ક્યાક એવું બને છે કે જે દેખાઈ રહ્યું છે તે ભ્રમ હોય, અને એવું પણ બને કે જે નથી દેખાઈ રહ્યું તે મોજૂદ હોય.જેમ દેખાતી વસ્તુ ભ્રમ છે કે કેમ તે અનુભવ પરથી સાબિત કરી શકાય, તેવી જ રીતે કેટલીક વાર અદૃશ્ય વસ્તુઓ પુરાવાના આધારે સાબિત થઈ જાય છે. જેમ બુદ્ધિમાનો પ્રાયોગિક વિજ્ઞાનની ખાતરી આપે છે તેજ પ્રમાણે તાર્કિક વિજ્ઞાન પણ સ્વીકાર્ય છે. જેમ પંચેન્દ્રિયોનો ઉપયોગ કરી ઘણી બધી વસ્તુઓ સાબિત કરી શકાય છે, તેમ માત્ર બુદ્ધિના પ્રતાપે કેટલીક વસ્તુઓના અસ્તિત્વને અનુભવી શકાય. દા.ત. આપણે ભૌતિકશાસ્ત્ર ભણીએ કે રસાયણશાસ્ત્રમાં રાસાયણિક પ્રક્રિયાઓ જાેઈએ તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન વિષે વાંચીએ છીએ. આપણે ક્યારેય સબએટોમિક કણોને સીધા જાેઈ શકતા નથી, પરંતુ ટ્રેક જેવી પરોક્ષ અસરોના અવલોકન પરથી જ તેમની હાજરીનું અનુમાન લગાવી શકીએ છીએ. એવી જ રીતે સર્જનહારને પ્રત્યક્ષ રીતે જાેઈ ન શકાય પરંતુ બ્રહ્માંડની રચના, સજીવોની અદ્ભૂતતા અને સ્વયં માનવ શરીરની જટિલતા વિ. પરથી ઈશ્વરના અસ્તિત્વની સાબિતી આપી શકાય. ઈશ્વરને જાે સ્પષ્ટ રીતે સાબિત કરી શકાતો હોત તો પરીક્ષાખંડ રૂપી સંસારમાં મનુષ્યનું અસ્તિત્વ નિરર્થક બની ગયું હોત. મનુષ્યની પસંદગીની સ્વતંત્રતાના અધિકારનો કોઈ અર્થ બાકી ન રહ્યો હોત. છેવટે, વાસ્તવિકતા આ છે કે આપણે દરેક વસ્તુને “મનની આંખ” વડે જાેઈએ છીએ, ભૌતિક આંખથી નહીં, પછી ભલે તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ!
મનુષ્ય જે સંસારમાં રહે છે તેમાં તેનો સ્વયં સાથે, બીજા માનવો સાથે, કાયનાત સાથે અને સર્જનહાર સાથે સંબંધ છે.આ સંબંધોના હક અદા કરવા કેટલીક ફરજ બજાવવી પડે છે. આ સંબંધોમાં સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ અલ્લાહ (ઈશ્વર) સાથેનો છે. એ પાલનહાર જે દરેક વસ્તુથી બેનિયાઝ (નિરપેક્ષ અને નિસ્પૃહ) છે. કોઈ તેને ન તો લાભ પહોંચાડી શકે ન નુકસાન અને તેનો કોઈ સમકક્ષ નથી. તેના સંબંધથી મનુષ્યમાં ઊર્જા, આશા, પવિત્રતા, લક્ષ્ય, પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ (સહનશીલતા), દયા, ભલાઈ, વફાદારી, નમ્રતા, આત્મ-નિયંત્રણ, ઉત્તરદાયિત્વ વગેરે જેવા ગુણો વિકાસ પામે છે જેના લીધે સંસારમાં ન્યાય અને શાંતિ, સામાજિક સૌહાર્દ, સમૃદ્ધિ વિકાસ પામે છે.
