વર્તમાન સરકારના સત્તામાં આવ્યા પછી તેનાથી સંબંધિત જવાબદાર કક્ષાના વ્યક્તિઓ દ્વારા અવાર-નવાર એવા નિવેદનો અપાઈ રહ્યા છે જેનાથી મુસ્લિમો પ્રત્યે તેમની ઘૃણા સ્પષ્ટ દેખાઈ આવે છે. હાલમાં જ સાક્ષી મહારાજે એવું જ એક નિમ્ન કક્ષાનું નિવેદન આપ્યું કે મુસ્લિમોની નસબંધી કરાવી દેવી જોઈએ. જ્યારે કે અમુક દિવસ પહેલાં તેમણે એવું કહ્યું હતું કે દરેક હિંદુએ ૪ બાળકો પેદા કરવા જોઈએ. જોકે તે પોતે એક બાળકનું પાલન-પોષણ કરી શકતા નથી. તેથી જ કુંવારા રહેવાનું પસંદ કર્યું છે. હિંદુ હોય કે મુસ્લિમ અથવા બીજા કોઈ ધર્મના લોકો બધા ભારતના નાગરિક છે અને સમાન બંધારણીય અધિકાર ધરાવે છે. બંધારણે જે સ્વતંત્રતા આપી છે તેમાં પક્ષપાત કે બેવડું માપદંડ રાખી શકાય નહીં. કેટલાં બાળકો પેદા કરવા એ વ્યક્તિની પોતાની પસંદગી છે અને રાઈટ ટુ ચિલ્ડ્રન એ દરેક વ્યક્તિને મળવો જોઈએ. બાળકો પેદા કરવા કે ન કરવા, કેટલાં કરવા એ વ્યક્તિની પોતાની પસંદગી ઉપર આધારિત છે. એમાં કોઈ બળજબરી કરી શકાય નહીં.
અમારા પૂર્વજોએ એવી કોઈ નીતિ અપનાવી હોત તો કદાચ આપણામાંના કેટલાએ આ દુનિયાના દર્શન જ ન કર્યા હોત. સૌથી વધુ પુત્ર રાખવાનો રેકોર્ડ તો હિંદુ ભાઈઓ પાસે જ છે, મુસ્લિમોને બદનામ કરવાની જરુર નથી. ગાંધારીના ૧૦૦ પુત્રો હતા એવું આપણે જાણીએ છીએ. મને અત્યાર સુધી એવું કોઈ નામ મુસ્લિમોમાં મળ્યું નથી. જેના આટલા પુત્રો હોય અને પાંચ પાંડવો તો શ્રી કૃષ્ણની છત્રછાયામાં જ હતા અને રાજનેતાઓની પણ સમીક્ષા કરી જુઓ વધારે બાળકો ધરાવતા નેતામાં કોઈ મુસ્લિમનું નામ નહીં આવે.
બુદ્ધિજીવી લોકો એવો ભય ઉભો કરે છે કે ભારતની જનસંખ્યા આ રીતે વધતી રહેશે તો ભવિષ્યમાં ભારત માટે સંકટ ઊભું થશે. ભૂખમરો વધશેે કારણ કે અનાજનું ઉત્પાદન મર્યાદિત છે. જે વ્યક્તિ અધર્મી હોય કે જેને પોતાના પાલનહાર પર વિશ્વાસ ન હોય એવી વ્યક્તિ આવો વિચાર રજૂ કરી શકે, કેમકે તેમની દૃષ્ટિ મર્યાદિત છે તે લાંબુ જોઈ શકતી નથી. આવી જ એક સંભાવના ખ્રિસ્તી ધર્મના વડા એવા થોસમ મેલ્થુએ પણ રજૂ કરી હતી અને ચેતવણી ઉચ્ચારી હતી કે જો જનસંખ્યા પર નિયંત્રણ લાદવામાં નહીં આવે તો આગામી સો વર્ષોમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ દુનિયાએ જોયું કે એવી કોઈ સમસ્યા પેદા થઈ નથી. ધાર્મિક વ્યક્તિ તો એવું માને છે કે જે સજીવ પણ પૃથ્વી પર પેદા થાય છે. અલ્લાહ તેના માટે અનાજ પણ પેદા કરે છે. અરે આપણે સાધારણ દાખલાથી આ વાત સમજી શકીએ. બાળકનો જન્મ થતા પહેલાં તેના માટે દૂધની વ્યવસ્થા ઈશ્વર માતાની છાતીમાં કરી આપે છે અને કૃષિ વિજ્ઞાને પાછલા વર્ષઓમાં જે પ્રગતિ કરી છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. ખેડુત ૫૦ વર્ષ પહેલા તેના ખેતરમાંથી જેટલી ઉપજ મેળવતો હતો આજે તેનાથી ૧૦-૨૦ ઘણી વધારે ઉપજ મેળવે છે. જનસંખ્યા સાથે કૃષિ ઉત્પાદન પણ વધ્યું છે ક્યાંય ભૂખમરાથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તેવું સંભળાયું નથી અને જો ભૂખમરાથી મૃત્યુ પામી હોય તો તેનું કારણ કૃષિ ઉત્પાદનની કમી નથી બલ્કે વ્યવસ્થાની ખામી છે. મૂડીવાદીઓ અનાજનો સંગ્રહ કરીને રાખે છે અને સરકારી ગોડાઉનોમાં હજારો ટન અનાજ સડી જાય છે પરંતુ તેને જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવતું નથી.
જનસંખ્યાની સમસ્યા નથી આપણા પાડોશી દેશ ચીનથી પણ બોધ લેવો જોઈએ. તેમણે એક બાળકની નીતિ અપનાવી હતી અને તેના કારણે જ આજે તેને તકલીફ પડી રહી છે. યુવાનોની સરખામણીનીમાં વૃદ્ધો વધારે છે. હવે તે તેની પોલીસીમાં છૂટ આપી રહ્યું છે. મ્યાનમારમાં ગર્ભનિયંત્રણ સાધનો પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યું છે. આપણે તો ૫૬ ઈંચની છાતી કરી દુનિયા સમક્ષ આ વાસ્તવિક્તા મુકવી જોઈએ કે ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. આ યુવાનોને સારી રીતે પ્રશિક્ષિત કરવામાં આવે, તેમને સુવિધાઓ આપવામાં આવે તો સમગ્ર જગતને સ્કીલ્ડ યુવાનો આપવાનું સ્વપ્ન મોદી પૂર્ણ કરી શકે છે. દુનિયાના કેટલા દેશો છે જે જનસંખ્યા વધારવા નીતિઓ ઘડે છે. પ્રોત્સાહન અને ઈનામો આપે છે. આપણે જનસંખ્યાને મેનેજ કરી હ્યુમન રિસોર્સની અછતનું ગાણુ ગાતી સમગ્ર દુનિયાને યુવાનો પ્રોવાઈડ કરી શકીએ છીએ.
બીજી મહત્વની વાત આ છે કે જનસંખ્યાથી સમસ્યા નથી સર્જાતી, સમસ્યા સર્જાય છે જનસંખ્યાના પ્રશિક્ષણના અભાવથી. આપણે જો બાળકોની સારી કેળવણી કરીશું તેમને પ્રશિક્ષિત કરીશું, નાગરિકશાસ્ત્ર શીખવાડીશું, નૈતિક સિંચન કરીશું તો સમસ્યા આપમેળે હલ થઈ જશે. પરિવારમાંં વધુ બાળકો હોય તો તેમને ત્યાગ, વિવિધ સ્વભાવના લોકો સાથે રહેવું, ધૈર્ય, સહનશીલતા, પ્રેમથી કઈ રીતે રહેવું, બીજાને પ્રાધાન્ય આપવું, સહકાર આપવો, હળી-મળીને રહેવું વગેરે જેવા સંસ્કાર પીરસી શકીશું.
