Monday, October 13, 2025

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસુમૂદ ફ્લોટિલા: માનવતા માટેનો સંઘર્ષ

સુમૂદ ફ્લોટિલા: માનવતા માટેનો સંઘર્ષ

  • સલમાન મુબીનખાન, નવી દિલ્હી

છેલ્લા ઘણા દિવસોથી આપણે. “સુમૂદ ફ્લોટિલા” વિશે સાંભળી રહ્યા છીએ. સેંકડો લોકો પોતાનું ઘર, પરિવાર અને આરામદાયક જીવન છોડીને ગઝા તરફ કેમ નીકળી પડ્યા હતા? આ કોઈ પર્યટન યાત્રા નહોતી, પરંતુ જીવ જોખમમાં મૂકનારી યાત્રા હતી. આને સમજવા માટે આપણે ઇતિહાસનાં પાનાં ખોલવાં પડશે અને એ જાણવું પડશે કે ઇઝરાયલ દેશની સ્થાપનાથી લઈને આજ સુધી શું થયું છે.

પેલેસ્ટાઇનનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ઇઝરાયલ એક ગેરકાયદેસર રાજ્ય છે, જે બીજા વિશ્વયુદ્ધ પછીના ષડયંત્ર હેઠળ આરબોના હૃદયમાં ઊતારવામાં આવેલો એક ખતરનાક ઘા છે.

બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન પેલેસ્ટાઇન પર શાસન કરી રહ્યું હતું. ૧૯૪૭માં સંયુક્ત રાષ્ટ્રો (UN) એ પેલેસ્ટાઇનને બે ભાગમાં વહેંચવાની અયોગ્ય યોજના રજૂ કરી — એક યહૂદી રાષ્ટ્ર અને એક અરબ (પેલેસ્ટાઇની) રાષ્ટ્ર.

પેલેસ્ટાઇનના આરબોએ આ યોજનાને અયોગ્ય કહીને નકારી દીધી, કારણ કે મોટા ભાગની જમીન યહૂદી રાષ્ટ્રને આપવામાં આવી હતી, જ્યારે યહૂદી વસ્તી ખૂબ ઓછી હતી.

૧૪ મે, ૧૯૪૮ના રોજ ઇઝરાયલે પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી. તેના બીજા જ દિવસે ઇજિપ્ત, સીરિયા, જોર્ડન, લેબનાન અને ઇરાક જેવા અરબ દેશોએ ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું. આ યુદ્ધમાં ઇઝરાયલી સેનાએ સેંકડો પેલેસ્ટાઇની ગામો અને શહેરોનો નાશ કર્યો; હજારો લોકો માર્યા ગયા અને લાખો લોકોને તેમનાં ઘરોમાંથી બેઘર કરી દેવામાં આવ્યા. લગભગ ૭.૫ લાખ પેલેસ્ટાઇની લોકોને તેમની જમીન પરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. ૫૦૦થી વધુ પેલેસ્ટાઇની ગામો નષ્ટ કરી દેવામાં આવ્યા અથવા ખાલી કરાવી દેવામાં આવ્યા. આ લોકો જોર્ડન, લેબનાન, સીરિયા અને ઇજિપ્તમાં શરણાર્થી (refugees) બની ગયા, અને આજે પણ ઘણા લોકો શરણાર્થી તરીકે જીવી રહ્યા છે.

આ દિવસને આખી દુનિયામાં “નક્બા દિવસ” કહેવામાં આવે છે. “નક્બા” (Nakba) એક અરબી શબ્દ છે, જેનો અર્થ છે “વિનાશ” અથવા “મહાન આપત્તિ”. આ શબ્દ પેલેસ્ટાઇની લોકો દ્વારા ૧૯૪૮માં ઇઝરાયલની સ્થાપના સમયે થયેલા તેમના ભયંકર વિસ્થાપન અને નરસંહાર માટે ઉપયોગમાં લેવાય છે.

