Thursday, November 21, 2024
Homeપયગામપાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે શું ?

પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે શું ?

દેશના પાંચ રાજ્યોના ચુંટણી પરિણામો આવી ગયા છે જેમાં ૪ રાજ્યોમાં બીજેપી એ વિજય મેળવ્યો છે. આ ભાજપની જીત નથી, નફરતની જીત છે અને સેક્યુલર પાર્ટીઓની હાર નથી, બલ્કે બેરોજગારી, મોંઘવારી, વ્યવસ્થાતંત્ર, હાથરસ, લખીમપુર, ન્યાય અને શાંતિની હાર છે. આ રાજ્યોમાં સૌથી વધુ જે રાજ્યની ચર્ચા હતી તે છે ઉત્તરપ્રદેશ. ઉત્તરપ્રદેશમાં પણ યોગી સરકાર ચુંટણી જીતવામાં સફળ થઇ છે. યોગી સરકાર ૨૦ ટકા વિરુદ્ધ ૮૦ ટકાનું સૂત્ર ઉપજાવી હિંદુ વોટને આકર્ષવામાં સફળ રહી. ભાજપને મત આપનારાઓમાં ત્રણ પ્રકારના લોકો છે. એક તે લોકો છે જેમને ઇસ્લામ અને મુસલમાનો વિશે ખોટી માહિતી પીરસવામાં આવી છે. જેના કારણે તેઓગેરસમજના શિકાર છે અને તેમનામાં મુસલમાનો પ્રત્યે નફરત અને ધિક્કારની લાગણી પેદા થઇ ગઈ છે. આ લાગણીઓને મતોમાં પરિવર્તિત કરવામાં ભાજપ નિપુણ છે. સત્તા મેળવવા અને તે પછી સતત સત્તાનું સાતત્ય જાળવી રાખવા માટે તેઓને હિંદુઓને એક કરવા જરૂરી છે. ભાજપની માતૃ સંસ્થાનું જે લક્ષ્ય છે, તે હિંદુ રાષ્ટ્રની સ્થાપના છે. એટલે તેઓ મનુસ્મૃતિમાં વર્ણવેલ વર્ણવ્યવસ્થા મુજબ સમાજનું નવનિર્માણ કરવા માંગે છે.વર્ણવ્યવસ્થા માં એવું કોઈ આકર્ષણ નથી કે જેથી તેઓ સ્પષ્ટ રીતે તેનો પ્રસાર કરી પોતાના લક્ષ્યને પામી શકે, કેમકે તે ઊંચનીચ અને ભેદભાવ પર આધારિત છે. અને સ્વતંત્ર ભારતનું બંધારણ પણ સૌને સમાન નાગરિક તરીકે સ્વીકારે છે. જે તેમના માટે અડચણરૂપ છે.આવી પરિસ્થિતિમાં તેમની પાસે એકમાત્ર માર્ગ આ છે કે તેઓ તમામ હિન્દુઓને એકત્ર કરવા મુસ્લિમોને શત્રુ તરીકે ચીતરે. ભારતમાં જે મુસ્લિમો છે તેઓ બહારથી આવેલા ઘુસણખોર નથી. અને રાષ્ટ્ર પ્રત્યે તેમની વફાદારી દર્શાવવા કોઈ પુરાવાની પણ જરૂર નથી, સ્વતંત્રતા સંગ્રામનું દરેક પૃષ્ટ તેમની કુરબાનીની ગાથાઓથી ભરેલું છે.લોકમાનસને ગેરમાર્ગે દોરવા આર.એસ.એસ અને બીજેપી નફરત,દુષ્પ્રચાર અને ખોટી માહિતીનો સાધન તરીકે ઉપયોગ કરે છે. તેઓ સફળ થાય કે ન થાય પરંતુ તેઓ મુસ્લિમ ભય અને તેમના પ્રત્યે નફરતની ભાવના દૃઢ કરવામાં સફળ થયા છે. અને આ વસ્તુ નરી આંખે જોઈ શકાય છે. આર.એસ.એસ એ જે પીચ તૈયાર કરી છે અને જાણે અજાણે બીજી પાર્ટીઓ પણ તે મુજબ રમવા મજબુર છે અને તેથી જ કહવાતી સેક્યુલર પાર્ટીઓ પણ સોફ્ટ હિન્દુત્વનો સહારો લે છે. અથવા મુસ્લિમ મુદ્દાઓને નજર અંદાજ કરે છે.હિંદુ મુસ્લિમ ખાઈ ઉભી કરવા તેઓ ગમે તે કરી શકે છે અને ગમે તે હદે જઈ શકે છે. મુગલ ઈતિહાસ, મુસ્લિમ તુષ્ટીકરણ,તલાક, લવ જિહાદ,ગોહત્યા,રમખાણ, જનસંખ્યા વિસ્તરણ, આંતકવાદ, હિજાબ વગેરે અનેક મુદ્દાઓ તેઓ અવારનવાર ઉઠાવતા રહે છે. જો વાસ્તવમાં દેશવાસીઓને દેશની ચિંતા હોત તો તેઓ એક એવી પાર્ટીને ફરી અવસર ન આપત કે જે દરેક ક્ષેત્રમાં નિષ્ફળ પુરવાર થઇ છે.પાર્ટીઓને દેશની ચિંતા કરતા સત્તાની ચાસણી ચાટવાની લાલસા છે તેથી તેઓ ગઠબંધનમાં પણ તેનું ધ્યાન રાખે છે કે તેનાથી નાની પાર્ટીઓને કોઈ લાભ ન થાય. પોતાની જાત પર લાગેલા આરોપોથી પવિત્ર થવા કેટલાક નેતા બીજેપીને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદરૂપ થાય છે.

ઉત્તરપ્રદેશના પરિણામો કોઈ અંતિમ ગલી નથી. તમામ પાર્ટી અને સમુદાયોને આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે. સત્તારૂઢ પાર્ટી સત્તામાં હોવા છતાં ૫ વર્ષ સુધી પ્રસાર કાર્યમાં વ્યસ્ત રહે અને અને વિપક્ષ કે બીજી પાર્ટીઓ ચુંટણીનું બ્યુગલ ફૂંકાવા પછી મેદાનમાં આવે છે. પરિણામો જે આવ્યા હોય પરંતુ પરિસ્થિતિ નિરાશાજનક નથી. એસ.પીએ સારી વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. મુસ્લિમ મતોનું ખુબજ ઓછું વિભાજન થયું છે. અને એક મજબુત વિપક્ષ ઉભો થયો છે.

સંઘર્ષ માત્ર રાજનૈતિક સ્તરેજ નથી બલકે સામાજિક સ્તરે પણ છે. સામાજિક સ્તરે કોઈ પરિવર્તન ન આવે તો રાજનૈતિક સ્તરે કોઈ બદલાવ અશક્ય છે. બીજેપી માત્ર મીડિયા અને ઇ વિ એમની શક્તિથી જ વિજય મેળવતી નથી. આર.એસ.એસ. અને તેની ભગીની સંસ્થાઓનું પીઠ બળ તેને પ્રાપ્ત છે.તેમની કેડર ગ્રાઉન્ડ સ્તરે ફેલાયેલ છે. જ્યાં સુધી કાંગ્રેસનું સેવાદળ મજબુત હતું તે પણ મજબુત હતી.સેક્યુલર પાર્ટીઓને વ્યક્તિકેન્દ્રી અને પરિવાર લક્ષી માનસિકતા થી બહાર આવવાની અને પોતાની ભૂલોથી બોધ ગ્રહણ કરી આગળની રણનીતિ બનાવવાની જરૂર છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં એકમાત્ર વિકલ્પ છે ગઠબંધનની રાજનીતિ કરવી અને નાના પક્ષો અને નાગરિક સમાજની પ્રતિકાર ચળવળની મદદથી ભાજપને ચૂંટણીમાં નિષ્ફળ કરવું .મુસલમાનોને સામાજિક સ્તરે દેશબાંધવો સાથે મોટા પાયે સંપર્ક ઉભા કરી ગેરસમજો દૂર કરવાની જરૂર છે.

સૌજન્ય: શાહીન સાપ્તાહિક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments