હાલમાં રીડીંગરૃમ અને લાઇબ્રેરીની મુલાકાત લેવાનો અવસર મળ્યો. મારા સ્કૂલ ટાઇમની યાદ તાજી થઇ ગઇ અને રીડીંગ રૃમમાં વિદ્યાર્થીઓની ભરચક સંખ્યા જોઇને દિલ પ્રસન્ન થઇ ગયુ. આજે વડીલો ફરીયાદ કરે છે કે આજની પેઢી અધ્યયનમાં રૃચિ નથી રાખતા. યારી-દોસ્તી અને મોબાઇલ પર આંગળીઓ નચાવવામાં સમય પસાર કરે છે. ભણવામાં તેમને રસ નથી અને જેમને ભણવાનું પેશન છે તેમની સમજ પણ તેમના વિષયમાં બહું ઊંડી હોતી નથી. જુજ વિદ્યાર્થીઓ અપવાદ છે. આ વાતાવરણમાં હું વિચારવા લાગ્યો કે મોટેરાઓનું નિરિક્ષણ અને નવી પેઢી વિશે તેમના મંતવ્ય ખોટા છે. અહિં તો કંઇક જુદો જ નઝારો હું જોઇ રહ્યો છું પીન ડ્રોપ શાંતિ છે, બધા પોત પોતાની ડેસ્ક પર બેસીને વાંચવામાં મગ્ન છે. કોઇ ગણિતનો કોયડો ઉકેલી રહ્યો છે, કોઇ સુત્રો ગોખી રહ્યો છે કોઇ કેમેસ્ટ્રીના બંધારણીય સૂત્રો બનાવી રહ્યો છે, તો કોઇ ન્યુટનના નિયમો લખી રહ્યો છે, કોઇ ભાષાકીય વિષયોની તૈયારી કરી રહ્યો છે તો કોઇ સીવિલ પરીક્ષાની તૈયારીઓમાં ગળાડૂબ છે. ખુબજ ખંત અને મહેનતથી તેઓ તેમના વિષયો સમજવા-વાંચવા-ગોખવા પ્રયત્ન કરી રહ્યા છે. તે લાઇબ્રેરીનુ દૃશ્ય વિદ્યાર્થીઓની મહેનતની સુગંધથી મનોહર લાગી રહ્યું હતું.
હું આ બધુ જોતા રૃમથી બહાર આવ્યો ત્યાં જ મારી નજર ચર્ચા કરતા બે મિત્રો પર પડી. બંને ખુબજ ટેન્શનમાં જણાઇ રહ્યા હતા. એકે કહ્યું યાર, મારો તો ૩૦ ટકા જ કોર્સ પુરો થયો છે ને પરીક્ષાના ૧૦ જ દિવસ બાકી છે ક્યારે પુરો થશે અને ક્યારે પુનરાવર્તન કરીશું, કંઇ સમજાતુ નથી. ઓલી પારોના ચક્કરમાં આખુ વર્ષ વિતી ગયુ અને પરીક્ષાની તારીખો આવી તો આંખો ઉઘડી… ટેન્શનમાં ને ટેન્શનમાં કંઇ યાદ પણ થતું નથી, તારે તો …. તેમની વાત વચ્ચેથી કાપતા તેમના મિત્રે કહ્યું મારે આવું કોઇ ટેન્શન નથી. મારૃ એકવાર પુનરાવર્તન પણ થઇ ગયું છે અને પાંચ પેપલ પણ સોલ્વ કરી લીધા છે. હું તો રોજે રોજ પોતાનું કામ પતાવતો હતો અને યાદ કરતો હતો. તને તો ખબર છે ને મારા પપ્પા કોઇ બિઝનેશમેન નથી. તેઓ કાળી મજૂરી કરીને મને ભણાવી રહ્યા છે. તેમનું સ્વપ્ન મને એન્જિનિયર બનાવવાનું છે, જોકે મમ્મી ડૉક્ટર બનવા માટે કહે છે અને તેના કારણે બંને તરફથી સતત ઊંચી ટકાવારી લાવવાનુ દબાણ રહે છે. જો મારા ટકા ઓછા રહી ગયા તો ગર્વમેન્ટ સીટ પર મારૃ એડમિશન શક્ય નથી અને સેલ્ફ ફાઇનાન્સમાં તેઓ કોઇ વ્યવસ્થા કરી શકે તે મને લાગતુ નથી. બસ પરિક્ષામાં ઊંચી ટકાવારી બનાવવાનુ ટેન્શન છે. જેથી હું સતત ૧૮-૨૦ કલાક વાંચી રહ્યો છું. ખાવાનુંય મન થતું નથી અને શાંતિની ઊંઘ તો પરીક્ષા પછી જ મળશે.
