Saturday, July 19, 2025
Homeમનોમથંનઇસ્લામી મૂલ્યોના પ્રકાશમાં જનભાગીદારીની જ્વલંત યાત્રા

ઇસ્લામી મૂલ્યોના પ્રકાશમાં જનભાગીદારીની જ્વલંત યાત્રા

લોકશાહી એ એક એવી વિચારધારા છે જેના દાવાઓ આકાશને આંબે એવા ઊંચા અને સંમોહિત કરી નાખે એવા સુંદર હોય છે પરંતુ વાસ્તવિકતાની દુનિયામાં તેનું અમલીકરણ ખૂબ જટિલ હોય છે. ભાતભાતની વૈવિધ્યતાથી ભરપૂર આપણા દેશ ભારતે બંધારણીય રીતે લોકશાહીને પોતાના પાયાનો સિદ્ધાંત સ્વીકાર્યો તો છે પરંતુ હકીકત એ છે કે બાહ્ય રીતે સક્રિય લાગતું આપણું લોકતંત્ર ખરેખર પોતાના મૂળ વચનોને પૂરા કરવામાં સંઘર્ષ કરી રહ્યું છે. ખૂબ મોટી આશાઓ સાથે દેશના છેવાડાના પ્રદેશોમાં વસતા અને વંચિત એવા કરોડો લોકોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રસ્થાપિત આપણું આ લોકતંત્ર આજે જાણે તેમને જ પ્રતિનિધિત્વ આપવામાં સક્ષમ રહ્યું નથી તેવું દેખાઈ રહ્યું છે. જેમના માટે આશાનું કિરણ હતી એવી આ વ્યવસ્થામાં આજે તેઓ અવગણના પામ્યા છે, તેમનો અવાજ દબાઈ ગયો છે અને તેઓ જાણે બિલકુલ અનુપસ્થિત બની ગયા છે.

આજના સમયમાં ભારત વૈશ્વિક સ્તરે આર્થિક ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરી દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા દેશોમાં સામેલ થવા માટે હરણફાળ ભરી રહ્યું છે અને સાથે સાથે દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું બિરુદ પણ તેણે હાંસિલ કર્યું છે જે બાબતનું આપણે ગૌરવ પણ લઈએ છીએ અને તેને વાર તહેવારે ઉજવવામાં કોઈ કચાશ પણ રાખતા નથી, પરંતુ જરાક અંદર ડોકિયું કરીશું તો જણાશે કે હજી પણ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક અસમાનતાઓની ઊંડી ખાઈઓ આપણા ત્યાં અસ્તિત્વ ધરાવે છે. આ ખાઈઓને પૂરવાને બદલે, આ જ લોકતંત્ર ઘણીવાર તેમને વધુ ઊંડી બનાવી દે છે. ગરીબી, ગુણવત્તાયુક્ત શિક્ષણની અછત, અને સામાજિક વિભાજન જેવા પડકારો આ જ લોકતંત્રની રહેમ નજર હેઠળ વધુ ને વધુ ગંભીર બની રહ્યા છે, કારણ કે સત્તા અને વિશેષાધિકારને સેવા અને સમતા ઉપર પ્રાધાન્ય પ્રાપ્ત થઈ ગયું છે.

ફક્ત ભારતમાં જ આ સમસ્યા છે એવું નથી, પરંતુ આજે દુનિયાના મોટાભાગના લોકશાહી દેશો આ જ પડકારનો સામનો કરી રહ્યા છે. લોકશાહીએ જેના વચન આપ્યા હતા તેવા સમાનતા, ન્યાય અને ઇન્સાફના મૂલ્યો દિવસે ને દિવસે વધુ ને વધુ ગાયબ થતા જઈ રહ્યા છે.

