- અબ્દુર્રહમાન નૌફલ
માનવીનું અલ્લાહ તઆલાએ ઉચ્ચ હેતુ આધીન સર્જન કર્યું છે. કુર્આનમાં છેઃ “મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા કર્યા નથી કે તેઓ મારી બંદગી (ઉપાસના) કરે.” (સૂરઃઝારિયાત-૫૬). આ ધ્યેયની યાદ અપાવવી અને માનવ જીવન પર તેના ઇચ્છિત પ્રભાવો માટે તાલીમ અને સુધારણા (તર્બિયત અને તઝ્કિયા)નું શ્રેષ્ઠ આયોજન પણ કર્યું છે જે માનવોને વિવિધ તબક્કામાં તેમને તેમના જીવનના ધ્યેયથી નજીક રાખે છે. તર્બિયત અને તઝ્કિયાનું કામ એટલું મહત્ત્વનું છે કે અલ્લાહ તઆલાએ તેનો ઉલ્લેખ નબી સ.અ.વ.ને પયગંબર તરીકે અવતરિત કરવાના એક મહત્ત્વના હેતુ તરીકે કર્યો છે. તર્બિયત અને તઝકિયા જ માણસને સારો બનાવે છે. હા, એ વાત સાચી છે કે માનવીની શુદ્ધ પ્રકૃતિ હંમેશાં સારા કાર્યો અને નૈતિકતાને પસંદ કરે છે. પણ સાથે સાથે માનવીની આ નબળાઈ છે કે તે આ દુનિયાની જાહોજલાલીમાં એટલો ખોવાઈ જાય છે કે પોતાને કાબૂમાં રાખી શકતો નથી અને બૂરાઈઓ તરફ આકર્ષાઈ જાય છે, જેનું મુખ્ય કારણ છે જીવનનો હેતુ ગુમાવવો અને તેના કારણે માનવી ઘણીવાર નૈતિક અધોગતિનો ભોગ બને છે.
આજના અનુઆધુનિક યુગમાં, ધ્યેયવિહીનતા અને નૈતિક સંકટ માનવજાતની સામે આવતી મુખ્ય સમસ્યાઓ છે. આ બંને સમસ્યાઓના પરિણામે ઘણી બધી અન્ય સમસ્યાઓ અને ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેનો અનુભવ પહેલાંના માનવ સમાજે ક્યારેય કર્યો ન હતો.
ધ્યેયવિહીનતા અને નૈતિક સંકટની સૌથી મોટી અસરો યુવા પેઢીમાં જાેવા મળે છે, જેના પરિણામે યુવા પેઢી ચારેકોર ભટકવું, માદક દ્રવ્યોનો ઉપયોગ, જુગાર અને અન્ય અનેક નવા વ્યસનોમાં ફસાઈ રહી છે. યુવા પેઢીનું વ્યભિચાર તરફનું વલણ ઘણું વધી ગયું છે. આનું એક મુખ્ય કારણ સોશિયલ મીડિયા છે જેણે યુવા પેઢીને તમામ સુવિધાઓ પૂરી પાડી છે જે તેમને દુષ્ટતાની નજીક લાવી રહી છે. આ જ કારણ છે કે યુવાનો પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, રીલ્સ કલ્ચર સામાન્ય બની ગયું છે. આ જ સોશિયલ મીડિયાએ માનવ સંબંધોને પણ ખૂબ ગંભીર અસર કરી છે.
યુવાનોની સામાન્ય સમસ્યાઓમાં, જાતીય સમસ્યા પણ સૌથી મહત્ત્વપૂર્ણ સમસ્યા બની ગઈ છે. જેમાં બિન-મેહરમ સાથે બિનજરૂરી સંબંધો, સામાજિક શિષ્ટાચારનો અભાવ, નૈતિકતાની અવગણના અને પોર્નોગ્રાફી, અશ્લીલ ફિલ્મો જાેવા પ્રત્યે માનવીય ઉદાસીનતાના અભાવને કારણે વિજાતીય વ્યક્તિઓને ઑબ્જેક્ટિફાય કરવામાં આવી રહ્યો છે, હસ્તમૈથુન સામાન્ય બની રહ્યું છે અને પરિણામે જાતીય આવેગ વધી રહ્યો છે.