અત્યાચાર અને માનવાધિકારોનું ઉલ્લંઘન

૧. ઘરોનો ધ્વંસ અને જબરદસ્તીથી બેદખલીઃ પૂર્વી જેરૂશલેમ અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઇનના ઘરો “પરવાનગી ન હોવાના” કારણોસર તોડી પાડવામાં આવે છે. બેદુઇન (Bedouin) જનજાતિઓનાં ગામોને “ગેરકાયદેસર” ઘોષિત કરીને તેમને પાણી, વીજળી તથા સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત રાખવામાં આવે છે.

૨. યહૂદી વસાહતોની હિંસા અને સરકારી સંરક્ષણઃ યહૂદી વસાહતોના કેટલાક નિવાસીઓ પેલેસ્ટાઇની ગામો પર હુમલો કરે છે, પાક બાળી નાખે છે અને સંપત્તિ નષ્ટ કરે છે. ઇઝરાયલી પોલીસ અથવા સેના ઘણીવાર આ હુમલાઓને નજરઅંદાજ કરે છે અથવા દોષિતો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી.

૩. ધરપકડો અને સૈન્ય અદાલતોઃ હજારો પેલેસ્ટાઇનીઓને કોઈ પણ આરોપ વિના “પ્રશાસનિક અટકાયત” (Administrative Detention)માં રાખવામાં આવે છે. મહિલાઓ અને બાળકોને પણ જેલમાં નાખવામાં આવે છે; ઘણીવાર તેમને વકીલો કે પરિવાર સાથે સંપર્ક કરવાની પરવાનગી મળતી નથી.

૪. અવરજવર પર પ્રતિબંધઃ વેસ્ટ બેંકમાં સેંકડો ચોકીઓ અને (checkpoints), દીવાલો અને વાડ લગાવવામાં આવી છે, જેનાથી લોકોની અવરજવર પર કડક પ્રતિબંધો છે. ગાઝા પટ્ટી પર દરિયાઈ, હવાઈ અને જમીની નાકાબંધી લાગુ છે, જેના કારણે ભોજન, દવાઓ, ઇંધણ અને વીજળીની ભારે અછત છે.

૫. માનવ જીવન માટે આવશ્યક સેવાઓનો વિનાશઃ હૉસ્પિટલો, પ્રસૂતિ ગૃહો, સ્વાસ્થ્ય કેન્દ્રો અને જળ પુરવઠા પ્રણાલીઓ પર વારંવાર બોમ્બમારો કરવામાં આવ્યો છે. પાણી, વીજળી અને ઇંધણની અછતથી લોકોનું દૈનિક જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

૬. હવાઈ હુમલા અને સામાન્ય નાગરિકોનાં મૃત્યુઃ ઇઝરાયલી વાયુસેનાના બોમ્બ હુમલાઓ અવારનવાર રહેણાંક વિસ્તારો પર થાય છે, જેમાં મહિલાઓ અને બાળકો માર્યા જાય છે. શાળાઓ, મસ્જિદો અને ઘરો નષ્ટ થઈ જાય છે.

૭. મહિલાઓ અને બાળકો પર વિશેષ અત્યાચારઃ મહિલાઓના સ્વાસ્થ્ય કેન્દ્રો અને પ્રસૂતિ વિભાગો પર થયેલા હુમલાઓને સંયુક્ત રાષ્ટ્રો (UN) એ “નરસંહાર જેવા કૃત્ય” (Genocidal acts) ગણાવ્યા છે. બાળકો પર શારીરિક અત્યાચાર અને અટકાયત દરમિયાન યાતનાના ઘણા પુરાવા મળ્યા છે.

