Monday, February 3, 2025
Homeઓપન સ્પેસબિન-મુસ્લિમો દ્વારા મસ્જિદનું નિર્માણઃ પરસ્પર એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

બિન-મુસ્લિમો દ્વારા મસ્જિદનું નિર્માણઃ પરસ્પર એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

જ્યારે દેશમાં નફરતનું વાતાવરણ બનાવવાના પ્રયત્નો જાેરશોરથી ચાલી રહ્યા હોય, ત્યારે હિંદુઓ અને શીખો મસ્જિદના નિર્માણમાં ભાગ લેવો એ ભાઈચારા અને એકતાની શાનદાર નિશાની છે.

દેશમાં નફરત અને ફિરકાવાદી હિંસાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેમાં મસ્જિદો પણ નિશાન બની રહી છે. ઉશ્કેરનારા નિવેદનો અને ધાર્મિક ધ્રુવીકરણની માનસિકતાએ દેશમાં એવી સ્થિતિ ઉત્પન્ન કરી દીધી છે કે ઉગ્રવાદી તત્ત્વો મસ્જિદો પર હુમલા કરવાથી વાજ આવતા નથી, આ તત્વો મસ્જિદોમાં તોડફોડ અને વિનાશના ઇરાદાને અમલમાં મૂકવામાં અગ્રેસર રહે છે. મસ્જિદો વિરુદ્ધ ઉશ્કેરવાની અને ઉગ્રવાદને હવા આપવામાં ઇસ્લામોફોબિયાનો અપપ્રચાર અને બાબરી મસ્જિદથી લઈને જ્ઞાનવાપી કેસ સુધી મંદિર-મસ્જિદ વિવાદો પર રાજકીય ચર્ચાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જાે કે આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સાંસ્કૃતિક પરંપરાઓ, સામાજિક એકતા અને પરસ્પર સહકાર પર આધારિત ઇતિહાસ પર પરસ્પર વાતચીત અને સંવાદ કડવાશ દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આનાથી ઉશ્કેરાટની તીવ્રતા અને સામાજિક અંતરને ઘટાડવામાં મદદ મળે છે.

ધાર્મિક નફરતો અને આસ્થાપ્રધાન તણાવના ભભૂકતા વાતાવરણમાં જ્યારે કોઈ એક તરફથી એકતાનો નારો સંભળાય છે ત્યારે મન પ્રસન્ન થઈ જાય છે. આવો જ એક આનંદદાયક અવાજ પંજાબના જિલ્લા મક્તસરના એક ગામ ખોનાન ખુર્દથી સંભળાયો જેની ગૂંજે મન અને મસ્તિષ્કને પરસ્પર એકતાની ઉષ્માથી હૂંફાળું કરી દીધું. અહીં મુસ્લિમોના પાંચ પરિવારો વસવાટ કરતા હતા. આર્થિક તંગી મસ્જિદ બનાવવાના રસ્તે અવરોધક હતી. પરંતુ તેમનું મન એક મસ્જિદ માટે તડપી રહ્યું હતું. તેમની તડપને ગામના હિંદુ અને શીખોએ અનુભવી. પછી તો શું હતું? ભાઈચારાનું ભવ્ય ઉદાહરણ રજૂ કરતાં તેમણે પોતાના ખર્ચે મુસ્લિમો માટે એક મસ્જિદ બનાવી દીધી. આમ કરીને તેમણે દિલ પર સામાજિક ભાઈચારાનું અમિટ નિશાન ઉપસાવી દીધું. જ્યાં કેટલાક ઉગ્રવાદી તત્ત્વો દ્વારા નફરત અને દ્વેષને હવા આપવામાં આવી રહી છે, ત્યાં દેશના વિશાળ ભાગમાં ભાઈચારો અને સામાજિક સંવાદિતાની રોનકો પુનઃસ્થાપિત કરવાનો ઇતિહાસ લખાઈ રહ્યો છે. આ છે આપણા દેશની વિવિધતામાં એકતાની શાન, જેના પર આપણને ગર્વ છે.

ખુશીની વાત આ છે કે ખુણાણ ખુર્દની મસ્જિદના નિર્માણમાં ગામની દરેક વ્યક્તિ ઉત્સાહથી ભાગ લઈ રહ્યો હતી. નિર્માણ માટે જરૂરી બધા ખર્ચની જવાબદારી ત્યાંના હિંદુઓ અને શીખભાઈઓએ ઉઠાવી હતી. જ્યાં આજે આ મસ્જિદ ઊભી છે, તે જમીન વક્ફ બોર્ડે પૂરી પાડી હતી. પરંતુ ઇમારત માટે નાણા એકત્ર કરવાનું મુસ્લિમોની પહોંચથી દૂર હતું. તેઓ એક મસ્જિદ ઇચ્છતા હતા, પરંતુ સાધન સંપત્તિનો અભાવ અવરોધક બની રહ્યો હતો, આ અવરોધને ગામના હિંદુઓ અને શીખોએ મળીને દૂર કર્યો. હવે મુસ્લિમો ખુશી ખુશી ત્યાં નમાઝ અદા કરી રહ્યા છે.