ઘડીક થોભીને આપણે ઊંડો વિચાર કરીશું તો જણાશે કે આ પરિસ્થિતિ માટે જવાબદાર મુખ્ય કારણોમાં સૌથી અગ્રીમ હરોળમાં જે પરિબળ ભાગ ભજવી રહ્યું છે તે આપણા ત્યાંની ચૂંટણીની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કે જે લોકશાહીને જમીન પર ઉતારવાનું સૌથી મહત્ત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે એ આજદિન સુધી પોતાના દાવાઓ મુજબ કોઈ ખાસ અસરકારકતા પુરવાર કરી શકી નથી. ચૂંટણી થકી ખરેખર તો દરેક નાગરિકનો અવાજ સંભળાવવો જાેઈએ અને જન સામાન્યની ઇચ્છા પ્રતિબિંબિત થવી જાેઈએ, તે આજે માત્ર શક્તિશાળી વર્ગોની ઈચ્છાઓની પૂર્તિનું માધ્યમ બની ગઈ છે. “ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ” જેવી ચૂંટણી પદ્ધતિ દ્વારા જે પ્રતિનિધિત્વ પ્રાપ્ત થઈ રહ્યું છે તે બિનઅસરકારક પુરવાર થઈ રહ્યું છે. આ પ્રક્રિયાએ પ્રતિનિધિત્વની વ્યાખ્યાને જ વિકૃત સ્વરૂપ આપી દીધું છે કારણ કે એકદમ નહિવત્ બહુમતી મેળવીને પણ ઉમેદવાર વિજયી થઈ જાય છે જેના કારણે મોટાભાગની વસ્તીનું પ્રતિનિધિત્વ થતું નથી. દુ:ખદ વાત તો એ છે કે લાખો લોકો માટે કે જેઓ આ ખોટા તંત્રથી સૌથી વધુ પીડિત છે તેમના માટે લોકશહીનો અર્થ સમયાંતરે આવનારી ચૂંટણીઓ સિવાય કંઈ રહ્યો નથી. તેઓ એ સમજી જ નથી શક્યા કે સાચું લોકતંત્ર એ એક એવું શાસન પદ્ધતિ છે જે સમાવિષ્ટતા, જવાબદારી અને ન્યાય પર આધારિત હોય છે – જ્યાં દરેક અવાજ મહત્ત્વ ધરાવે છે અને કોઈ પણ સમુદાયની અવગણના થતી નથી.

લોકશાહી, જેને એક એવી વ્યવસ્થા માનવામાં આવી હતી કે જ્યાં નેતાઓ લોકોની સેવા કરશે, ન્યાયને પ્રાધાન્ય આપશે અને સામૂહિક હિત માટે કાર્ય કરશે, હકીકતમાં હવે માત્ર એક આવકનું સાધન બની ગઈ છે – જેની મદદથી નેતાઓ સત્તાની સીડીઓ ચઢી લોકસેવાને બાજુએ મૂકી વધુ ને વધુ ખોટા લાભો ખાટી જવાની હરીફાઈમાં લાગી ગયા છે. પરિણામે, લોકશાહીના વચનો મોટાભાગે અધૂરા રહી ગયા છે અને શાસન વ્યક્તિગત્ ઇચ્છાઓ અને હિતોની આસપાસ સીમિત બની ગયું છે.

આધુનિક લોકશાહી આકર્ષક સિધ્ધાંતો અને અમલમાં શૂન્ય એવી એક વ્યવસ્થા બનીને ઊભી છે. આ ખામીઓ છતાં, ભારતીય લોકોની અડગતા અને એકતાની કુદરતી ભાવનાએ દેશમાં એકતાનું બંધન જાળવી રાખ્યું છે અને તંત્ર કોઈ પણ રીતે ચાલી રહ્યું છે,પરંતુ માત્ર આ અડગતા વ્યવસ્થાગત્ ખામીઓના ઉકેલ લાવવા માટે પૂરતી નથી. હવે સમય આવી ગયો છે કે આપણે આ પ્રશ્નો ઉઠાવીએ કે, શું આપણે એવાં તંત્ર પર વધુ ર્નિભર રહી શકીએ જે લાખો લોકોને પાછળ છોડી દે છે? શું કોઈ એવો વિકલ્પ છે કે જે શાસન પદ્ધતિને ન્યાય, સમાનતા અને સમાવિષ્ટતાના શાશ્વત મૂલ્યો સાથે સાંકળી શકે?

