પ્રસ્તુત સંવાદ લેખક અભયકુમાર અને ઝારખંડના એક આદિવાસી વિદ્યાર્થી વચ્ચેની વાતચીતનો સંપાદિત અંશ છે. અભયકુમારે આ સંવાદ ગયા શિયાળાના અંતમાં ત્યારે રેકોર્ડ કર્યો હતો જ્યારે તેમને ઝારખંડના એક આદિવાસી ક્ષેત્ર સ્થિત એક કોલેજ દ્વારા ઉત્તર-સંસ્થાનવાદ પર વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
મુસ્લિમ વિરોધી નફરત, જે ઉત્તર ભારતના જાતિ આધારિત સમાજાેમાં પહેલાંથી જ ઊંડાણ સુધી ફેલાયેલ છે. હવે આદિવાસી ક્ષેત્રોમાં પણ પોતાના મૂળિયા જમાવી રહી છે. આ જ પરિપ્રેક્ષ્યમાં વાંચો આ વાતચીત. અહીં સુરક્ષાના દૃષ્ટિકોણથી અમે વિદ્યાર્થીનું છદ્મ નામ દયાશંકર તરીકે વર્ણવી રહ્યા છીએ અને આ વાત પણ કહેવા ચાહીશું કે આ વિદ્યાર્થી સમગ્ર આદિવાસી સમુદાયના પ્રતિનિધિ નથી. (તંત્રી)
દયાશંકર (દ.): એવું લાગે છે કે તમને મુસલમાનોથી વિશેષ લગાવ છે. મેં જાેયું છે કે તમારા કેટલાય લેખોમાં મુસલમાનો પ્રત્યે સહાનુભૂતિ કે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું છે. આવું કેમ છે?
અભયકુમાર (અ.કુ.): મુસલમાનો પ્રત્યે લગાવ રાખવામાં ખોટું શું છે? શું તમે આ તથ્યથી ઇન્કાર કરશો કે ભારતમાં કેટલાય ધર્મ અને આસ્થાના લોકો રહે છે? અને જે લોકો કોઈ સંસ્થાગત ધર્મને નથી માનતા, તે પણ ભારતના એટલા જ નાગરિક છે. દા.ત. આદિવાસી સમુદાય, જેમાંથી તમે આવો છો, તેને જ જાેઈ લો. મેં મારી આંખોથી જાેયું છે કે આદિવાસી સમાજમાં ધાર્મિક કટ્ટરતા બહુ જ ઓછી છે. પૂજા-સ્થળોને લઈને સંઘર્ષ કદાચ જ ક્યારેક થાય છે. આદિવાસી સમુદાયોમાં પવિત્ર ગ્રંથોની વ્યાખ્યાને લઈને રક્તપાતનો કોઈ ઇતિહાસ નથી.
ભારતમાં એ લોકો પણ મોટી સંખ્યામાં વસે છે જેઓ કોઈ ધર્મને નથી માનતા અને તેઓ પણ આ દેશના સમાન નાગરિક છે. આપણું બંધારણ સૌને સમાન અધિકાર અને ઔપચારિક સમાનતા પ્રદાન કરે છે. પરંતુ દુર્ભાગ્યવશ હિંદુ દક્ષિણપંથના ઉદયની સાથે ભારતમાં એક નકારાત્મક પ્રવૃત્તિ ઊભરી રહી છે, જ્યાં એક વિશેષ ધાર્મિક સમુદાયને સાચો ભારતીય અને રાષ્ટ્રના વફાદાર માનવામાં આવે છે, જ્યારે કે અન્ય, વિશેષરૂપથી મુસલમાન અને ખ્રિસ્તીને વિદેશી ધર્મોના અનુયાયી માનીને તેમને શંકાસ્પદ દેશભક્તના રૂપમાં જાેવામાં આવે છે.
મુસલમાનોને કહેવાતા મેનસ્ટ્રીમથી અલગ-અલગ અને “ગેર” બનાવવાની આ પ્રક્રિયા ભારતમાં પાછલા ૧૦૦ વર્ષો કરતાં પણ વધુ જૂની છે. સંસ્થાનવાદકાળ દરમ્યાન પુનરુત્થાનવાદી આંદોલનોએ રાષ્ટ્રને બ્રાહ્મણવાદી સંસ્કૃતિના સંદર્ભમાં પારિભાષિત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમને આ અહેસાસ થયો કે આધુનિક રાજકીય સંખ્યા પર આધારિત છે. એટલે કે બહુમતિ સમુદાય લઘુમતીઓ પર શાસન કરશે ત્યારે તેમણે બ્રાહ્મણવાદને હિંદુ ધર્મના રૂપમાં લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કર્યો. જાે કે ઉચ્ચ જાતિના પુનરૂત્થાનવાદી ફકત દેખાડા માટે વંચિત વર્ગોની વાત કરતા હતા.
