‘ભ્રષ્ટાચાર’ અને ‘બેઈમાની’એ બે એવા શબ્દો છે જે આજના યુગમાં અત્યંત સામાન્ય બની ગયા છે, પરંતુ તેના પરિણામો કોઈ પણ રીતે સામાન્ય નથી. ભ્રષ્ટાચાર એ શક્તિ, અધિકાર અથવા પદનો દુરુપયોગ કરીને વ્યક્તિગત અથવા સામૂહિક લાભ મેળવવાની પ્રક્રિયા છે. તે બેઈમાનીનું જ એક સ્વરૂપ છે, જેમાં નૈતિકતા, સિદ્ધાંતો અને કાયદાનો ભંગ થાય છે. આ માત્ર એક આર્થિક ગુનો જ નથી, પરંતુ એક સામાજિક રોગ છે જે રાષ્ટ્રના પાયાને ખોખલો બનાવે છે અને સમાજના તાના-બાનાને તોડી પાડે છે.
ભ્રષ્ટાચારના વિવિધ સ્વરૂપો:
ભ્રષ્ટાચાર હંમેશાં ભારે રકમના લેવડ-દેવડ સ્વરૂપમાં જ દેખાતો નથી. તેના અનેક સૂક્ષ્મ અને સ્પષ્ટ સ્વરૂપો છે.
૧. રિશ્વતખોરી (Bribery): કોઈ પણ કાર્ય કરાવવા માટે અથવા ખોટું કાર્ય ન કરવા માટે પૈસા અથવા ભેટ આપવી-લેવી. આ ભ્રષ્ટાચારનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.
૨. (Favouritism): સંબંધો, જાતિ, ધર્મ અથવા મિત્રતાના આધારે નોકરી, કોન્ટ્રાક્ટ અથવા અન્ય સુવિધાઓ આપવી.
૩. ભાઈ-ભત્રીજાવાદ (Nepotism): સ્વજન-પક્ષપાત, એટલે કે પોતાના સગાં-સંબંધીઓને અનુચિત લાભ પહોંચાડવા. આ સંબંધે એક મજાનું ઉદાહરણ અહીં ટાંકવું ગમશે. તત્કાલીન નાયબપ્રધાનમંત્રી દેવીલાલજીને કોઈ પત્રકારે પૂછ્યું કે તમે બધો લાભ તમારા સગા-વહાલા ને જ કેમ આપો છો, ત્યારે તુરંત જ પલટવાર કરી તેમણે કહ્યું કે મારા સગા-વહાલા ને ન આપું તો શું ભજન લાલના સગા-વહાલાને આપું? રાજકારણીઓ આટલી નફ્ફટાઈથી ભ્રષ્ટાચારને આગળ વધારતા હોય ત્યારે પ્રજા કેમની પાછળ રહી જાય, વારુ.
૪. ગબન (Embezzlement): જે પૈસા અથવા સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી છે, તેનો ગેરવાજબી ઉપયોગ કરવો.
૫. કમિશનખોરી (Commission): મોટી ખરીદી અથવા યોજનાઓમાંથી ટકાવારી રકમ લેવી. દા.ત. બોફોર્સ કૌભાંડ.
૬. ભ્રષ્ટાચારનું નવું સ્વરૂપ – ‘સૂચના શુલ્ક’ (Information Toll): સરકારી યોજનાઓની માહિતી, ફોર્મ, પ્રમાણપત્ર, અથવા સરળ સેવાઓ મેળવવા માટે પણ લોકોને લાંચ આપવી પડે છે.
ભ્રષ્ટાચારના કારણો:
આ સમસ્યામૂળભૂત રીતે અનેક કારણોસર ફૂલીફાલી છે.
- લોભ અને સતત વધારે મેળવવાની ઇચ્છા: મનુષ્યના મનમાં અનંત લોભ એ તેનું મુખ્ય કારણ છે.
- નૈતિક મૂલ્યોમાં આવેલી ગિરાવટ: પારિવારિક અને સામાજિક સ્તરે નીતિ-નૈતિકતાનું શિક્ષણ આપવામાં અપૂર્ણતા.
