હઝરત ઉમર બિન ખત્તાબ રદી.ની રિવાયત છે કે એક દિવસે અમે રસૂલુલ્લાહ સ.અ.વ.ની સેવામાં હાજર હતા ત્યાં અચાનક એક માણસ અમારી સામે આવ્યો જેના કપડાં અત્યંત સફેદ અને વાળ કાળાભમ્મર હતા, તેના ચહેરા ઉપર ન તો મુસાફરીનાં ચિહ્નો વર્તાતાં હતાં અને ન અમારામાંથી કોઇ તેને ઓળખતું જ હતું. છેવટે તે નબી સ.અ.વ. પાસે બેસી ગયો અને તેણે પોતાના ઘૂંટણ આપ સ.અ.વ.ના ઘૂંટણ સાથે અડાડી દીધા અને પોતાના બંને હાથ આપ સ.અ.વ.ની જાંઘો ઉપર મૂકી દીધા. પછી કહેવા લાગ્યો, “હે મુહમ્મદ! મને ઇસ્લામ વિશે બતાવો”. આપ સ.અ.વ. એ ફરમાવ્યું, “ઇસ્લામ એ છે કે તું સાક્ષી આપ કે અલ્લાહ સિવાય બીજો કોઇ ઉપાસ્ય નથી અને મુહમ્મદ અલ્લાહના રસૂલ છે. અને તું નમાઝ પઢે, ઝકાપ આપે, રમઝાનના રોઝા રાખે અને તું બયતુલ્લાહની હજ્જ કરે, જો તું તેના રસ્તાનું સામર્થ્ય ધરાવતો હોય.” તેણે જવાબ આપ્યો, “આપે સાચું કહ્યું”. અમને આ જોઇ આશ્ચર્ય થયું કે આપ સ.અ.વ.ને સવાલ પણ કરે છે પછી આપ સ.અ.વ.નું સમર્થન પણ કરે છે. ત્યાર પછી તેણે કહ્યું ઃ “મને ઈમાન વિશે બતાવો”. હૂઝુર સ.અ.વ.એ ફરમાવ્યું, “(ઈમાન એ છે કે) અલ્લાહના ફરિશ્તા, તેના ગ્રંથો, તેના રસૂલો અને આખિરતના દિવસ ઉપર અને સારી અને ખરાબ તકદીર ઉપર ઈમાન લાવે.” એ માણસે કહ્યું ઃ “આપે સાચું કહ્યું”. પછી બોલ્યો, “મને એહસાન (ખૂબીવાળા કામ) અંગે બતાવો”, તો આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “(અહસાન એ છે કે) તું અલ્લાહની ઇબાદત એવી રીતે કરે જાણે તું તેને જોઇ રહ્યો છે, જો તું તેને જોતો નથી તો તે તને જોઇ રહ્યો છે”. તેણે ફરી કહ્યું, “મને ક્યામત વિશે જણાવો.” આપ સ.અ.વ. એ ફરમાવ્યું, “જવાબ આપનાર પૂછનાર કરતાં વધુ નથી જાણતો”. પછી તેણે કહ્યું, “મને તેનાં ચિહ્નો વિશે જણાવો”, આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “(નિશાની આ છે કે) દાસી (લોંડી) પોતાની માલકણને જન્મ આપશે અને તું ઉઘાડપગા અને ઉઘાડા શરીરવાળા કંગાળો અને ભરવાડોને જોશે કે તેઓ મોટી ઇમારતોમાં બેસી ઇતરાશે.” ઉમર રદી.એ ફરમાવ્યું કે ત્યાર બાદ તે જતો રહ્યો અને હું ઘણી વાર સુધી રોકાયો. પછી હૂઝુર સ.અ.વ.એ ફરમાવ્યું, “હે ઉમર! શું તમને ખબર છે કે પૂછનાર કોણ હતો?” મેં અરજપૂર્વક કહ્યું કે “અલ્લાહ અને તેનો રસૂલ બહેતર જાણે છે.” આપ સ.અ.વ. એ ફરમાવ્યું, “તે જિબ્રઇલ (અલૈહિસ્સલામ) હતા, તમારી પાસે આવ્યો હતો જેથી તમને તમારા દીનનું શિક્ષણ આપે.”
(મુસ્લિમની રિવાયત, મિશ્કાત, કિતાબુલઇમાન, પા.૩)
સમજૂતી:
આ હદીસમાં ‘ઇસ્લામ’, ‘ઈમાન’, અને ‘એહસાન’નો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
કુઆર્ન અને હદીસમાં જ્યાં પણ ઈમાન અને ઇસ્લામનો એક સાથે ઉલ્લેખ થયો છે ત્યાં ઈમાનનો અર્થ શ્રદ્ધા અને હૃદયપૂર્વકનું સમર્થન અને ઇસ્લામનો અર્થ તૌહીદ – એક ખુદાની માન્યતા – તથા રિસાલતના એકરાર અને ઇબાદતની બાહ્ય વિધિઓનું પાલન છે.
એહસાન શબ્દ ‘હુસ્ન’ ઉપરથી બન્યો છે જેનો અર્થ સુંદરતા છે. ઇબાદતોમાં સુંદરતા ત્યારે જ પેદા થઇ શકે જ્યારે માનસપટ ઉપર આ ચિત્ર અંતિક હોય કે આપણે અલ્લાહતઆલા સમક્ષ રૃબરૃ હાજર છીએ અને તેને જોઇ રહ્યા છીએ. આ ખ્યાલ જો માનવ ઉપર અંકિત ન થઇ શકે તો પણ એ હકીકતનો ઇન્કાર થઇ શકે નહીં કે અલ્લાહતઆલા આપણને જોઇ રહ્યો છે, તેની નજરથી બંદાનું કોઇ કાર્ય પણ છૂપું નથી.
‘દાસી પોતાની માલકણને જન્મ આપશે.’ આનો અર્થ આ છે કે ક્યામત નજીક આવી જશે ત્યારે સામાન્ય રીતે લોકો વચ્ચે અરસપરસ સહકાર, હમદર્દી અને સગાસંબંધીનો ખ્યાલ કરવાની ભાવનાને બદલે સ્વાર્થ તથા સગાંઓ સાથે સગાઇ કાપી નાખવાની રીત પ્રસરી જશે. વડીલોના આદર અને તેમનું આજ્ઞાપાલન કરવાની ભાવના નાબૂદ થઇ જશે એટલે સુધી કે પુત્રી જેને સ્વાભાવિક દૃષ્ટિએ માતા પ્રત્યે વધુ લાગણી હોય છે તેનું વર્તન પણ માતા સાથે એવું હશે જેમ માલકણ દાસી સાથે રાખે છે, જાણે માતાએ પુત્રીને નહીં બલ્કે પોતાની માલકણને જન્મ આપ્યો છે.
ઉઘાડપગા, ઉઘાડા ડાલે ફરતા કંગાળ અને ભરવાડોનો મોટી મોટી ઇમારતોમાં ગર્વ કરવાનો અર્થ એ છે કે જ્ઞાન અને સભ્યતાથી અજાણ અને શરાફત તથા નીતિમત્તાવિહીન લોકોને ત્યાં ધન-દોલતની રેલમછેલ હશે અને એકબીજાથી વધી જવાની અને આડંબરની ભાવના વધી જશે.