લોકો કહે છે કે વધારે બાળકો ધરાવતા કુટુંબમાં બાળકોનું પોષણ સારી રીતે નથી થતું. તેઓ કુપોષીત હોય છે. તેમને શિક્ષણ સારુ મળતુ નથી. તેમજ સ્વાસ્થ્ય સારું રહેતું નથી. આ વાહિયાત દલીલ છે. વધુ બાળકોના કારણે કદાચ કોઈ કુટુંબને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડયો હોય તો તેને આધાર બનાવી બીજી વ્યક્તિનો અધિકાર તો છીનવી શકાય નહીં અને કોઈ મોટા કુટુંબને આવી સમસ્યા હોય તો તે માટેે જવાબદાર સરકાર પણ છે. કેમકે કોઈપણ વેલ્ફેર સ્ટેટમાં નાગરિકને શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રદાન કરવું તેની જવાબદારી છે. ગરીબ અને મોટા પરિવારોમાંથી ઘણા મોટા વિદ્વાનો, સાહસિકો અને બુદ્ધિજીવીઓ પેદા થાય છે. પરંતુ જો બાળકોને સંસ્કાર નહિં મળે તો સાક્ષી જેવા લોકો જ પેદા થશે.
ત્રીજી વસ્તુ આ કે એશિયા ખંડ સહિત ભારતની એક મોટી સમસ્યા ભ્રુણ હત્યા છે. દર વર્ષે લાખો ગર્ભપાત કરાવવામાં આવે છે. સ્ત્રીભ્રુણ હત્યાની સમસ્યા સાથે જોડાયલી એક સમસ્યા છે, છોકરાની સરખામણીમાં છોકરીઓની અછત. ભારતના અમુક વિસ્તારોમાંથી ૧૦૦૦ છોકરાઓ સામે ૮૫૦ જેટલી છોકરીઓ છે. ગુજરાત, હરિયાણા, પંજાબ વગેરે રાજ્યો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આનું મૂળ કારણ જનસંખ્યા નિયંત્રણમાં જ છૂપાયેલું છે. બીજુ જે માતાપિતા કે દાદાદાદી પોતાના સુખચેનમાં પોતાના લોકોને ભાગીદાર બનાવી શકતા નથી તો તેઓે દેશનું શું ભલું કરશે. તેથી બાળકોને સ્વાર્થ અને સ્વછંદતાનું શિક્ષણ આપશે. આજે આપણે આવા જ સમાજમાં જીવી રહ્યા છે જ્યાં માનવતા મરી પરવારી છે.
ચોથું કોમોની ચડતી અને પડતીનો આધાર જનસંખ્યા પર નથી તેમના કર્મો અને સિદ્ધાંતો, સાહસ અને સંઘર્ષ પર છે.
સિકંદર વિશ્વ વિજય કરવા નિકળ્યો હતો તો કોઈ મોટી જનસંખ્યા લઈને નહોતો નિકળ્યો. તેમ છતાં ઘણાં બધા દેશોને પોતાને આધીન કરી લીધા. મધ્ય એશિયાથી આર્યો જન બળ લઈને નહોતા આવ્યા પરંતુ ભારતના બહુ સંખ્યક મૂળનિવાસીઓ પર હુમલા કરી તેમને દાસ (શુદ્ર) બનાવ્યા. પ્રતિકાર કરવા છતાં જેઓ આધીન ન થયા તેઓ જંગલોમાં જતા રહ્યા. જેમને આજે આપણે આદિવાસીઓ કહીએ છીએ. આરબમાં જનસંખ્યાના બળે મુહમ્મદ (સ.અ.વ.) ક્રાંતિ નહોતા લાવ્યા. તારિક બિન ઝિયાદે જનસંખ્યાના બળે સ્પેન વિજય નહોતુ કર્યું. આજે ભારતમાં પણ ચાવીરુપ અને પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર બહુસંખ્યક મૂળનિવાસી લોકો કેટલાં છે! ઇઝરાયલ જનસંખ્યાના બળે દુનિયાના દેશો પર પોતાના પ્રભાવ નથી ધરાવતો. મોગલોએ ભારત પર રાજ સંખ્યાના બળે નહોતુ કર્યું. અંગ્રેજોએ આપણને સંખ્યાના બળે ગુલામ નહોતા બનાવ્યા.