મારાથી રહેવાયું નથી અને બિન માગી સલાહ આપતા કહ્યું, મિત્ર, શું કામ ચિંતા કરે છે. આખુ વર્ષ તે વેડફી દીધુ તો કાંઇ નહીં. ‘આંખ ખુલી જબ સવેરા’. હવે બધુ તૈયાર કરવા કરતા જેટલા દિવસ બાકી છે તેનો સારુ આયોજન કરી લે. દરેક વિષયમાં પાસીંગ માર્ક મળી જાય તેટલું ટાર્ગેટ બનાવીને મહનત કર. જો એ તૈયાર થઇ જાય તો પછી આગળ વધ. અને તેના મિત્રને કહ્યું, તું ટકાવારીની ચિંતા છોડીને શાંત ચિત્તે મહેનત કર. ચિંતા એ ચિતા સમાન હોય છે, જે લાકડીને નહિ માનવને ભરખી જાય છે અને કુઆર્નની આયતનો ભાવાર્થ સમજાવતા કહ્યું આ ઇશ્વરનો નિયમ વ્યક્તિ જેવી મહેનત કરશે તેને તેવો ફળ મળશે અને કદાચ તારા ટકા ઓછા આવે તોય ચિંતા કરવાની જરૃર નથી. ડૉક્ટર અને એન્જીનીયર બનવાનું નામ જ સફળતા નથી. બીજા ઘણા બધા હ્યુમનિટીઝના વિકલ્પો છે જેમાં તુ તારી સારી કારકિર્દી બનાવી શકે છે. અને દેશ ચલાવવામાં હ્યુમનિટીઝના વિદ્યાર્થીઓ જે ભાગ ભજવે છે તે ડૉક્ટર – એન્જીનીયર ભજવી શકતા નથી. વ્યક્તિને ટકાવારીની સ્પર્ધામાં નહિ સારા માનવ બનવાની સ્પર્ધામાં ઉતરવું જોઇએ. ઋષિમુનિઓ જ નહિ વર્તમાન સદીમાં પણ વિવિધ વિભાગોમાં નામના મેળવનારી વિભૂતિઓ છે જેમણે સ્કૂલ-કોલેજની પરીક્ષા આપી નથી પરંતુ તેમણે વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. દરેક બાબતમાં સ્પર્ધાની નહિ સહકારની ભાવના પેદા કરો. એના ઘણા દાખલા છે જેઓ બહું ભણ્યા નથી પરંતુ તેમણેે સમાજ માટે ઘણુ બધુ કર્યું. જો તમે આ કસોટીમાં સફળ થાઓ તો વિદ્યાર્થીકાળની કસોટીમાં સફળ થયા કહેવાશો. અને હાં પરીક્ષામાં સારી પ્રદર્શનની ઝંખનામાં ખાવા અને ઉંઘવાનું ન ભુલતા. અપરિપુર્ણ ઉંઘ વ્યક્તિને આળસુ અને રોગી બનાવી દે છે. અને ખોરાકની કમી નિર્બળતા ઉત્પન્ન કરે છે. જેનો પ્રત્યક્ષ પ્રભાવ તમારા રોજીંદા જીવન પર પડશે. તેમના સમયની કિંમત જોઇ લાબું બોલવાનું ટાળ્યું અને ત્યાંથી સીધો લાઇબ્રેરીયન પાસે પહોંચ્યો અને લાઇબ્રેરી વિશે વાતો કરવા લાગ્યો. તેમણે જણાવ્યુંં કે સમગ્ર વર્ષ વિદ્યાર્થીઓ બહુ આવતા નથી પરંતુ પરીક્ષાના સમયે બધી સીટ ભરાઇ જાય છે. બલ્કે વધારાના વિદ્યાર્થીઓ સંકુલ બહાર ગાર્ડનમાં બેસીને વાંચે છે.