છેલ્લાં બે વર્ષમાં ઇઝરાયલે ગઝામાં મોટા પાયે વિનાશ કર્યો છે. લગભગ ૬૭,૦૦૦થી વધુ પેલેસ્ટાઇની નાગરિકો માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે. હજારો લોકો ઘાયલ થયા છે, અને ઘણા લોકો ઇમારતોના કાટમાળમાં ફસાયેલા છે. લગભગ ૧,૭૦,૦૦૦ ઇમારતો સંપૂર્ણપણે કે આંશિક રીતે નષ્ટ થઈ ગઈ છે. ગઝાનો લગભગ ૬૬% હિસ્સો કોઈ ને કોઈ સ્વરૂપે પ્રભાવિત થયો છે. આશરે બે મિલિયન લોકો પોતાનાં ઘરોમાંથી બેઘર થઈ ગયા છે. શાળાઓ, હૉસ્પિટલો અને પાણી, વીજળી, સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. માળખાકીય સુવિધાઓનું અંદાજિત નુકસાન લગભગ ૧૮.૫ અબજ ડૉલર આંકવામાં આવ્યું છે. ખેતીની જમીન, પાક, પાણી પુરવઠો, રસ્તાઓ અને શિક્ષણ વ્યવસ્થા ગંભીર રીતે નુકશાન પામી છે. હૉસ્પિટલો આંશિક રીતે કે સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે. લોકો માટે ભોજન, સ્વચ્છ પાણી અને દવાઓ પ્રાપ્ત કરવી ખૂબ મુશ્કેલ બની ગયું છે. ભૂખમરો અને ખાદ્ય સંકટનો ખતરો વધી ગયો છે.

ગઝા પર નાકાબંધી ૨૦૦૭થી ચાલુ છે, પરંતુ ૨ માર્ચ, ૨૦૨૫થી સંપૂર્ણ નાકાબંધી લાગુ કરી દેવામાં આવી, જેના કારણે ભોજન અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને લોકો ભૂખથી મરવા લાગ્યા છે.

સુમૂદ ફ્લોટિલા અભિયાન

“સુમૂદ ફ્લોટિલા” (Samoud Flotilla) આ અભિયાન ગઝામાં ચાલી રહેલી ઘેરાબંધીને તોડવા અને ઇઝરાયલની નાકાબંધી વિરુદ્ધ એક શાંતિપૂર્ણ માનવીય આંદોલન તરીકે શરૂ કરવામાં આવ્યું હતું.

આનો ઉદ્દેશ્ય માત્ર સહાયતા પહોંચાડવાનો નહોતો, પરંતુ દુનિયાને એ બતાવવાનો પણ હતો કે ગઝામાં માનવતા કેટલી હદે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે..

૨૦૦૭થી ઇઝરાયલે ગાઝા પર જમીન, આકાશ અને સમુદ્ર—ત્રણેય રસ્તાઓથી કડક નાકાબંધી કરી રાખી છે. આના કારણે ત્યાં ભોજનની અછત, દવાઓની અનુપલબ્ધતા, વીજળીની કપાત અને પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. આ ફ્લોટિલાનો ઉદ્દેશ્ય આ ઘેરાબંધીને તોડીને માનવીય સહાયતા સીધી ગઝાના લોકો સુધી પહોંચાડવાનો હતો.

આ અભિયાનમાં વિવિધ દેશોના સ્વયંસેવકો, ડૉક્ટરો, પત્રકારો, સામાજિક કાર્યકરો, ધાર્મિક નેતાઓ અને કેટલાક રાજકારણીઓ સામેલ થયા. તેમનો ઉદ્દેશ્ય એ હતો કે દુનિયા મૂક પ્રેક્ષક બનીને ન રહે અને ઇઝરાયલના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવે.

બધાં જહાજો નિઃશસ્ત્ર હતાં; તેમાં ફક્ત ભોજન, દવાઓ અને જરૂરી સામાન હતો. તેમણે એ સાબિત કર્યું કે માનવતા માટે લડવા માટે હથિયાર નહીં, પરંતુ સાહસ અને એકતાની જરૂર હોય છે.

પૂર્વ અભિયાનોનું સંક્ષિપ્ત વિવરણ

આ “સુમૂદ ફ્લોટિલા” પહેલો પ્રયાસ નહોતો. ગઝાની નાકાબંધી તોડવા માટે આ પહેલાં પણ ઘણા આંતરરાષ્ટ્રીય માનવીય અભિયાનો ચલાવવામાં આવ્યા છે. તેમનું સંક્ષિપ્ત વિવરણ નીચે આપેલું છે:

૧. ફ્રીડમ ફ્લોટિલા (Freedom Flotilla) – 2010ઃ આ સૌથી પ્રસિદ્ધ અને મોટું અભિયાન હતું. વિવિધ દેશોના માનવાધિકાર કાર્યકરો, પત્રકારો અને સ્વયંસેવકો છ જહાજોમાં ગઝા માટે સહાયતા લઈને નીકળ્યા હતા.