ભાઈચારાના માહોલમાં મુસ્લિમોને આ મસ્જિદમાં નમાઝ અદા કરતા જાેવાની ઇચ્છા દરેકના મનમાં હતી. તેથી મસ્જિદ પૂરી થયા બાદ ઉદ્‌ઘાટન સમારોહમાં આખું ગામ હાજર હતું. જ્યારે મુસ્લિમો આ મસ્જિદમાં પોતાની પહેલી નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે આખું ગામ પ્રેમભરી નજરે તેમને જાેઈ રહ્યું હતું. દરેકના ચહેરા પર ગૌરવની લાગણી સ્પષ્ટ દેખાતી હતી કે, તેમણે આજે એકતાની એક અમૂલ્ય મિસાલ કાયમ કરી છે. ગામનો એક રહેવાસી મહેન્દ્રસિંહ ખુશી વ્યક્ત કરતા કહે છે કે “આખરે મુસ્લિમોને ઇબાદત માટે જગ્યા મળી ગઈ” આ ગામવાળાઓ માટે ખુશીની વાત છે. મસ્જિદ પૂરી થયા બાદ પંજાબના શાહી ઇમામ મુહમ્મદ ઉસ્માન રહેમાનીએ ગામની મુલાકાત લીધી અને અહીંના લોકોની પ્રશંસા કરતાં ભલાઈ અને સાંપ્રદાયિક સદ્‌ભાવનાના માર્ગમાં તેમના આ કાર્યને પ્રેરણાદાયી ગણાવ્યું. ખાસ કરીને આવા સમયે કે જ્યારે દેશમાં સામાજિક વિભાજન અને ધાર્મિક નફરતને પ્રોત્સાહન આપવાના પ્રયાસો જાેરશોરથી ચાલી રહ્યા છે, ત્યારે આ કાર્ય એક દુર્લભ ઉદાહરણ છે.

ખુઆનની આ મસ્જિદ માત્ર એક ઉદાહરણ છે, પણ પંજાબમાં આવા અનેક ઉદાહરણો છે. ડિસેમ્બર ૨૦૨૩માં બરનાલા જિલ્લાના ભક્તગઢ ગામમાં એક શીખ પરિવારે ૧૫ મુસ્લિમ પરિવારો માટે મસ્જિદ બનાવવા માટે જમીન દાન કરી હતી. આવી જ રીતે, તાજેતરમાં મોગા જિલ્લાના માચીકે ગામમાં એક જૂની મસ્જિદને હાઇવે બનાવવા માટે તોડી પાડવામાં આવી હતી. તેના પુનઃનિર્માણ માટે હિંદુઓ અને શીખોએ દાન એકત્ર કર્યું અને મસ્જિદ બનાવી. આ કેટલાક ઉદાહરણો જણાવે છે કે કેટલાક લોકો સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ સમાજમાં એવા લોકોની પણ કમી નથી કે જેઓ એકતા અને ભાઈચારાના સિદ્ધાંતોને પોતાના જીવનનો ભાગ બનાવી રાખે છે.

પંજાબ પોતાનામાં શીખ ધર્મના ઇતિહાસનો અમૂલ્ય ખજાનો સમાવી રાખે છે. આ ધરતીને ધર્મો વચ્ચે શાંતિ અને એકતા જાળવવા માટે પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં, જે શીખ અને હિંદુ ભાઈઓએ મસ્જિદોના નિર્માણ કે સમારકામમાં ભાગ લીધો હતો, તેમનું આ કાર્ય ઊંડી સાંસ્કૃતિક નૈતિકતા, માનવીય હમદર્દી, અન્યો માટે આદર અને સમાજના તમામ લોકો માટે તેમની શ્રદ્ધા અને આદર દર્શાવે છે. આ ભારતની વિવિધતા અને તેની શક્તિ દર્શાવે છે.

દેશબંધુઓના આ કાર્યથી એ પણ જાણવા મળે છે કે દેશમાં પાડોશીઓની આસ્થા અને લાગણીઓનો આદર કરવો એ અહીંની માટીમાં સામેલ છે. આ પ્રકારના પ્રયત્નોથી માત્ર દિલને શાંતિ મળતી નથી બલ્કે વિશ્વભરમાં આપણા દેશમાં જાેવા મળતી એકતાનો સંદેશ પણ જાય છે, કારણ કે આ એક એવું કાર્ય છે જેણે ધાર્મિક તફાવતોને પાછળ રાખીને સમાજના ધાર્મિક લાગણીઓની તાકાતને પ્રાથમિકતા આપી છે. આ ઉશ્કેરણીજનક યુગમાં સામાન્ય ધ્યેય હાંસલ કરવા માટે એક થઈને આગળ વધવાના માર્ગો સરળ બનાવે છે. સહકારની આ ઘટનાઓ આપણને વિશ્વાસ આપે છે કે માનવતા, ભાઈચારો અને આદરના સિદ્ધાંતો પર કામ કરનારાઓના ઉદ્દેશ્ય સામે નફરત ફેલાવનારાઓના ઇરાદા લાંબા સમય સુધી ટકી શકતા નથી.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments