Friday, October 18, 2024
Homeઓપન સ્પેસવિભિન્ન વૈશ્વિક ધર્મો અને નૈતિક્તાની વિભાવના

વિભિન્ન વૈશ્વિક ધર્મો અને નૈતિક્તાની વિભાવના

(ભાગ – ૧)

માનવીની નૈતિક સમજ એક કુદરતી વસ્તુ છે જેના કારણે તે અમુક ગુણોને પસંદ અને અમુક ગુણોને નાપસંદ કરે છે. નૈતિકતાને સાદી અને સરળ ભાષામાં કહીએ તો માનવતાના મૂલ્યોની સમજણ  અને સાચવણી કરવી.  સારા ખોટા માટે વિવેક બુદ્ધિ વાપરી નૈતિકતા મુજબનો ર્નિણય કરવો એટલે કે સત્યના માર્ગે ચાલવું.

નૈતિકતા અથવા નીતિ શાસ્ત્ર ધર્મ અને માનવતાનો એક મુખ્ય વિષય છે. ધર્મ જેને કહેવાય છે, તે તો છે જ સંપૂર્ણ નીતિ-શાસ્ત્ર. પણ જુદા જુદા ધર્મો અને સંસ્કૃતિમાં આ વિષે કેટલાક વિરોધાભાસો અને મત મતાંતર પણ જોવા મળે છે. કેટલાક લોકો આને ધર્મ આધારિત નથી માનતા. તે લોકો માત્ર માનવતા અને માનવતા જ નહીં સમસ્ત પ્રાણીઓની પ્રાણીજન્ય વૃતિ અને તેની ઉપયોગિતાના આધારે જ નૈતિક મૂલ્યોની વ્યાખ્યા કરે છે. આજના postmodernismનાં યુગમાં હવે તો નૈતિકતાની કોઈ વ્યાખ્યા જ બાકી નથી રહી.  આ લેખમાં વિભિન્ન ધર્મો અને સંસ્કૃતિઓમાં નૈતિકતાની વિભાવના પર ચર્ચા કરવામાં આવશે.

અરબી ભાષામાં નૈતિકતા અર્થાત્‌ ‘અખ્લાક’ અરબીના ત્રણ અક્ષરો ‘ખ’ ‘લ’ અને ‘ક’ થી બનેલ છે. તે પુરુષવાચી અરબી સંજ્ઞા અને ‘ખલક’નું બહુવચન છે. તેનો શાબ્દિક અર્થ શારીરિક લક્ષણ, સ્વભાવ, પ્રકૃતિ અને આદત છે.

ઇમામ ગઝાલી રહ.‘અખ્લાક’ વિષે લખે છે કે વૈચારિક શક્તિ, વાસના શક્તિ અને ક્રોધની શક્તિનું સંયમન અને નિયમન સાચી નૈતિકતા છે.”

એક બીજી જગ્યાએ ઇમામ ગઝાલી કહે છેઃ  ‘ખલ્ક’ તે મનોસ્થિતિનું નામ છે જેના દ્વારા કોઈ પણ કાર્ય કોઈ પણ જાતના આડંબર અને ચેષ્ટા વિના સહજ રીતે થવા પામે છે. જો તે કાર્ય બુદ્ધિ યુક્ત અને ધામિર્ક રીતે સારા અને વૈદ્ય હોય તો સદ્‌ચરિત્ર્ય અને જો બુદ્ધિ વિરુદ્ધ અને ધામિર્ક રીતે અવૈધ હોય તો દુષ્ચરિત્ર્ય  કહેવાય.”

જો કે, એ નક્કી છે કે વિવિધ સંસ્કૃતિઓ, ધર્મો અને જીવનશૈલીમાં નૈતિક આદેશોને સાચા, ખોટા, સારા અને ખરાબ જેવા ખ્યાલોમાં વિભાજિત કરીને, તેનો વ્યાપ સમગ્ર માનવ જીવન અને સમાજ સુધી વિસ્તારવામાં આવ્યો છે. આ જ કારણ છે કે એક જ વ્યાખ્યા અને સમજૂતી પર સહમત થવું મુશ્કેલ છે. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકામાં નૈતિકતા અર્થાત્‌ ethics વિષે કહેવામાં આવ્યું છેઃ

” Ethics (From greak ethos,”Character,) is the systematic study of the nature of value concepts, “good”, “bad”, “ought”, “right”, “wrong” e.t.c and of the general principles which justify us in applying them to anythings; also called “Mroal Philosophy (From Latin mroes, “Custom”)

ગુજરાતી વિશ્વકોષ પ્રમાણેઃ “વ્યક્તિના આચારવિચાર તેના જૂથના નીતિ-નિયમોને અનુરૂપ બને તેને નૈતિકતા કહેવાય છે. વ્યક્તિ જૂથના દબાણને વશ થઈ (ઘણી વાર પોતાની ઈચ્છા વિરુદ્ધ) જૂથના ધોરણોને અનુસરે તે બાહ્ય નૈતિકતા કહેવાય, જ્યારે તે રાજી ખુશીથી નૈતિક આચાર વિચાર અપનાવે ત્યારે તેને સાચી આંતરિક નૈતિકતા કહેવાય.”

ઉપરોક્ત શાબ્દિક પરીભાષાઓના પ્રકાશમાં, સમજાય છે કે ‘નૈતિકતા’ એ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે જે આપણને સારા અને ખરાબને ઓળખવામાં મદદ કરે છે, અને સ્વભાવગત વલણ, ટેવો અને આદતોના પ્રદર્શન જ નીતિશાસ્ત્રનો વિષય કહી શકાય. નીતિ શાસ્ત્ર માનવીય વર્તણૂક અને વલણોનું વિશ્લેષણ કરે છે અને તેમાં શું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ?  શા માટે હોવું જોઈએ? તેવા પ્રશ્નોના જવાબો મેળવવામાં આવે છે. હકીકત એ છે કે નૈતિક આદેશો એક તરફ વ્યક્તિગત અને સામૂહિક વર્તણૂકને સામાજિક સંસ્થાઓને આધીન રાખે છે અને બીજી તરફ, ધામિર્ક શિક્ષણના પ્રકાશમાં, તેઓ માનવ ચરિત્ર અને તેની ક્રિયાને દિશા આપે છે, જે તેને જીવનના આનંદ તરફ દોરી જાય છે.

વિશ્વના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં નૈતિક દર્શનના જુદા જુદા અર્થઘટન કરવામાં આવ્યા છે, પરંતુ એક બાબત જે ખાસ ધ્યાન આપવાની જરૂર છે તે એ છે કે મૂળભૂત માનવીય વલણ, વૃત્તિઓ અને ચારિત્ર્યમાં મૂળભૂત અને સાવર્ત્રિક સત્ય લગભગ દરેક ધર્મમાં સમાન મહત્ત્વ ધરાવે છે. જો કે દરેક ધર્મમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને ધર્મના વિકાસ અંગે પણ જુદા જુદા અર્થ ઘટન જોવા મળે છે. સાથે સાથે સારા-નરસાની જુદી જુદી વ્યાખ્યા પણ જોવા મળે છે.

બિન-સેમિટિક અથવા આર્યન ધર્મો અને નીતિ શાસ્ત્ર

હિંદુ ધર્મ, જૈન ધર્મ, પારસી ધર્મ અને શીખ ધર્મ બિન-સેમિટિક ધર્મો છે કારણ કે તેઓ ઈશ્વરીય નથી, પરંતુ તેઓ એક ચોક્કસ ભૂમિ, વ્યક્તિ, ઉદ્દેશ્ય, પરિસ્થિતિ અને જાતિ સાથે સંબંધિત છે, સૌ પ્રથમ, હિંદુ ધર્મના નીતિશાસ્ત્ર અને ધર્મદર્શનની વાત કરીશું.