આજે પણ, આ પ્રક્રિયા ચાલુ છે, જે દક્ષિણપંથી પ્રોપેગન્ડાથી પ્રભાવિત છે. આ માનવા લાગ્યા છે કે મુસલમાનો શત્રુ છે. આ નેરેટિવ- કથાનક પૂરી રીતે જૂઠ અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ પર આધારિત છે, જેને રાજકીય લાભ માટે ફેલાવવામાં આવી રહ્યું છે. આદિવાસી અને મુસલમાનો બન્ને આ દેશના વંચિત વર્ગ છે, અને તેમને એકબીજાથી અલગ કરવાનો પ્રયાસ ફકત ભાગલાવાદી રાજકારણનો ભાગ છે.
આપણા રાષ્ટ્રવાદી આંદોલનમાં કેટલીય ધારાઓ હતી કે જેમાં ધર્મનિરપેક્ષતાની એક મજબૂત ધારા પણ સામેલ હતી. પરંતુ ધીમે ધીમે હિંદુ રાષ્ટ્રવાદીઓએ ધર્મનિરપેક્ષ સંગઠનોમાં ઘૂસણખોરી કરી અને રાષ્ટ્રવાદની આડમાં ઉચ્ચ જાતિઓના હિતોને આગળ વધાર્યા. મને નથી લાગતું કે દેશનું વિભાજન કોઈ એક નેતાના કારણે થયું હતું. કેટલાક ઇતિહાસકારો મોટાભાગે એક વ્યક્તિને નાયક અને બીજાને ખલનાયકના રૂપમાં રજૂ કરે છે, પરંતુ આપણે આવી સરળીકૃત ધારણાઓથી બચવું જાેઈએ.
ભારતીય મુસલમાનોની વિરુદ્ધ ભેદભાવ રાજ્યના સ્તરે વ્યવસ્થિત છે. સરકારો તો આવતી જતી રહી, પરંતુ મુસલમાનોની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો ન થયો. તેમનું પ્રતિનિધિત્વ સંસદ, વિધાનસભાઓ અને જાહેર તથા ખાનગી ક્ષેત્રોની નોકરીઓમાં તેમની વસતીના પ્રમાણમાં નથી, પરંતુ જેલમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ વધારે છે. તેઓ કોમી રમખાણોથી પીડિત થતા રહ્યા છે, અને તેમના ઇતિહાસ અને સંસ્કૃતિને શાળાના પાઠ્ય-પુસ્તકોમાં પૂરતું સ્થાન આપવામાં નથી આવ્યું. ભાજપ શાસિત રાજ્યોમાં બુલડોઝરનો ઉપયોગ કરી તેમના ઘરોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે.
હવે, તમે જ જણાવો કે શું આપણે મુસલમાનો માટે ન્યાયની માગણી કરવી ન જાેઈએ? શું તેઓ ભારતના સમાન નાગરિક નથી? જાે મુસલમાનોને પછાત રાખવામાં આવશે તો શું આપણો દેશ પ્રગતિ કરી શકે છે? શું એક લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ દેશમાં કોઈ વ્યક્તિ સાથે તેના ધર્મના આધારે ભેદભાવ થવો જાેઈએ? જાે હું પોતાના લેખન અને એક્ટિવિઝમ દ્વારા મુસલમાનો માટે કંઈ કરી શક્યો છું અને જાે આનાથી કોઈ એક પણ મુસલમાનની મદદ થઈ છે, તો હું આને મારા જીવનની સફળતા માનીશ.
દઃ જ્યારે મુસલમાનોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, તો તમે તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરો છો. પરંતુ શું તમે આ નથી જાેતા કે કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી હિંદુઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને તેમને મારી રહ્યા છે?
અ.કુઃ લોકતંત્ર કાયદા-કાનૂનના શાસન પર આધારિત હોય છે. આ ધર્મનિરપેક્ષતા અને લઘુમતીઓના અધિકારોના સન્માન વિના જીવિત નથી રહી શકતું. કોઈપણ લોકતાંત્રિક વ્યવસ્થામાં આરોપી કે દોષી વ્યક્તિના ઘરને સજા રૂપે ધ્વસ્ત કરવા ઉચિત નથી. જાે હું કોઈ અપરાધ કરૂં છું, તો મારા પરિવારને ઘર-વિહોણા કેવી રીતે કરી શકાય ? કાયદો કહે છે કે સજા અપરાધના પ્રમાણમાં થવી જાેઈએ. દા.ત. જાે હું ચોરી કરૂં છું તો મને હત્યાની સજા આપી શકાય નહીં.
ભાજપ શાસિત રાજ્યોમાં કેટલીય એવી ઘટનાઓ નોંધવામાં આવી છે, જ્યાં મુસલમાનોના ઘરો અને કાર્યસ્થળોને બુલડોઝરથી ધ્વસ્ત કરીને તેમને સજા આપવામાં આવી. માનવાધિકાર કાર્યકર્તાઓએ આ દસ્તાવેજ તૈયાર કર્યો છે કે આમાંથી કેટલાય પીડિતો એ લોકો હતા કે જેમણે ખોટી સરકારી નીતિઓની વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણ અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે શાંતિપૂર્ણ વિરોધને કચડી શકાય નહીં, કેમકે અસહમતિ એક જીવંત લોકતંત્રની ઓળખ છે. તેમ છતાં મુસલમાનોને જેલમાં નાખવામાં આવ્યા છે અને તેમના ઘરોને માત્ર વિરોધ વ્યક્ત કરવાના કારણે સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. કોઈ પણ આ બુલડોઝર કાર્યવાહીઓને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે છે?
“એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ” જેવા માનવાધિકાર સંગઠનોના તાજેતરના અહેવાલોએ દર્શાવ્યું છે કે આ કાર્યવાહીઓ રાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર માપદંડોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે.
મોટાભાગના બનાવોમાં પીડિતોને કાનૂની પ્રક્રિયાનો સમય આપવામાં નથી આવ્યો, તેમના ઘરોને ઉતાવળમાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યા, અને તેમના પરિવારની સાથે મારપીટ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરી આ કાર્યવાહીને અટકાવવાનો આદેશ આપ્યો છે અને સમગ્ર દેશમાં દિશાનિર્દેશ આપવાનો વાયદો કર્યો છે કે જેથી કોઈ સમુદાય વિશેષને ખોટી રીતે લક્ષ્ય બનાવી શકાય નહીં.
શું મેં બુલડોઝર કાર્યવાહીની વિરુદ્ધ બોલીને કંઈક ખોટું કર્યું છે? એક આદિવાસીના રૂપમાં તમે મુસલમાનોની પીડાને સમજી શકો છો, કેમકે આઝાદી પછીથી વિકાસના નામે સૌથી વધુ વિસ્થાપન આદિવાસીઓનું જ થયું છે. ચાહે એ બંધ (ડેમ) હોય, ખનન હોય અથવા ઔદ્યોગિકરણ? વિસ્થાપિત કોણ થઈ રહ્યા છે? આનો ઉત્તર આપણે સૌ જાણીએ છીએ; આદિવાસી. શું તમે ક્યારેય કોઈ માલદારોના ઘર ધ્વસ્ત થતા જાેયા છે?ના, કેમકે તેઓ શક્તિશાળી છે. મુસલમાનોના ઘર એટલા માટે તોડવામાં આવી રહ્યા છે કે જેથી તેમને કમજાેર કરી દેવામાં આવે. તેમના ઘરોને તોડીને શાસક વર્ગ તેમને બોધપાઠ આપવા માગે છે. અને તેમને ડરાવવા ચાહે છે કે જાે મુસલમાનો પોતાનો અવાજ ઉઠાવશે, તો તેમને કડક સજા આપવામાં આવશે.
જાે સમાજના કોઈ પણ સમુદાયની સાથે બૂરો વ્યવહાર કે ભેદભાવ થાય છે તો દેશ વિકાસ કરી શકે નહીં. એક પત્રકારના રૂપમાં, જ્યારે હું મુસલમાનો અનેહાંસિયામાં ધકેલાયેલા અન્ય સમુદાયના મુદ્દાઓ વિષે લખું છું તો હું કોઈના પર દયા નથી કરતો, બલ્કે એક પત્રકારનું કર્તવ્ય છે કે વંચિતોના સંઘર્ષોને ઉજાગર કરે.