કુઆર્ન ફરમાવે છે, “યાદ કરો તે સમય જ્યારે તમે થોડાક જ હતા, ધરતી ઉપર તમને નિર્બળ માનવામાં આવતા હતા, તમે ડરતા હતા કે કયાંક લોકો તમને નષ્ટ ન કરી દે. પછી અલ્લાહે તમને આશ્રય-સ્થાન પૂરું પાડ્યું, પોતાની મદદ વડે તમારા હાથ મજબૂત કર્યા અને તમને સારી રોજી પહોંચાડી, કદાચ તમે આભારી બનો.” (સૂરઃ અન્ફાલ-૨૬)
” … જો અલ્લાહ લોકોને એકબીજા દ્વારા હટાવતો ન રહે તો ખાનકાહો-મઠો, ગિરજાઘરો અને યહૂદીઓના ઉપાસનાગૃહો અને મસ્જિદો, જેમાં અલ્લાહનું નામ પુષ્કળ લેવામાં આવે છે, તમામ ધ્વસ્ત કરી દેવામાં આવે…” (સૂરઃ હજ્જ-૪૦)
તેથી હિંદુ ભાઈઓને ગભરાવવાની જરુર નથી કે મુસલમાનોની સંખ્યા વધી રહી છે ન મુસલમાનોનો નરસંહાર કરાવવા ઘૃણા ફેલાવવાની જરુર છે. હિંદુ ધર્મ ખતરે મે હે, ભારત મે લઘુમતિ સુરક્ષિત ઔર બહુમતિ અસુરક્ષિત હૈ જેવા કુપ્રચાર કરાવવાની જરુર નથી. અસુરક્ષાનો ભાવ મનની અશાંતિથી થાય છે અને મનની અશાંતિ અસત્યના કારણે ઉદ્ભવે છે. સત્યવાદી વ્યક્તિ કોઈથી ડરતો નથી. ગભરાણ અનુભવતો નથી. જ્યાં સત્ય છે ત્યાં ભયને અવકાશ નથી અને સત્યની ખાસિયત એ છે કે તે પ્રાકૃતિકરુપે ફેલાય છે. જેમ બીજ ક્રમશ વટવૃક્ષ બની જાય છે તેમ સત્ય ક્રમશ ઉચ્ચસ્થાને પહોંચે છે. જેની પ્રકૃતિમાં જ વિસ્તરણ છે. કુઆર્ન ફરમાવે છે, “શું તમે જોતા નથી કે અલ્લાહે ‘કલિમએ તૈયિબહ’ (પવિત્ર વાત)ને કઈ વસ્તુ સાથે સરખાવેલ છે? આનું ઉદાહરણ એવું છે કે એક ઉચ્ચ પ્રકારનું વૃક્ષ જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જામેલા છે અને શાખાઓ આકાશ સુધી પહોંચેલી છે. પ્રત્યેક ક્ષણે તે પોતાના રબના હુકમથી પોતાના ફળ આપી રહ્યું છેે. આ ઉદાહરણો અલ્લાહ એટલા માટે આપે છે કે લોકો તેનાથી બોધ પ્રાપ્ત કરે. અને ‘કલિમએ ખબીસા’ (અપવિત્ર વાત)નું ઉદાહરણ તે ખરાબ પ્રકારના વૃક્ષ જેવું છે જે જમીનમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવે છે, તેના માટે કોઈ સ્થાયિત્વ નથી.” (સૂરઃ ઇબ્રાહીમ-૨૪ થી ૨૬)
બંધારણે આપણને ‘રાઈટ ટુ ચોઈસ’ અને ‘રાઈટ ટુ લિબર્ટી’ આપી છે. કોઈ નાગરિકથી કોઇપણ મામલામાં બળજબરી કરી શકાય નહીં. દરેક નાગરિકને પોતાની મરજી મુજબ જીવન જીવવાનો અધિકાર છે. એક જ દેશના સમાન નાગરિકો માટે બે માપદંડ કે બે કાયદા હોઈ શકે નહીં. આ વસ્તુ બિલ્કુલ હાસ્યાસ્પદ છે. એક વિશેષ કોમ્યુનિટીને વધુ બાળક પેદા કરવા પ્રોત્સાહન અપાય અને એક ટાર્ગેટેડ સમુદાયને પ્રતિબંધિત કરવામાં આવે આ બેવડી નીતિ નાગરિકો વચ્ચે અન્યાયની લાગણી પેદા કરે છે. જે ભારત જેવી બિન સાંપ્રદાયિક દેશમાં લાંબા સમય સુધી ચાલી શકે નહીં.