હિંદુ ધર્મ અને નીતિ શાસ્ત્ર

પુનર્જન્મ, કર્મ, અદ્વૈતવાદ (સર્વેશ્વરવાદ) અને જાતિવાદ એ ચાર સ્તંભો છે જેના પર હિંદુ ધર્મનો આધાર છે.  લોકપ્રિય અર્થમાં હિંદુ ધર્મ કોઈ ધર્મને બદલે કેટલાક માનવ-વિચારોનો એક સમૂહ છે. હિંદુ ધર્મ વેદ પર આધારિત છે અને તેઓ પ્રાચીન આર્ય લોકોમાંથી ઉદ્‌ભવેલ છે, જે સમયાંતરે વિકૃત થતું રહ્યું.  વેદ શબ્દનું મૂળ ‘વિદ’ છે જેનો અર્થ છે જાણવું, વિચારવું, ચિંતન કરવું અને મેળવવું. વેદ શબ્દનો ઉપયોગ જાણીતા પુસ્તકો માટે થતો નથી, પરંતુ તે સાહિત્ય છે જે હિંદુઓએ વિવિધ વિજ્ઞાન અને રિવાજોને લગતા બે હજાર વર્ષોના સમયગાળામાં એકત્રિત થયું છે. તેના ચાર પ્રકાર છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. વેદ પછી સૌથી મહત્તવપૂર્ણ ગ્રંથો ઉપનિષદ છે. હિંદુ ધર્મમાં આ બે ધામિર્ક સ્ત્રોતોનું વિશેષ મહત્ત્વ છે. ઉપનિષદનો મુખ્ય ઉદ્દેશ્ય માયામાંથી મુક્તિ છે. ઈશ્વર એ માત્ર સંપૂર્ણ શક્તિ અને વિવેક જ નથી પરંતુ સંપૂર્ણ આધ્યાત્મિક આનંદ અને તમામ ભલાઈનો સાર પણ છે.

મર્હષિ મનુના નિયમ મુજબ, દસ સૌથી મોટા ગુણો આ પ્રમાણે છેઃ સંતોષ, સત્ય, સન્યાસ, ઇંદ્રિય દમન, અન્યની સંપત્તિ માટે આદર, બુદ્ધિ, પરમાત્માનું જ્ઞાન, ક્રોધથી દૂર રહેવું, ક્ષમા અને બૂરાઈના બદલે ભલાઈ.  જો આપણે આ ગુણોને ધ્યાનમાં લઈએ, તો હિંદુ ધર્મના નૈતિક દર્શન અને ઇસ્લામિક નૈતિક પરંપરાઓના કેટલાક પાસાઓ એકસરખા છે, એમ કહી શકાય કે પ્રાંભમાં હિંદુ ધર્મનો ઉદ્દેશ્ય માનવની વ્યક્તિગત ભલાઈ હતી પરંતુ સમયાંતરે તે વ્યક્તિગત મુક્તિમાં પલટાઈ ગઈ. સમય વીતવાની સાથે હિંદુ મતના સામાજિક માળખામાં ઘણા પરિવર્તનો થયા અને એક નવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને તેણે પણ ધર્મનું રૂપ ધારણ કરી લીધું. આ વાસ્તવિક્તા છે કે વેદોમાં અનૈતિક દૃશ્યો પણ નોંધાયેલા છે. તેવી જ રીતે હિંદુમતમાં જાત-પાત અને વર્ણાશ્રમના નામે જાતિવાદનો ઘૃણિત અને અપ્રાકૃતિક વિચાર પણ જોવા મળે છે. Encyclopedia Of Ethics and Religionમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ

“Hindu Ethics is deeply tinged with the belief in transmigration ro rebirth according to the doctrine of Karma (action), under which every act, whether good ro bad, finds it reward, not only in heaven or hell, but in innumerable other ladies, from a god to an insect, ro plant, ro even a stone.”