લાયબ્રેરીયનની જમણી બીજુ દિવાલ પર ફ્રેન્ક ઝાપાનું એક વાક્ય લખ્યું હતું, ‘જો તમે સફળતા મેળવવા ઇચ્છો છો તો કોલેજ જાઓ અને શિક્ષિત થવા માગો છો તો લાયબ્રેરી જાઓ’. મે કીધુ સાહેબ આ લખેલી વાતમાં અમુક સચ્ચાઇ છે પરંતુ આપણને વિદ્યાર્થીઓને કઇ રીતે વિચારવું એ શીખવાડવાની જરૃર નથી. શું વિચારીએ એ સમજાવવાની જરૃર છે. આ શિક્ષણની કસોટી છે કે તે વિદ્યાર્થીની કેળવણી કઇ રીતે કરે છે. શિક્ષકોને એ વાત યાદ રાખવી જોઇએ કે મૂલ્યો વગરનું શિક્ષણ મનુષ્યને શાણો રાક્ષસ બનાવે છે. વર્ગના કેટલા વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા એ શિક્ષણની સફળતાનું માપદંડ હોવુ જોઇએ પરંતુ એ કે તે વિદ્યાર્થીઓમાં ઇન્ટિલિજન્સની સાથે તેમનું કેટલુ ચરિત્ર ઘડતર કરે છે તે શિક્ષણને પારખવાની કસોટી હોવી જોઇએ. સાહેબે કંઇ બોલ્યા વગર મારી સાથેે સંમતિ દર્શાવી.
આપણી શિક્ષણ વ્યવસ્થાને રિડિફાઇન કરવાની જરૃર છે. તે માત્ર માર્કેટ ઓરીયન્ટેડ મશીન (મેનપાવર) તૈયાર કરી રહ્યું છે અને તેની અસર બીજા ક્ષેત્રોમાં પણ તમે જોઇ શકો છો કે વિદ્યાર્થીઓ જ નહિ સામાન્ય માણસ પણ જાહેરાત અને પલ્બિસીટીથી અંજાઇ મૂર્ખ બને છે. જ્યારે કે બધા જાણે છે ‘ચળકે બધુ સોનું નથી હોતું.’ હવે તમે આજકાલની રાજનીતિ ને જ જોઇ લોને. વિચારધારા જ નથી. પાર્ટીઓ પણ વ્યક્તિ આગળ નાની લાગે છે. વ્યક્તિ આધારિત ચૂંટણી હોય તેવું લાગે છે. ઝુઠાણાની એક લાંબી શ્રૃંખલા છે જેનાથી પ્રેમને મુર્ખ બનાવી રહ્યા છે. વિકાસના નામે નાગરિકોને દિશાહીન કરવામાં આવી રહ્યા છે. સાહેબે કીધંું પરંતુ વિકાસ તો દેખાઇ રહ્યો જ છે ને અને વધુમાં તમે જુઓ લાંબા સમયથી ગુજરાતમાં રમખાણો પણ થયા નથી. બીજુ શું જોઇએ. માનસ બદલ્યું છે કે સત્તા હાંસલ કરવા માટેની કૂટનીતિ. એ બાબતે વિચાર કરવો જોઇએ અને વિસ્તારમાં ‘ભાઇ’ના ‘કુકર્મો’થી બચવા તેમને નેતૃત્વ આપવું માનવીય સમાજની ઘોર ખોદવા જેમ છે. દુકાનમાં હજારનો માલ હોય અને લાખનું દેવું હોય તો સારા ડિસ્પ્લે કરવાથી વાસ્તવિક્તા બદલાતી નથી. ગુજરાતમાં તો મૂડીવાદીઓને જ લીલા લહેર છે. બાકી રહ્યું ભ્રષ્ટાચારનું એ તો બધે કોમન છે. જેને જેટલો અવસર મળ્યો એટલું તેમણે લૂટ્યું. સામાન્ય જનમાં આજકાલ આ ચર્ચા છે કે મોટી મોટી જાહેરાતો, ઝુઠ્ઠાણાઓ, પેડ-ન્યૂઝ વડે જે કરોડોના ખર્ચા કરી રહ્યા છે વાસ્તવમાં તેમને તેઓ ઇન્વેસ્મેન્ટ ગણે છે. જનો બદલો સત્તા મળતા જ મળી જશે. પીડીતો, વંચિતો પાસે