અલ્લાહ સાથે મનુષ્યનો સંબંધ જેટલો ગાઢ હશે તેટલાજ ઉપરોક્ત મૂલ્યો વિકસિત થશે. તેના આદ્યાત્મિક અને નૈતિક વિકાસનું સિંચન થશે. કેમકે એવું શક્ય નથી કે સૂર્યોદય થાય અને લોકો તાપ અને પ્રકાશની અનુભુતિ ન કરે. એવું દેખાતું હોય કે એક વ્યક્તિ આસ્તિક કે ધાર્મિક છે છતાં તેમાં ઉપરોકત લક્ષણોનો અભાવ છે તો તેનું કારણ ધર્મ કે શ્રદ્ધા નથી બલ્કે વ્યક્તિનો અલ્લાહ સાથે વિશુદ્ધ સંબંધ અથવા પોતાના પ્રાકૃતિક સ્વભાવ ઉપર અનિયંત્રણ અથવા અજ્ઞાન છે. એવી જ રીતે એવું પણ શક્ય છે એક અધાર્મિક અને નાસ્તિક વ્યક્તિમાં કેટલાક અંશે વર્ણિત ગુણો દેખાતા હોય તો તેનું કારણ અશ્રદ્ધા કે અવિશ્વાસ નથી બલ્કે તેનો સ્વનિયંત્રણ અથવા આત્મસંતુષ્ટિના કાર્યો છે. જાે કે આ બંને ગુણો પણ ધર્મના જ ઉદ્દેશ્ય છે. એટલે અધાર્મિક બની જીવવા કરતાં અલ્લાહ સાથે સંબંધ રાખવામાં વધુ લાભ છે.
અલ્લાહ સાથે પોતાના સંબંધને તાદૃશ્ય કરવા અને તેની શક્તિ સામે પોતાની ર્નિબળતા બતાવવા, વ્યક્તિ ગુણગાન (ઝિક્ર), શ્લોક પઠન (તિલાવત), માથું ટેકવું (સજદો), રુકૂં (ઝૂકવું), પ્રાર્થના (દુઆ), આસન(કાયદો), ધ્યાન વગેરે જુદી જુદી રીતે અલ્લાહની પૂજા અર્ચના કે ઉપાસના કરે છે. માત્ર વ્યક્તિ જ નહિ તમામ સર્જન ચાહે વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ, જીવાણું હોય કે સમુદ્રી સજીવ, ગ્રહ ઉપગ્રહ હોય કે પત્થર, પર્વત બધા તેના સર્જનહારની તસ્બીહ- ગુણગાન કરે છે, જાે કે મનુષ્ય તેને સમજી શકતું નથી. જેમકે કુઆર્નમાં કહેવાયું છે,
“તે અલ્લાહ જ છે જે સૃષ્ટિની યોજના ઘડનાર અને તેને ક્રિયાન્વિત કરનાર અને તે અનુસાર વ્યવસ્થા બનાવવાવાળો છે. તેના માટે સર્વશ્રેષ્ઠ નામો છે. દરેક વસ્તુ જે આકાશો અને ધરતીમાં છે તેની તસ્બીહ (મહિમાગાન) કરી રહી છે અને તે પ્રભુત્વશાળી અને તત્ત્વદર્શી છે.”(સૂરઃ હશ્ર ૨૪)
“તેની પવિત્રતા તો સાતેય આકાશો અને ધરતી અને તે સર્વ વસ્તુઓ વર્ણવી રહી છે, જે આકાશો અને ધરતીમાં છે. કોઈ વસ્તુ એવી નથી જે તેની પ્રશંસા સાથે તેની તસ્બીહ (પવિત્રતાનો જાપ) ન કરી રહી હોય. પરંતુ તમે તેમની તસ્બીહ સમજતા નથી. હકીકત આ છે કે તે ખૂબ મોટો સહનશીલ અને માફ કરનાર છે.”(સૂરઃ બની ઇસરાઈલ, ૪૪)
અલ્લાહને યાદ કરવાની જુદી જુદી રીતો છે પરંતુ તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ, સંપૂર્ણ અને અસરકારક રીત નમાઝ છે. નમાઝમાં અલ્લાહે તમામ સર્જનોના બંદગીના સ્વરૂપને એકત્રિત કરી દીધું છે. નમાઝમાં માણસ ઊભો રહે છે, રુકૂ અને સજદા કરે છે, કઅદા કરે છે, તિલાવત અને ઝિક્ર કરે છે, દુઆ અને દુરૂદ પઢે છે, ક્ષમાયાચના અને પશ્ચાતાપ કરે છે, અલ્લાહની અઝમત અને તેના દરબારમાં ઉત્તરદાયિત્વની ભાવનાનો અનુભવ કરે છે. એટલે જ ઇસ્લામમાં નમાઝને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અલ્લાહના નબી હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ નમાઝને શરીરમાં મસ્તિષ્કની ઉપમા આપી છે. નમાઝ એક તરફ બંદાને અલ્લાહ સાથે જાેડે છે તો બીજી બાજુ તેના બંદાઓ સાથે પણ જાેડે છે.
નમાઝનું મહત્વ
અલ્લાહે માનવીને એટલી બધી કૃપાઓ, સવલતો અને સંસાધનો આપ્યા છે કે તેમને ગણવું શક્ય નથી. સંબંધોનું જે સુંદર ઉપવન દેખાય છે અને જેના અધિપતિ માતા પિતા છે તે પણ અલ્લાહની કૃપાનું પરિણામ છે. આ કૃપા અને ઇનામોનો તકાદો છે કે માણસ પ્રત્યેક ક્ષણ તે સર્જનહાર-પાલનહારનો આભાર વ્યક્ત કરે, કેમકે જે આભાર નથી માનતો તેને કૃતઘ્ન કહેવામાં આવે છે. આવી વ્યક્તિ અહંકારી કે બેદરકાર હોય છે. અને આભાર વ્યક્ત કરવાની સુંદર રીત નમાઝ છે. તેથી તમામ પયગંબરોની શરીઅતમાં નમાઝ ફર્ઝ રહી છે જાે કે થોડું ઘણું તેનું રૂપ જુદું હોઈ શકે. અલ્લાહ કાલે કયામતના દિવસે બંદાથી સૌ પ્રથમ પ્રશ્ન નમાઝ બાબતે કરશે. દુનિયાથી વિદાય લેતી વેળાએ વ્હાલા નબી સ.અ.વ.ના જે છેલ્લા શબ્દો હતા તેમાં એક હિદાયત નમાઝ પઢવાની હતી. તેથી ઇસ્લામી હુકૂમતમાં નમાઝને લાગુ કરવાની જવાબદારી સરકારની છે. અને જાે વ્યક્તિ નમાઝ અદા ન કરે તો તેને યોગ્ય સજા કરી શકાય. ઇસ્લામના મોટા વિદ્વાનો (ફૂકહા)એ તેના માટે સજાઓ પણ નિર્ધારિત કરી છે. ઇબ્રાહીમ અલૈ.ની જે દુઆઓનો કુઆર્નમાં ઉલ્લેખ થયો છે તેમાં એક આ હતીઃ “હે મારા પાલનહાર ! મને નમાઝ કાયમ કરવાવાળો બનાવ અને મારા સંતાનોમાંથી પણ (એવા લોકો ઉઠાવ, જેઓ આ કામ કરે). પાલનહાર! મારી દુઆ કબૂલ કર.(સૂરઃ ઇબ્રાહીમ)
