આદિવાસીને વિરોધ વગર UCC માંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમ મુસ્લિમોને તેમના વિરોધ સાથે બાકાત રાખવામાં આવે : GMHRS
ગુજરાત ભવન ન્યુ દિલ્હી ખાતે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતીના પ્રતિનિધિમંડળ એ UCC કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. સૌ પ્રથમ સમિતી એ કમિટીનો વિશેષ આમંત્રણ આપી દિલ્હી બોલાવ્યા તે બદલ હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. GMHRS એ યુનિફોર્મ સિવીલ કોડ બાબતે મુસ્લિમ સમુદાયની લાગણીઓ ખુબજ ધારદાર દલીલો સાથે રજૂ કરી હતી. જેને UCC કમિટીના અધ્યક્ષ માનનીય શ્રીમતી રંજના દેસાઈ એ ખુબજ શાંતિ અને ધીરજપૂર્વક સાંભળી હતી અને આશ્વાસન આપ્યું હતું કે અમે ઇસ્લામીક આસ્થા અને આચરણમાં હસ્તક્ષેપ નહીં કરીએ. અધ્યક્ષ રંજના દેસાઈના પ્રારંભિક પ્રવચનને ટાંકતા ઈકબાલ મિરઝા એ જણાવ્યું કે અમે તો એમ સમજતા હતા કે કમિટીની જવાબદારી લોકોના અભિપ્રાય મેળવીને UCC ની શક્યતા ચકાસવાની છે. જો તમે તેને લાગુ કરવાનું નક્કી જ કરી લીધું છે તો રજૂઆતનો કોઈ અર્થ નથી. જેનાથી સભામાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતીના પ્રતિનિધિમંડળમાં જમીયતે ઉલેમાના પ્રો. નિસાર અન્સારી, અસલમ કુરેશે, મુફ્તી મુનીર, જમાઅતે ઇસ્લામી હિંદના ઈકબાલ મિરઝા, વાસીફ હુસૈન શેખ, આરેફા પરવીન, સાઇસ્તા બાજી, ગુજરાત મીલ્લી કાઉન્સિલના મુફ્તી રિઝવાન, એડવોકેટ તાહિર હકીમ, ઈકબાલ શેખ, ગુલાબખાન પઠાન, ખાલીદ શેખ, ડો. આકિલ અલી સૈયદ, પ્રો. બોમ્બેવાલા, પત્રકાર હબીબ શેખ, ડો. દિનેશ પરમાર વગેરે હાજર રહ્યા હતા. UCC ના વિરોધમાં કાયદા, શરિયત, રાજકીય અને સામાજીક પાસાઓ મુજબ સંવિધાનના આર્ટીકલના દ્રષ્ટાંતો આપીને ખુબજ ધારદાર રજૂઆત કરી હતી. બધા પોતપોતાનાં વિષેની સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. અને કમિટીએ પોતાના વક્તવ્ય દવારા અભિભૂત કર્યા હતા. રજૂઆત ના અંતે તેમના PA શત્રુઘન સિંહ એ જણાવ્યું કે ઉત્તરાખંડ અને ગુજરાતમાં UCC બાબતે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતી એ જેટલી વિદ્વતાપૂર્ણ, અર્થસભર દલીલો શાંતિ પૂર્વક કરી છે. તેવી રજૂઆત કોઈએ પણ કરી નથી અમે તમારાથી પ્રભાવિત છીએ અને કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં આપની રજૂઆત ઉપર ચોક્કસ ધ્યાન આપવામાં આવશે. મિટિંગના અંતે શ્રીમતી રંજના દેસાઈ સૌને મળ્યા હતા અને ખુબજ લાગણીવશ થઈ ગયા હતા. મુસ્લિમ સમુદાયની ભાવનાઓનુ ચોક્કસ સન્માન કરવામાં આવશે તેમ કહ્યું હતું. મિટિંગનુ સંચાલન ઈકબાલ મિરઝા એ સુંદર રીતે કર્યું હતું.
એડવોકેટ મુહમ્મદ તાહિર હકીમ : કે જેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો ના સભ્ય અને કાનૂની સલાહકાર પણ છે એ મુખ્ય રજૂઆત હતી કે UCC ગેરબંધારણીય છે, 21 માં લો કમિશનની ભલામણ મુજબ જરૂરી અને ઇચ્છનીય નથી, તથા તેને ફરજીયાત લાદી શકાય નહી, તે માત્ર બંધારણ હેઠળના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાંનો એક છે. બંધારણના મૂળભૂત અધિકારોને સુરક્ષા જરૂરી છે, તે બંધારણના કલમ 14, 15, 19, 25, 26 અને 29ના સ્પષ્ટ ઉલ્લંઘનરૂપ છે. જો તેમનો ભંગ થાય તો ન્યાયાલયોમાંથી તેને સુરક્ષિત કરવાના આદેશ મેળવી શકાય. UCC ના અમલથી મુસ્લિમ સમુદાયને કુરાન અને હદીસ મુજબ આચરણ કરવાની મનાઈ થશે, તેમજ તેમને પોતાનો ધર્મ માનવાની, અનુસરવાની અને પ્રસાર કરવાની બંધારણીય સ્વતંત્રતાથી વંચિત કરવામાં આવશે. તેમ છતાં જો મુસ્લિમો કુરાન અને હદીસ અનુસાર વર્તશે, તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે અને તેમને દંડિત પણ કરવામાં આવશે.
પ્રોફેસર (ડૉ) આકિલ અલી સૈયદ : એ રજુઆત કરી હતી કે જુદા જુદા સમૂહ અને સમાજ વચ્ચે સમાનતા યુનિફોર્મિટી લાદવામાં આવે તો તે દેશની વૈવિધ્યતા માટે ઘાતક પુરવાર થશે. પારિવારિક ફેમીલી કાયદાઓ માં યુનિફોર્મિટી લાદવાની ઘેલછા એક નિશ્ચિત સમાજ અને સમૂહને ટાર્ગેટ કરવાના ઇરાદે થઈ રહી છે. અંગ્રેજોના બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના ઇન્ડિયામાં દરેક સમાજને તેમના ધર્મ આધારિત ફેમીલી કાયદા ની છૂટ આપવામાં આવેલી હતી. સંવિધાન સભામાં ડૉ આંબેડકરએ ખાત્રી આપેલ કે ભવિષ્યમાં જે તે સરકાર અગર યુસીસી લાવશે તો પણ તે બધાજ નાગરિકો માટે ફરજિયાત નહીં હોય અને જે વ્યક્તિ સંમતિ આપશે માત્ર તેની ઉપર જ લાગુ કરવામાં આવશે. આમ હાલની સરકારની કોશિષ એ આંબેડકર સાહેબના આશ્વાસન અને ભાવનાની અવમાનના સમાન છે.
એડવોકેટેડ ઈકબાલ શેખ : જણાવ્યું હતું કે મુસ્લિમો કુરાનના આદેશ મુજબ પત્નીને તલાક આપે છે. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમોને કુરાનના આદેશોનુ ઉલંઘન કરી UCC કાયદા મુજબ અદાલતમાં જઈને છૂટાછેડા આપશે. જે કોઈપણ સંજોગોમાં મુસ્લિમોને મંજૂર નથી. આ કુરાન અને બંધારણના આર્ટિકલ 25 નું પણ ઉલ્લંઘન છે. ઉપરાંત UCC ના કાયદાનું ઉલ્લંઘન શિક્ષાત્મક છે જે મુસ્લિમોને બળજબરીપૂર્વક કુરાન અને શરિયતના આદેશોથી દૂર કરવાની પ્રક્રિયા છે.
એડવોકેટ ગુલાબખાન પઠાને : જણાવ્યું કે UCC લાગુ કરવાની સત્તા કેન્દ્ર ને છે, રાજ્ય સરકારને નથી. આશ્ચર્ય એ વાતનુ છે કે ગુજરાતમાં અશાંત ધારો અમલમાં કેમ છે ?
આરેફા પરવીને : જણાવ્યું કે UCC શરિયતની વિરુધ્ધ છે, બંધારણના મૂળભૂત અધિકારોની વિરુધ્ધ છે. મુસ્લિમોની ધાર્મિક ઓળખ નાબૂદ કરવાનું ષડયંત્ર છે. મુસ્લિમો ને તેની જરૂર નથી તેમની પાસે અલ્લાહ એ આપેલ સુંદર, પ્રાકૃતિક, સંતુલિત જીવન વ્યવસ્થા છે. મહિલાની સંમતિ વગર નિકાહ શક્ય નથી, પતિની સાથે રહેવું દુષ્કર બની જાય તેવી સ્થિતિમાં ખુલા લેવાના અધિકારથી UCC તેને વંચિત કરી દેશે. જેના કારણે મહિલાઓ અને તેમના બાળકોનુ વધારે શોષણ થશે. કોર્ટના ચક્કર લગાવવામાં જીવન ફેડફાઈ જશે. જ્યાં તલાકની જોગવાઈ નથી ત્યાં મહિલાની હત્યા થાય છે અથવા તેને આત્મહત્યા તરફ ધકેલી દેવામાં આવે છે. વારસામાં મહિલાઓને ઓછો ભાગ એટલે છે કે તેમની જવાબદારી પણ નહિવત છે. જ્યારે પુરુષની જવાબદારીને જોતાં તેનો ભાગ વધારે છે. મહિલાને પિતા-પતિ-પુત્ર ત્રણેય તરફથી વારસો પ્રાપ્ત થાય છે.અમને શરિયતમાં સંપૂર્ણ વિશ્વાસ છે. શાંતિ અને આનંદ પૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છીએ. અમને UCC ની જરાય જરૂર નથી.