ઇસ્લામી લોકશાહી: લોકભાગીદારીનો એક ઉચ્ચ દૃષ્ટિકોણ

વર્તમાન સમયમાં પ્રચલિત પશ્ચિમી લોકશાહી સામે ઇસ્લામી મૂલ્યો આધારિત લોકભાગીદારી એક શુદ્ધ, અર્થપૂર્ણ અને ઉચ્ચ વિકલ્પ રજૂ કરે છે. આ મૂલ્યો આધારિત નિર્માણ પામતી વ્યવસ્થામાં નેતૃત્વનો અર્થ પોતાની જાતને કેન્દ્ર સ્થાને રાખી પ્રચાર-પ્રસાર કરવાનો કે ફક્ત ચૂંટણી ઝુંબેશ ચલાવી સત્તા પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ અહીંયાં નેતૃત્વ એ ઈમાનદારી, ઉત્તમ લાયકાત અને નૈતિક પવિત્રતાની સામૂહિક ઓળખ સ્વરૂપે દૃશ્યમાન થાય છે. અહીંયાં વ્યક્તિઓ ક્યારેય પોતાની જાતને નેતૃત્વના ઉમેદવાર તરીકે રજૂ કરતા નથી, પરંતુ તેમની ન્યાયપ્રિયતા, સમાનતા અને સામાજિક કલ્યાણ માટેનો ભાવ તથા ઈમાનદારી અને અમાનતદારી જેવા સિધ્ધાંતો પ્રત્યેની અડગતા તેમને લોકનાયક તરીકે સમાજમાં સ્વીકૃતિ અપાવે છે.
આ મોડેલ કુર્આનના આ સિદ્ધાંત સાથે સુસંગત છે: “મુસલમાનો! અલ્લાહ તમને હુકમ આપે છે કે અમાનતો અમાનતદાર લોકો (Worthy of Trust)ને સોંપો, અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક કરો, અલ્લાહ તમને સર્વોત્તમ શિખામણ આપે છે અને ચોક્કસપણે અલ્લાહ બધું જ સાંભળે અને જુએ છે.”
(સૂર: અન્-નિસા: ૫૮)

ઇસ્લામી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો:

ઇસ્લામી લોકશાહી એ નૈતિક મૂલ્યો ઉપર આધારિત શાસન વ્યવસ્થા છે, જ્યાં નેતૃત્વ એક અમાનત હોય છે અને ન્યાય તેનો માર્ગદર્શક સિદ્ધાંત હોય છે. આધુનિક લોકશાહીથી વિપરીત, જે મોટાભાગે સત્તાલોલુપ લોકોના હિતમાં જ કામ કરતી જાેવા મળી છે, ઇસ્લામી શાસનપદ્ધતિ એવી લાયકાત ધરાવતા, નિષ્ઠાવાન અને ખૌફે-ખુદા (ઈશભય) ધરાવતા લોકોને નેતૃત્વ સોંપે છે.

ઇસ્લામી લોકશાહી માટે નેતૃત્વના ચયનના પાંચ મૂળભૂત સિદ્ધાંતો આધારરૂપ છે:

૧. નેતૃત્વ એ અમાનત છે: ઇસ્લામમાં શાસન કોઈ વ્યક્તિવિશેષ કે કુટુંબનો જન્મસિધ્ધ અધિકાર નથી કે જેનો તે દાવો કરી શકે. અહીંયાં સિધ્ધાંત એ છે કે નેતૃત્વ એ એક “અમાનત” છે અને એક જવાબદારી છે, જે એવી વ્યક્તિને આપવામાં આવે જે લાયક અને ઈમાનદાર હોય. આ વ્યવસ્થામાં શાસકો જનતાના સેવક હોય છે, માલિક નહિ. શાસનનો હેતુ વ્યક્તિગત્ કે પોતાના જ લોકોનો ફાયદો નહિ, પરંતુ જનહિત અને સર્વેનું કલ્યાણ હોય છે. આધુનિક ચૂંટણી પ્રણાલીઓમાં જ્યાં પોતાની જાતને પ્રસ્તુત કરી પોતાનો જ પ્રચાર-પ્રસાર કરવાની પ્રવૃત્તિ અને ઘમંડ અને સત્તાની લાલચ જાેવા મળે છે, ત્યાં ઇસ્લામી લોકશાહીમાં સેવા માટે યોગ્ય વ્યક્તિને જ નેતૃત્વ મળે છે — સત્તાલાલચુઓ માટે કોઈ સ્થાન નથી.
૨. ખૌફે-ખુદા (ઈશભય) ધરાવતું નેતૃત્વ: કુર્આન ચેતવે છે: “આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હટો નહીં અને જાે તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.” (સૂર: અન્ નિસા: ૧૩૫)

ન્યાયપ્રધાન સમાજ માટે એવું નેતૃત્વ જરૂરી છે જેમાં તક્વા હોય — એવી વ્યક્તિઓ જે લોકોથી નહિ, પણ અલ્લાહની પકડથી ડરે. ઇસ્લામમાં લોકપ્રિયતાને નહિ, પણ નિષ્ઠાને પ્રાથમિકતા આપવામાં આવે છે. વ્યક્તિનો અલ્લાહ સાથેનો રૂહાની (આધ્યાત્મિક) સંબંધ અને સિદ્ધાંતો ઉપર અડગ રહી જિંદગી જીવવાની તેની નેમ તેના નેતૃત્વની નૈતિક દિશા નક્કી કરે છે. આવી વ્યક્તિઓ હોય છે જે ન્યાયભર્યું શાસન સુનિશ્ચિત કરે છે.