જ્યાં સુધી તમારા આ દાવાનો પ્રશ્ન છે કે મુસલમાનો મને કે તમને “કાફર” કહે છે, તો આ ખરૂં નથી. હું મારા અનુભવો શેર કરવા ચાહું છું. મેં પટનાના સબ્જીબાગ વિસ્તારમાં ચાર વર્ષ વિતાવ્યા, જે મુખ્યરૂપે મુસ્લિમ વસ્તીવાળો વિસ્તાર છે. મેં ક્યારેય કોઈ પણ મુસલમાનને મને “કાફર” કહેતા નથી સાંભળ્યા. હું આ નથી કહી રહ્યો કે કેટલાક મુસલમાન આવું માનતા નહીં હોય. પરંતુ શું આપણે તેમને સમગ્ર મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ માનવા જાેઈએ? આવી જ રીતે કેટલાક હિંદુ મુસલમાનો પ્રત્યે પૂર્વાગ્રહ ધરાવે છે, પરંતુ શું આપણે તેમને તમામ હિંદુઓના પ્રવકતા માની શકીએ છીએ? મને વિશ્વાસ છે કે તમારો ઉત્તર હશે.. “ના”.
મેં કુઆર્ન પણ વાંચ્યું છે, તે પોતાના અનુયાયીઓને અન્ય ધર્મોના અનુયાયીઓનો અનાદર નહીં કરવાનું શિક્ષણ આપે છે કે જેથી તેઓ બદલામાં ઇસ્લામ વિષે બૂરૂં ન કહે. કુઆર્ન એક સાથે ઈશ્વરની પૂજા અને માનવતાની સેવા જેમાં બિનમુસ્લિમો પણ સામેલ છે, પર ભાર મૂકે છે. ઇસ્લામી ઇતિહાસથી જાણ થાય છે કે પૈગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ પણ બિન-મુસ્લિમો સાથે ગઠબંધન બનાવ્યા અને તેમની સાથે ઉચિત વ્યવહારની વકીલાત કરી. મુસ્લિમ શાસન દરમ્યાન પણ કેટલાક અપવાદોને છોડીને લઘુમતીઓને સંરક્ષણ આપવામાં આવ્યું હતું.
તમારો આ દાવો કે મુસલમાનો મોટાપાયે હિંદુઓની હત્યા કરી રહ્યા છે, ખોટો અને નિરાધાર કે પાયાવિહોણો છે. જાે આવું થઈ રહ્યું હોત તો આના મજબૂત પુરાવા હોત. હા, આવી કેટલીક ઘટનાઓ હોઈ શકે છે જ્યાં કોઈ મુસલમાને કોઈ હિંદુ પર હુમલો કર્યો હોય. પરંતુ આવી ઘટનાઓ અપવાદરૂપ છે, અને આવા બનાવોમાં કાયદા હેઠળ હત્યારાની વિરુદ્ધ કાર્યવાહી પણ થાય છે. તમારા આ દાવાનો કે મુસલમાનો દ્વારા હિંદુઓની મોટાપાયે હત્યાઓ કરવામાં આવી રહી છે, કોઈ નક્કર આધાર નથી.
દઃ ઇસ્લામનો આતંકવાદ સાથે સંબંધ છે. અને આ ધર્મથી કેટલાય આતંકવાદી નીકળે છે. મને લાગે છે કે આ ધર્મમાં મૂળભૂત રીતે કંઈક ગરબડ છે. નહીંતર આટલા બધા આતંકવાદીઓ એક જ ધર્મથી કેવી રીતે આવતા?
અ.કુ: ઇસ્લામ અને આતંકવાદને એક સાથે સાંકળવા એ એક ખતરનાક અને ખોટી ધારણા છે. દરેક ધર્મમાં કેટલાક કટ્ટરપંથી તત્ત્વો હોય છે પરંતુ આને સમગ્ર વસ્તી કે ધર્મ વિશે સામાન્યિ કરણના રૂપમાં જાેવું ન જાેઈએ.
જાે સમાજના કોઈ પણ સમુદાય સાથે બુરો વહેવાર કે ભેદભાવ થાય છે તો દેશ વિકાસ કરી શકે નહીં. એક પત્રકારના રૂપમાં જ્યારે હું મુસલમાનો તથા હાંસિયામાં પડેલ અન્ય સમુદાયોના મુદ્દાઓ વિશે લખું છું તો આ દયા નથી, બલ્કે એક પત્રકાર તરીકેનું કર્તવ્ય છે, કે એ વંચિતોના સંઘર્ષને ઉજાગર કરૂં.