૩૧ મે, ૨૦૧૦ના રોજ ઇઝરાયલી નૌસેનાએ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં આ જહાજો પર હુમલો કર્યો. આ હુમલામાં નવ તુર્કી સ્વયંસેવકોનાં મૃત્યુ થયાં (બાદમાં એક વધુ વ્યક્તિ ઘાયલ થવાથી માર્યો ગયો). આ ઘટના પછી તુર્કી અને ઇઝરાયલના સંબંધો અત્યંત તણાવપૂર્ણ થઈ ગયા.

૨. વિવા પેલેસ્ટાઇના (Viva Palestina) અભિયાન – 2009-2011 : બ્રિટનના સાંસદ જ્યોર્જ ગૅલોવેએ આ અભિયાન શરૂ કર્યું હતું. આનો ઉદ્દેશ્ય જમીન માર્ગે ઇજિપ્તના રસ્તે ગઝા સુધી માનવીય સહાયતા પહોંચાડવાનો હતો. હજારો સ્વયંસેવકો અને ડઝનબંધ ટ્રક આમાં સામેલ થયા. ઘણીવાર ઇજિપ્તે રસ્તો બંધ કરી દીધો અને કેટલાક અભિયાનોને પાછા મોકલી દેવામાં આવ્યા.

૩. વિમેન્સ બોટ ટુ ગાઝા (Women’s Boat to Gaza) – 2016: આ ફક્ત મહિલાઓનું અભિયાન હતું. આમાં વિવિધ દેશોની પ્રસિદ્ધ મહિલા કાર્યકરો, જેમ કે નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા મૅગવાયર, સામેલ હતી. ઇઝરાયલી નૌસેનાએ ગાઝાના તટ પાસે આ નૌકાને રોકીને બધી મહિલાઓને અટકાયતમાં લઈ લીધી.

૪. આગળના ફ્રીડમ ફ્લોટિલા અભિયાન – 2011, 2015, 2018: પછીનાં વર્ષોમાં પણ બીજા જહાજો રવાના થયા, જેમ કે “Freedom”, “Al-Awda” (અલ-આવદા) વગેરે. દરેક વખતે ઇઝરાયલી સેનાએ તેમને ગઝા પહોંચતા પહેલાં જ રોકી દીધા.

આ અભિયાનોનો ઉદ્દેશ્ય માત્ર સહાયતા પહોંચાડવાનો નહોતો, પરંતુ દુનિયાનું ધ્યાન ગઝાની નાકાબંધી અને ત્યાંની માનવીય સ્થિતિ પર કેન્દ્રિત કરવાનો હતો.

ગ્લોબલ સુમૂદ ફ્લોટિલા

“સુમૂદ” એક અરબી શબ્દ છે, જેનો અર્થ છે “ધૈર્ય, દ્રઢતા કે અડગતા”.

ગ્લોબલ સુમૂદ ફ્લોટિલા એક આંતરરાષ્ટ્રીય નાગરિક આંદોલન છે, જેને ગઝાના બંધ કરાયેલા દરિયાઈ માર્ગને તોડીને ત્યાંના લોકો સુધી માનવીય સહાયતા પહોંચાડવાના ઉદ્દેશ્યથી સ્થાપિત કરવામાં આવ્યું છે.

આ અભિયાન ઘણા સંગઠનોના સંયુક્ત પ્રયાસથી ચલાવવામાં આવ્યુ — જેમાં Freedom Flotilla Coalition, Global Movement to Gaza, Maghreb Sumud Flotilla, અને Sumud Nusantara મુખ્ય છે.

સુમૂદ ફ્લોટિલાના ઉદ્દેશ્યો નીચે મુજબ હતા:

૧. ઇઝરાયલી નાકાબંધીને તોડવી – ગઝા ઘણા વર્ષોથી ઇઝરાયલની નાકાબંધીમાં છે; આ ફ્લોટિલાનો ઉદ્દેશ્ય તે નાકાબંધીને પડકારવાનો હતો.