છે શું ? ન તેમની પાસે કોઇ શક્તિ છે ન દોલત. એટલે જ આપણી સરકાર આરબપતિઓના ઇશારે ચાલે છે. મારા મગજમાં એક પ્રશ્ન આવ્યો! મે કીધું સાહેબ, રામાયણમાં લંકા અને રાવણ વિશે શું આવ્યું છે. સાહેેબે કીધું મે ઉંડાણપૂર્વક વાંચ્યું નથી. પરંતુ એટલી ખબર છે કે લંકાને સોનાની નગરી કહેવામાં આવતું હતું અને રાવણ તો મોટો જ્ઞાની હતો. મે તરત સાહેબને પ્રશ્ન કર્યો, તો પછી સાહેબ વિકાસ પુરૃષ રાવણ કે જેમણે લંકાને સોનાની બનાવી હતી તેે શું કામ હનુમાનજીએ આગ આપી અને શા કારણે રામજીએ રાવણનો વધ કર્યા. તે સત્ય પણ હોય આજે તો કળીયુગ ચાલે છે. મનુુષ્યને જીવનની પ્રાથમિક જરૃરિયાત મેળવવાનો અધિકાર છે. પછી કોઇ કોમવાદી અને ફાસીવાદી પરિબળને સત્તા કઇ રીતે આપી શકાય. દેશમાં પ્રેમ, ભાઇચારા, સૌહાર્દ અને સદ્ભાવની લાગણી હોવી જોઇએ. જેની આશા કોમવાદી સરકારથી રાખી ન શકાય. આ પાયાની જરૂરત પુર્ણ થાય પછી જ કહેવાતો વિકાસ કામનો. સાહેબ ભુખ્યાને રોટીની જરૃર હોય છે સોના કે જવેરાતની નહિ. નાગાને કપડાની જરૃર છે મોટી ઇમારતોની નહિ. વંચિતને સહારાની જરૃર છે એકમો બાંધવાની નહિ. પાયાની જરૂરતો પુર્ણ થાય તો પછી વિકાસ કામનો કહેવાય. આ એટલા માટે કહી રહ્યો છું કે આપણા ગુજરાતમાં સ્ત્રીઓ બાળકોમાં કુપોષણની સમસ્યા ગંભીર છે. હ્યુમન ઇન્ડેક્ષ ઘણો પાછળ છે. દેશમાં સૌથી વધુ દેવું ગુજરાતના માથે છે. વીજળી અને પેટ્રોલ આખા રાજ્યોની સરખામણીમાં અહીં મોંઘા છએ વગેરે. સાહેબ કીધુ વાત બરાબર છે પરંતુ આપણા દેશની જનતા ભોળી છે. ધર્મના નામે છેતરાઇ જાય છે અથવા અન્ય બેચારા ગરીબો દારૃની બોતલ કે નજીવી રકમમાં મત વેચી નાખે છે. તેઓ સમજે છે કે જીત્યા પછી કોઇ આપણી ચોખટે આવવાનો નથી. એક દિવસ ભરાતુ હોય તો આપણે શું. મે કીધુ સાહેબ જ્યાં સુધી આપણે શક્તિ હોય તે લોકોને સમજાવવાની જરૃર છે. ઇમાનદાર હોય (અન્યની સરખામણીમાં) આ નાગરિકોની કસોટી છે કે તેઓ શું નિર્ણય લે છે. સાહેબ કીધું મે તો વિદ્યાર્થીઓને પણ કહી દીધંહ છે કે પરીક્ષા બાબતે ઉંઘી જાઓ તો એક વર્ષ ભોગવવુ પડશે પરંતુ મત બાબતે ઉંઘી ગયા તો પાંચ વર્ષ ભોગવવુ પડશે. મે કીધું સાહેબ રીયલી તમે સચોટ વાત કરી છે. પરંતુ એક બીજી મહત્વની વસ્તુ વિદ્યાર્થીઓને નહિ પરંતુ સામાન્ય વ્યક્તિને પણ સમજાવવાની જરૃર છે કે વૈચારિક અને આસ્થાકીય રીતે ઉંઘતા રહી ગયા તો જીવન નિરર્થક બની જશે. જીવનની કસોટીમાં સફળ થવામાં શ્રદ્ધામાં સચ્ચાઇ હોવીં ઘણી જ જરૂરી છે.