“હિંદુ નીતિશાસ્ત્ર કર્મ (ક્રિયા)ના સિદ્ધાંત અનુસાર આવાગમન અથવા પુનર્જન્મની માન્યતા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે, જે હેઠળ દરેક કાર્ય, પછી ભલે તે સારૂં હોય કે ખરાબ, તે માત્ર સ્વર્ગ કે નર્કમાં જ નહીં, પરંતુ અસંખ્ય અન્ય યોનિઓમાં પણ પ્રવેશ કરે છે. ભગવાનથી જંતુ, અથવા છોડ અથવા તો પથ્થર સુધીમાં.”

આધુનિક હિંદુ ચળવળોમાં ઘણા વિરોધાભાસ છે. તેમાં બ્રહ્મ સમાજ, ભક્તિ અને ગીતા ચળવળો અને આર્ય સમાજ  નોંધપાત્ર છે. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩)એ ક્રાંતિકારી પગલું ભર્યું અને મૂતિર્ પૂજાને નકારી કાઢી. સ્વામીજીએ હિંદુઓના બધા જ ધર્મગ્રંથોને નકારી કાઢ્યા અને ચાર વેદોના પ્રચલિત અનુવાદોની આકરી ટીકા કરી. તેમણે જાતિ પ્રથાને તોડીને બધા માટે જ્ઞાનના દરવાજા ખોલ્યા. તેમની નૈતિક પ્રણાલીના કેટલાક મુખ્ય લક્ષણો નીચે મુજબ છેઃ

૧. ભગવાન દરેક વસ્તુના માલિક છે.

૨. સાચા જ્ઞાનનો સ્ત્રોત ખુદ ભગવાન છે.

૩. ભગવાન દયાળુ,  સાચો,  ન્યાયી,  શાશ્વત,  અંતર્યામી,  ઉપસ્થિત અને અમર છે, તેથી તેની પૂજા કરવી માન્ય છે.

૪. જ્ઞાનના સાચા પુસ્તકો વેદ છે. વેદ વાંચવા અને શીખવવા એ આર્ય સમાજનું કર્તવ્ય છે.

૫. અસત્યની નિંદા કરવી જોઈએ અને સત્ય કહેવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.

૬. દરેક કાર્યમાં સારા ને નરસાનું ધ્યાન રાખવું જોઈએ.

૭. દરેક સંજોગોમાં લોકોનું ભલું કરવું એ આર્ય સમાજનું મુખ્ય ધ્યેય છે.

૮. માણસની આધ્યાત્મિક,  નૈતિક અને સામાજિક સ્થિતિ સુધારવાની તાતી જરૂરિયાત છે.

૯. દરેક વ્યક્તિના ગુણોનું મૂલ્ય હોવું જોઈએ.

૧૦. દરેક સાથે ન્યાય થવો જોઈએ

૧૧. દરેક વ્યક્તિ સાથે પ્રેમથી વર્તવું જોઈએ.

૧૨. જ્ઞાન ફેલાવીને અજ્ઞાન પર વિજય મેળવવો જોઈએ.

૧૩. અન્ય લોકોએ તેમની સમૃદ્ધિમાં ભાગ લેવો જોઈએ.

૧૪. વ્યક્તિએ વ્યક્તિગત ભલાઈથી સંતુષ્ટ ન થવું જોઈએ પરંતુ સામાજિક કલ્યાણમાં ભાગ લેવો જોઈએ.

આ સાથે આર્ય સમાજ નિયોગ અને વર્ણ વ્યવસ્થા જેવી કુરીતિઓને પણ અનુમોદન આપે છે.

જૈન ધર્મ અને તેનું નીતિશાસ્ત્ર

બ્રાહ્મણવાદની ફિલસૂફી અને વિચાર વિરુદ્ધ બળવાખોર વિચારોને કારણે બૌદ્ધ અને જૈન ધર્મનો ઉદ્‌ભવ થયો. જૈન ધર્મ બૌદ્ધ વિચાર સાથે ખૂબ સમાનતા ધરાવે છે. જો કે આ ધર્મના સ્થાપક મહાવીર  હતા. પરંતુ આ ધર્મના અનુયાયીઓ પોતે દાવો કરે છે કે મહાવીર પહેલાં, લગભગ ૨૩ તીર્થંકરો જુદા જુદા સમયે અવતરિત થયા હતા.

જૈન ધર્મની માન્યતા મુજબ, જૈન ધર્મ એ એક સનાતન ધર્મ છે તેના મત પ્રમાણે વિશ્વનો કોઈ આરંભ કે અંત નથી, તેથી જૈન ધર્મ હંમેશાં રહ્યો છે અને રહેશે. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સાત ચાવીઓના સ્વરૂપમાં છે, જેને જૈન ધર્મમાં સાત તત્વ અથવા સાત તથ્યો કહેવામાં આવે છે.

૧. આત્મા (જીવ) એક વાસ્તવિકતા છે.

૨. બિન-આત્મા (અજીવ) પણ એક વાસ્તવિકતા છે, જેનો એક પ્રકાર પદાર્થ છે.

૩. આસ્રવ – આત્મા સાથે પદાર્થના મિશ્રણને પરિણામે, આત્મા પદાર્થનો કેદી બની જાય છે.

૪. બંધ – આત્મા સાથે પદાર્થનું મિશ્રણ અટકાવી શકાય છે.

૫. સંવર – આત્મામાં પહેલાંથી જ રહેલા પદાર્થને દૂર કરી શકાય છે.  

૬. ર્નિજરા – આત્મામાં રહેલા પદાર્થનું ક્ષય થઈ જવું. 

૭. મોક્ષ – પદાર્થમાંથી આત્માના સંપૂર્ણ અલગ થયા પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.

જૈન ધર્મમાં મોક્ષની પદ્ધતિને નિર્વાણ કહેવામાં આવે છે. મહાવીર દ્વારા નિર્વાણ પ્રાપ્ત કરવાની બે પદ્ધતિઓ નીચે મુજબ છે.

નિર્વાણ પ્રાપ્ત કરવાનો નકારાત્મક માર્ગ એ છે કે વ્યક્તિએ તેના હૃદયમાંથી તમામ પ્રકારની ઇચ્છાઓ અને આકાંક્ષાઓને દૂર કરવી જોઈએ. સકારાત્મક માર્ગ એ છે કે વ્યક્તિની માન્યતાઓ, જ્ઞાન અને ક્રિયાઓ સાચી હોય. જૈન ધર્મમાં કોઈ સ્વર્ગ નથી, નર્ક નથી. દરેક વ્યક્તિ પોતાના કાર્યો માટે જવાબદાર છે. જીવન ક્રિયાઓનું પરિણામ છે. સૌથી ખરાબ પાપ બીજાને દુઃખ આપવું કે મારી નાખવું એટલે કે હિંસા અને શ્રેષ્ઠ પુણ્ય અહિંસા છે.

જૈન ધર્મનું સમગ્ર તત્વજ્ઞાન આત્મસંસ્કાર, ઇચ્છાઓનો ત્યાગ અને સન્યાસ પર આધારિત છે. આ વસ્તુઓ માટે મંદિરની જરૂર નથી.

Encyclopedia Of Ethics and Religionમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે.

“In his four other oaths the Jaina Monk pionires like The Brahman and Buddhist and almost in the same words, not to speak untruth, to appropriate mothing to himself without permission, to preserve chasity and to practice self-sacrifice.”

“તેમના અન્ય ચાર શપથમાં જૈન સાધુ બ્રાહ્મણ અને બૌદ્ધ જેવી જ અને લગભગ સમાન શબ્દોમાં વાત કહે છે : અસત્ય ન બોલવું,  પવિત્રતા જાળવવી  અને ત્યાગ કરવું.”

શીખ ધર્મ

શીખ ધર્મ એ વિશ્વના નવા ધર્મોમાંનો એક છે. વાસ્તવમાં, શીખ ધર્મ મૂળભૂત રીતે તમામ ધર્મોને શાશ્વત સત્ય માને છે.  બાબા ગુરુ નાનકે ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે જોડાણ કરીને એક બિંદુ બનાવવાનો પ્રયાસ કર્યો. બાબા નાનક માટે, ભગવાનનું સૌથી મહત્ત્વપૂર્ણ નામ “સત” છે જેનો અર્થ સંપૂર્ણ સત્ય છે.