રહી વાત આતંકવાદની તો આ કોઈ એક ધર્મથી જાેડાયેલ નથી. આતંકવાદીઓ કોઈ પણ ધર્મ ના હોઈ શકે છે, અથવા તેઓ નાસ્તિક પણ હોઈ શકે છે. આવું કોઈ અધ્યયન નથી જે આ પુરવાર કરે કે તમામ આતંકવાદી મુસલમાન છે, અને ન જ કોઈ વિશ્વસનીય ડેટા આ દર્શાવે છે કે મુસ્લિમ સંચાલિત આતંકવાદી સંગઠનોની સંખ્યા વૈશ્વિક સ્તરે બિન મુસ્લિમ સંગઠનો કરતાં વધુ છે. વાસ્તવમાં મુસલમાનો પોતે આતંકવાદના સૌથી મોટા પીડિતોમાંથી છે.
જાે તમે આતંકવાદની તપાસ કરો તો જાેશો કે આની પરિભાષા પણ સાર્વભૌમિક રૂપથી સ્વીકાર કરવામાં નથી આવી. ઐતિહાસિક રૂપથી આતંકવાદીની છબી બદલાતી રહી છે. આજે જેને આતંકવાદી કહેવામાં આવે છે તેને આવતીકાલે કોઈ સ્વતંત્રતા સેનાની માની શકે છે. અને આનાથી વિપરીત આજનો દેશભક્ત આવતીકાલનો આતંકવાદી ઘોષિત થઈ શકે છે. કેટલાય વિદ્વાનો માને છે કે મુસલમાનોને આતંકવાદીના રૂપમાં ચિત્રિત કરવાનું ચલણ શીત યુદ્ધના સમાપન બાદ વધ્યું છે.
આતંકવાદને ખરી રીતે સમજવા માટે તેના ઐતિહાસિક રાજકીય અને આર્થિક આયામોનું અધ્યયન જરૂરી છે. ફક્ત ધાર્મિક કે સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી જાેવાથી તમારી સમજ અધૂરી રહી જશે. તમારે આતંકવાદ અને શસ્ત્ર ઉદ્યોગની વચ્ચેના સંબંધને પણ જાેવું પડશે. સ્વયંથી પૂછોઃ ડર, ભય,નફરત, પૂર્વગ્રહ અને અસુરક્ષાનું વાતાવરણ બનાવી રાખવાથી સૌથી વધુ ફાયદો કોનેથઈ રહ્યો છે?
આદિવાસી વિસ્તારોમાં પણ જે લોકો પોતાની ધરતી અને સંસાધનોની રક્ષા માટે લડે છે તેમને આતંકવાદ વિરોધી કાયદાઓ હેઠળ પકડવામાં આવે છે. શું તમે આદિવાસીઓને તે સમયે એટલા માટે આતંકવાદી કહશો કે તેઓ પોતાના અધિકારો માટે ઊભા થઈ રહ્યા છે?
હું તમારા આ વિચારથી પણ અસહમત છું કે ઇસ્લામ સ્વભાવિક રૂપથી હિંસક છે. મેં કુઆર્ન વાંચ્યું છે અને આમાં ક્યાંય પણ આ કહેવામાં નથી આવ્યું કે તેના અનુયાયીઓએ અન્યોને મારવા જાેઈએ. કુઆર્નના શિક્ષણનું મૂળ ઈશ્વરની પૂજા અને માનવતાની સેવા પર આધારિત છે.
પૈગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.નું જીવન જુઓ. તેમણે હંમેશાં શાંતિ સ્થાપિત કરવા અને યુદ્ધથી બચવાનો પ્રયત્ન કર્યો. તેમણે ફક્ત ત્યારે જ યુદ્ધ કર્યું જ્યારે કોઈ અન્ય વિકલ્પ બચ્યો ન હતો, અને ત્યારે પણ ફક્ત આત્મરક્ષા માટે. જાે તમને મારા શબ્દો પર શંકા છે તો હું તમને કુઆર્ન પઢવા માટે આમંત્રિત કરૂં છું. મને તમને આની અર્થાત્ કુઆર્નની એક પરત આપવામાં ખુશી થશે.
