નવી પેઢીના ઘડતર માટે શિક્ષણ-પ્રશિક્ષણ-સંસ્કારની જરૂર: શકીલઅહમદ રાજપૂત
અહમદાબાદ,
વિદ્યાર્થી સંગઠન એસ.આઈ.ઓ., અહમદાબાદના સહયોગથી ‘હોપ સ્ટૂડન્ટ્સ વેલફેર સેન્ટર’ નું તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મકબૂલ અનારવાલા સાહેબ (નિવૃત્ત IPS અધિકારી, રાષ્ટ્રીય પ્રમુખ – સોસાયટી ફોર બ્રાઈટ ફ્યુચર)ને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શકીલ રાજપૂત સાહેબ (પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ – ગુજરાત), વાસીફ હુસૈન સાહેબ (સ્થાનિક પ્રમુખ, જમાઅતે ઇસ્લામી હિંદ, અહમદાબાદ પૂર્વ) અને જાવેદ કુરેશી (પ્રદેશ પ્રમુખ – SIO ગુજરાત) જેવા મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં. વાસીફ હુસૈન દ્વારા કુર્આન પઠન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમણે તેમના વક્તવ્યમાં કુર્આન અને હદીસના પ્રકાશમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. જાવેદ કુરેશીએ ઉદ્ઘાટન પ્રવચન આપ્યું હતું અને SIO ના શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતા કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ જાવેદ અખ્તર (ઈન્ચાર્જ, હોપ સ્ટૂડન્ટ્સ વેલ્ફેર સેન્ટર) દ્વારા આ નવીન સ્થપાયેલ સ્ટૂડન્ટ્સ સેન્ટરનું પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી પૂરી પાડવામાં આવી. તેમણે વિદ્યાર્થી કેન્દ્રનો પરિચય, વિવિધ પ્રવૃત્તિઓ અને સુવિધાઓ તેમજ તેનુ વાર્ષિક બજેટ ટૂંકમાં સમજાવ્યું.
મુખ્ય મહેમાન મકબૂલ અનારવાલા સાહેબે એક ઉત્તમ પ્રેરક ભાષણ આપ્યું અને સમગ્ર દેશમાં આવા વિદ્યાર્થી કેન્દ્રોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ‘હોપ સ્ટૂડન્ટ્સ વેલફેર સેન્ટર’ દ્વારા કરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી. અધ્યક્ષીય સ્થાને શકીલ રાજપૂત સાહેબે વિદ્યાર્થીઓને દીનના જ્ઞાનની સાથે વધુમાં વધુ શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા જેથી તેઓ જ્યાં પણ કામ કરે ત્યાં ઇસ્લામના સારા પ્રતિનિધિ બની શકે. અંતે પ્રોજેક્ટ હેન્ડબુક લોન્ચ કરવામાં આવી હતી, જે કેન્દ્રના આયોજન અને ઉદ્દેશ્યોને વ્યાખ્યાયિત કરે છે. સાજીદ પઠાણ (યુનિટ પ્રેસિડેન્ટ, SIO સુંદરમનગર) દ્વારા આભાર વિધિ સાથે કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો.