ભારતમાં મુસ્લિમોએ લગભગ ૬૫૦ વર્ષ (૧૨૦૬ થી ૧૮૫૭) સુધી શાસન કર્યું. આ સમયગાળા દરમ્યાન મુસ્લિમોએ દેશને બનાવવામાં, ન્યાય આધારિત શાસન વ્યવસ્થાની સ્થાપના કરવામાં, બહુસાંસ્કૃતિક સમાજને અધિકારો આપવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. જે લોકો વિચારે છે કે ‘મુગલોએ દેશમાં અન્યાય અને અત્યાચાર તથા કુશાસન કર્યું છે’ તો આ તદ્દન ખોટું અને પાયા વિહોણું છે. કારણ કે જાે ખરેખર તેઓએ અત્યાચાર અને કુશાસન કર્યું હોત તો દેશમાં બિનમુસ્લિમોની બહુમતી ન હોત.
અંગ્રેજાેનું શાસન (૧૮૫૭ – ૧૯૪૭) પદ્ધતિ “ભાગલા પાડો અને રાજ કરો”ની હતી. તેઓએ જાતિ, ધર્મ, પ્રદેશ એમ દરેક રીતે અંદરોઅંદર લડાવી શાસન કર્યું. છેવટે સ્વતંત્રતા હાંસલ કરવાની ચળવળ ઉગ્ર બની અને સ્વતંત્રતા મળી પણ ગઈ. આ સ્વતંત્રતામાં દેશનો એક મોટો ભાગ વિખૂટો પડી ગયો. અંગ્રેજાે દેશમાંથી જતા જતા બે કોમો વચ્ચે ઊંડી ખાઈ ખોદતા ગયા. સ્વતંત્રતા પછી ભારતમાં રહી ગયેલ મુસલમાનોની નેતાગીરી મુસ્લિમોને જ પ્રભાવિત ન કરી શકી. તેઓ મુસ્લિમોનું દિશાનિર્દેશ અને દોરી સંચાર ન કરી શક્યા. પરિણામે સમગ્ર મુસ્લિમ કોમ સિદ્ધાંતો, દીર્ઘદૃષ્ટિ અને આયોજન સાથે આગળ ન વધી શકી. આજે મુસ્લિમોની પરિસ્થિતિ દેશના સૌથી નીચલા અને તરછોડાયેલા સમાજ કરતાં પણ બદતર છે. ઊંડા આત્મનિરીક્ષણની જરૂરત છે કે જે કોમે દેશમાં ૬૫૦ વર્ષ સુધી શાસન કર્યું હોય તે કોમની પરિસ્થિતિ આવી કઈ રીતે હોઈ શકે?મુસ્લિમ કોમની પરિસ્થિતિ બહેતર બનાવવા અને તેમનું ખોવાયેલું સ્થાન પાછું મેળવવા કેટલાક મુદ્દાઓ પર મંથન કરવું અને અમલ કરવું ખૂબ જરૂરી છે. કેટલાક મુદ્દાઓ અહીં પ્રસ્તુત છેઃ
પરિસ્થિતિ ખરાબ હોવાનો અહેસાસ
ઉમ્મતમાં બહુમતી લોકો એવા છે જેમને પોતાની પરિસ્થિતિ ખરાબ થઈ છે તેનો અહેસાસ સુદ્ધાં નથી. પરિસ્થિતિમાં સુધાર લાવવાની પ્રથમ શરત આ છે કે વ્યક્તિને ખયાલ હોવો જાેઈએ કે તેની પરિસ્થિતિ શું છે? તેણે કયાં હોવો જાેઈએ? અને તેના રસ્તા અને વળાંકો શું હોવા જાેઈએ? મુસ્લિમોએ જ્યારે આ દેશ પર શાસન કર્યું તે સમયગાળા દરમ્યાન તેમની વસ્તી આશરે ૧૦ ટકા હતી. જ્યારે આજે ૧૪ ટકા કરતાં પણ વધુ છે. પરંતુ મુસ્લિમોએ શાસન કર્યું! તેમનામાં તાકાત હતી, અક્કલ-હોશિયારી હતી, રાજકીય સૂઝબૂઝ હતી અને શાસન કરવાની આવડત હતી. પણ તેઓ શાસન કરવા માટે જન્મ્યા છે તેવી માનસિકતા હતી. જ્યારે મુસ્લિમોમાં એવી ધગશ નથી જાેવા મળતી. મુસ્લિમોએ પોતાની અંદર અને પોતાના બાળકોના મનમાં એવો અહેસાસ પેદા કરવાની જરૂરત છે કે તેઓ શાસન કરવા માટે જ જન્મ્યા છે. (born to rule) તેમણે મુસ્લિમોના ઇતિહાસના સ્વર્ણ યુગને વાચવાની જરૂર છે અને જે સંઘર્ષ દુનિયાને કાબૂમાં કરવા તેમણે કર્યો તેવો સંઘર્ષ તેમણે પણ કરવાની જરૂર છે.