સ્વર્ગ જે દરેક મોમિનની અંતિમ ઇચ્છા છે તેની પ્રાપ્તિ પણ નમાઝ વગર શક્ય નથી. હઝરત જાબિર રદિ. ફરમાવે છે કે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) એ કહ્યુંઃ “જન્નતની ચાવી નમાઝ છે, અને નમાઝની ચાવી વઝૂ છે.” (મિશ્કાત ઉલ મસાબીહ, ૨૯૪)
બે નમાઝીનો અંજામ
જાે વ્યક્તિ નમાઝ ન પઢે અથવા તેની સુરક્ષા ન કરે તો તે માત્ર દુનિયાની બરકતોથી જ વંચિત રહેશે એટલું જ નહીં બલ્કે આખિરતમાં પણ તેનું નુકસાન ભોગવવું પડશે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,
“જેઓ જન્નતોમાં હશે. તેઓ અપરાધીઓને પૂછશે, તમને કઈ વસ્તુ દોજખમાં લઈ ગઈ,તેઓ કહેશે, ”અમે નમાઝ પઢનારાઓમાંથી ન હતા.”,(સૂરઃ મુદ્દસ્સિર, ૪૧-૪૩)
નમાઝ વિશે હઝરત મુહમ્મદ સ.અ.વ. એ ફરમાવ્યું કે ઈમાન અને કુફ્ર વચ્ચે ભેદ કરવાવાળી વસ્તુ નમાઝ છે. જે વ્યક્તિ નમાઝનો પાબંદ નહિ હોય તેનો અંજામ કેટલો ભયંકર થશે તેનો અંદાજ આ હદીસ પરથી લગાવી શકાય કે હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રહ.અ.વ.) એ વર્ણવ્યું છે કે એક દિવસ રસૂલ (સ.અ.વ.)એ નમાઝનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “જે કોઈ તેનું પાલન કરે છે, તે કયામતના દિવસે તેના માટે નૂર(પ્રકાશ), દલીલ (પુરાવા) અને નિજાત (મુક્તિ)નો સ્ત્રોત બનશે, અને જાે કોઈ વ્યક્તિ નમાઝનું પાલન નહીં કરે, તો તે તેના પ્રકાશ, પુરાવા અથવા મુક્તિનો સ્ત્રોત નહિ બને.” અને તે વ્યક્તિ કયામતના દિવસે કારૂન, ફિરઓન, હામાન, અને ઉબ્બૈઇ ઇબ્ને ખલફ(નઠારા અને વિદ્રોહીઓ)ની સાથે હશે.(મુસ્નદ અહમદ ૬૫૭૬)
હઝરત અબૂ દરદા (રદિ.) કહે છે કે, “મારા મિત્ર (પયગંબર સ.અ.વ.)એ મને સલાહ આપી હતી કે અલ્લાહ સાથે કોઈને પણ ભાગીદાર ન બનાવો, ભલે તમારા ટુકડા કરી દેવામાં આવે કે સળગાવી દેવામાં આવે, અને ફર્જ નમાઝ જાણી જાેઈને ન છોડવી.” જે કોઈ જાણી જાેઈને નમાઝ છોડી દે છે તે જવાબદારીથી મુક્ત થઈ જાય છે. અને દારૂ ન પીવો, કારણ કે તે બધી બૂરાઈઓની જડ છે.” (મિશ્કાત ઉલ મસાબીહ ૫૮૦)
નમાઝના ઉદ્દેશ્યો અને ફાયદાઓ
નમાઝ વ્યક્તિની સંપૂર્ણ તર્બિયત (પ્રશિક્ષણ)ની માસ્ટર કિ છે. તેનાથી માત્ર અલ્લાહનું સાંનિધ્ય જ પ્રાપ્ત થતું નથી, બલ્કે સામાજિક વિકાસ પણ પેદા થાય છે. વ્યક્તિના આધ્યાત્મિક વિકાસની સાથે સાથે સમાજની નૈતિક પ્રગતિ પણ થાય છે. નમાઝના ઘણા ભૌતિક અને પરલોકના પણ લાભો છે. સૌથી મોટું ઇનામ જન્નત છે, જન્ન્તીઓના ગુણોમાં એક મહત્વપૂર્ણ ગુણ નમાઝની પાબંદી છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “અને પોતાની નમાઝોની રક્ષા કરે છે.આ જ લોકો તે વારસદારો છે,જેઓ વારસામાં ફિરદૌસ (અનહદ મોજમજાનું સ્વર્ગ-જન્નત)મેળવશે અને તેમાં હંમેશાં રહેશે”. (સૂરઃ મુ’મિનૂન ૯-૧૧)
માણસને પ્રાણીઓની હરોળમાં ઊભું કરવા વાળી વસ્તુ અશ્લીલતા અને ગુનાઓમાં લિપ્ત થવું છે અને નમાઝ તેનાથી વ્યક્તિને મુક્ત કરાવે છે. આરબો જે નૈતિક દૂષણોમાં સંડોવાયેલા હતા તેને દૂર કરવા કોઈ આંદોલન કરવામાં આવ્યું હોત તો પણ તેમાં સફળતા મળવી મુશ્કેલ હતી, પરંતુ ઈસ્લામે જે રીતે પ્રશિક્ષણ કર્યું તેના લીધે તેમના જીવનમાં આકાશ પાતાળનું પરિવર્તન આવી ગયું. નમાઝ માનવી પ્રકૃતિને મૂળ સ્થાને લાવવામાં સહાયરૂપ બને છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે :
“નિઃશંક નમાઝ ર્નિલજ્જતા અને બૂરા કામોથી રોકે છે”. (સૂરઃ અન્કબૂત – ૪૫)
આ આયતને સમજાવતા મહાન ચિંતક મૌલાના મોદૂદી રહ. લખે છે કે નમાઝનો આ ગુણ જે આયતમાં વર્ણવવામાં આવ્યો છે, તેના બે પાસાં છે. એક તેનો અનિવાર્ય ગુણ છે, એટલે કે તે ર્નિલજતાના અને મનાઈ કરવામાં આવેલા કામોથી રોકે છે, અને બીજાે તેનો ઇચ્છિત ગુણ છે, એટલે કે નમાઝ પઢનાર વાસ્તવમાં ર્નિલજ્જતા અને મનાઈ કરવામાં આવેલાં કામો કરવાથી રોકાઈ જાય. જ્યાં સુધી રોકવાનો પ્રશ્ન છે, નમાઝ ચોક્કસપણે આ કામ કરે છે. જે માણસ પણ નમાઝના સ્વરૂપ ઉપર થોડો વિચાર ક૨શે તે સ્વીકારશે કે માણસને બૂરાઈઓથી રોકવા માટે જેટલી પણ બ્રેક લગાવવાનું શકય છે, તેમાં સૌથી વધારે સફળ નમાઝ જ હોઈ શકે છે. ભલા, આના કરતાં વધારે અસરકારક રોકનાર બીજું શું હોઈ શકે કે માણસને દરરોજ દિવસ દરમ્યાન પાંચ વખત ખુદાની યાદ માટે બોલાવવામાં આવે અને તેના મગજમાં આ વાત તાજી કરવામાં આવે કે તું આ દુનિયામાં સ્વતંત્ર અને સ્વાયત્ત નથી બલકે એક ખુદાનો બંદો છે, અને તારો ખુદા એ છે જે તારા જાહેર અને છૂપાં તમામ કાર્યોથી, એટલે સુધી કે તારા દિલના ઇરાદાઓ અને નિયતો સુદ્ધાંથી માહિતગાર છે, અને એક સમય જરૂર એવો આવવાનો છે જ્યારે તને એ ખુદા સામે હાજર થઈ તારા કર્મોનો હિસાબ આપવો પડશે…” (તફ્હીમુલ કુઆર્ન પૃષ્ટ ૭૦૬)
