બપોરનું ભોજન કર્યા પછી, આઇશા પોતાનું હોમવર્ક કરી રહી હતી કે એક ફકીરનો અવાજ સંભળાયો.
“અલ્લાહના નામ પર કંઈક ખેરાત કરો.”
ફકીરનો અવાજ સાંભળીને આઇશાની વાલિદા ગેટ તરફ દોડી ગયા જાણે તે તેની જ રાહ જોઈ રહ્યા હોય. તેમણે ફકીરને થોડી રોટલીઓ અને બપોરનું બચેલું ભોજન આપ્યું.
આઇશા પોતાની વાલિદાને ધ્યાનથી જોઈ રહી હતી. તે હજુ સાત વર્ષની હતી પણ પોતાની અમ્મીની દરેક વાતને નોંધ કરતી અને તે બાબતે તેમનાથી ખૂબ પ્રશ્નો પૂછતી હતી.
અમ્મી આઇશાના પ્રશ્નોથી ખુશ થતી હતી. તેણી ખુદ તેને પ્રશ્નો પૂછવા પર ઉત્તેજિત કરતી હતી. આઇશાના નિર્દોષ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપીને તેને સંતુષ્ટ કરવા અને સારી વાતો શીખવવામાં તેમને આનંદ આવતો હતો.
“આઇશા ! ગરીબો અને નિરાધારોને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ. તેમને ખવડાવવાથી અલ્લાહ તઆલા ખુશ થાય છે,” અમ્મીએ આઇશાને પ્રેમથી સમજાવ્યું.
“ચાલો, હું આજે એક સત્ય ઘટના સંભળાઉં છું.” અમ્મી આઇશા સાથે સોફા પર બેઠી ગઈ. અને કહેવા લાગી.
“ઘણા સમય પહેલાં, એક ખજૂરના વૃક્ષો વાળા ગામમાં એક અમીર વ્યક્તિ રહેતો હતો. તે ખૂબ જ સદાચારી અને પ્રમાણિક હતો. તેની પાસે ફળોના વિવિધ પ્રકારનાં વૃક્ષોવાળા ઉપજાઉ બગીચાઓ હતા. આ બગીચાઓ વિશાળ જમીન પર ફેલાયેલા હતા અને દર વર્ષે ઉત્તમ ફળો આપતા હતા. તે દયાળુ વ્યક્તિ તેની ઉપજનો એક ભાગ ગરીબો અને જરૂરતમંદોમાં વહેંચી દેતો હતો. તે અલ્લાહથી ડરતો હતો અને સારી રીતે જાણતો હતો કે તેની પાસે જે કંઈ પણ છે બધું અલ્લાહ દ્વારા જ આપવામાં આવ્યું છે.
જ્યારે આ વ્યક્તિનું અવસાન થયું, ત્યારે તેના ફળદ્રુપ બગીચાઓ અને જમીનો તેના બંને પુત્રોના ભાગમાં આવી ગઈ. તેના પુત્રો કંજૂસ અને દુનિયાદાર હતા. તેમને ગરીબો અને મિસ્કીનોથી નફરત હતી. તેઓ પોતાના બગીચાઓ પર ખૂબ ગર્વ કરતા હતા. સંપત્તિની વિપુલતાથી તેમના હૃદયમાં અહંકાર પેદા થઈ ગયો.
આગળના વર્ષે જ્યારે બગીચાનો પાક તૈયાર થઈ ગયો અને તેને કાપવાનો સમય આવ્યો, ત્યારે બંને ભાઈઓએ સલાહ-મસલત કરી. તેઓ કહેવા લાગ્યા, “અમારા પિતા ખૂબ જ મૂર્ખ હતા જેઓ પોતાની દોલત ગરીબો પર ખર્ચ કરતા હતા અને પાક ગરીબોમાં વહેંચી દેતા હતા. આપણે તો એવું ક્યારેય નહીં કરીએ.” તેઓએ સવારે જ બગીચાના પાક કાપીને એકત્ર કરવાનું નક્કી કર્યું જેથી ગરીબોને ખબર ન પડે અને આમ તેમને કંઈ આપવું ન પડે. તેમને પોતાના પર એટલો ગર્વ હતો કે તેમણે શપથ લઈને આ વાત કહી અને ઇનશાઅલ્લાહ પણ કહ્યુ નહીં.
આપણી સમજણ મુજબ સફળ યોજના બનાવીને બંને ભાઈઓ આરામથી સૂઈ ગયા. તેઓ રાત્રે સૂતા હતા ત્યારે તેમની ફળદ્રુપ જમીનો પર આફત આવી પડી. ફળદાયક બગીચાઓ પર અલ્લાહનો ક્રોધ વરસ્યો અને બધો પાક સાફ થઈ ગયો. લીલાછવાલા બગીચા મેદાનમાં ફેરવાઈ ગયા.
આગળના દિવસે, સવારે વહેલા, બંને ભાઈઓ તેમની યોજનાને અમલમાં મૂકવા માટે નીકળી પડ્યા. ઘણો બધો પાક એકત્રિત કરવા અને ગરીબોને ન આપવાનો વિચાર કરીને તેઓ ખૂબ ખુશ હતા.
પરંતુ જ્યારે તેઓ પોતાના બગીચાઓમાં પહોંચ્યા ત્યારે તેમને ત્યાં કોઈ પાક અથવા ફળદાયક વૃક્ષો દેખાયા નહીં. તેમના બગીચાઓ ઉજાડ થઈ ગયા હતા. ઉપજાઉ જમીનો રાત્રિના તોફાનને કારણે મેદાનોમાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ જોઈને તેઓ એકબીજાને કહેવા લાગ્યા, કદાચ આપણે રસ્તો ભટકી ગયા છીએ. તેમણે આસપાસના વિસ્તારને પણ જોઈ નાખ્યો. અંતે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ રસ્તો ભટક્યા નથી પરંતુ પોતાના જ બગીચાઓમાં ઊભા છીએ. બગીચાઓની આ સ્થિતિ જોઈને તેઓ એકબીજાને આરોપ મૂકવા લાગ્યા અને દુઃખી થવા લાગ્યા. તેમને ખબર પડી કે ગરીબો અને મિસ્કીનોને વંચિત રાખવાની યોજના બનાવવા બદલ અલ્લાહે તેમને આ પાઠ શીખવ્યો અને ઉપજાઉ બગીચાઓ અને પાકથી વંચિત કરી દીધા. તેમણે અલ્લાહ પાસે માફી માગી.
તેથી આપણે અલ્લાહના બંદાઓનું અને ખાસ કરીને ગરીબ અને મિસ્કીનોનું ધ્યાન રાખવું જોઈએ.” આઇશા ઊંડા વિચારમાં ડૂબી ગઈ. અમ્મીએ વધુમાં કહ્યું, “આ ઘટના કુર્આનના સૂરઃ કલમમાં વર્ણવવામાં આવી છે.” અમ્મી રસોડામાં ચાલી ગઈ અને આઇશા વુઝૂ કરવા લાગી. •••