The 100 પુસ્તકનાં પશ્ચિમી વિદ્વાન લેખક માઇકલ હાર્ટે પોતાના પુસ્તકમાં હઝરત મુહમ્મદ ને દુનિયાની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સૌ પ્રથમ સ્થાન આપતા જણાવ્યુ કે મારી આ વાત સાથે કેટલાક વાચકોને આશ્ચર્ય થશે, પરંતુ તે એક માત્ર એવી વ્યક્તિ હતા કે જે માનવ ઇતિહાસમાં ધાર્મિક અને બિનસાંપ્રદાયિક બંને સ્તરે સર્વોત્તમ રીતે સફળ રહ્યા.
દુનિયાની ૧૦૦ મહાન હસ્તીઓને ક્રમાંક આપતી વખતે માઇકલ હાર્ટે જે માપદંડો નક્કી કર્યા હતા તે મુજબ તે વ્યક્તિ ઐતિહાસિક અને વાસ્તવિક હોવી જાેઈએ, જેના ઐતિહાસિક પ્રમાણ ઉપલબ્ધ ન હોય અથવા જે કાલ્પનિક હોય તેનો સમાવેશ તેમણે કરી ન હતો, તેમણે એ વ્યક્તિઓને સામેલ કર્યા જેમણે દુનિયાના કોઈ એક ભાગમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ નાખ્યો હોય, સમગ્ર વિશ્વ તેનાથી લાભાન્વિત થયું હોય, જેનો પ્રભાવ જીવનના દરેક વિભાગમાં પડ્યો હોય. એવી વ્યક્તિ જેમનો પ્રભાવ તેમના જીવનના વર્તમાન સમયમાં ત્યારબાદ ભવિષ્યમાં અને આજે પણ સતત પડી રહ્યો હોય. તેમણે માત્ર એ વ્યક્તિના કાર્યોને ધ્યાનમાં લીધા છે. તેમના સાથીઓ કે અનુયાયીઓનાં કાર્યોને જરાય ધ્યાનમાં લીધા નથી.
નમ્ર સ્વભાવના હઝરત મુહમ્મદ ﷺએ દુનિયાના મહાન ધર્મની સ્થાપના કરીને અત્યંત અસરકારક રાજકીય નેતાના સ્વરૂપમાં ઊભરી આવ્યા, આજે ૧૪૫૦ વર્ષ પછી પણ તેમનો પ્રભાવ ખૂબ જ વ્યાપક અને શક્તિશાળી છે.
આપ ના પવિત્ર જીવનને મુસલમાનો જાણે ઈમાનને મજબૂત બનાવે, તેમના કથનો મુજબ પોતાના જીવનની સમીક્ષા કરે :
આપનો જન્મ ૫૭૦ ઈસવી.માં દુનિયાના સૌથી પછાત એવા આરબના રણ-વિસ્તારમાં થયો, કે જે કેન્દ્ર, વેપાર, કળા, શિક્ષણથી જાેજનો દૂર હતાં, ૬ વર્ષની આયુમાં અનાથ થઈ ગયા, તેમણે શિક્ષણ એટલે કે અક્ષરજ્ઞાન પણ મેળવ્યું ન હતું.
અત્યંત પવિત્ર અને સાદું જીવન : જીવનમાં આપ ﷺએ ક્યારેય અસત્યનું ઉચ્ચારણ નથી કર્યું, ક્યારેય વચનભંગ નથી કર્યું, ક્યારેય કોઈને અન્યાય નથી કર્યો, કોઈની સાથે લડાઈ-ઝઘડો નથી કર્યો, ગાળ તો કલ્પના બહારની વાત છે કોઈને અપશબ્દ પણ નથી બોલ્યા, પોતાના વતી કોઈને દુ:ખ કે તકલીફ નથી આપ્યા. સાદી ચટાઈ ઉપર સૂતા, સાદું ભોજન કરતાં, જીવનમાં ક્યારેય સળંગ ૩ દિવસ પેટ ભરીને જમ્યા નથી, પોતાનું કાર્ય પોતાના હાથે જ કરવાનો આગ્રહ રાખતાં. ગૃહકાર્ય કરવામાં પણ જરાય સંકોચ ન અનુભવતા, બાલ્યાવસ્થામાં બકરીઓ ચરાવતા, યુવાન વયે તેમની પ્રમાણિક્તાને કારણે વેપાર કરવાની તક પ્રાપ્ત થઈ, જેમાં બમણો નફો થયો.
વિવાહ : સાદું, સ્વચ્છ, પવિત્ર, સદાચારી જીવન જીવતા હઝરત મુહમ્મદ ﷺએ ૨૫ વર્ષની ભરયુવાનીમાં ૪૦ વર્ષની વિધવા (હઝરત ખદીજા રદિ.) સાથે વિવાહ કર્યા. જે આજે પણ માનવ સમાજ અને મુખ્યત્વે મુસ્લિમ સમાજ માટે એક ઉદાહરણ અને રેકોર્ડ સમાન છે, જે ૧૪૫૦ વર્ષ પછી પણ કોઈ તોડી નથી શક્યું. તેમની ખાવા-પીવા અને કપડાં પહેરવાની સુન્નત અદા કરનારા મુસ્લિમ સમાજે આને પણ સુન્નત સમજવાની જરૂર છે કે જેથી મુસ્લિમ સમાજની વિધવા બહેનોના પ્રશ્નોનો ઉકેલ આવી શકે. વિવાહ સુન્નત છે, મુસ્લિમ સમાજે ધ્યાન રાખવું જાેઈએ કે સમાજમાં કોઈ વિવાહ વગર ના રહે તાત્કાલિક તેમના વિવાહ કરાવી દેવા અનિવાર્ય છે. તેમની મૂળભૂત જરૂરિયાતની પૂર્તિ થાય અને સમાજની પવિત્રતા જળવાઈ રહે.
માતા-પિતા સાથે સદ્-વ્યવહાર : આપ ﷺએ કહ્યું માતા-પિતા સાથે સદ્-વ્યવહાર કરો, તેમની સામે ઉચ્ચ સ્વરે કે મોટા અવાજે વાત પણ ન કરો, તેમની સેવા ચાકરી કરો, તેમને હંમેશાં ખુશ રાખવાના પ્રયત્નો કરો, ઘડપણમાં તેમને ઉફ પણ ન કહો, તેમની સાથે આદરપૂર્વક વાત કરો, અલ્લાહને રાજી કરવા માંગતા હોવ તો માતા-પિતાને રાજી રાખો, તમારા સદ્-વ્યવહારના સૌથી વધારે હકદાર તમારા માતા-પિતા છે.
મહિલા અધિકાર : આપ ﷺએ મહિલાઓને જીવિત રહેવાનો અધિકાર આપ્યો, તેમને વારસાઈ અને સંપત્તિમા અધિકાર આપ્યો, જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપ્યો. આપ ﷺએ ફરમાવ્યું કે તમારામાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જે પોતાની પત્ની જાેડે સારું વર્તન કરતી હોય, જે તમે ખાઓ તે તેમને ખવડાવો જે તમે પહેરો તે તેમને પહેરાવો, સ્વર્ગ તમારા માતાની ચરણોની નીચે છે, જાે તમે તેમની જાેડે સદ્-વ્યવહાર કરશો તો સ્વર્ગ પામશો અને જાે દુર્વ્યવહાર કરશો તો નર્કની યાતના ભોગવશો.
શિક્ષણ વ્યવસ્થા : દરેક મુસ્લિમ સ્ત્રી અને પુરુષ માટે શિક્ષણને અનિવાર્ય ઠેરવ્યું, શિક્ષણ પ્રાપ્ત કરવા સૌથી દૂર એવા ચીન જવું પડે તો પણ જવાનું સૂચન કર્યું. માતાની ગોદ થી કબર સુધી શિક્ષણ પ્રાપ્ત કરવાની તાકીદ કરી. યુધ્ધમાં સામા પક્ષના કેદ કરવામાં આવેલા યુધ્ધકેદીઓને ૧૦ લોકોને શિક્ષણ આપી અને મુક્તિ મેળવવા જણાવ્યું. આપ ﷺ જ્યારે શિક્ષણ ઉપર આટલો બધો ભાર આપ્યો છે તો મુસ્લિમ સમાજે ફરજિયાતપણે જ્ઞાન મેળવવું જ જાેઈએ. શિક્ષણ સંબધે મુસ્લિમ સમાજમાં એક ગેર-સમજ પ્રવર્તમાન છે. દીન એટલે કે ધર્મનું અને સંસારનું શિક્ષણ અલગ અલગ છે. અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અને માનવ સમાજની સેવા કરવા માટે જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે બધું જ ધાર્મિક શિક્ષણ છે.
માનવીય એકતા, ભાઈચારો, સન્માન : આપ ﷺએ કહ્યું સૌ મનુષ્યો એક માતા-પિતાની સંતાન છે, કોઈ આરબ શ્રેષ્ઠ નથી કોઈ બિન આરબથી, ન કોઈ બિન આરબ શ્રેષ્ઠ છે કોઈ આરબથી એ જ પ્રકારે કોઈ ગોરો કોઈ કાળાથી શ્રેષ્ઠ નથી, અને ન કોઈ કાળો શ્રેષ્ઠ છે કોઈ ગોરાથી સિવાય તેના અલ્લાહના ડર (તકવા) અને સદ્કાર્યથી. આજે પણ વિશ્વ મુસ્લિમ સમુદાય કોઈ પણ જાતના ભેદભાવ વગર તેના ભાઈચારા માટે પ્રખ્યાત છે. જે લોકો પણ ઇસ્લામમાં દાખલ થયા તે ઇસ્લામી સમુદ્રમાં ભળી ગયા અને પોતાની ઓળખાણ સુધ્ધાં ભુલાવી બેઠા છે.
વિશ્વ એક પરિવાર : હે લોકો અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો અને બિરાદરીઓ બનાવી દીધી જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધારે સંયમી (પરહેજગાર) છે.
પર્યાવરણ : આપ ﷺએ ફરમાવ્યું : જે કોઈ મુસલમાન છોડ વાવે અથવા ખેતી કરે અને તેનાથી પક્ષીઓ, પ્રાણીઓ અને માનવીઓ લાભાન્વિત થાય તો તે કાર્ય તે વ્યક્તિ માટે પુણ્ય (સદ્કો) છે. તમે જુઓ કે પ્રલય શરૂ થઈ ગયું છે અને તમારા હાથમાં છોડ હોય તો તમે તેને રોપી દો. આપ ﷺએ પોતાના જીવન દરમ્યાન ૫૦૦ વૃક્ષો પોતાના હાથે વાવ્યા હતા. દરેક મુસલમાને પણ આ સુન્નતને જીવંત કરી પોતાના હાથે ૫ વૃક્ષો વાવી તેનું જતન કરવું જ જાેઈએ. પાણી ન વેડફો તમે વહેતી નદીને કિનારે જ કેમ ન બેઠા હોવ. પાણીનો પણ તમારે હિસાબ આપવો પડશે. નદી, તળાવ, સરોવર, સમુદ્રમાં પેશાબ કે ગંદકી કરવાથી મનાઈ ફરમાવી. છાંયડો આપનારા વૃક્ષોને કાપવાની મનાઈ ફરમાવી. પ્રદૂષણને લીધે વિનાશ તરફ જઈ રહેલા વિશ્વને માટે સર્જનહારની ચેતવણી – “જમીન અને સમુદ્રમાં બગાડ પેદા થઈ ગયો છે, લોકોના પોતાના હાથોની કમાણીથી, જેથી સ્વાદ ચખાડે તેમને તેમના કેટલાક કર્મોનો, કદાચ તેઓ અટકી જાય.”