ભ્રષ્ટાચાર, ધોખાબાજી અને સગા-સંબંધિયોની લાગવગ અને પક્ષપાતી વલણને ઇસ્લામમાં સખત મનાઈ અને સજા છે. જ્યાં આજના તંત્રમાં પૈસા અને મીડિયા લોકોની પસંદગી નક્કી કરે છે, ત્યાં ઇસ્લામી શાસન એવું શાસન છે જ્યાં નૈતિક મૂલ્યો સામે ધન અને શક્તિને કોઈ સ્થાન નથી.

૩. જનાધારિત નેતૃત્વનું ચયન: ઇસ્લામી લોકશાહીમાં નેતાઓ પોતે આગળ નહિ આવે, પણ પોતાની લાયકાત અને સેવા પરથી સમુદાયમાંથી ઊભરી આવે છે.

નબી એ ફરમાવ્યું: “અલ્લાહની કસમ! અમે એ વ્યક્તિને કોઇ પદ પર નિયુક્ત નહીં કરીએ કે જે તેને માંગે કે જેના દિલમાં એની લાલચ હોય.” (સહીહ મુસ્લિમ)

ઇસ્લામી મૂલ્યો આધારિત લોકશાહી વ્યવસ્થામાં વ્યક્તિ ક્યારેય નેતૃત્વ માટે લાયક છે એવો દાવો નથી કરતી પરંતુ તેની નિષ્ઠા અને સેવાભાવના થકી તે સમાજમાં આપોઆપ ઊભરી આવે છે અને સમુદાય જ તેને નામાંકીત કરે છે અને પ્રોત્સાહન આપે છે. આ પ્રકારની વ્યવસ્થા અને શાસન મજબૂત જનાધાર અને વિશ્વાસ પર ઊભેલું હોય છે જ્યાં કોઈ રાજકીય લાલચ કામ નથી કરતી. સમાજના ઉત્થાનની ઊંડી સમજ અને જ્ઞાન ધરાવનાર ઉચ્ચતમ ચરિત્રના ધણી લોકો સામે કાળા ધન ધરાવનાર પૈસાદારો પોકળ સાબિત થઈ જાય છે અને તેમને કોઈ પીઠબળ પ્રાપ્ત થતું નથી.

આ સિદ્ધાંત આધુનિક રાજકારણમાં જાેવા મળતી સત્તા માટેની દોડ અને ખર્ચાળ ચૂંટણીની વ્યવસ્થાને જડમૂળથી નેસ્તનાબૂદ કરવામાં અકસીર સાબિત થશે એમાં કોઈ બેમત નથી.

૪. ઉત્તરદાયિત્વ અને જવાબદારી જે ચૂંટણીઓ સુધી સીમિત ના હોય: આધુનિક લોકશાહીમાં જવાબદારીઓ અને ઉત્તરદાયિત્વનો હિસાબ-કિતાબ ફક્ત ચૂંટણી સુધી મર્યાદિત રહે છે, જ્યારે ઇસ્લામી લોકશાહીમાં નેતા હરહંમેશ અલ્લાહ અને જનતાની સામે જવાબદાર હોય છે. અહીં શૂરા (પરામર્શી સંસ્થા)ની વ્યવસ્થા હોય છે જેમાં ઉલેમા, નિષ્ણાતો અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. આ શૂરાને પણ મંતવ્યો અને દરેક બાબતમાં યોગ્ય સૂચનો પહોંચે તે માટે Community Councils (લોકપરિષદો)નું માધ્યમ હોય છે જે સત્તામાં જનભાગીદારી સુનિશ્ચિત કરે છે.

કુર્આન કહે છે: “અને તેઓ પોતાનાં કામ પરસ્પર પરામર્શથી કરે છે…” (સૂર: શૂરા, આયત-૩૮)

આમ આ વ્યવસ્થા એક આદર્શ શાસનનું એવું સ્વરૂપ છે જ્યાં સરમુખત્યારશાહી, રાજાશાહી, અમલદારશાહી કે ભદ્રવાદને કોઈ સ્થાન પ્રાપ્ત નથી. તદુપરાંત, જાે કોઈ નેતા પોતાની જવાબદારીમાં નિષ્ફળ જાય, તો તેને દૂર કરવા માટે પણ સ્પષ્ટ અને ન્યાયસંગત પ્રક્રિયા અહીંયાં ઉપલબ્ધ હોય છે. આમ આ આખી વ્યવસ્થા દુશાસન, ભ્રષ્ટાચાર અને અયોગ્ય નેતૃત્વની અટક કરે છે અને શાસકોને “લોકોની સેવા” કરવા માટે બાધ્ય કરે છે.

