- હમ્માદુર રહેમાન ( રિસર્ચ સ્કોલર – શોધાર્થી, જામિયા મિલીયા ઇસ્લામિયા, નવી દિલ્હી)
હાલની ચૂંટણીઓમાં બાંગ્લાદેશ જમાઅતે ઇસ્લામીના પ્રદર્શને એક જૂની ચર્ચાને ફરીથી જન્મ આપ્યો છે: શું ઇસ્લામી દળો રાષ્ટ્રીય ચૂંટણી જીતવામાં સ્વભાવથી નબળા હોય છે અથવા જમાઅતની વધતી તાકાતને ખોટી રીતે આંકવામાં આવી હતી? પાછલા કેટલાક મહિનાઓમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ જમાઅતને આગામી સામાન્ય ચૂંટણીઓમાં એક મોટી તાકાત ગણાવી હતી. આની પાછળ યુવાનોનું સમર્થન હતું, ખાસ કરીને તેના વિદ્યાર્થી સંગઠન ‘ઇસ્લામી છાત્ર શિબિર’ની સક્રિયતા, જેણે વિદ્યાર્થી નેતાઓ વચ્ચે પ્રભાવ વધાર્યો, કેમ્પસ ચૂંટણીઓમાં સારા પરિણામો હાંસલ કર્યા અને અવામી લીગના નબળા પડવાથી બનેલા રાજકીય શૂન્યાવકાશનો ફાયદો ઉઠાવ્યો. પરંતુ અસલી મતદાનના પરિણામોએ અલગ તસવીર રજૂ કરી.
શું આ પ્રચાર વધારી-ચઢાવીને કરવામાં આવ્યો હતો? અથવા આ એક એવી વાર્તાનો ભાગ હતો જેમાં ઇસ્લામી રાજનીતિને ક્યારેક ખૂબ મજબૂત અને ક્યારેક જોખમી બતાવવામાં આવી? આનો જવાબ “ઇસ્લામી અસફળતા વિરુદ્ધ ધર્મનિરપેક્ષ જીત” જેવા સરળ નિષ્કર્ષમાં નહીં, પરંતુ ઇતિહાસ, રાજકીય સમાજશાસ્ત્ર અને વ્યુહાત્મક બદલાવના ઊંડા વિશ્લેષણમાં છુપાયેલો છે.અથવા આ કિસ્સામાં વૈચારિક રીતે કઠોર ન હોવા વાળી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની જીત વિરુદ્ધ જમાઅતની હારથી પણ આગળની વાત છે.
કેમ્પસની જીત અને રાષ્ટ્રીય માહોલ
બાંગ્લાદેશ જમાઅતે ઇસ્લામીની વાપસીની ધારણા ઘણી હદ સુધી યુનિવર્સિટીઓ અને શહેરી યુવાનોમાં તેની સ્પષ્ટ મોજૂદગીથી બની. રાજકીય ઉથલપાથલના સમયે કેમ્પસ અવારનવાર મોટા વૈચારિક સંઘર્ષની પ્રયોગશાળા બની જાય છે. પરંતુ વિદ્યાર્થી આંદોલન આપમેળે મોટા પાયે મતોમાં નથી બદલાતા અને ન તો સોશિયલ મીડિયાનો ઉત્સાહ સીધો ચૂંટણી સંગઠનમાં બદલાય છે.
બાંગ્લાદેશના મતદારો સામાજિક અને આર્થિક રીતે અત્યંત વિવિધ છે. શહેરી, શિક્ષિત અને આંદોલન-પ્રેરિત યુવાનો માત્ર દેશનો એક ભાગ છે. કેમ્પસની જીતને સમગ્ર દેશનું સમર્થન માની લેવું, ઊંડાઈને ફેલાવો સમજવા જેવી ભૂલ હતી. તેવી જ રીતે, જમાઅતને “મજબૂત દાવેદાર” બતાવનારી વાર્તા કદાચ બે પ્રકારની વિચારસરણીનું પરિણામ હતી; એક તરફ તેના સમર્થકો, જે તેની વાપસી ઈચ્છતા હતા, અને બીજી તરફ તેના ટીકાકારો, જે ઇસ્લામી રાજનીતિ વધવાથી ચિંતિત હતા.