દ: શું મુસલમાનો જ લઘુમતી છે? આદિવાસી શું છે? શું તેઓ પણ લઘુમતી નથી? તમે આદિવાસીઓ માટે શું કર્યું છે?
અ. કુ.ઃ મેં ક્યારે આ દાવો નથી કર્યો કે મુસલમાનો જ એકમાત્ર લઘુમતી છે. કાનૂની રીતે લઘુમતીઓને મોટાભાગે ધર્મના સંદર્ભમાં પારિભાષિત કરવામાં આવે છે, અને ધર્મ એક મહત્ત્વપૂર્ણ માપદંડ છે. પરંતુ લઘુમતીની મારી સમજ બાબાસાહેબ આંબેડકરના કાર્યોથી પ્રભાવિત છે. તેમના પુસ્તક “સ્ટેટ્સ એન્ડ માઈનોરીટીસ”માં આંબેડકરે લઘુમતીની એક વ્યાપક પરિભાષા આપી છે. તેમણે કહ્યું કે કોઈ સમુદાયને લઘુમતી માનવા માટે તેની સામાજિક આર્થિક અને શૈક્ષણિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું જાેઈએ.
આ પરિભાષા મુજબ મારૂં માનવું છે કે આદિવાસી પણ લઘુમતી છે. સરકારી આંકડાઓ વારંવાર જણાવે છે કે આદિવાસી લગભગ દરેક વિકાસ સૂચકાંકમાં પછાત થઈ રહ્યા છે. ખોટી વિકાસ નીતિઓએ તેમના જીવન, આજીવિકા (રોજી) અને સંસ્કૃતિને ગંભીર રૂપે પ્રભાવિત કરી છે. તેમના સંસાધનો પર કોર્પોરેટ-રાજ્ય ગઠબંધને કબજાે કરી લીધો છે અને પાછલા ૮૦ વર્ષોમાં આદિવાસી વિસ્તારોની જનગણના બદલાઈ ગઈ છે.
જાે કે આ વાતનું કોઈ પ્રમાણ નથી કે આ બાહ્ય લોકો ફક્ત મુસલમાનો છે. હિંદુ દક્ષિણ પંથીઓના દાવાઓથી વિપરીત ઝારખંડનો ઇતિહાસ બતાવે છે કે આદિવાસી અને મુસલમાનો લાંબા સમયથી શાંતિપૂર્વક સાથે રહી રહ્યા છે. ઝારખંડના મોટાભાગના મુસલમાનો પછાત સમુદાય વર્ગથી આવે છે. તેમાંથી એક અન્સારી બિરાદરી છે જે પારંપરિક રૂપથી વણિક સમુદાય છે અને આદિવાસી વિસ્તારો માટે કાપડ બનાવે છે.
સમાજશાસ્ત્રીય દૃષ્ટિથી પછાત અને દલિત મુસલમાન આદિવાસીઓની સાથે કેટલાક સાંસ્કૃતિક રિવાજાે સાથે મનાવે છે અને તેમની વચ્ચે સંઘર્ષનો કોઈ ઇતિહાસ નથી. હિંદુ જમણેરીઓના ઉદયે આ શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વમાં ઇસ્લામોફોબિયાનું બી વાવી દીધું છે.
હિંદુ જમણેરીપંથીઓ આદિવાસી વિસ્તારોમાં સત્તા હાસલ કરવા ચાહે છે કે જેથી કોર્પોરેટ્સ આ વિસ્તારોના સંસાધનોનું દોહન કરી શકે. તેઓ સમજે છે કે આદિવાસી અને મુસ્લિમ એક્તા તેમની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ માટે એક મોટો અવરોધ બની શકે છે. આથી, આદિવાસીઓ અને મુસલમાનો વચ્ચે જાણી-જાેઈને ગેરસમજાે પેદા કરવામાં આવી રહી છે. આ એકતા કમજાેર થવાથી ધર્મનિરપેક્ષ પરિબળો પણ કમજાેર થાય છે, અને હિંદુ જમણેરીઓ માટે સત્તા સુધી પહોંચવાનો માર્ગ ખુલી જાય છે.
સમાજના પ્રભુત્વશાળી હિતોના સંરક્ષકના રૂપમાં, હિંદુ જમણેરીઓ મોટેભાગે મુસલમાનોને બલિનો બકરો બનાવે છે અને તેમને બિન-મુસ્લિમો માટે ખતરાના રૂપમાં રજૂ કરે છે.