૫. સમાન અને સર્વાંગી પ્રતિનિધિત્વ: ઇસ્લામી લોકશાહી શાસન પદ્ધતિ એક ન્યાયપ્રધાન તંત્ર છે જેમાં દરેક જાતિ, વર્ગ કે લિંગને – ખાસ કરીને પછાત અને વંચિત વર્ગોને – યોગ્ય સ્થાન મળે એનું પ્રાવધાન હોય છે.

કુર્આન કહે છે: “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય.” (સૂર: અન્ નિસા, આયત-૧૩૫)

સામાજિક ન્યાય ઇસ્લામી શાસનનું મૂળ લક્ષ્ય છે, અને તેનો હેતુ દરેક પ્રકારના અન્યાયનો, ભેદભાવ અને દમનનો અંત લાવવાનો છે. ઇસ્લામી શાસનની સ્થાપના “અદલ” પર છે — જે ન્યાય અને સમતાનું પ્રતીક છે.

કુર્આન સ્પષ્ટ કહે છે: “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે. અલ્લાહનો ડર રાખીને કામ કરતા રહો, જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી પૂરેપૂરો વાકેફ છે.” (સૂર: માઇદહ, આયત-૮)

આમ ઇસ્લામી લોકશાહી એ માત્ર ચૂંટણી કે મતદાનની આસપાસ ફરતી કોઈ પ્રણાલી નથી, પણ એક એવી અસરકારક વ્યવસ્થા છે જે ન્યાય આધારિત સમાજનું નિર્માણ કરે છે. અહીંયાં સત્તામાં આવનાર જે કોઈ પણ હોય તે એ બાબતે બંધાયેલ છે કે ભેદભાવ, સગાપણું , લાગવગ અને શોષણને નાબૂદ કરીને એવી નીતિઓ બનાવી તેના ઉપર અમલ કરે જે આર્થિક ન્યાય, સામાજિક કલ્યાણ અને દરેક વ્યક્તિ માટે સમાન અવસરો આપે.

આદર્શ ઇસ્લામી લોકશાહીના અમલ માટે ચૂંટણી વ્યવસ્થામાં ક્રાંતિકારી સુધારાઓ અત્યંત જરૂરી છે. આ સાથે જ આ સુધારાઓ માટે જનતામાં જાગૃતિ અને સમજણ વિકસાવવા માટે જમીની સ્તરે કાર્યરત લોકઆંદોલનો (Grassroot Movements)ને મજબૂત બનાવવાના પગલાં પણ એટલા જ જરૂરી છે.

સૌથી પહેલું કામ ભારતની હાલની ચૂંટણી પ્રણાલી અંગે વિચાર કરીએ અને તેની મૂળ ખામીઓને દૂર કરીને લોકશાહીનું સાચું લક્ષ્ય — ન્યાય, સમાનતા અને સર્વસામાન્ય પ્રતિનિધિત્વ — પ્રાપ્ત કરવા માટે જે સુધારાઓ જરૂરી છે અને ઝડપથી કરી શકાય તેવા છે તેના ઉપર ચર્ચા કરીએ. નીચે જણાવેલ પગલાં વધુ વ્યાપક , લોકભાગીદારી સુનિશ્ચિત કરે તેવા અને જવાબદાર લોકશાહી તરફ દોરી જાય તેવા છે.

૧. પુન:પસંદગીનો અધિકાર (Right to Recall): જનતાને એ અધિકાર આપવો જાેઈએ કે તેઓ પોતાના પસંદ કરેલ પ્રતિનિધિઓની જવાબદારી નિર્ધારિત કરી શકે. જાે કોઈ પ્રતિનિધિ પોતાનું વચન ભૂલી જાય અથવા જાહેર હિતના વિરુદ્ધ કાર્ય કરે, તો જનતા તેને કાર્યકાળ પૂરો થતા પહેલાં પણ પાછો બોલાવી શકે તેવી વ્યવસ્થા હોવી જાેઈએ. આમ કરવાથી પ્રતિનિધિઓ પર હંમેશાં એ દબાવ રહેશે કે તેઓ લોકો માટે જવાબદારીપૂર્વક પારદર્શિતા સાથે કામ કરતા રહેશે. હાલમાં એવું છે કે એક વખત મત આપીને જેને જીતાડી દે છે તેને પાછો બોલાવી લેવા કે સત્તા પરથી હટાવી દેવાનો મોકો લોકો પાસે બીજી ચૂંટણી સુધી આવતો નથી.