- અભૂતપૂર્વ ભૌતિક પ્રગતિ અને ઉપભોક્તાવાદ: ૨૧ મી સદીમાં દુનિયા જે ઝડપથી પ્રગતિ કરી રહી છે તેનાથી અંજાઈને દરેક વ્યક્તિને કોઈ પણ ભોગે, વધુમાં વધુ, ઓછામાં ઓછા સમયમાં, મેળવી લેવાની અદમ્ય ઇચ્છા જાગી છે. દેખા દેખી અને બાહ્ય આડંબર આ માનસિકતાને સીધું પ્રોત્સાહન પૂરૂં પાડી રહી છે.
- જટિલ અને ધીમી ન્યાયવ્યવસ્થા: ભ્રષ્ટ લોકોને ભય રહિત બનાવે છે, કારણ કે તેમને ખબર હોય છે કે સજા થવાની શક્યતા ઓછી છે અથવા ઘણી વાર લાગે છે. સાક્ષીઓ અને હવે તો કેટલાક ન્યાયાધીશોને પણ ફોડી શકાય છે.
- પારદર્શિતાનો અભાવ: સરકારી કાર્યપદ્ધતિમાં પારદર્શિતા ન હોવી, જેથી લોકોને માહિતી ન મળી શકે અને ગેરબંધારણીય કાર્ય થઈ શકે.
- આર્થિક અસમાનતા અને ગરીબી: કેટલાક સમયે ગરીબી અને આર્થિક તંગી લોકોને ભ્રષ્ટાચારના માર્ગ પર ધકેલે છે.
- સામાજિક સ્વીકાર્યતા: સમાજમાં ભ્રષ્ટાચારને એક ‘સ્માર્ટ વર્ક’ અથવા ‘જરૂરિયાત’ તરીકે જાેવાની માનસિકતા.
ભ્રષ્ટાચારના પરિણામો:
ભ્રષ્ટાચારના પરિણામો દૂરગામી અને વિનાશકારી છે.
- આર્થિક નુકસાન: દેશનું ધન અસમાન વહેંચણી અને ગેરકાયદે ખિસ્સામાં જાય છે. વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટે છે. BLACK MONEY અહીંથી ઊડી બહારના દેશોમાં safe havenમાં શેલ કમ્પની બનાવી ગોઠવી દેવાય છે. મોટા ગજાના રાજકારણીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના નાણાં આ રીતે જાય છે.ચૂંટણી સમયે પરત આવી વધીને પાછા પણ જાય છે.
- વિકાસમાં અવરોધ: યોજનાઓની ગુણવત્તા નબળી પડે છે, કામમાં વિલંબ થાય છે અને દેશનો વિકાસ અટકી જાય છે.
- સામાજિક અસમાનતા: ગરીબ ગરીબડો અને અમીર અમીરજાદા બનતો જાય છે, જેથી સમાજમાં અસંતોષ અને હિંસા ફેલાય છે.
- ન્યાયવ્યવસ્થા પ્રત્યે અવિશ્વાસ: સામાન્ય માણસને ન્યાય નહીં મળવાની લાગણી થાય છે, જે લોકશાહી માટે ખતરનાક છે.
- નૈતિક પતન: સમાજમાં બેઈમાની અને ભ્રષ્ટાચારને સામાન્ય બનાવે છે અને ઈમાનદાર લોકો હતાશ થાય છે.
ભ્રષ્ટાચાર નિવારણના ઉપાયો:
આ રોગ સામે લડવા માટે વ્યક્તિગત, સામાજિક અને સંસ્થાકીય સ્તરે પગલાં ભરવા જરૂરી છે. સૌથી વધુ તો રાજકીય સ્તરે ભ્રષ્ટાચાર અટકાવવો ખૂબ જરૂરી છે. ત્યાં વિકસિત પદ્ધતિઓ જ નીચે સુધી ફેલાતી રહે છે તે દરેક નાગરિકે સમજવું રહ્યું. તલાટી અને સરપંચથી લઈ સચિવ અને પ્રધાન સુધી દરેક તબક્કે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થયેલો જાેવા મળે છે.