દ: મુસલમાનો દ્વારા આદિવાસીઓની જમીનો પચાવી પાડવામાં આવી રહી છે, જેનાથી આદિવાસીઓ વિસ્થાપિત થઈ રહ્યા છે અને હાંશિયા પર ધકેલાતા જઈ રહ્યા છે. આ અંગે આપનો મત શું છે?
અ.કુ: જેવું કે મેં અગાઉ જણાવ્યું, સમાજમાં પ્રભાવશાળી પરિબળો મોટાભાગે મુસલમાનોને ખતરાના રૂપમાં રજૂ કરી શોષણના મૂળ સ્ત્રોતોથી લોકોનું ધ્યાન ભટકાવે છે. તમે જાેયું હશે કે ભાજપ નેતા ઝારખંડમાં બાંગ્લાદેશી તથા રોંહિગ્યા ઘૂસણખોરોના મુદ્દાને વિધાનસભા ચૂંટણીઓ દરમ્યાન મુખ્યરૂપે ઉઠાવે છે. એક ક્ષણ માટે માની લઈએ કે ઝારખંડ બાંગ્લાદેશી અને મ્યાન્મારથી ઘૂસણખોરી થઈ રહી છે તો આવામાં પ્રશ્ન આ ઉદ્ભવે છે કે આના માટે કોને દોષી ઠેરવવા જાેઈએ? આદિવાસી મુખ્યમંત્રી હેમંત શોરેનને કે પછી વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારને?
સીમા સુરક્ષા કેન્દ્ર સરકારની જવાબદારી છે અને જાે ઘૂસણખોરી થઈ રહી છે તો પ્રશ્ન કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સી અંગે થવા જાેઈએ, નહીં કે આને માત્ર ચૂંટણી મુદ્દો બનાવવો જાેઈએ. આ કહેવાતી ઘૂસણખોરીના સમર્થનમાં કોઈ અધિકારિક ડેટા કે નક્કર પુરાવા પણ ઉપલબ્ધ નથી.
હું નથી કહેતો કે આસ્થાના સ્થળે કેટલાક આદિવાસી અને મુસ્લિમ સમુદાયોની વચ્ચે સંઘર્ષ નથી હોઈ શકતો પરંતુ આ કોઈ મોટા રાજકીય ષડ્યંત્રનો ભાગ નથી. અને ન જ રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ ગંભીર ખતરો છે. ચૂંટણીના મોસમમાં આદિવાસી મુખ્યમંત્રીને કમજાેર કરવા અને મતદારોને પ્રભાવિત કરવા માટે અફવાહો ફેલાવવામાં આવે છે કે મુસલમાનો આદિવાસીઓની જમીનો પચાવી પાડી રહ્યા છે, મહિલાઓનું અપહરણ કરી રહ્યા છે અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. આ મોટા ભાગે રાજકીય લાભ માટે વધારીને રજૂ કરવામાં આવે છે.
દ: આવા સમાચારો પણ આવ્યા છે કે આદિવાસીઓને બળજબરીપૂર્વક મુસલમાન બનાવવામાં આવી રહ્યા છે. શું તમે આ મુદ્દાઓની ઉપેક્ષા કરશો?
અ.કુ: આ વાતનો કોઈ વિશ્વસનીય પુરાવો નથી કે મુસલમાન આદિવાસીઓને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરી રહ્યા છે. આપણે એક લોકતંત્રમાં રહીએ છીએ. શું તમે વાસ્તવમાં માનો છો કે એક લોકતાંત્રિક વ્યવસ્થામાં લઘુમતી સમુદાય બહુમતી સમુદાયના સભ્યોને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી શકે છે? શું તમે ક્યારે કોઈ એવી વ્યક્તિથી વાત કરી છે કે જે મુસલમાનો દ્વારા બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનનો ભોગ બની હોય?
જાે સંસ્થાનવાદથી પહેલાં જ્યારે મુસલમાનો ભારતમાં સત્તામાં હતા, તેમણે આદિવાસીઓને ધર્મ પરિવર્તન માટે મજબૂર નથી કર્યા તો શું તમને લાગે છે કે સ્વતંત્ર ભારતમાં જ્યારે તેઓ સૌથી વધુ હાંસિયા પર અને ભેદભાવના શિકાર સમુદાયોમાંથી એક છે, તેઓ એવું કરી શકે છે?
મીડિયા મોટાભાગે મુસલમાનો દ્વારા બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની અફવાઓ ફેલાવે છે. પરંતુ આરએસએસ દ્વારા આદિવાસીઓને હિંદુ ધર્મમાં સામેલ કરવાના લાંબા સમયથી ચાલી રહેલ પ્રયાસો પર ચુપ રહે છે જાે આદિવાસીઓની સરના ધર્મની ઓળખને જનગણનામાં આધિકારીક માન્યતા નથી મળી રહી તો આ એક મોટો મુદ્દો નથી?
ઘણા આદિવાસી હિંદુ ધર્મમાં વિલીન થવા નથી ઇચ્છતા અને સરના ધર્મને માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે, તેમ છતાં તેમની માંગો પણ સંભળાઈ રહી નથી. શું આ ગંભીર સમસ્યા નથી? આપણે આના પર પણ ધ્યાન આપવું જાેઈએ કે અંતે શા માટે આદિવાસીઓએ પોતાની ઓળખ બનાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
દ: આદિવાસી સમુદાયને કેટલાક મુસ્લિમ સમૂહ તરફથી હિંસા, ધમકીઓ, ડરાવવાનો અને ધાકધમકીનો સામનો કરવો પડ્યો છે. શું તમે આ તથ્યોથી ઇન્કાર કરશો?
અ.કુ: જેમકે મેં પહેલાં કહ્યું હતું આદિવાસીઓ અને મુસલમાનોની વચ્ચે સ્થાનિક સ્તરે લડાઈ-ઝઘડા થઈ શકે છે. આ સ્વભાવિક છે. ખાસ કરીને જાે કોઈ આદિવાસી ભૂમિહિન મજૂર હોય અને કોઈ મુસલમાન જમીનદાર હોય તો વર્ગ સંઘર્ષની સ્થિતિ ઉદ્ભવી શકે છે. આવી જ રીતે જાે કોઈ મુસ્લિમ મિસ્ત્રી કોઈ આદિવાસી માટે ઘર બનાવી રહ્યો છે તો મજૂરીને લઈને વિવાદ હોઈ શકે છે. આ સંઘર્ષોના મૂળ આર્થિક અને વર્ગ સંબંધી મુદ્દાઓમાં હોઈ શકે છે, નહીં કે ધાર્મિક મતભેદોમાં.
હું આ નથી કહેતો કે આવા નાના-મોટા સંઘર્ષ નથી થતા,પરંતુ આ આદિવાસીઓ અને મુસલમાનોની વચ્ચે કોઈ મોટી અથડામણનો સંકેત નથી આપતા. આદિવાસી અને મુસ્લિમની વચ્ચે ઝઘડાઓની વાત કરનારા મોટાભાગે આ અંગે ખામોશ રહે છે કે બંને સમુદાયોની વચ્ચે મેળાપ અને સહયોગ પણ થયેલ છે. સદીઓથી ઝારખંડ જેવા રાજ્યોમાં બંને સમુદાયોએ સંયુક્ત સાંસ્કૃતિક અને સામાજિક વાસ્તવિકતાઓને અપનાવી છે. આદિવાસી અને મુસલમાન બંને મોટા પાયે હાંસિયા પર છે અને વંચિત છે. તેઓ ઉચ્ચ જાતિના સ્વાર્થ અને કોર્પોરેટ હિતો દ્વારા શોષણના શિકાર છે.
એવો કોઈ વિશ્વસનીય સાક્ષ્ય કે ડેટા ઉપલબ્ધ નથી કે જે આ દર્શાવતો હોય કે મુસલમાનો આદિવાસીઓની વિરુદ્ધ હિંસાના મુખ્ય સ્ત્રોત છે. મોટી સચ્ચાઈ આ છે કે બંને સમુદાય રાજ્યના ભેદભાવ અને કોર્પોરેટ શોષણનો સામનો કરી રહ્યા છે. આપણે આ સંયુક્ત સંઘર્ષને ઓળખવા અને તેને ઉકેલવા પર ધ્યાન આપવું જાેઈએ, નહીં કે એક હાંસિયા પર પડેલ સમૂહને બીજાની વિરુદ્ધ ઊભા કરવા પર.
આપણે આ સમુદાયોના આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આદિવાસી અને મુસ્લિમ બંનેનું શોષણ થઈ રહ્યું છે અને આ જ આપણી ચિંતાનો પ્રમુખ વિષય હોવો જાેઈએ.
(લેખ સૌજન્યઃ “કાન્તિ” માસિક)