દીનથી દૂરી
દુનિયાના સર્જક અને તમામ સૃષ્ટિના સર્જનહાર એકમાત્ર અલ્લાહ માટે કોઈ સર્જન પ્રિય હોય તો તે તેને માનનારા જ હોઈ શકે. તેથી મુસ્લિમો અલ્લાહના પ્રિય છે. છતાં દુનિયાના મોટા નિર્ણયો કે ઉથલ-પાથલમાં મુસ્લિમોની કોઈ ખાસ ભૂમિકા હોતી નથી. તેનું એકમાત્ર કારણ આ છે કે અલ્લાહના દીનને કબૂલ કરીને આપણે મુસ્લિમ તો બની ગયા પણ તેની કિતાબ કુઆર્ન અને રસૂલ સ.અ.વ.ના જીવનને પોતાના જીવનમાં ઉતારી ન શક્યા. જ્યાં સુધી મુસ્લિમો કુઆર્ન પર અમલ કરતા રહ્યાં ત્યાં સુધી તેઓ વિજેતા રહ્યા, આદર્શ રહ્યા. અને જેમ જેમ કુઆર્નને ભૂલતા ગયા તેમતેમ ગરીબી, બેઇજ્જતી અને ગુલામીની સાંકળમાં જકડાતા ગયા. નવાઈની વાત તો આ છે કે ૯૦ ટકા કરતાં વધુ લોકો મુસ્લિમો નમાઝ નથી પઢતા. આનો મતલબ કે મુસ્લિમ થવા અને કહેડાવવા માટે જે વસ્તુ અનિવાર્ય છે તેને જ ભુલાવી બેઠા. બીજા ફરાઇઝ અને સુન્નતોની તો વાત જ ક્યાં કરવી. મુસ્લિમનો અર્થ થાય છે અલ્લાહનો આજ્ઞાકારી. જાે આજ્ઞાકારિતાનું મુખ્ય લક્ષણ જ ગુમ થઈ જાય તો નામના જ મુસ્લિમ રહ્યા. એ અલ્લાહ મુસ્લિમોને (so called) કઈ રીતે પ્રિય રાખી શકે? પોતાનું ખોવાયેલ સ્થાન હાંસલ કરવા માટે જરૂરી છે કે મુસ્લિમો ખરા અર્થમાં મુસ્લિમ બની જાય.
