વિધાનસભાની 182 બેઠકો પર ભાજપનો વિજય નક્કી છે!
- રમેશ સવાણી.. ✍🏻
ગુજરાતમાં કોંગ્રેસ જે બેઠકો પર જીતે છે અથવા જીતવાની શક્યતા છે, તેવી બેઠકો પર માત્ર 5 દિવસમાં 10 લાખ ‘ફોર્મ નંબર-7’ ભરાઈ ગયા! આવી બેઠકોમાં ભાજપના કાર્યકરો અને નેતાઓએ આ કાવતરું કર્યું છે..
ફોર્મ નંબર-7 શું છે? મતદાર યાદીમાંથી બીજા મતદારનું નામ કાઢવા માટે કોઈ અન્ય નોંધાયેલ મતદાર અરજી કરી શકે છે. ફોર્મ નંબર-7 એ ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા આપવામાં આવતું એક અધિકૃત ફોર્મ છે, જે મતદાર યાદી (Electoral Roll) સાથે સંબંધિત છે.
આ ફોર્મનો મુખ્ય હેતુ એ છે કે, જો કોઈ મતદાર અન્ય વ્યક્તિના નામને મતદાર યાદીમાં સામેલ કરવા સામે વાંધો ઉઠાવવા માંગતો હોય (Objection to proposed inclusion) અથવા મતદાર યાદીમાંથી કોઈ વ્યક્તિનું નામ કાઢી નાખવા (Deletion of name) માંગતો હોય, તો તે અરજી કરી શકે છે. આ માટે મૃત્યુ, સ્થળાંતર, ડુપ્લિકેટ એન્ટ્રી કે અયોગ્યતા જેવા કારણો હોઈ શકે છે. મતદાર પોતે પણ પોતાનું નામ યાદીમાંથી કઢાવવા માટે અરજી કરી શકે છે. આ ફોર્મ Registration of Electors Rules, 1960 ના નિયમ 13(2) અને 26 હેઠળ આવે છે.
શું કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિનું નામ દૂર કરવા અરજી કરી શકે? ના, કોઈ પણ વ્યક્તિ (એટલે કે જે નોંધાયેલ મતદાર નથી તેવી વ્યક્તિ) આમ કરી શકતી નથી. ફોર્મ-7 કોણ ભરી શકે? જે-તે વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલ મતદાર જ આ ફોર્મ ભરી શકે છે. અન્ય કોઈ પણ (બહારના વિસ્તારના કે બિન-મતદાર) આ ફોર્મ ભરીને બીજાનું નામ કઢાવી શકતા નથી. પરંતુ કોંગ્રેસના જાગૃત કાર્યકરોએ પુરાવા સાથે પર્દાફાશ કર્યો છે કે, ભાજપ દ્વારા નોંધાયેલ મતદારો વતી, તેમની જાણ બહાર જ ફોર્મ નંબર-7 ભરી દેવામાં આવ્યા છે.
જે મતદાર સામે વાંધો લેવાયો હોય તેની પાસે શું વિકલ્પ છે? જો કોઈએ તમારા નામ સામે ફોર્મ-7 દાખલ કરીને વાંધો નોંધાવ્યો હોય અને ‘ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર’ (ERO) તપાસ કરી રહ્યા હોય કે નોટિસ મોકલી હોય, તો તમારી પાસે આ વિકલ્પો છે:
- પુરાવા સાથે જવાબ આપવો: ERO ની નોટિસના જવાબમાં તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે દસ્તાવેજો (આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, EPIC, વીજળી બિલ, રેશન કાર્ડ વગેરે) રજૂ કરી શકો છો.
- સ્પષ્ટતા કરવી: તપાસ કે સુનાવણી દરમિયાન હાજર રહીને તમે તમારી રજૂઆત કરી શકો છો.
- અપીલ કરવી: જો નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવે, તો ERO ના નિર્ણય સામે મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પાસે અપીલ કરી શકાય છે.
- ફરી નોંધણી: જો નામ નીકળી ગયું હોય અને તમે યોગ્યતા ધરાવતા હોવ, તો ફરીથી ‘ફોર્મ નંબર-6’ ભરીને નામ ઉમેરાવી શકો છો.
વાસ્તવિક સ્થિતિ: સમજવાનો મુદ્દો એ છે કે શું કોઈ શ્રમિક કે ગરીબ મતદાર આવી પળોજણમાં પડી શકે? તે પોતાના બે ટંકના રોટલાની ચિંતા કરે કે ફોર્મ નંબર-7 સામે રજૂઆત કરવા જાય? આપણું ચૂંટણી પંચ અને સત્તાપક્ષ શ્રમિકો, ગરીબો અને લઘુમતીઓને નાગરિક માનવા તૈયાર નથી.
ચૂંટણી પંચ ભલે ગમે તેવા દાવા કરે, પણ તે સત્તાપક્ષનું ગુલામ બની ગયું હોય તેવું લાગે છે. જો ચૂંટણી પંચ પારદર્શક હોય, તો ખોટી સહીઓ કરીને ફોર્મ ભરનારાઓ સામે ‘Representation of the People Act, 1950’ ની કલમ 31 હેઠળ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? ગુજરાતમાં આવા કેટલા કેસો થયા? કેટલા કિસ્સામાં 6 મહિનાની જેલ કે દંડની સજા થઈ?
ઓનલાઇન અથવા ‘વોટર હેલ્પલાઇન એપ’ દ્વારા ફોર્મ-7 ભરી શકાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે બીજાનું નામ કઢાવવા માટે પુરાવા આપવાની જવાબદારી અરજી કરનારની નથી! આ જ મોટું કાવતરું છે. જે મતદારોના નામ કાઢવા સામૂહિક અરજીઓ થઈ છે, તેમણે હવે સાબિત કરવું પડશે કે તેઓ મતદાર છે!
કોને અન્યાય થઈ રહ્યો છે? અન્યાય દલિતો, વંચિતો અને લઘુમતીઓને થઈ રહ્યો છે, એટલે જ ગુજરાતનું મીડિયા મૌન છે. શું આ ચૂંટણી પંચ છે કે ભાજપની પાંખ? શું આ મીડિયા છે કે ભાજપનો હિસ્સો?
કોંગ્રેસ એક પણ બેઠક પર ન જીતે તે માટે ભાજપનું આ કાવતરું છે. લોકશાહીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. જાગૃત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ સામે પ્રચંડ અવાજ ઉઠાવ્યો છે. જો લોકો હજુ નહીં જાગે, તો ગુજરાતની 182 બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે!
– આ લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સાભાર લેવામાં આવ્યો છે.
આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે. તેની સાથે સંગઠન અથવા સંપાદક મંડળનું સહમત હોવું જરૂરી નથી.