સાહેબે પ્રશ્ન કર્યો કઇ સમજાયુ નહિ. મે કહ્યું કે જો વિદ્યાર્થીઓ સફાળા જાગી જાય તો તેઓ કસોટીમાં સફળ થઇ શકે છે અને જો કદાચ તેમને સફળતા ન મળે તો પણ આગલા વર્ષે ફરીથી પરિક્ષા આપવાની તક મળે છે અને નાગરિકો સમજી વિચારીને મતદાન કરે સારો માનવપ્રિય, ન્યાયપ્રિય, તટસ્થ, ધર્મ પ્રત્યે સદ્ભાવ દાખવનારો, સેવાભાવી, નિઃસ્વાર્થ વ્યક્તિને ચૂંટશે તો દેશ સાચા અર્થમાં પ્રગતિ કરશે. સમૃધ્ધિ કરશે, વેરભાવના ખત્મ થશે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી મુક્તિ મળશે એનો જો લોભ લાલચ કે ભય-ડરના કારણે કોમવાદી, ક્રિમીનલ, પક્ષપાતી અને સત્તા લોભી વ્યક્તિને મત આપશે તો આવતા પાંચ વર્ષ તેને જ ભોગવવાનું આવશે અને આ પરિસ્થિતિમાં ઘણું બધુ ગુમાવ્યું છે એવી અનુભૂતિ થશે અને આવું જ જીવનની બાબતમાં છે. શ્રધ્ધા સત્ય આધારિત હોય કર્મ નિખાલસ હોય તો જીવન સમૃદ્ધ થશે. વ્યક્તિ એક ઇશ્વરમાં શ્રદ્ધા રાખે, તેના રસૂલો દ્વારા મળેલા માર્ગદર્શન મુજબ જીવન વ્યતિત કરેે અને પરલોકમાં સ્વર્ગ-નરકના દૃષ્ટિકોણને અપનાવી જીવનને સુશોભિત કરેે. ઇશ્વરની પ્રસન્નતા અને સ્વર્ગના અકલ્પનીય પારિતોષિકને પામવા સારા કર્મો કરે, લોકોની સેવા કરેે, પ્રેમ-ભાઇચારાની જ્યોત પ્રગટાવેે, દુખિયારા, અનાથો, વિધવાઓ, નિઃસહાયો અને વંચિતોનો સહારો બને. તથા નરકની હંમેશા હંમેશની યાતના અને પીડાથી બચવા ઇશ્વરની અવજ્ઞાકારી કરવાથી ડરે. જુલ્મ, અત્યાચાર, અન્યાયથી દૂર રહે. શિર્કથી પોતાના પાલવને પવિત્ર રાખે તો તેનું જીવન સફળ થશે નહિતર નરકની અગ્નિ તેની ચામડી અને આંતરડાઓને બાળી નાંખશે. તે મૃત્યુની તમન્ના કરશે પરંતુ મૃત્યુનું અસ્તિત્વ ખત્મ થઇ ચુક્યુ હશે અને આ જીવન એક જ વાર મળ્યુ છે તેને બીજો કોઇ અવસર નહિ મળે અને ઇશ્વર ન કરે કે કોઇ વ્યક્તિ સત્યથી ગાફેલ થઇને મોતને ભેટશે તો તે જીવનમાં બધુ જ ગુમાવ્યું છે. તેનો અહેસાસ થઇ જશે અને મે સાહેબને ‘ઇસ્લામ દર્શન’ પુસ્તક ભેટ આપીને વિદાય લીધી.
વાંચક મિત્રો, આ ત્રણ કસોટીઓ છે જેમાં ક્યાકને ક્યાક વ્યક્તિ ઝઝૂમી રહી છે. જેમાં અવસર જેટલા ઓછા છે તેનું મહત્વ એટલું વધારે છે. કોઇ બુદ્ધિમાન વ્યક્તિ કિંમતી વસ્તુની બેદરકારી કરતો નથી. તેથી સાવચેત રહેજો જીવનની આ કસોટી પુર્ણ ન થઇ જાય. તમે ઉંમરના જે સ્થાને હોવ ત્યાંથી જ વિચારજો કેમકે મૃત્યનો કોઇ સમય નિશ્ચિત નથી, તે ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે ઉંમરે આવી શકે છે તો મારી દિલી ઇચ્છા છે કે એનાથી પહેલા કે જીવનનો અંત આવે આપણે આજેય ઓછામાં ઓછા પાસીંગ માર્ર્ક્સ લાવવાની તૈયારી કરી લઇએ. તમે જુઓને આપણો પરમ કૃપાળુ ઇશ્વર આપણને ક્ષમા કરવા બિલ્કુલ તૈયાર છે. ચાલો સાચા મનથી એક વાર કહીએ, હે પ્રભુ! તુ અમને ક્ષમાકર, નિઃશંક તારા સિવાય કોઇ પુજ્ય અને ઉપાસ્ય નથી. તુ એકલો અને અદ્વિતિય છે. અને હું સાક્ષી આપું છું કે તે આદમ અલૈ.થી અંતિમ પયગમ્બર (સ.અ.વ.) સુધી જે પયગંબરો મોકલ્યા છે તેઓ બધા સત્ય માર્ગદર્શન લઇને આવ્યા હતા. હું બધાને સમાન રીતે સ્વીકારૃ છું અને પ્રતિજ્ઞા લઉ છું કે તારા પયગમ્બરો થકી જે વિશુદ્ધ અને પવિત્ર અંતિમ માર્ગદર્શન મને મળશે. હું તેના આદેશોનું પાલન કરીશ. હે પ્રભુ, મારા જીવનને સાર્થક કરજે અને મને તમામ કસોટીમાં સફળ બનાવજે.