શીખ ધર્મની નૈતિકતા પર પ્રકાશ નાખતાં અમૂલ્ય રંજન મહાપાત્રા લખે છેઃ “સંતોષ, ભગવાનનું માર્ગદર્શન, માનવ ભાઈચારો, સ્વ-શુદ્ધિ, જીવંત વસ્તુઓ માટે કરુણા, શરીર અને મનની શુદ્ધતા,  આધ્યાત્મિકતાની  શોધ, સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા, અન્યોની સેવા, ખોરાક, પીવા અને પહેરવેશમાં વિચારની સ્વતંત્રતા  જેવો  સંદેશ  શીખ ધર્મને સાવર્ત્રિક ધર્મ બનાવે છે.  તે ભક્તિ અને ભગવાનની ઇચ્છાને આધીન રહેવાનો ધર્મ છે” (ફલ્સફએ મઝાહિબ)

બૌદ્ધ ધર્મ અને નીતિ શાસ્ત્ર

બૌદ્ધ ધર્મના સ્થાપક સિદ્ધાર્થ એક રાજકુમાર હતા અને આધ્યાત્મિક સંઘર્ષથી પીડિત હતા, તેમણે ગાદીનો  ત્યાગ કર્યો. બૌદ્ધ ધર્મમાં ભગવાનનો ખ્યાલ નથી, તેથી તે એક દાર્શનિક ધર્મ છે. તેમાં આ જન્મના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર રસ્તો કર્મ (સારા કાર્યો) છે. બૌદ્ધ ધર્મના પોતાના વિચારોના પ્રકાશમાં  એવું કહી શકાય કે બુદ્ધનો ધર્મ નૈતિકતા અને આર્ત્મનિભરતા પર આધારિત છે. તેમણે હંમેશાં આધ્યાત્મિક બાબતોને ટાળવાનો પ્રયાસ કર્યો. બૌદ્ધ નીતિશાસ્ત્રમાં ચાર બાબતો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છેઃ

૧. દુઃખ      

૨. દુઃખનું મૂળ   

૩. દુઃખનો અંત         

૪. દુઃખના અંત માટેનો માર્ગ

આ રીતે, ગૌતમ બુદ્ધે તાકિર્ક ધર્મ, વ્યવહારિક નૈતિકતા અને જીવનના સરળ સિદ્ધાંતો પર વધુ ભાર મૂક્યો છે, અને તેમનો દૃષ્ટિકોણ નિરાશાવાદી છે.  આમાં નિર્વાણનો એક જ રસ્તો સંસારનો ત્યાગ છે.

બૌદ્ધ ધર્મના આઠ નૈતિક સિદ્ધાંતો છે.

૧.શુદ્ધ આસ્થા,

૨.શુદ્ધ આશય,

૩.શુદ્ધ વાણી,

૪.શુદ્ધ ગતિ, 

૫.શુદ્ધ નિર્વાહ,

૬.શુદ્ધ સંઘર્ષ,

૭.શુદ્ધ વિચાર,

૮.શુદ્ધ કલ્પના.

બૌદ્ધ ધર્મના આ આઠ સિદ્ધાંતોને પ્રાપ્ત કરવા માટે નીચેના આઠ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

• પ્રાણીઓ પર અત્યાચાર ન કરવો,

• ચોરી ન કરવી,

• જૂઠ ન બોલવું,

• અપશબ્દો ન બોલવા,

• સ્વાર્થથી દૂર રહેવું,

• વ્યભિચાર ન કરવો, 

• દ્વેષથી દૂર રહેવું,

• હૃદયને અજ્ઞાનથી શુદ્ધ કરવું અને તેને

• જ્ઞાનના રત્નથી શણગારવું.

(વધુ આવતા અંકે..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments