અમેરિકાએ આખરે ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં ઝંપલાવી દીધું. બે સપ્તાહના વિચાર પછી યુદ્ધના નિવેદનના બીજા જ દિવસે તેણે ઈરાન પર જીવલેણ હુમલા કર્યા. હકીકતમાં અમેરિકાનો હુમલો એ તેની મજબૂરી હતી. ઇઝરાયલે ૧૩મી જૂનના રોજ ઈરાન પર હુમલો કરીને ખૂબ મોટી ભૂલ કરી હતી તે તેને સમજાઈ ગયું. ઈઝરાયલે પાપા ટ્રમ્પ પાસે અપેક્ષિત મદદનો પોકાર લગાવ્યો અને છેવટે તેણે હુમલો કર્યો. ઇઝરાયલની ગણતરી સાવ ઊંધી પડી ગઈ. દેશની મુખ્ય સેનાઓના કમાન્ડર ઇન ચીફની અને ૬ પ્રમાણુ વૈજ્ઞાનિકોની હત્યા પછી ઈરાન ટુટી જશે અને આઘાતમાં સરી પડશે તેવા અનુમાનો ઇઝરાયલને ભારે પડ્યા. ઇઝરાયલમાં ઈરાની હુમલાઓમાં આઇરન ડોમનું અતિ સુરક્ષિત હોવું મિથ્યા સાબિત થયું, ૧૦૦ બેડની સૈનિકોની સારવાર કરતી હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગઈ, સ્ટોક એક્સચેન્જની તબાહી થઈ અને મોસાદની મુખ્ય ઓફિસનું કચ્ચરઘાણ નીકળી ગયું.
કોઈ પણ દેશની જનતા પોતાના દેશની યુદ્ધે ચડવાની યોજનાને કેટલું સમર્થન આપે છે તે જાેવું આવશ્યક છે આ ૧૨ દિવસની અંદર બંને દેશોની જનતાના પ્રતિભાવ પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ઈરાનની જનતા રસ્તા પર છે અને “હૈદર હૈદર, ખૈબર ખૈબર”ના નારાઓ સાથે પોતાની સરકારને ઇઝરાયલ પર હુમલાઓ કરવા સમર્થન પૂરું પાડી રહી છે. વિદેશમાં વસતા કોઈ પણ ઈરાની નાગરિકે યુદ્ધ વિરામની વાત નથી કરી. અલી ખામનાઈના મીડિયા નિવેદનો ગંભીર, ખૂબ જ પ્રભાવશાળી પ્રતિકારાત્મક અને કોઈ પણ સંજાેગોનો સામનો કરી લેવા તત્પરતા દર્શાવે છે. બીજી તરફ ૮ ઓક્ટોબર ૨૦૨૩થી માનસિક રોગીની જેમ યુદ્ધ ઇઝરાયલની પોકળ અને ડરપોક જનતા રડી રહી છે. સરકારની આલોચના કરી રહી છે અને પોતાના ઈશ્વરથી યુદ્ધની પરિસ્થિતિને શાંતિની પરિસ્થિતિમાં તબદીલ કરવા પ્રાર્થના કરી રહી છે. આ સંજાેગોમાં ઈરાનના આત્મવિશ્વાસમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે જ્યારે ઇઝરાયલનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે.
ઇઝરાયલમાં ઓક્ટોબર ૨૦૨૩થી જૂન ૨૦૨૪ સુધીમાં ૪૦,૬૦૦ ઇઝરાયલી યહૂદીઓ દેશ છોડી બીજા દેશોમાં કાયમી વસવાટ અર્થે જતા રહ્યા છે. દેશમાં વધતી જતી અરાજકતા અને કાયમ યુદ્ધના ઓથાર હેઠળ જીવવું તેમને યોગ્ય લાગી રહ્યું નથી. જ્યારે ઈરાનથી તેની જનતાના કોઈ બીજા દેશમાં જતા રહેવાના કોઈ અહેવાલ નથી.
આર્થિક રીતે જાેઈએ તો ઇઝરાયલે ૨૦૨૩ થી મે ૨૦૨૫ સુધીમાં ૫૫.૬ બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે જે તેના કુલ અર્થતંત્રના ૧૦% જેટલો થાય છે. આવનારા દાયકામાં યુદ્ધના કારણે તે ૪૦૦ બિલિયન ડોલરના આર્થિક વ્યવહારો ગુમાવી દેશે તેવો અંદાજ છે. ૨૦૨૩ના છેલ્લા ત્રિમાસિક રિપોર્ટ અનુસાર તેનું અર્થતંત્ર ૨૦% ગબડી ગયું છે અને આર્થિક વૃદ્ધિદર ૬.૫% થી ગગડીને બે ટકા થઈ ગયું છે. યુદ્ધના કારણે નાગરિકોના વપરાશ ખર્ચમાં ૨૭%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે આયાતમાં ૪૨% નો ઘટાડો અને નિકાસમાં ૧૮% નો ઘટાડો નોંધાયો છે. આમ યુદ્ધે ચઢીને ઇઝરાયલે પોતાની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો કચરઘાણ વાળી દીધો છે.
ઈરાનની વાત કરીએ તો તેને હંમેશાં એક હાથનો તફાવત પોતાના પ્રોક્ષી સાથે પણ જાળવી રાખ્યો છે લેબનોનમાં હિઝબુલ્લાહ, પેલેસ્ટાઇનમાં હમાસ, યમનમાં હૌથી આ ત્રણેય પાંખોને ઈરાને તૈયાર કર્યા પરંતુ ઇઝરાયલ દ્વારા ત્રણેય પર હુમલાઓ થયા છતાં ઈરાને સીધી રીતે ક્યારેય યુદ્ધમાં ઝંપલાવ્યું નથી. જ્યારે ખુદ તેની ઉપર હુમલો થયો ત્યારે જ તેણે ઇઝરાયલનેે જડબાતોડ જવાબ આપ્યો. આ સ્ટ્રેટેજીને કેટલાક વિશ્લેષકો ઈરાનને તક ચૂકી જવાનો આરોપ લગાવે છે. પરંતુ યુદ્ધ કરવું અને યુદ્ધના માહોલમાં રહીને પોતાની જનતાને સંભાળવી કોઈ નાની-સૂની વાત નથી.
છેલ્લે, ઈરાને પોતાની સૂઝબૂઝ, યુદ્ધની વ્યૂહરચના, વિદેશી કૂટનીતિ અને ધીરગંભીર નિવેદનો વડે મધ્ય પૂર્વમાં પોતાની ભૂમિકા અને અસ્તિત્વને મજબૂત કર્યું છે. ઇઝરાયલને ઘૂંટણિયે લાવી યુદ્ધ વિરામ માટે આજીજી કરવાની પરિસ્થિતિ લાવી ઈરાને ઇઝરાયલ પર ચૌતરફ ફિટકાર વર્ષાવી છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું અમેરિકાની અંદર જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને તેનું સંપૂર્ણ સંવેદનહીન અને બેદરકારીભર્યું વ્યક્તિત્વ સામે આવ્યું છે.
મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાય તેવું અમેરિકા ઇચ્છતું નથી અને મધ્ય પૂર્વના તમામ દેશો અમેરિકાની વ્યૂહરચના જલ્દી સમજી જાય તે જરૂરી છે. ••• (લખ્યા તા. ૨૪-૦૬-૨૦૨૫)