એડવોકેટ ખાલિદ શેખ : જણાવ્યું કે ભારતના બંધારણના આર્ટિકલ 44 મુજબ માત્ર કેન્દ્ર સરકારને સમગ્ર ભારત માટે સમાન નાગરિક કાયદો લાવવાની જોગવાઈ છે. તેથી આ કમિટીએ ગુજરાત સરકાર ને એવો અભિપ્રાય આપવો જોઈએ કે આર્ટિકલ 44 મુજબ આવો કોઈ કાયદો બનાવવો બંધારણ વિરુદ્ધ છે તથા હાલ લાગુ કાયદાઓ પર્યાપ્ત છે જો ઉત્તરાખંડ જેવો કાયદો બનાવવામાં આવશે તો કોર્ટનું ભારણ ખૂબજ વધી જશે તથા ઈસ્લામ માં દરેક વ્યક્તિ માટે સમાન કાયદા બનાવેલ જ છે તેથી કમિટીના પ્રશ્નો અસ્થાને છે.
મુફ્તી રિઝવાન : એ જણાવ્યું મુસ્લિમોની કુરાન ઉપર અતૂટ શ્રધ્ધા છે. UCC દવારા તેમને કુરાનના આદેશથી દૂર કરવામાં આવી રહ્યા છે. અને તે બળજબરી થી થોપવામાં આવી રહ્યો છે. મુસલમાનો કોઈ પણ સંજોગોમાં તેને બરદાસ્ત નહીં કરે.
પ્રોફેસર નિસાર અનસારી : એ કહ્યું કે વિવિધતામાં એકતા છે જે આ દેશની ઓળખ છે. જો સમાન કાયદો લાગુ કરવામાં આવશે તો આ ઓળખ મટી જશે જે આ દેશની કમનસીબી ગણાશે. ગોલવાલકરે સમાન નાગરિક ધારાની વાત નકારી કાઢી હતી. તેમણે ઓગસ્ટ ૧૯૭૨માં દિન દયાળ રિસર્ચ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું કે સમાન નાગરિક ધારો ધાતક નિવડશે. આ વાતનો ઉલ્લેખ સંઘ પરિવારના મુખ પત્ર ઓર્ગેનાઈઝરમાં પણ કરાયો હતો. આમ સંઘ પરિવારના મુખિયા જ જ્યારે સમાન નાગરિક ધારા ને નકારતા હોય ત્યારે શા માટે આજના સંધીઓ UCC ને સમર્થન આપે છે તેજ સમજાતું નથી.
ડો. દિનેશ પરમારે : જણાવ્યું કે વિવિધાતામાં એકતા ધરાવતા દેશમાં UCCની જરૂર નથી, જ્યાં બધાના ધર્મ, સંપ્રદાય જાતિઓ કલ્ચરમાં વિવિધતા જોવા મળે છે. લોકતંત્ર અને સંવિધાનની વિરુધ્ધ છે. હિન્દુ જાતિ વ્યવસ્થામાં આજે પણ વર્ણવ્યવસ્થા જોવા મળે છે. આજે પણ આભળછેટ વ્યવહારમાં છે. ગોલવલકરે કહ્યું હતું કે દેશમાં સમાનતાની નહીં સૌહાર્દની જરૂર છે.
વાસીફ હુસૈન શેખ : એ જણાવ્યું જેઓ કુરાન ઉપર અમલ નથી કરતાં તેમને અત્યાચારી કહેવામાં આવ્યા છે, અને તેમની આખેરત બરબાદ થઈ જશે.
ઈકબાલ મિરઝા : એ ઇસ્લામ ધર્મની જાણકારી આપતાં જણાવ્યું કે મુસલમાન શબ્દનો અર્થ અલ્લાહની આજ્ઞાનું પાલન કરનાર છે. મુસલમાન જીવન પર્યંત જન્મ થી લઈને મૃત્યુ સુધી અલ્લાહનો આજ્ઞાપાલક રહે છે. અલ્લાહ એ માનવીના માર્ગદર્શન માટે કુરાન અવતરિત કર્યું જેનો વિષય માનવી છે. જે મુસ્લિમોનું મેન્યુઅલ છે. માનવી માટે કાયદા કાનૂન એ બનાવી શકે જે માનવીની પ્રકૃતિને જાણતો હોય, જેની નજરમાં બધાજ માનવી સમાન હોય, જેને ભવિષ્યનું જ્ઞાન હોય. આ ત્રણેય ગુણો અલ્લાહ પાસે છે. તેણે માનવીનું સર્જન કર્યું છે એટલે તે માનવીની પ્રકૃતિ ને ખુબજ સારી રીતે જાણે છે. તેની દ્રષ્ટિમાં બધાજ માનવી સમાન છે. તેને ભવિષ્યનું જ્ઞાન છે.
વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજને તેમના વિરોધ વગર UCC માં સામેલ કરવામાં નથી આવ્યા અમારા વિરોધ છતાં અમને સામેલ કરવામાં આવ્યા છે, અમને પણ તેમાંથી બાકાત કરવામાં આવે. અંતે જણાવ્યું કે UCC મુસ્લિમોને કાફિર બનાવવાનું ષડયંત્ર છે.