૨. ગ્રામ્ય લોકશાહીનો અમલ: જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયાની ચળવળમાંથી શીખ લઈને ગ્રામ્ય સંસ્થાઓ જેમ કે પંચાયતોને સશક્ત બનાવવી જાેઈએ. આવા નેતાઓએ એવું ભારત કલ્પ્યું હતું જ્યાં ગામો આર્ત્મનિભર હોય અને શાસનવ્યવસ્થામાં સક્રિય ભાગ ભજવે. પંચાયતીરાજ સંસ્થાઓને નાણાકીય સ્વતંત્રતા મળે અને તેમના પાસે ર્નિણયો લેવાના અધિકારો અને શક્તિ વધારે પ્રાપ્ય થાય તેવું કરી શકાય તો લોકભાગીદારીવાળી શાસન પદ્ધતિ અમલમાં લાવી શકાય.

૩. લોક વિમર્શ અને જનભાગીદારી આધારિત લોકશાહી: માત્ર મતદાન આધારિત લોકશાહીના માળખાથી આગળ વધીને, એવી લોકશાહી તરફ પ્રયાણ કરવું પડશે જ્યાં નીતિગઠન ((Policy Making)) પ્રક્રિયામાં જનતાની સીધી ભાગીદારી હોય. જાહેર ચર્ચાઓ, નાગરિક એસેમ્બલી, અને પરામર્શ ફોરમ્સ જેવા મંચો તૈયાર કરવામાં આવે જેથી વિવિધ વર્ગોનો અવાજ નીતિગઠનમાં સાંભળી શકાય. આ પ્રકારના લોકમંચોને બંધારણીય અને કાનૂની રીતે માન્યતા આપવામાં આવે જેથી તેની અવગણના કે અવહેલના કાનૂની રીતે ગુનો બને.આનાથી પ્રતિનિધિ અને જનતાની વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધશે.

૪. અનુપાતી પ્રતિનિધિત્વ (Proportional Representation): હાલની ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ’ ચૂંટણી પદ્ધતિને બદલીને અનુપાતી પ્રતિનિધિત્વવાળી (Proportional Representation) મતદાન પધ્ધતિ અપનાવવી જાેઈએ જેથી દરેકે દરેક મતનું મૂલ્ય બાકી રહે અને દરેક વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળે. આ પગલું સંખ્યાગણતરીમાં નબળા સમુદાયો અને પછાત વર્ગો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ અને રાજકીય સશક્તિકરણ માટે શ્રેષ્ઠ સાબિત થશે. આ વ્યવસ્થા દુનિયાના ઘણા દેશોમાં હાલમાં અસ્તિત્વ ધરાવે છે અને ભારતમાં પણ સિવિલ સોસાયટીઝમાં આની ચર્ચા થતી રહે છે.

૫. ચૂંટણી ભંડોળની પારદર્શિતા: ચૂંટણી ખર્ચ અને ચૂંટણી ભંડોળ ભેગું કરવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવે.ચૂંટણી પ્રક્રિયા ઉપર ધનાઢયો અને કોર્પોરેટ્સના લાભો અસર અંદાઝ થાય એવી દરેક પ્રક્રિયાને નાબૂદ કરવામાં આવે. ચૂંટણીઓ જનસામાન્યના ભંડોળથી લડવામાં આવે અને દાન તથા ભેટોની યથાવત વિગતો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમયાંતરે ઉપલબ્ધ કરાવવી દરેક માટે અનિવાર્ય બની જાય તેવા ચુસ્ત નિયમો ઘડવામાં આવે એ ખૂબ જરૂરી છે.આ રીતે ભ્રષ્ટાચારને નિયંત્રિત કરી શકાય.

૬. રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી: ઇસ્લામી લોકશાહીના એ જ મૂળભૂત સિદ્ધાંતો, કે જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ મુજબ રાજકીય પક્ષોની અંદર પણ આંતરિક ચૂંટણી ફરજિયાત થવી જાેઈએ. આમ કરવાથી વિવિધ રાજકીય પક્ષોમાં પણ વંશપરંપરાગત અને લાગવગવાળી રાજનીતિનો અંત આવશે અને દરેક પક્ષમાં ખૂબ જમીની સ્તરના સત્તાની લાલસા વગરના ઉચ્ચ ચરિત્ર ધરાવનાર લાયક લોકો જ ઉપર આવશે. આમ કરવાથી દેશની ધુરા સંભાળવા માટે દરેક પક્ષમાંથી સારામાં સારા માણસો વચ્ચે જ હરીફાઈ થશે અને હારજીત ગમે તેની થાય પણ છેલ્લે જીત તો જનતાની જ થશે.

૭. સ્થાનિક શાસનને સશક્ત બનાવવું: મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતોને સ્વાયત્ત અને મજબૂત બનાવવા અનિવાર્ય જણાય તેટલી મહત્તમ હદે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી વધુમાં વધુ જનભાગીદારી અને સ્થાનિક સ્તરે સામાન્ય જનતા પ્રત્યે પણ સ્થાનિક નેતા જવાબદાર બની પારદર્શિતા સાથે કામ કરે તેવી વ્યવસ્થા થવી જાેઈએ.જમીની સ્તરે દરેક નાગરિકનું રાજકીય સશક્તિકરણ એટલી હદે થઈ જવું જાેઈએ કે જે સામાજિક સંસાધનોના ન્યાયસભર વિતરણને આપોઆપ સુનિશ્ચિત કરી નાખે.

૮. ટેક્નોલોજીના ઉપયોગ થકી ઉત્કૃષ્ઠ પારદર્શિતા પ્રસ્થાપિત કરવી: આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી છેવાડાની વંચિત વ્યક્તિને પણ પારદર્શક ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદાર થવા મળે તેનું આયોજન થવું જાેઈએ. ડિજિટલ મતદાન, મીડિયા અને ચૂંટણી પ્રવૃત્તિઓનું સતત મોનિટરિંગ, તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ભ્રષ્ટાચાર અને ખામીઓ પર નજર રાખીને શાસન વ્યવસ્થાને વધુ અસરકારક અને વિશ્વસનીય બનાવી શકાય.

૯. નૈતિક નેતૃત્વ માટે તાલીમ: સમાજમાં નવા નેતૃત્વના વિકાસ માટે તાલીમી કાર્યક્રમો શરૂ કરવા જાેઈએ જેમાં નૈતિક શાસન, સામાજિક ન્યાય અને જાહેર સેવા જેવા મૂલ્યોને કેન્દ્રસ્થાને રાખી સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે. સફળ લોકચળવળોના અભ્યાસ અને તેમના મૂળમાં રહેલી વિચારધારાઓના અભ્યાસ થકી પ્રાપ્ત થતા બોધપાઠ અને સબકને નવા નેતૃત્વને શીખવવામાં આવે જેથી તેમનામાં ફરજશીલતા અને નૈતિક પ્રતિષ્ઠાના ગુણોની મહત્તા પ્રસ્થાપિત કરી શકાય જે તેમને ભવિષ્યમાં વધારે શ્રેષ્ઠ બનવા માટે તૈયાર કરે.

આ સુધારાઓને અમલમાં લાવવાથી ભારતીય લોકશાહી એક ભ્રષ્ટ અને ખામીયુક્ત ચૂંટણી પ્રણાલીની આસપાસ ફરતી રહેવાના બદલે ખરેખર તેના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ બનશે. આ સુધારાઓ આપણા સૌને સહભાગિતા, પરામર્શ અને જવાબદારીના મૂળભૂત તત્ત્વો પર આધારિત એક એવી શાસન વ્યવસ્થા તરફ લઈ જશે જે ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોને વરેલી હશે અને જેમાં દરેકના વિચાર અને વિમર્શને યોગ્ય સ્થાન હશે.

આ પ્રકારના ક્રાંતિકારી સુધારાઓ માટે જનતાને જાગૃત કરવી જરૂરી છે, જેના માટે એવી સ્થાનિક અને જમીની સ્તરની લોકચળવળો ઊભી કરવી પડશે કે જે લાંબા ગાળે અસરકારક પરિણામો આપી શકે. આવી ચળવળો થકી સમાજમાં નવા વિચારને સામાન્યજનના વિચારપ્રવાહમાં સાદી અને સમજી શકાય તેવી ભાષામાં પ્રસ્થાપિત કરવાના વિવિધ કામો કરવામાં આવે જે માટે આ ચળવળો આર્થિક અને માનવ સંશાધનની રીતે પણ સમૃધ્ધ બને તેવું આયોજન જરૂરી છે. શિક્ષણ, સંવાદ અને સામાજિક સ્તરે સમજદારીપૂર્ણ ચર્ચાઓ, ઉપદેશ અને વારંવારના સ્મરણ દ્વારા નાગરિકોમાં ધીમે ધીમે ઊંડી સમજ ઊભી કરી શકાય છે અને ધીમે ધીમે એક નવી શાસન વ્યવસ્થા કે જેમાં સાચા અર્થમાં જનભાગીદારી સુનિશ્ચિત થઈ શકે તેવું વાતાવરણ તૈયાર થઈ શકે છે.

આ લોકપ્રિય ચળવળોનું બીજું એક મહત્ત્વનું કામ એ હશે કે તે એવા નેતૃત્વને સમાજમાંથી ઓળખશે જેમાં ઈમાનદારી, અમાનતદારી, ન્યાય અને સેવા જેવા મૂલ્યો હોય અને આવા લોકો સમાજમાં આગળ આવે અને તેમના તરફ લોકો મીટ માંડે તેવું કરવું પણ આ જ ચળવળોની જવાબદારી હશે. યોગ્ય નેતૃત્વની એક ખેપ તૈયાર થાય એ ઇચ્છિત પરિવર્તન માટે સૌથી મહત્ત્વનું પરિબળ છે અને તેથી જ આ કામ પણ એટલું જ જરૂરી બની જાય છે.

સિવિલ સોસાયટીઓ, ધાર્મિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર આ પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકે છે. સંવાદ અને સામૂહિક કાર્યો માટે પ્લેટફોર્મ ઊભા કરીને આવી લોકચળવળો સુધાર અને પરિવર્તનના શક્તિશાળી સાધનો બની શકે છે.

સમૃદ્ધ અને શાંતિપૂર્ણ ભારત માટે એકમાત્ર માર્ગ એ છે કે ભારતની લોકશાહી પોતાની આજની મર્યાદાઓથી ઉપર ઊઠી એક આદર્શ વ્યવસ્થા તરફ પ્રયાણ કરે અને જ્યાં શામ, દામ અને દંડ એમ બધું જાયજ સમજવાવાળા નેતાઓને કોઈ સ્થાન પ્રાપ્ત ના હોય પરંતુ સત્યનિષ્ઠ, સમજદાર અને સારા લોકો સમાજ અને દેશની આગેવાની કરતા હોય.આપણે એક એવા સમયની કલ્પના કરીએ જ્યાં નેતૃત્વ કુર્આન દ્વારા નિર્દિષ્ટ ન્યાય અને સમાનતાના સિદ્ધાંતોનું પ્રતિબિંબ હોય.

હઝરત મુહમ્મદ ફરમાવ્યું છે: “કોમનો નેતા તેનો સેવક હોય છે.”

આ જ છે નેતૃત્વનો સાર — સેવા, જવાબદારી અને ન્યાય માટે સમર્પિત દૃષ્ટિકોણ.

ચાલો આપણે આપણી જાતને અને ભારતના સર્વે લોકોને એક પ્રશ્ન કરીએ,“શું હજુ પણ આપણે આપણું ભવિષ્ય આવી જ ભ્રષ્ટ અને ક્ષતિયુક્ત લોકશાહી વ્યવસ્થાના હાથમાં સોંપી શકીએ છીએ ?”

હજુ પણ આપણે એ દાવો કરી શકીએ છીએ કે આપણી લોકશાહી આજની પરિસ્થિતિમાં દરેકનો અવાજ બનીને કામ કરી રહી છે?

જાે આજે નહીં, તો હજુ ક્યારે? જાે આપણે નહીં કરીએ, તો કોણ કરશે?

આ માત્ર એક કલ્પના નથી — પણ એક પોકાર છે. આ નૈતિક શાસન શૈલી એ આપણી બીમાર લોકશાહીનો અકસીર ઇલાજ છે. જાે આપણે આવું શાસન સ્વીકારી લઈએ — જે નૈતિકતા, ન્યાય અને સમાનતાના મૂલ્યો પર આધારિત હોય — તો આપણે એવો સમાજ ઘડી શકીએ જે દરેક માટે ન્યાયપૂર્ણ અને લાભદાયક હોય — જ્યાં શાસન સ્પર્ધા નહીં પણ એક અમાનત હોય
ચાલો ! એક પહેલ કરીએ — આવી શ્રેષ્ઠ લોકશાહી તરફ પહેલું પગથિયું માંડીએ — અને આવનારી પેઢીને ઊડવા માટે એક નવું આકાશ આપીએ.

(લેખક એમબીબીએસ ડોક્ટર છે. મોડાસામાં તેમની પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે. તેઓ ‘યુવાસાથી’ માસિકના ભૂતપૂર્વ તંત્રી પણ રહી ચૂક્યા છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments