૯ જુલાઈ ૨૦૨૫ના રોજ આણંદથી વડોદરા વચ્ચે આવેલ રોડ ઉપરનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડે છે. એવું કહેવાય છે કે આ બ્રિજ ઉપર વાહનો પસાર થતાં જે ધ્રુજારી આવતી હતી તેના લીધે ઘણા લોકોએ ચેતવણી આપી હતી, કે આ બ્રિજની હાલત ગંભીર છે અને તે મરામત માંગી લે છે. આ બ્રિજ ૧૯૮૫માં બન્યો હતો અને ફક્ત ૪૦ વર્ષમાં તૂટી ગયો. મુખ્યમંત્રીએ આ બાબતે જે પ્રતિક્રિયા આપી કે ૨૩ ભાગમાંથી ૧ ભાગ તૂટી ગયો છે. જેનાથી સોશિયલ મીડિયા ઉપર ધમાચકડી મચી ગઈ અને તેમની ઠેકડી પણ ઉડાવાઈ. બીજા ૨૨ ભાગ સલામત છે એવું કહીને સરકારી બાબુએ જે તૈયાર કરી આપ્યું તે જ નિવેદન સાહેબે ઠોકી માર્યું. જરા પણ વિચાર્યા વગર કે આવો લૂલો બચાવ તમારી સંવેદનહીનતા પણ બતાવે છે. ગુજરાતની બીજી દુર્ઘટના ઉપર આપણે છેલ્લે પ્રકાશ પાડીશું પરંતુ વિસ્તારથી વાત કરી લઈએ આ પુલ બાબતે.
અંગ્રેજોના જમાનાના અને વળી કેટલાક મુઘલોના જમાનાના બ્રિજ આજે પણ પોતાની સેવા અડીખમ રીતે આપી રહ્યા છે. રોડ ઉપરના તથા રેલવેના અનેક બ્રિજ રાહદારીઓને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં અવિરત સેવા આપી રહ્યા છે. અહમદાબાદનો એલિસબ્રિજ ૧૦૦ વર્ષ બાદ યાતાયાત માટે બંધ કરાયો અને હવે હેરિટેજ માટે તેને ફરીથી ખોલવાની વાત થઈ રહી છે, તેની મજબૂતી આપણે સૌએ જોઈ અનુભવી છે. તામિલનાડુમાં રામેશ્વરમાં આવેલો પંબન બ્રીજ ૧૯૧૪થી સતત સેવામાં છે અને તે એન્જિનિયરિંગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. યુપીના જોનપુરમાં શાહીબ્રીજ અકબરના જમાનામાં ગોમતી નદી ઉપર ઈ.સ.૧૫૬૯થી કાર્યરત છે. કલકત્તાના હાવડા બ્રીજને તો કેમનો ભુલાય!! આ ઐતિહાસિક બ્રિજ રોજ ૮૦,૦૦૦ વાહનો અને ૪,૦૦,૦૦૦ રાહદારીઓને પોતાની ઉપરથી પસાર કરે છે. નર્મદા નદીનો ગોલ્ડન બ્રિજ ૧૮૮૧માં બનાવવામાં આવ્યો હતો અને તે છેક હમણાં બંધ કરાયા પછી પણ દરેક ગુજરાતીની આંખોમાં ફરતો રહે છે. કેરાલાનો આયરન કાવુપુલ યુરોપિયન સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. ૧૯૦૪માં ૧૩ કમાનો ઉપર આ પુલ બનાવવામાં આવ્યો હતો. રેલવે ઉપરનો આ પુલ બે ટેકરીઓને જોડે છે અને ગ્રેનાઇટના ૧૩ એવા ૧૦૦ ફૂટ ઊંચા સ્તંભો ઉપર તે ટકેલો છે.