૧. શિક્ષણ અને જાગૃતિ: બાળકોને ઘર અને શાળા સ્તરે જ નીતિ-નૈતિકતાનું શિક્ષણ આપવું. સમાજમાં જાગૃતતા લાવવી. ઈશ્વર ઉપરની શ્રદ્ધા માનવીને સાચું નૈતિક બળ પૂરૂં પાડે છે અને એકેશ્વરવાદની વિભાવના તેને સાચી દિશા આપે છે.
૨. પારદર્શિતા અને જવાબદારી: સરકારી કાર્યોમાં પારદર્શિતા લાવવી. માહિતીના અધિકાર (RTI) જેવા કાયદાનો સક્રિય ઉપયોગ કરવો.
૩. ટેકનોલોજીનો ઉપયોગ: ડિજિટલ લેન-દેન, online ફાઇલીંગ, ઈ-ટેન્ડરિંગ જેવી સેવાઓથી માનવીની ભૂમિકા ઘટાડવી અને પારદર્શિતા વધારવી.
૪. કડક કાયદો અને ઝડપી કાર્યવાહી: ભ્રષ્ટાચારના આરોપીઓ સામે કડક અને ઝડપી કાનૂની કાર્યવાહી થવી જાેઈએ. ન્યાયાલયોને વધુ સક્રિય બનાવવાં જાેઈએ.
૫. વ્યક્તિગત પ્રયત્નો: દરેક વ્યક્તિએ પોતાની દૈનિક જીવનશૈલીમાંથી જ ભ્રષ્ટાચારને ના પાડવી જાેઈએ. નાની-શી રિશ્વત આપવી કે લેવી એ પણ ભ્રષ્ટાચાર જ છે. દરેક સ્તરે ઈમાનદારીને અપનાવવી.
ભ્રષ્ટાચાર અને બેઈમાની એવું કેન્સર છે જે સમાજને અંદરથી કોરી ખાય છે. આનાથી મુક્તિ મેળવવી એ કોઈ એક વ્યક્તિ, સરકાર અથવા સંસ્થાનું કામ નથી. તે એક સામૂહિક જવાબદારી છે. જ્યાં સુધી આપણે પોતે જ ‘ચાલેછે, ચાલવાદો’ અથવા ‘આવું જ ચાલે છે’ જેવી માનસિકતા છોડીશું નહીં, ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન થઈ શકશે નહીં. એક ઈમાનદાર, સભ્ય અને વિકસિત સમાજની રચના માટે દરેકની સક્રિય ભાગીદારી જરૂરી છે. આપણી આવનારી પેઢીઓને એક સુંદર અને ન્યાયી વિશ્વ આપવા માટે ભ્રષ્ટાચાર સામેનું યુદ્ધ લડવું એ આપણું રાષ્ટ્રીય અને સામાજિક ધ્યેય બનવું જાેઈએ.