ભ્રૂણહત્યા : આરબમાં એ જમાનામાં દીકરીને જીવતી દાટી દેવામાં આવતી હતી, જે રીતે આપણાં દેશમાં દીકરીને દૂધપીતી કરી દેવામાં આવતી હતી. “પોતાના સંતાનની ર્નિધનતાના ભયથી હત્યા ન કરો, અમે તમને પણ રોજી આપીશું અને તેમને પણ. હકીકતમાં તેમની હત્યા એક ઘોર અપરાધ છે.” એક સર્વેક્ષણ મુજબ ભારતમાં છેલ્લા ૨૦ વર્ષમાં આશરે ૧ કરોડ બાળકીઓને ગર્ભમાં જ જીવતી મારી નાખવામાં આવી છે. આપ ﷺએ કહ્યું જેણે ૩ અથવા ૨ પુત્રીઓનો ઉછેર કર્યો, સારૂં શિક્ષણ આપ્યું, વિવાહ કરાવ્યા, ત્યાર પછી પણ સંબંધ જાળવી રાખ્યો તે અલ્લાહનો આજ્ઞાંકિત સ્વર્ગમાં મારી જાેડે હશે. ત્યારબાદ આરબનાં લોકો પુત્રીના જન્મ પ્રસંગે આનંદ મનાવવા લાગ્યા કે પુત્રીઓ અમારા સ્વર્ગમાં જવાનું માધ્યમ બનશે. આજે પણ મુસ્લિમ સમાજ ઇસ્લામ ઉપર સંપૂર્ણ આચરણ કરતો ન હોવા છતાં પણ તેમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ નહિવત્ છે. મુસલમાનો પ્રતિજ્ઞા કરે કે ભ્રૂણહત્યાને સંપૂર્ણપણે નાબૂદ કરશે, અને અન્ય ધર્મ અને સમાજના લોકોને આ બાબતે સમજ આપશે.
દારૂ – વ્યસન : આ વાત સુવિદિત છે કે દારૂ અને વ્યસન દરેક પ્રકારના દુર્ગુણ અને દુષ્કર્મની જનની છે. માનવ સમાજને તેમાથી મુક્ત કરવા માટે બધા જ કાયદા કાનૂનના પ્રયત્નો આજ દીન સુધી નિષ્ફળ રહ્યા છે, આજે પણ શક્તિશાળી દેશની સરકારો તેની ઉપર કાબૂ મેળવી શકી નથી, માનવ સમાજ વ્યસનની સામે લાચાર અને મજબૂર દેખાય છે. ઇતિહાસમાં વ્યસન ઉપર સંપૂર્ણપણે જાે કોઈએ કાબૂ મેળવ્યો હોય તો તે આપ ﷺની પવિત્ર હસ્તી છે, આરબ લોકો દારૂના રસિયા હતા. તેમણે ક્રમવાર દારૂથી મુક્તિ અપાવી. પ્રથમ કહ્યું, “દારૂ ખરાબ વસ્તુ છે તેના ફાયદા કરતાં નુકસાન વધારે છે, તમારે નશાની સ્થિતિમાં નમાઝથી દૂર રહેવું જાેઈએ” પછી જ્યારે તેમના દિલમાં ઈમાન મજબૂત થઈ ગયું ત્યારે આદેશ આપ્યો કે “આજથી દારૂ અને દરેક પ્રકારની નશાયુક્ત વસ્તુઓ તમારા માટે હરામ ઠેરવી દેવામાં આવી છે” કહેવાય છે કે મદીનાની ગલીઓમાં દારૂના નાળા વહી રહ્યા હતા, જે લોકો પી રહ્યા હતા તેમણે દારૂના ગ્લાસ ફેંકી દીધા, જે લોકો પી ચૂક્યા હતા તેમણે ગાળામાં આંગળા નાખીને ઉલ્ટી કરીને દારૂ બહાર કાઢી નાખ્યો, આજે ૧૪૫૦ વર્ષ પછી પણ આરબ મહાદ્વીપમાં સંપૂર્ણ પ્રતિબંધિત છે, અને તેમના અનુયાયી એવા મુસ્લિમ સમાજમાં આ દૂષણ નહિવત્ છે.