આ બધી સમસ્યાઓને જાેતાં નૈતિક શિક્ષણ અને તાલીમનું મહત્ત્વ બમણું થઈ જાય છે. અલ્લાહ તઆલાએ ઈમાનવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ અશ્લીલતા અને બૂરી વાતોના નિવારણ માટે પ્રયત્નો કરે.. ફરમાવ્યુંઃ “અલ્લાહ અદ્લ (ન્યાય) અને અહેસાન (ઉપકાર અને ભલાઈ) કરવા અને સગાઓ સાથે સદ્વર્તાવનો હુકમ આપે છે અને બૂરાઈ અને અશ્લીલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો.” (સૂરઃનહ્લ-૯૦)
અનુભૂતિ એ છે કે સંસાધનોની ઉપલબ્ધતા અને સમસ્યાઓની જટિલતાને ધ્યાનમાં લેતાં દરેક સમસ્યાને ગંભીરતા અને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે જાેવી અને તેનો સામનો કરવો જાેઈએ. આજની વિવિધ સમસ્યાઓમાંથી દરેક સમસ્યાના પોતાના અલગ કારણો અને મૂળ હોઈ શકે છે જેને સમજવું અને સંબોધવું અનિવાર્ય છે. પરંતુ જાે આ સમસ્યાઓની ઊંડાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે આ સમસ્યાઓ મોટેભાગે ખુદાથી અલિપ્તતા અને ખુદાથી દૂરીના પરિણામે જીવનના ઉચ્ચ હેતુઓના અભાવના કારણે થાય છે. આ વાતને સ્વીકારવાની ફરજિયાત જરૂરત એ છે કે સમસ્યાઓના મૂળ પર વધુ ધ્યાન આપવામાં આવે. તેથી, ખુદાની ઓળખ અને સાનિધ્ય અને માનવોને તેમના જીવનના હેતુથી વાકેફ કરાવવું એ જ મૂળ કાર્ય ગણાય છે જેના પરિણામે માનવોની નૈતિકતા પણ ઊંચી થશે અને સમસ્યાઓ પણ ઓછી થશે. આ સંદર્ભમાં આપણે વ્યક્તિગત્ અને સમૂહિક બંને સ્તરો પર કામ કરવાની જરૂર છે.
સૌથી મૂળભૂત કાર્ય એ છે કે દરેક વ્યક્તિ પોતાના અને અલ્લાહ વચ્ચેના સંબંધથી વાકેફ હોય. જીવનના ડહાપણ અને હેતુથી વાકેફ હોય. તેનો દુનિયા પ્રત્યેનો દૃષ્ટિકોણ એ રીતે યોગ્ય હોય કે તેના પ્રભાવો તેના વ્યક્તિગત જીવનના તમામ પાસાઓ પર પડે. આ કારણે દરેક વ્યક્તિને ખુદા કેન્દ્રીત જીવન જીવવા માટે તૈયાર કરવું એ મૂળભૂત કાર્ય છે.
જીવનના હેતુની તાજગી અને નૈતિક ઉત્કૃષ્ટતા માટે જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાની તર્બિયત માટે વિચારશીલ અને સંવેદનશીલ બને. આ તર્બિયત દરેક સમયે અને દરેક ક્ષણે જરૂરી છે. તેથી દરરોજ આત્મ-મૂલ્યાંકન અને આત્મશુદ્ધિના કામો જરૂરી છે.
