ્ત પ્રજા તેમને એકવાર મોકો આપ્યા વગર નહીં રહે.
‘આપ’ સમક્ષ કેટલાક પડકારો છે જેનો સામનો ખુબ જ હોશીયારીથી કરવો પડશે. જેમ કે મુખ્યપક્ષો દ્વારા ફેંકાયેલા અને રાજકારણમાં પોતાના કરીયર બનાવવા પ્રયાસો કરનાર લોકોને પક્ષમાં પ્રવેશતા અટકાવવો જોઇએ, કાંતો મહત્વના હોદ્દાઓ સોંપવા ન જોઇએ, વિવાદીત મુદ્દાઓ પર પોતાનો વલણ સ્પષ્ટ કરે કે જેથી નાગરીકોને તેમની માનસિક્તા સમજાય, પક્ષમાં એકલા કેજરીવાલ નહિં આવે તેમના જેવી સ્વચ્છ છબી અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકોને જ પક્ષમાં જોડવો જોઇએ કે જેથી પક્ષની છાપ ખરડાય નહિં.
દિલ્હીમાં આપની સરકારના મંત્રીઓ રીક્ષામાં ફરી રહ્યા છે અને લોક દરબાર યોજીને પ્રજાના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને તેનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે. આ કોઇ નાનીસુની વાત નથી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવી ઘટના કદાચ આજ દિન સુધી નથી બની. તેમની કાર્ય કરવાની આ જ શૈલી જો ભવિષ્યમાં પણ રહી તો દેશની દશા અને દિશા બદલાતા વાર નહીં લાગે.
‘કોમનમેન’ તરીકે પોતાને પ્રસ્તુત કરતા ગુજરાતના મુખ્યપ્રધાનની વાત કરીએ તો તેઓ VVIP નહીં પરંતુ VVVVVIP તરીકેની ટ્રિટમેન્ટ ભોગવે છે. ઝેડ-પ્લસ સિક્યુરીટી સાથે જાહેરમાં નિકળતા આ નેતા હેલીકોપ્ટરમાં ફરે છે. રાંચી, બેંગ્લોર, દિલ્હી કે મુંબઇ બધે પોતાના હેલિકોપ્ટરમાં જ જવાનું.! સાહેબ જ્યાંથી પસાર થાય છે તેની આસપાસના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવતા બધા જ મોબાઇલ ચોકઅપ કરી નાંખવામાં આવે છે. રેલીઓમાં ગર્જનાઓ કરીને ‘મહાગર્જના રેલી’ નામ પાડીને કોઇ બહાદુર નથી થઇ જતો. જાહેર સ્થળે ઝેડ-પ્લસ સેક્યુરીટી વગર નહીં નિકળવાનું કોઇ બહાદુરને શોભે??? મોતનો ડર શાનો??? આ નેતા પર ગોધરા પછીના રમખાણઓ ભડકાવવાનો આરોપ પણ છે.
પ્રજાએ કોમન મેન અને આમ આદમી વચ્ચે ભેદ પારખવાનો સમય પાકી ગયો છે. પ્રજાએ વિચારવાનું છે કે તેને સ્વચ્છ છતિ ધરાવતા ઇમાનદાર નેતાઓની જરૃર છે કે ભોગવિલાસમાં રાચતા નેતાઓની જરૃર છે. પ્રજાએ નક્કી કરવાનું છે કે તે હમણાં પણ એ જ પરંપરાગત જાતિવાદ, વંશવાદ, પ્રદેશવાદ, ભાગલાવાદ કે કોમવાદના નામે પોતાનું તુષ્ટિકરણ થતું ચાલુ રાખશે કે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મૂળભૂળ અને માળખાકીય સુવિધાઓના વચનો અને કાર્યોને આધારે મત આપીને અટકાવશે. પ્રજાએ બતાવવાનું છે કે તેમને મુર્ખ સમજતા રાજકીય પક્ષો તેમની ભાવનાઓ અને આશાઓની સાથે રમત હવે નહીં કરી શકે, લોકશાહીમાં દેશમાં તેમના જેટલી તાકાત બીજા કોઇમાં નથી. પ્રજાએ જોવાનું છે કે તેમના પૈસો તાગડધિન્ના કરનારા, સરકારી તિજોરી અને મશીનરીનો દુરૃપયોગ કરનારા, તેમની જમીન પરનો તેમનો હક્ક છિનનારા, તેમને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરેઆમ નિષ્ફળ જનારા, કૌભાંડો આચરીને કરોડો રૃપિયા ચાંઉ કરનારા, સત્તા મળી જતા મનમાની કરવાનો છૂટો દૌર મળી ગયો હોય તેમ વર્તનારા સત્તા પર આવે છે કે તેનાથી દૂર રહે છે? દેશને ‘કોમનમેન’, ‘આમઆદમી’ કે ‘આમઆદમીને સાથ’ આપનારની જ જરૂરી છે. ફકત કહેવાથી કે નામ રાખવાથી નહીં ચાલે પરંતુ કામ કરીને બતાવવું પડશે કે તેઓ ખરેખર શું છે?