આવો જાેઈએ કુર્આનમાં ભ્રષ્ટાચાર, બેઇમાની અને લાંચ-રુશ્વત સંદર્ભે શુ દિશા નિર્દેશ મળે છે:
૧. અને તમે લોકો ન તો પરસ્પર એક-બીજાની સંપત્તિ અનુચિત રીતે ખાઓ અને ન જ અધિકારીઓ સમક્ષ તેને એ આશયથી રજૂ કરો કે તમને બીજાઓની સંપત્તિનો કોઈ ભાગ ઇરાદાપૂર્વક અન્યાયી રીતે ખાઈ જવાની તક મળી જાય.” (સૂર: બકરહ, ૨:૧૮૮) આ આયતમાં અન્યાયપૂર્વક પૈસા ખાવા અને ભ્રષ્ટાચાર કરવા પર સીધો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
૨. ન્યાયપાલન અને ઈમાનદારીઃ સૂર: અન્-નહ્લ (૧૬:૯૦)માં ઉલ્લેખ છે: “અલ્લાહ અદ્લ (ન્યાય) અને એહસાન (ઉપકાર અને ભલાઈ) કરવા અને સગાઓ સાથે સદ્વર્તાવનો હુકમ આપે છે અને બૂરાઈ અને અશ્લીલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઈ કરે છે. તે તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો.” અહીં ન્યાય અને ઈમાનદારી જાળવવા તથા ભ્રષ્ટાચારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
૩.અન્યાય અને ગેરકાયદેસર વ્યવહાર પર પ્રતિબંધ: સૂર: અલ-માઇદા (૫:૯૦)માં ફરમાવેલું છે: “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! આ દારૂ અને જુગાર, વેદીઓ અને પાસાં, આ તમામ ગંદા શેતાની કાર્યો છે, તેમનાથી બચો. આશા છે કે તમને સફળતા પ્રાપ્ત થશે.” “અન્યાય, પાપ અને લોકોના હક્કોમાં દખલગીરી કરવાથી બચો.” આ આયત ગેરકાયદેસર રીતે પૈસા લેવા અને લોકોને નુકસાન પહોંચાડવા સામે ચેતવણી આપે છે.
હદીસમાં ભ્રષ્ટાચાર અને લાંચ-રુશ્વત સંબંધિત શિક્ષણ:
૧. લાંચ લેનાર અને આપનાર પર શાપ: હદીસ (સહીહ અલ-બુખારી)માં ઉલ્લેખ છે: “લાંચ આપનાર અને લેનાર બન્ને પર અલ્લાહનો શાપ છે. આ હદીસ લાંચ-રુશ્વતને હરામ (નિષિદ્ધ) ઠેરવે છે અને તેમાં સામેલ થનારાઓ માટે સખત ચેતવણી સમાવિષ્ટ છે.
૨. ઈમાનદારી અને વિશ્વાસનું મહત્ત્વ: પયગંબર મુહમ્મદ ﷺએ કહ્યું: “જે વ્યક્તિ ઈમાનદાર નથી, તે ઈમાન (સાચી શ્રદ્ધા) ધરાવતી નથી.” (સહીહ મુસ્લિમ) અહીં બેઈમાની અને વિશ્વાસઘાતને ઈમાનના વિરુદ્ધ ગણવામાં આવ્યા છે.
૩. સત્યનો માર્ગ અપનાવવો : બીજી એક હદીસમાં આવે છે : “સત્યનો માર્ગ સદા અપનાવો, કારણ કે સત્ય ભલાઈ તરફ દોરી જાય છે અને ભલાઈ જન્નત તરફ લઈ જાય છે.” આ હદીસ ઈમાનદારી અને સત્ય વર્તણૂક પર ભાર મૂકે છે.
સારાંશ:
- કુર્આન અને હદીસ ભ્રષ્ટાચાર, બેઇમાની, લાંચ-રુશ્વત જેવી ક્રિયાઓને સ્પષ્ટ શબ્દોમાં નિંદે છે અને તેમને ગંભીર પાપ ગણે છે.
- ન્યાય, ઈમાનદારી અને સત્યનો માર્ગ અપનાવવાનું શિક્ષણ આપવામાં આવ્યું છે.
- લાંચ લેનાર અને આપનાર બન્નેને અલ્લાહની નારાજગી અને શિક્ષાની ચેતવણી આપવામાં આવી છે.
આલોક અને પરલોક બંનેમાં ઉત્તરદાયિત્વની ભાવના ભ્રષ્ટાચાર અને લાંચથી રોકવા માટે સાચી પ્રેરણા આપી શકે છે. અને સાચી નૈતિકતા કે શ્રદ્ધા તેની ઉપર જ ડેવલપ થઈ શકે છે.
આ પ્રમાણે, ઇસ્લામ ભ્રષ્ટાચાર અને બેઈમાનીને સમાજ અને વ્યક્તિના આધ્યાત્મિક અને નૈતિક પતનનું કારણ ગણે છે અને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે.
(મો.૯૯૨૫૨ ૧૨૪૫૩)