એક વ્યક્તિ પ્રશ્ન કરી શકે કે ઘણા બધા લોકો એવા છે જેઓ નમાઝની પાબંદી કરે છે અને સાથે જ નૈતિક અને સામાજિક દૂષણોમાં સંડોવાયેલ છે! એવું કેમ? આ બાબતે મૌલાના મૌદૂદી(રહ) લખે છે કે,“
આનો આધાર એ માણસના પોતાના ઉપર છે જે આત્મસુધારણાની આ તાલીમ લઈ રહ્યો હોય. તે આનો લાભ લેવાનો ઇરાદો ધરાવતો હોય અને તેનો પ્રયત્ન કરે તો નમાઝની સુધારણાત્મક અસરો તેની ઉપર પડશે, નહીં તો સ્પષ્ટ છે કે દુનિયાનો કોઈ સુધારક ઉપાય પણ એ માણસ ઉપર પ્રભાવ પાડી શકશે નહીં જે તેનો પ્રભાવ સ્વીકારવા માટે તૈયાર જ ન હોય, અથવા જાણીજાેઈને તેની અસરને દૂર કરતો રહે. આનો દાખલો આવો છે કે ખોરાકનો અનિવાર્ય ગુણ શરીરનું પોષણ અને વિકાસ છે, પરંતુ આ ફાયદો ત્યારે જ મળી શકે કે જયારે માણસ તેને શરીરનો ભાગ બનવા દે. જાે કોઈ માણસ દરેક ભોજન પછી તરત જ ઉલ્ટી કરી બધો જ ખોરાક બહાર કાઢતો રહે તો આવી રીતનું ભોજન તેના માટે જરા પણ ફાયદાકારક થઈ શકે નહીં. (તફ્હીમુલ કુઆર્ન પૃષ્ટ-૭૦૭)
ઇમરાન બિન હુસૈન રદિ.થી રિવાયત છે કે નબી સ.અ.વ.એ ફરમાવ્યું, “જેને તેની નમાઝે નિર્લજ્જતા અને બૂરા કામોથી ન રોક્યો તેની નમાઝ નથી. (ઇબ્ને અબી હાતિમ).
નમાઝનો સંદેશ
જે રીતે વ્યક્તિ એકાગ્ર થઈને નમાઝ અદા કરે છે તે જ રીતે સંપૂર્ણ જીવનમાં વ્યક્તિને અલ્લાહનો આજ્ઞાકાર બનવું જાેઈએ. નમાઝને જમાઅત (સામૂહિકતા) સાથે પઢવાનો આદેશ છે, સર્વલોકો, નાના-મોટા, અમીર-ગરીબ કોઈ પણ ભેદ વિના એક કતારમાં ઊભા થઈ જાય છે અને એક ઇમામ પાછળ નમાઝ અદા કરે છે. જે સંદેશ આપે છે કે મુસલમાનોને શિસ્ત અને અનુશાસનનું પાલન કરવું જાેઈએ. વ્યક્તિએ જીવનમાં પણ એક અમીરનું આજ્ઞાકારી બનવું જાેઈએ. આ પદ્ધતિ લોકોને એક બીજાથી જાેડે છે અને તેઓ પરસ્પર એક બીજાના સુખ-દુઃખથી વાકેફ થાય છે, જેના લીધે સમાજમાં પ્રેમ અને બંધુત્વની ભાવના વધે છે. એમ કહી શકાય કે નમાઝ એક વ્યક્તિના પ્રશિક્ષણ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ છે. આપણી વિડંબના આ છે કે લોકો નમાઝ નથી પઢતા અને જેઓ પઢે છે તેઓ સમજણ સાથે અદા નથી કરતા, તેથી નમાઝનો પ્રભાવ જીવન ઉપર ઓછો દેખાય છે. નમાઝની પાબંદીથી વ્યક્તિની ફરજ તો અદા થઇ જશે પરંતુ સમજયા-વિચાર્યા વગર અદા કરવાથી તેના લાભો અને બરકતોથી તે વંચિત રહી જાય છે.