આરસીસીમાં આ સદીમાં નિર્માણ પામતા બ્રિજની આયુ ૬૦ વર્ષની સરેરાશ હોઈ શકે છે. પરંતુ ૪૦ જ વર્ષમાં તેનું તૂટી જવું ભ્રષ્ટાચાર તરફ સીધો જ અંગુલી નિર્દેશ કરે છે. ગંભીરા પુલ તૂટી ગયા પછી ગુજરાત સરકારે અનેક જૂના બ્રિજને બંધ કરી દીધા છે. ખાસ કરીને મોટા વાહનો માટે, જેના લીધે અસંખ્ય લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. એક તરફ સમયનો બગાડ થાય છે તો બીજી તરફ ખર્ચ ઘણો વધી જાય છે. ગંભીરા પુલ તૂટવાથી લાખો લોકોને સમય બગાડી બીજા લાંબા રસ્તે અવાર-જવર કરવી પડે છે. આકલાવ, આણંદ, બોરસદથી વડોદરા હજારો લાખો વેપારીઓ, નોકરિયાતો તથા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. રાજ્ય સરકાર મૃતકોને રૂ. ૪ લાખ અને કેન્દ્ર સરકાર રૂ. ૨ લાખ જેવું નાનકડું વળતર ચૂકવી સંતોષ માને છે અને તેમને પૂરતો ભરોસો છે કે ૧૫ દિવસમાં આ મીડિયાઘેલી પ્રજા આ બધું ભૂલી જશે અને અમને ફરીથી મત આપવા જુસ્સાથી તૈયાર પણ થઈ જશે. ગંભીરા બ્રિજના એક તૂટેલા છેડા પર ટેન્કર લટકતું જોવાય છે આ ટ્રક માલિક સરકારને વિનંતી કરી રહ્યો છે કે મારૂં ટેન્કર જલ્દીથી ઉતારવાની વ્યવસ્થા કરો કારણ કે તેના લીધે મારો ધંધો ચોપટ થઈ ગયો છે અને હું તેના હપ્તા ભરી શકતો નથી. કદાચ હમણાં તે ઉતારાયું છે. આવી તો અનેક વેદના એક અકસ્માત પછી લોકોના જીવનમાં કંપન પેદા કરતી રહે છે અને બીજી બાજુ “હોતા હૈ ચલતા હૈ” વાળી માનસિકતા સાથે સરકાર અને પ્રજા બધું ભૂલી જાય છે.
હવે, જોઈએ બીજી દુર્ઘટનાઓ જેમણે ગુજરાતમાં ભારે આક્રોશ સર્જયો હતો.
૧. 2022ની મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના, જેમાં ૧૩૫થી વધુ લોકો મૃત્યુ પામ્યા. વહીવટી તંત્રની બેદરકારી નિષ્કાળજી અને રાજકારણીઓ સામે ઝૂકી જવાની માનસિકતાનું આ એક વરવું ઉદાહરણ છે. આ હેરિટેજમાં મરામતમાં કોઈ જ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)ના પાલન વગર, પ્રદર્શનની ઉતાવળનું ગંભીર પરિણામ પણ દર્શાવે છે.
૨. 2025 એપ્રિલ માસનો ડીસા ફટાકડાની ફેક્ટરીનો હાદસો, જેમાં 24 લોકો મૃત્યુ પામ્યા. આમાં પણ સરકારી તંત્રની લાપરવાહી ઉડીને આંખે વળગે છે. લાયસન્સ આપવા માટેની પ્રક્રિયાનું કોઈ જ પાલન કે કાયદાના ઉલ્લંઘનનું કોઈ સુપરવિઝન થતું નથી અને આવા કાંડ સર્જાયા પછી તંત્ર સરખું કરવા દોડાદોડી કરી મૂકે છે, તે જોયું – અનુભવ્યું.
૩. જાન્યુઆરી 24નો હરણી બોટ કાંડ જેમાં 14 વિદ્યાર્થી અને શિક્ષકોના મૃત્યુ થયા. કોઈ લાઇફ જેકેટની વ્યવસ્થા નહીં અને હોડીનું કોઈ વપરાશ પહેલાંનું સુપરવિઝન દેખાડ્યું નહીં.
૪. મે ૨૦૨૪નો રાજકોટ ટીઆરપી ઝોનનો આગનો ગોઝારો બનાવ, જેમાં ૨૪ લોકોના મૃત્યુ થયા. ફાયર સેફટીની નિષ્કાળજીનો ભયંકર દાખલો, જેમાં લાયસન્સની પ્રક્રિયા તથા જાળવણીની પ્રક્રિયામાં સલામતીની વ્યવસ્થાનો ધજાગરો જોવા મળ્યો.
5. કમાટીબાગની રમકડા ટ્રેનમાં ચાર વર્ષની બાળાનું મૃત્યુ. દુનિયાભરમાં આવી ટોય ટ્રેન ચાલતી હોય છે અને શહેરની વચ્ચે ધીમી ગતિએ ટ્રામ પણ ચાલતી હોય છે, આજના જમાનામાં સેન્સરથી સજ્જ ટ્રેન આસાનીથી મૂકી શકાય છે અને આવા અકસ્માત ટાળી શકાય છે.
6. એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ અમદાવાદ.૨૭૦ મૃત્યુ. જોકે આમાં સરકારની સીધી સંડોવણી નથી છતાં પણ દુનિયાભરની બીજી એર લાઇન્સમાં જે ચુસ્તતાથી મેન્ટેનન્સ એટલે કે મરામત થાય છે, તે જોતાં આવા અકસ્માતને આસાનીથી રોકી શકાય છે, તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.
