નવી દિલ્હીઃ “પાંચ રાજ્યોમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં નફરતભર્યા ભાષણો, સાંપ્રદાયિક જાહેરાતો અને આચારસંહિતાનો ભંગ થયો હતો. મતદારોને જાતિના નામે વિભાજિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને ચૂંટણી પંચે કડકાઈથી અટકાવવું જોઈતું હતું. પરંતુ લોકોની ભૂમિકા ખૂબ જ સકારાત્મક અને પ્રશંસનીય હતી. આ વખતે તેમણે વિકાસ, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય જેવા વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.” જમાઅતે ઇસ્લામી હિંદના નાયબ અમીર પ્રો. મુહમ્મદ સલીમ એન્જીનીયર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત તેઓએ કહી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ચૂંટણીની પૂર્વ સંધ્યાએ જાહેરાતો પાછળ જંગી રકમ ખર્ચવામાં આવી હતી. આ કરદાતાઓના પૈસા છે, જે સરકારે પાણીની જેમ રેડી દીધા છે. આ અંગે ચર્ચા થવી જોઈએ અને એવો કાયદો ઘડવો જોઈએ જે શાસક પક્ષને પોતાના લાભ માટે પ્રત્યક્ષ કે આડકતરી રીતે જાહેરાતો પર સરકારી મશીનરી અને ભંડોળનો ખર્ચ કરતા અટકાવે.” તેમણે કહ્યું હતું કે “લોકશાહીને મજબૂત કરવા અને ચૂંટણી પરિણામોને પ્રભાવિત થવાથી રોકવા અને સંપત્તિ અને સત્તાના દુરુપયોગને રોકવા માટે ચૂંટણી સુધારા જરૂરી છે. પારદર્શી ચૂંટણીથી નાગરિકોનો વિશ્વાસ વધશે અને લોકશાહી મજબૂત થશે. “
યુક્રેન-રશિયા યુદ્ધ પર ટિપ્પણી કરતા, તેમણે કહ્યું: “યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન કરતું નથી પરંતુ તે પોતે જ એક સમસ્યા છે જેનું પરિણામ જીવન અને સંપત્તિના નુકસાન સિવાય બીજું કંઈ નથી. તેથી, બંને દેશો વચ્ચેના વિવાદોનો વહેલી તકે અંત લાવવા જોઈએ, યુદ્ધવિરામ સ્થાપિત થવો જોઈએ અને રાજદ્વારી પ્રક્રિયા શરૂ થવી જોઈએ. તેમણે સંભવિત માર્ગોનો ઉપયોગ કરીને યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઝડપથી સ્વદેશ પરત લાવવા હાકલ કરી હતી અને યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના માતા-પિતા અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શોક વ્યક્ત કર્યો કે દેશમાં વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક પક્ષો યુક્રેનિયન સંકટનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે અયોગ્ય અને અમાનવીય છે. તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે યુક્રેનમાં કટોકટી પેટ્રોલ, ડીઝલ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી શકે છે અને રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સંભવિત ઉછાળાને રોકવા માટે અસરકારક પગલાં લેવા જોઈએ.
પરિષદને સંબોધતા JIH સચિવ મુહમ્મદ અહમદે તેમની ઉત્તર પ્રદેશની મુલાકાત અંગે ટિપ્પણી કરતા કહ્યું કે હવે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી છે. અને ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો હવે રાજકીય પક્ષોની ધ્રુવીકરણની રણનીતિને નકારી રહ્યા છે.