1971નો પડછાયો
બાંગ્લાદેશ જમાઅતે ઇસ્લામીની રાજનીતિને સમજવામાં 1971ની અવગણના કરી શકાય નહીં. મુક્તિ સંગ્રામ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ બાંગ્લાદેશની રાષ્ટ્રીય ઓળખનો પાયો છે. શરૂઆતથી જ જમાઅત પોતાના યુદ્ધકાલીન વલણના બોજમાંથી પૂરી રીતે મુક્ત થઈ શકી નથી. આજની પેઢી, જેની વિચારસરણી વધુ આર્થિક પ્રગતિ અને બહેતર ભવિષ્યના સપનાઓ સાથે જોડાયેલી છે, તેમ છતાં 1971ની મજબૂત રાષ્ટ્રીય અને સંસ્થાગત કથાનો પ્રભાવ બનેલો છે.
ચૂંટણી રાજનીતિમાં છબી અવારનવાર વિચારધારામાં બદલાવ કરતા વધુ પ્રભાવ પાડે છે. જમાતે પોતાની વાતો અને રણનીતિમાં કેટલાક ફેરફાર કર્યા છે, પરંતુ તેની ઓળખ હજુ પણ એક ઐતિહાસિક વિવાદ સાથે જોડાયેલી છે, જેને તેના વિરોધીઓ સમય-સમય પર ઉઠાવતા રહે છે. બાંગ્લાદેશ બન્યા પછી ઉભરનારા અન્ય ઇસ્લામી આંદોલનોથી અલગ, જમાઅત હંમેશા દેશની સ્થાપના સાથે જોડાયેલા આ ઐતિહાસિક આઘાતની છાયામાં કામ કરતી રહી છે. આ ઐતિહાસિક નબળાઈ શરૂઆતથી રહી છે.
ધાર્મિક રાજનીતિની અંદર પ્રતિસ્પર્ધા
ચૂંટણીઓને માત્ર “ઇસ્લામવાદી વિરુદ્ધ ધર્મનિરપેક્ષ” ના રૂપમાં જોવી વાસ્તવિકતાને ઘણી સરળ બનાવી દે છે. Maududi and the Making of Islamic Revivalism ના લેખક અને જમાઅતના નિષ્ણાત પ્રોફેસર વલી નસ્ર (Vali Nasr) ના અનુસાર, ઇસ્લામી દળો માત્ર ધર્મનિરપેક્ષ તાકાતોથી જ નહીં, પરંતુ અન્ય ધાર્મિક અને રાષ્ટ્રવાદી દળોથી પણ પ્રતિસ્પર્ધા કરે છે, જેમનો વોટ આધાર ઘણી હદ સુધી સમાન હોય છે.
બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ જમાઅતે ઇસ્લામીનો સીધો મુકાબલો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સાથે છે. BNP સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું એવું રૂપ અપનાવે છે જેમાં ઇસ્લામી પ્રતીકો માટે સ્થાન છે, પરંતુ તેની મૂળ રાજનીતિ પૂરી રીતે ઇસ્લામી વિચારધારા પર આધારિત નથી. BNPનો ગઠબંધન આધાર ઘણો વ્યાપક છે, જે ગામડાઓ, વ્યાપારી વર્ગ અને વ્યવહારિક રાજનીતિ સાથે જોડાયેલા પ્રભાવશાળી લોકો સુધી ફેલાયેલો છે. આનાથી તેને તે લવચીકતા મળે છે, જે જમાઅતમાં ઓછી દેખાય છે.