7. વડોદરા વિશ્વામિત્રી પૂર હોનારત. ગત વર્ષે વડોદરામાં પૂરના લીધે જે ભારે નુકસાન થયું એમાં પણ કોર્પોરેશન અને સરકારની બેદરકારી અને નબળું આયોજન મુખ્યત્વે જવાબદાર છે. આ પ્રસંગે ગુજરાતના ખ્યાતનામ પત્રકાર અજય ઉમટે દેવાંશી જોશી ને જમાવટમાં કહ્યું કે જે સરકાર બુલડોઝર દ્વારા નબળા લોકોના, ખાસ કરીને લઘુમતીના દબાણો તોડવામાં જે પિશાચી આનંદ માણે છે, તેને અહીં બુલડોઝરથી દબાણ તોડવામાં શું અડચણ છે તે સમઝાતું નથી.
આમ સમગ્રતાય જોતાં આપણા ત્યાં આવી દુર્ઘટનાઓનું મુખ્ય કારણ સર્વત્ર ફેલાયેલ ભ્રષ્ટાચાર છે. રાજકીય નેતાઓ, એટલે કે પ્રધાનો અને વિધાનસભા લોકસભાના સભ્યોથી લઇ નીચે કોર્પોરેટર અને સરપંચ સુધીનું તંત્ર, સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત દ્વારા એવું નેટવર્ક ગોઠવાઈ ગયું છે કે પ્રજા તેનું કાંઈ જ બગાડી શકતી નથી. તેની ફરિયાદો કોઈ જ ધ્યાને લેતું નથી. આર.ટી.આઈ.ના જવાબ પણ ટાળવામાં આવે છે અને ખોટા જવાબ આપી ધમકીઓ આપી તેને દબાવી દેવામાં આવે છે. પ્રજા લાચારીથી આ બધું ભોગવી રહી છે અને મતપેટીનો ચમત્કાર બતાવવાનું બિલકુલ જ ભૂલી ગઈ છે. તેમને મીડિયા કે પ્રજા કોઈ સવાલ કરતા નથી.
પ્રજા રિબાઈ રિબાઈને જીવે કે મરે તેમને કોઈ જ ફરક પડતો નથી. તેઓ આરામથી એશોઆરામની જિંદગી હરામના નાણાંથી જીવી રહ્યા છે. પરંતુ ન તો સમાજ તેમને સવાલ પૂછે છે ન તો તેમના સંતાનો આ સવાલ પૂછે છે. તેઓ અધમતાની એટલી હદે નીચે ઊતરી ગયા છે કે તેમનો આત્મા ક્યારેય ડંખતો નથી અને કર્મોની સજા ભોગવવી પડશે તેવો વિચાર પણ તેમના આવતો નથી. સીસીટીવી કેમેરાઓ બંધ કરી દે છે અને ફાઈલો ગુમ કરી દે છે. પરંતુ તેમને એ વિચાર નથી આવતો કે કોઈ અમારી ફાઈલ બરાબર સાચવી રહ્યું છે અને બધું જ રેકોર્ડ પણ કરી રહ્યું છે. અને આલોક નહીં તો પરલોકમાં પણ હિસાબ તો જરૂર આપવો જ પડશે. આપણો દેશ ધર્મપ્રધાન હોવા છતાં અને કર્મ તથા આલોક, પરલોક અને સ્વર્ગ- નર્કને માનતા હોવા છતાં, લોકો આ રીતે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ પ્રજાનું જે શોષણ કરી રહ્યા છે, તે સાચે જ આપણને આપણા દંભ ઉપર વિચારવા મજબૂર કરે છે.
ગાંધીજીએ હઝરત ઉમર રદિ.નું ઉદાહરણ આપીને એટલે જ કહ્યું હતું કે સુરાજ્ય ચલાવવા માટે કેવું ચારિત્ર જોઈએ અને કેવી વ્યવસ્થા જોઈએ.
કાશ, આપણે હઝરત ઉમર રદિ. જેવા શાસકોથી પ્રેરણા લઈ એવી રાજ્ય વ્યવસ્થા સ્થાપીએ જેથી ભ્રષ્ટાચારનું નિર્મૂલન થઈ શકે અને દુર્ઘટનાઓથી છુટકારો મેળવી શકીએ. •••
નિવૃત મુખ્ય ઈજનેર ગેટકો GEB
મો. 99252 12453
E mail : mgvgetco@yahoo.co.in