વ્યાજ: વ્યાજ એટલે આર્થિક તબાહી, શ્રીમંત વધારે શ્રીમંત, ગરીબ વધારે ગરીબ, વિશ્વની મહાસત્તાઓએ આર્થિક શોષણ કરીને સામ્રાજ્યવાદ ઊભો કર્યો છે. “હે ઈમાનવાળાઓ અલ્લાહથી ડરો અને જે કંઈ તમારૂં વ્યાજ લોકો પાસે બાકી રહી ગયું છે તેને જતું કરો, દેવાદાર પ્રત્યે નરમ વલણ રાખો તમારો દેવાદાર તંગીમાં હોય તો તેનો હાથ છૂટો થાય ત્યાં સુધી તેને મહેતલ આપો, અને દાન કરી દો, તો તે તમારા માટે વધુ સારૂં છે જાે તમે સમજાે.”
યુધ્ધના નિયમો : આપ ﷺએ જીવન જીવવાના સિધ્ધાંતની સાથે સાથે યુધ્ધના નિયમો પણ જણાવ્યા. અગાઉ લોકો જાણતા જ ન હતા કે યુધ્ધના પણ કોઈ નિયમો હોઈ શકે છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને મારવામાં ન આવે. લાશોને વિકૃત કરવામાં ન આવે તેનો પણ આદર કરવામાં આવે. છોડ, વૃક્ષો, અનાજ, ફળ, શાકભાજીને નુકસાન કરવામાં ન આવે, જે લડવા ન ઇચ્છતા હોય તેમની સાથે યુધ્ધ કરવામાં ન આવે. યુધ્ધ કેદીઓની સાથે પણ માનવીય વ્યવહાર કરવામાં આવે જે તમે ખાઓ તે જ તેમને પણ ખવડાવો.
એકેશ્વરવાદ : સમગ્ર માનવજાત વૈચારિક અને પ્રકૃતિક રીતે માને છે કે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર પાલનહાર એક માત્ર અલ્લાહ-ઈશ્વર છે. એકેશ્વરવાદની આસ્થાને જાે કોઈએ સાર્થક કરી બતાવી હોય તો તે છે, હઝરત મુહમ્મદ ﷺ તેમણે લોકોને દરેક પ્રકારના ર્શિક એટલેકે મૂર્તિપૂજા, વ્યક્તિપૂજા ત્યાં સુધી કે સ્વયંની પોતાની પૂજા, ઇબાદત, બંદગીથી લોકોને બચાવી એક માત્ર અલ્લાહ-ઈશ્વરની ઇબાદત અને બંદગીમાં જાેડી દીધા. અલ્લાહ અને તેના બંદાઓની વચ્ચેના બધા જ વચેટિયાઓને સમાપ્ત કરી નાખ્યા, કાબાને એક માત્ર અલ્લાહની ઇબાદતનું કેન્દ્ર બનાવી દીધું.
આપ ﷺને ૪૦ વર્ષે ઈશદૂતત્વ પ્રાપ્ત થયું, ૬૩ વર્ષની વયે સંસારનો ત્યાગ કર્યો, માત્ર ૨૩ વર્ષના સમયમાં ૧૨ લાખ ચોરસ માઇલમાં ફેલાયેલા સમગ્ર આરબ સમાજની કાયાપલટ કરી નાખી, રણપ્રદેશના વિખરાયેલા, અભણ, વિદ્રોહી, અસભ્ય, હંમેશાં અંદરો-અંદર લડનારા કબીલાઓને રેલ્વે, રેડિયો, ટેલિફોન કે પ્રેસની મદદ વગર એક ધર્મ, એક સંસ્કૃતિ, એક કાનૂન અને એક શાસન હેઠળ લાવી દીધા. તેમણે તેમના વિચારો બદલી નાખ્યા, તેમના ચારિત્ર્ય બદલી નાખ્યા, તેમના જીવન બદલી નાખ્યા, આજે પણ કરોડો મુસલમાનોના દિલો ઉપર તેમનું પ્રભુત્વ જેમનું તેમ અકબંધ છે.