ધાર્મિક મતદારો પણ એક સમાન હોતા નથી. તેમનામાંથી મોટી સંખ્યા વિચારધારાની શુદ્ધતા કરતા વધુ સ્થિરતા, આર્થિક વ્યવસ્થાપન અને રાષ્ટ્રવાદી વિચારસરણીને મહત્વ આપે છે. આ ઉપરાંત, અન્ય ધાર્મિક સમૂહોની સાથે જમાતના ઐતિહાસિક અને વૈચારિક મતભેદ પણ રહ્યા છે. જમાતનું અનુશાસિત સંગઠન તેની તાકાત છે, પરંતુ આજ ક્યારેક વ્યાપક ગઠબંધન બનાવવામાં અવરોધ બની જાય છે.
છબીનો અવરોધ: મહિલાઓ, લઘુમતી અને આધુનિકતા
સંરચનાત્મક સ્તર પર એક બીજી મોટી રુકાવટ છબીની છે. બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીને અવારનવાર દેશ અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં મહિલાઓની વિરુદ્ધ, લઘુમતીઓની વિરુદ્ધ અને અત્યંત રૂઢિચુસ્ત પાર્ટીના રૂપમાં બતાવવામાં આવે છે. આ છબી પૂરી રીતે સાચી છે કે નહીં, એ અલગ વાત છે. ચૂંટણી રાજનીતિમાં ધારણા અને વાર્તા ઘણું મહત્વ રાખે છે કારણ કે આ જ લોકોના ભરોસાને પ્રભાવિત કરે છે.
બાંગ્લાદેશના વિકાસ, ખાસ કરીને મહિલાઓના શિક્ષણ અને ગારમેન્ટ ઉદ્યોગમાં તેમની ભાગીદારીએ સમાજમાં લૈંગિક સંતુલનને બદલી દીધું છે. કોઈ પણ પાર્ટી જેને આ સિદ્ધિઓ માટે ખતરો માનવામાં આવે છે, તેને મોટી સંખ્યામાં મતદારોની શંકાનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે, લઘુમતી હિંદુ સમુદાય અવારનવાર ઇસ્લામી રાજનીતિના ઉદયને પ્રાદેશિક ચિંતાઓના નજરિયાથી જુએ છે. ભારતીય મીડિયામાં જમાતને અસ્થિરતા પેદા કરનારી તાકાતના રૂપમાં બતાવવામાં આવવું આ ધારણાને વધુ મજબૂત કરે છે, ભલે તેનો સીધો પ્રભાવ મતો પર ન હોય.
ભૂરાજનીતિ અને ભરોસાનો સવાલ
બાંગ્લાદેશની રાજનીતિ અને અર્થવ્યવસ્થા પ્રાદેશિક અને વૈશ્વિક નેટવર્કથી ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ભારત, પશ્ચિમી દેશો અને ચીન, તમામને ઢાકાની રાજકીય સ્થિરતામાં રસ છે. એ કહેવું સરળ હશે કે બાહ્ય તાકાતોએ જમાતની વાપસી “રોકી દીધી,” પરંતુ સાચું એ છે કે ભૂરાજનીતિક ભરોસો રાજદ્વારી સંકેતો અને આર્થિક વિશ્વાસને પ્રભાવિત કરે છે.
ઇસ્લામી દળોની સામે એક વધારાનો પડકાર હોય છે; તેમણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને પડોશી દેશોને ભરોસો અપાવવો પડે છે કે તેમની વૈચારિક નીતિઓ આર્થિક સ્થિરતાને નુકસાન નહીં પહોંચાડે. માત્ર અનિશ્ચિતતાની છબી પણ પ્રભાવશાળી વર્ગોને વધુ પરિચિત અને સુરક્ષિત રાજકીય વિકલ્પો તરફ ઝુકાવી શકે છે. તેમ છતાં, માત્ર બાહ્ય દબાણ ચૂંટણી હારનું પૂરું કારણ હોઈ શકે નહીં. જ્યાં સુધી દેશની અંદર મજબૂત જનસમર્થન ન હોય, સુધી બાહ્ય અસહજતા એકલી ચૂંટણીના પરિણામ નક્કી કરી શકતી નથી.
ઇસ્લામી બદલાવ: અધૂરો કે અપૂરતો?
પાછલા બે દાયકામાં ઘણા ઇસ્લામી દળોએ વૈચારિક બદલાવ કર્યા છે. ટ્યુનિશિયાનું Ennahda Movement, કેદમાં રહેલા નેતા Rached Ghannouchi ના નેતૃત્વમાં, પોતાના ધાર્મિક (દાવત) કાર્ય અને રાજકીય દળની ગતિવિધિઓને અલગ કરવાની કોશિશ કરી જેથી પોતાને “મુસ્લિમ ડેમોક્રેટ” ના મોડેલના રૂપમાં રજૂ કરી શકે. તેવી જ રીતે તુર્કીની Justice and Development Party એ પોતાની ઇસ્લામી જડોને રાષ્ટ્રવાદ અને વિકાસની ભાષામાં ઢાળી દીધી. મોરોક્કોની Justice and Development Party એ પણ લગભગ આ જ રણનીતિ અપનાવી.
આ ઉદાહરણો પરથી એ નથી શીખી શકાતું કે ઇસ્લામી દળ હંમેશા જીતે છે, પરંતુ એ કે તેઓ ત્યારે સફળ થાય છે જ્યારે તેઓ પોતાની અપીલ માત્ર વૈચારિક સમર્થકો સુધી સીમિત ન રાખીને વ્યાપક સમાજ સુધી ફેલાવે છે. તેઓ રાષ્ટ્રવાદના કેટલાક તત્વોને સામાન્ય બનાવે છે, લઘુમતીઓને સામેલ કરવાની વાત કરે છે, શાસનની ક્ષમતા પર ભાર મૂકે છે અને પોતાની વિચારધારાને માત્ર ભાષણ સુધી સીમિત ન રાખીને માનવ વિકાસ સાથે જોડે છે.
સવાલ એ છે કે શું બાંગ્લાદેશ જમાઅતે ઇસ્લામીએ આ બદલાવને પૂરી રીતે અપનાવ્યો છે? શું તેણે માત્ર પોતાની ભાષાને નરમ કરી છે કે પોતાના સંગઠન અને ગઠબંધનની રણનીતિમાં પણ વાસ્તવિક બદલાવ કર્યો છે? જો વૈચારિક બદલાવની સાથે સંસ્થાગત સુધાર ન હોય તો પરિવર્તન અધૂરું જ રહે છે.
સંરચનાત્મક દ્વિધા: વૅનગાર્ડ કે નેશનલ પાર્ટી?
બાંગ્લાદેશ જમાઅતે ઇસ્લામી એક વ્યુહાત્મક વળાંક પર ઉભી છે. ઐતિહાસિક રીતે આ એક અનુશાસિત અને વિચારધારા-ચાલિત આંદોલન રહી છે, જેમાં “વૅનગાર્ડ” એટલે કે અગ્રીમ દળ જેવી સંગઠનની વિશેષતાઓ દેખાય છે. પરંતુ ચૂંટણી રાજનીતિમાં વ્યાપક અને લવચીક ગઠબંધનને વધુ મહત્વ મળે છે, જ્યાં વ્યવહારિક રાજનીતિ માટે સમજૂતીઓ પણ કરવી પડે છે.
અવારનવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચેના સંબંધનું ઉદાહરણ આપવામાં આવે છે, જ્યાં સામાજિક-ધાર્મિક સંગઠન અને ચૂંટણી રાજનીતિ અલગ-અલગ કામ કરે છે. પરંતુ આ તુલના પૂરી રીતે સાચી નથી. હિન્દુત્વ એક હિન્દુ-બહુમતી દેશના માળખામાં કામ કરે છે, જ્યારે જમાઅત એક મુસ્લિમ-બહુમતી દેશમાં સક્રિય છે, જેની રાષ્ટ્રીય ઓળખ પાકિસ્તાન વિરુદ્ધ મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલી છે. ઐતિહાસિક સંદર્ભને સમજ્યા વિના કોઈ મોડેલને અપનાવવું વ્યુહાત્મક ભૂલ હોઈ શકે છે.
સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે શું જમાઅત પોતાની જાતને એક વ્યાપક રાષ્ટ્રીય પાર્ટીમાં બદલવા માટે તૈયાર છે, જ્યાં તેની ઇસ્લામી જડો માત્ર નૈતિકતા અને સિદ્ધાંતોને દિશા આપે, નહીં કે એવી કઠોર રાજકીય નીતિ નક્કી કરે જે વ્યવહારિક રાજનીતિમાં લવચીકતા ખતમ કરી દે.
શું આ ઇસ્લામવાદની નિષ્ફળતા છે?
કોઈ એક પાર્ટીની હારનો મતલબ એ નથી હોતો કે આખો વિચાર કે વિચારધારા ખતમ થઈ ગઈ. ઇસ્લામવાદી રાજનીતિએ સમય અને અલગ-અલગ જગ્યાઓ પર પોતાની મજબૂતી બતાવી છે. પરંતુ જ્યારે આંદોલન બદલાતી સામાજિક હકીકતો અનુસાર પોતાની જાતને નથી બદલતા, તો ચૂંટણીઓમાં તેમની સીમાઓ સામે આવી જાય છે.
એકવીસમી સદીમાં ઇસ્લામવાદની સામે નવા પડકારો છે, જેવા કે વૈશ્વિક જોડાણ, લઘુમતીઓની ભાગીદારી, આર્થિક શાસન અને લૈંગિક સમાનતા. મતદારો અવારનવાર પાર્ટીઓને તેમની વહીવટી ક્ષમતા અને લોકોની જરૂરિયાતો પૂરી કરવાની યોગ્યતાના આધારે આંકતા હોય છે, નહીં કે માત્ર ધાર્મિક શુદ્ધતાના આધારે. જો જમાતની હારમાંથી કોઈ પાઠ મળે છે, તો તે એ છે કે પ્રતીકાત્મક પ્રતિષ્ઠા (ભલે નૈતિક છબીથી આવે કે વિદ્યાર્થી રાજનીતિથી) પહેલા વ્યાપક ગઠબંધન બનાવવું જરૂરી છે.
બદનામી અને અતિશયોક્તિથી આગળ
વાસ્તવિકતા ક્યાંય વધુ જટિલ છે, પરંતુ જ્યારે જમાતને કાં તો એક અજેય ઇસ્લામવાદી આંદોલન કે હંમેશા ખતરાના રૂપમાં બતાવવામાં આવે છે, તો સચ્ચાઈ છુપાઈ જાય છે. તેની ચૂંટણી હાર ધર્મ-પ્રેરિત રાજનીતિની સ્વાભાવિક નબળાઈના કારણે નથી, પરંતુ સંરચનાત્મક સીમાઓ, ઐતિહાસિક બોજ, સીમિત ગઠબંધનો અને વ્યુહાત્મક મુશ્કેલીઓની વજહથી છે. ઇસ્લામવાદી સમૂહો ખતમ નથી થતા, પરંતુ સમયની સાથે પોતાની જાતને ઢાળતા રહે છે. સવાલ એ નથી કે તેઓ સફળ થઈ શકે છે કે નહીં, પરંતુ એ છે કે કઈ પરિસ્થિતિઓમાં તેઓ સફળ થશે. જો બાંગ્લાદેશમાં બદલાવ લાવવો હોય, તો તે માત્ર વાતોથી નહીં આવે; આના માટે રાષ્ટ્રીય ઓળખ, સંગઠન અને કથાને નવા છેડેથી વ્યાખ્યાયિત કરવા પડશે. ત્યારે જ ચૂંટણી હકીકત અને અતિશયોક્તિ વચ્ચેનું અંતર ઓછું થઈ શકશે.
સંપાદકીય નોંધ: આ લેખ મૂળ અંગ્રેજીમાં middleeastmonitor.com પર પ્રકાશિત થયો હતો. ‘છાત્ર વિમર્શ’ દ્વારા કરવામાં આવેલા તેના હિન્દી અનુવાદ પરથી અહીં ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. મૂળ લેખની લિંક નીચે મુજબ છે: https://www.middleeastmonitor.com/20260215-jamaat-e-islami-bangladesh-and-the-limits-of-islamist-electoral-politics/)