શિક્ષણ
ઇબ્ને ખુલ્દુન, અલ ખ્વારિઝમી, ગઝાલી, ઇબ્ને બતૂતા, ઇબ્ને સીના, જાબિર ઇબ્ને હૈયાન વિગેરે મુસ્લિમ વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, ધર્મશાસ્ત્રીઓ અને કાયદાશાસ્ત્રીઓની લાંબી યાદી છે. પરંતુ છેલ્લા ૩૦૦ વર્ષમાં મેડિસિન, ફિઝિક્સ, ખગોળશાસ્ત્ર વિગેરેમાં મુસ્લિમોનું યોગદાન કેટલું છે? ટેકનોલોજી, મેનેજમેન્ટ અને મીડિયાને બહેતર બનાવવા આપણે શું ફાળો આપ્યો છે? ઝીણવટપૂર્વક જાેઈએ તો કેટલાક મુસ્લિમો મળી જશે જે આપણી જનસંખ્યાના પ્રમાણમાં ઘણા ઓછા છે. મુસ્લિમોમાં શૈક્ષણિક પછાતપણું એ હદે છે કે તેઓ પોતાના લગ્નોમાં તો નાણા વેડફે છે પરંતુ પોતાના બાળકોના શિક્ષણ માટે ખર્ચ કરવા પાછીપાની કરે છે. તેથી મુસ્લિમો શિક્ષણમાં પાછળ છે. સરકારી અને અર્ધસરકારી સંસ્થાનોમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ તેમની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. સિવિલ સર્વિસીસ, લૉ, એજ્યુકેશન ફિલ્ડમાં આપણું પ્રમાણ નહિંવત છે. કુઆર્નની પ્રથમ આયત જ કહે છે કે “પઢો પોતાના રબના નામથી જેણે પેદા કર્યો” (સૂરઃઅલક-૧). આ આયતમાં વાંચવા અને જ્ઞાન હાસલ કરવા પર ભાર મૂકવામાં આવ્યું છે. ત્યારે મુસ્લિમોએ શિક્ષણ હાંસલ કરવા તરફ ધ્યાન દોર્યું, બદ્રની લડાઈમાં કેદી બનીને આવેલા ભણેલા લોકોને મુહમ્મદ સ.અ.વ.એ એ શરતે છોડી મુકયા કે તેઓ પાંચ-પાંચ વ્યક્તિઓને ભણાવશે. કુઆર્નની ઘણી આયતોએ (સૂરઃયાસીન, સૂરઃઅંબિયા વિગેરે) મુસ્લિમ ખગોળશાસ્ત્રીઓને નવી શોધખોળ કરવા પર પ્રેર્યા અને તેમણે ઘણું હાંસલ કર્યું અને તેમણે દુનિયાને નવી રાહ ચીંધીસમય જતા મુસ્લિમો દુનિયા પાછળ એવા ઘેલા થયા કે તેમણે અદ્ભૂત, ઠાટ અને આધુનિક જીવનશૈલી અપનાવી લીધી અને પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું.
ભારતમાં સાચર કમીટિએ તારણ કાઢ્યું કે મુસ્લિમોનું શૈક્ષણિક સ્તર તમામ ધર્મોના લોકો કરતાં નીચું છે. પછી સરકાર દ્વારા સ્કોલરશીપની યોજના લાગુ કરવામાં આવી કે જેથી તેમનું શૈક્ષણિક સ્તર ઊચું આવે. પરંતુ કરુણા છે કે સ્કોલરશીપમાં ફાળવેલ કુલ બજેટનો પણ આપણે ઉપયોગ કરી શકતા નથી. શૈક્ષણિક સ્તર નીચું હોવાને કારણે તેમનું સામાજિક સ્તર આપમેળે નીચે આવી ગયું છે. તેમની માનસિકતા નિમ્ન સ્તરની થઈ ગઈ છે. રહેણી-કરણી અને સાફ-સફાઈની બાબતો મુસ્લિમ બહુમતીની માનસિકતા વિશે ઘણું બધું કહી જાય છે. મુસ્લિમોએ પોતાનું ગુમાવેલું સ્થાન પાછું મેળવવું હોય તો દરેકે ઘરમાં (છોકરા-છોકરીમાં તફાવત કર્યા વિના) તમામ બાળકોને ગ્રેજ્યુએશન સુધી ભણાવવા જાેઈએ. અને તમામ સરકારી-અર્ધસરકારી નોકરીઓમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધુ થાય તેવા પ્રયત્નો કરવા જાેઈએ.
આર્થિક સદ્ધરતા
કહેવાય છે કે ગરીબી અને દરિદ્રતા માણસને કુફ્ર સુધી પહોંચાડી દે છે. એટલે તો ગરીબી તો સારી નથી જ. પરંતુ અઢળક ધન-સંપત્તિ પણ સારી નથી. તે પણ માણસને ઘમંડી અને દુરાચારી બનાવી દે છે. ઇસ્લામ વ્યક્તિને પૈસા કમાવવાથી રોકતો નથી. પરંતુ પૈસાને વેડફવાથી રોકે છે. અને પૈસાને એક જગ્યાએ જમા થવાથી રોકે છે. માટે મુસ્લિમોએ આર્થિક રીતે સદ્ધર થવા શું કરવું જાેઈએ તેની ઉપર ધ્યાન દોરવું અત્યંત જરૂરી છે. દેશમાં મુસ્લિમો ૧૪ ટકા હોવા છતાં જીડીપીમાં તેમનો ભાગ માત્ર ૪ ટકાની આસપાસ છે. મજૂરી અને નાના ધંધામાં મુસ્લિમોની બહુમતી રોકાયેલી છે. અને તેથી તેમની બુનિયાદી રોટી, કપડા અને મકાનની જરૂરિયાત પુરી થઈ જતી હોવાથી અને ધંધામાં જાેખમ નહીં ખેડવાની આદતના કારણે તેઓ સંતુષ્ટ રહે છે, અને તેથી મોટા ધંધાકીય એકમોમાં મુસ્લિમોની ભાગીદારી ખૂબ ઓછી છે. ધંધામાં રોકાણની જરૂરત હોય ત્યારે બેંક લૉન સિવાય બીજાે કોઈ વિકલ્પ હોતો નથી. અને બેંક લૉનમાં વ્યાજ ચૂકવવાનું હોય છે. વ્યાજ હરામ હોવાથી મુસ્લિમો લૉનથી શક્ય હોય તેટલું બચવાની કોશિશ કરે છે. તેથી રોકાણની વ્યવસ્થા કરવા પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે પણ મોટા ધંધાકીય એકમોની સ્થાપનામાં પણ અવરોધો ઊભા થાય છે.
આ કેટલાક કારણો છે જેના લીધે મુસ્લિમોની ઉત્પાદકીય એકમોમાં હિસ્સેદારી ઓછી જાેવા મળે છે.
આ સમસ્યાનું સમાધાન છે કે મુસ્લિમો રોજગાર મેળવવા કરતાં રોજગારનું સર્જન કરનારા બને. વ્યાજ રહિત કો-ઓપરેટીવ બેંકો અને એનબીએફસીની સ્થાપના માટે આર.બી.આઈ. અને સરકારની મંજૂરી ન હોવાના કારણે આ દેશના નાગરિકો (મુસ્લિમો સહિત) એક મોટી તકથી વંચિત છે. પશ્ચિમી દેશો (ફ્રાંસ, ઇંગ્લેન્ડ, જર્મની વિગેરે) જ્યાં મુસ્લિમોની વસ્તી ભારતની સરખામણીએ ખૂબ ઓછી હોવા છતાં વ્યાજ રહિત બેંકિંગનો ખ્યાલ અને મંજૂરી બંને જાેવા મળે છે. વ્યાજ રહિત બેંકિંગના ઘણા ફાયદા જાેવા મળી રહ્યા છે. આશા છે કે આપણા દેશમાં પણ આની પરવાનગી મળશે.
વ્યાજ રહિત બેંકિંગની સ્થાપના થાય તે પહેલા મુસ્લિમોએ પોત-પોતાની રીતે મુસ્લિમ સિન્ડીકેટ, કોમર્શીયલ ચેમ્બર્સ અને એસોસિસન્સની સ્થાપના કરવી જાેઈએ. રોકડનો પ્રવાહ તેજ અને સમતોલ બને તે રીતે એક બીજાના ધંધામાં પૂરી ધંધાકીય સમજ સાથે રોકાણ કરવું જાેઈએ. બિનમુસ્લિમોને પણ ધંધામાં ભાગીદારીના કરાર સાથે સામેલ કરી ધંધાને વેગ આપવું જાેઈએ.
આમ આ કાર્યો સાથે બીજા ઘણાં કાર્યો એવા છે કે જેના માટે કોશિશ અને સંઘર્ષ કરી પોતાનું ગુમાવેલું સ્થાન પાછું મેળવી શકાય છે.
જાે આપણે હમણા નહીં જાગીએ તો જાગવાનો મોકો પણ નહીં મળે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અને વ્યક્તિની કોશિશ પર જ અલ્લાહની મદદનો આધાર છે. જેવી કોશિશ તેવો બદલો. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છેઃ
“હકીકત એ છે કે અલ્લાહ કોઈ કોમની હાલત ત્યાં સુધી બદલતો નથી જ્યાં સુધી તે સ્વયં પોતાના લક્ષણો બદલતી નથી.” (સૂરઃ રઅ્દ-૧૧)