અલ્લાહનું સામીપ્ય મેળવવા, સારા બનવા અને નૈતિક રહેવા માટે સારો સંગાથ ખૂબ જરૂરી છે. એવા સારા લોકોનો સંગાથ જેઓ હંમેશાં સત્ય બોલવા અને ધીરજ રાખવાની ફરજનું પાલન કરે છે, એવા સમયે એ શક્ય છે કે એક વ્યક્તિ ઉચ્ચ નૈતિકતા સાથે જીવનના માર્ગ પર ચાલી શકે છે.
એવી જ રીતે સામાજિક રીતે પણ ઘણા કામો કરી શકાય છે. એવું એક સામાજિક વાતાવરણ બનાવવું જ્યાં વ્યક્તિઓ જીવનના ઉદ્દેશ્યથી વાકેફ હોય. જ્યાં વ્યક્તિઓ માટે સારા કામ કરવાની તકો વધુ હોય. બૂરાઈઓની શક્યતાઓ ઓછી હોય. વ્યક્તિઓ એકબીજાને સારા કામ કરવા માટે પ્રોત્સાહન આપે. ખોટું કામ થાય ત્યારે સારા કામ કરવા માટે ચિંતિત હોય. જ્યાં ગુનેગાર માટે પણ પાછા સત્ય માર્ગે આવવાની શક્યતાઓ હોય. જ્યારે આપણે જાેઈએ છીએ કે હાલનું સામાજિક વાતાવરણ બૂરાઈઓની જાળમાં ફસાયેલું છે અને વ્યક્તિઓ માટે બૂરાઈઓને સુંદર બનાવી રહ્યું છે અને બૂરાઈ કરવા માટેનું વાતાવરણ પૂરૂં પાડી રહ્યું છે, ત્યારે એક સારૂં સામાજિક વાતાવરણ બનાવવું જરૂરી બની જાય છે. આપણને ગુનાહથી નફરત કરવાનું શિક્ષણ આપવામાં આવ્યું છે, નહિ કે ગુનેગારથી. તેથી, એક સપોર્ટ સિસ્ટમ જરૂરી છે જે લોકો માટે સારા કામ કરવાના માર્ગને સરળ બનાવે. જેથી વ્યક્તિઓ કુઆર્નની આ આયત “… જે લોકો બીજાઓથી આગળ વધી જવા માગતા હોય તેઓ આ વસ્તુ પ્રાપ્ત કરવામાં આગળ વધવાનો પ્રયત્ન કરે.” (સૂરઃ મુતફ્ફિફીન, ૨૬) આ વાત જીવનની વ્યવહારિક વ્યાખ્યા બની જાય. એ જ સાથે વ્યક્તિઓમાં ગુનેગારો પ્રત્યે પણ સહાનુભૂતિ અને શુભેચ્છાની ભાવના હોવી જાેઈએ, તેમને ગુનાહોમાંથી બહાર કાઢવાની ચિંતા અને પ્રયત્ન હોવા જાેઈએ, જેના માટે નિયમિત સપોર્ટ સિસ્ટમ બનાવવાની પણ જરૂર છે.
સારાંશ એ છે કે આજે જ્યારે આપણે યુવાનોના પ્રશ્નો અંગે વાત કરીએ છીએ, ત્યારે આ સમજવું જરૂરી છે કે આ પ્રશ્નો ઊભા કેમ થયા? આ પ્રશ્નોની મૂળભૂત જડ શું છે. સાથે જ આ પણ માનવું પડશે કે દરેક પ્રશ્ન ખૂબ જ અલગ અને જટિલ છે, જેના માટે દરેક પ્રશ્નને ગંભીરતાપૂર્વક સંબોધન કરવાની જરૂર છે. આ જટિલ પ્રશ્નોના ઉકેલ માટે વ્યક્તિગત અને સામૂહિક બન્ને સ્તરે વિવિધ અને સતત પ્રયત્નો થતાં રહેવા જાેઈએ.