૨. માનવીય સહાયતા પહોંચાડવી – ભોજન, દવાઓ અને ચિકિત્સા સામગ્રી ગઝા સુધી પહોંચાડવી.

૩. વૈશ્વિક એકતાનો સંદેશ આપવો – ગઝાની દુર્દશા તરફ દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવું.

૪. અહિંસક અને શાંતિપૂર્ણ આંદોલન – આ કોઈ સૈન્ય અભિયાન નહીં, પરંતુ માનવાધિકારો પર આધારિત એક નાગરિક પ્રતિરોધનું પ્રતીક છે.

શરૂઆત અને યોજના

• સુમૂદ ફ્લોટિલાની અવધારણા ૨૦૨૫ના મધ્યમાં આકારમાં આવી.

• હજારો સ્વયંસેવકોએ આમાં નોંધણી કરાવી અને અનેક દેશોમાંથી જહાજો તૈયાર કરવામાં આવ્યાં.

• આનાં કેટલાક મુખ્ય બંદરગાહ હતાં — બાર્સેલોના (સ્પેન), જિનેવા, ઇટલી અને ટ્યુનિશિયા.

• Sumud Nusantara નામની શાખા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો (જેમ કે મલેશિયા) દ્વારા આગળ વધારવામાં આવી.

યાત્રા દરમિયાનની મુશ્કેલીઓ

૧. ડ્રોન હુમલા – કેટલાક જહાજો પર શંકાસ્પદ ડ્રોન હુમલા થયા; Familia Madeira નામનું જહાજ ટ્યુનિશિયાના તટ પાસે આગ લાગ્યા પછી નષ્ટ થઈ ગયું.

૨. ઇઝરાયલી નૌસેનાનો હસ્તક્ષેપ – ઘણા જહાજોને ઇઝરાયલી નૌસેનાએ રોકી લીધા અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. ૩. રાજકીય દબાણ – ઇઝરાયલનો દાવો છે કે આ અભિયાનના કેટલાક સભ્યો હમાસ સાથે જોડાયેલા છે. ૪. આંતરરાષ્ટ્રીય નિંદા – સ્પેન, પાકિસ્તાન અને અન્ય દેશોએ ઇઝરાયલની કાર્યવાહીની નિંદા કરી.

ઇઝરાયલી નૌસેનાએ લગભગ બધાં જહાજોને કબજામાં લઈ લીધાં છે અને સેંકડો કાર્યકરોની ધરપકડ કરી છે. પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત બધાને અટકાયતમાં લેવામાં આવ્યા અને બાદમાં ઘણા લોકોને દેશની બહાર મોકલી દેવાયા.

અટકાયતમાં લેવાયેલા લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા, તેમનું અપમાન થયું અને નિર્દોષ લોકો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો.

ફ્લોટિલાના આયોજકોનું કહેવું છે – “આ અભિયાન અમે નહીં રોકીએ; ગઝા સુધી પહોંચવા માટે અમારા પ્રયાસો ચાલુ રહેશે.”

ઘણા માનવાધિકાર સંગઠનો અને યુરોપિયન દેશોએ આ ઘટનાની નિંદા કરી છે અને ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય કાયદાઓના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.

ગ્લોબલ સુમૂદ ફ્લોટિલા માત્ર માનવીય સહાયતાનું અભિયાન નથી, પરંતુ તે વિશ્વ જનમતને જાગૃત કરવાની એક લડાઈ છે.

આ આંદોલન દર્શાવે છે કે માનવતાના પક્ષમાં અવાજ ઉઠાવનારા લોકો આજે પણ દુનિયાભરમાં મોજૂદ છે — ભલે તેમની સામે શક્તિશાળી સત્તા ઊભી હોય.

ઇઝરાયલના અન્યાય અને અત્યાચારો વિરુદ્ધ દરેક નાગરિકે ઊભા રહેવું જરૂરી છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments