જમાઅતના હોદ્દેદારોએ FCRA સુધારા બિલ અને SIR માં ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: જમાઅતે ઈસ્લામી હિંદના ઉચ્ચ નેતૃત્વએ આજે આયોજિત માસિક પત્રકાર પરિષદમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતો પર પોતાનું વલણ રજૂ કર્યું હતું, જેમાં આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ, SIR, સૂચિત FCRA સુધારા બિલ અને ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે જમાઅતે ઈસ્લામી હિંદના નાયબ અમીર, પ્રોફેસર સલીમ એન્જિનિયરે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની આગામી વિધાનસભા ચૂંટણીઓના સંદર્ભમાં જનતાને અપીલ કરી છે કે તેઓ જવાબદારીપૂર્વક મતદાનમાં ભાગ લે. તેમણે કહ્યું કે મતદાન કરવું એ બંધારણીય અધિકારની સાથે એક નૈતિક ફરજ પણ છે, તેથી મતદારોએ રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય જેવા વાસ્તવિક મુદ્દાઓના આધારે નિર્ણય લેવો જોઈએ અને વિભાજનકારી રાજનીતિને નકારી કાઢવી જોઈએ. તેમણે રાજકીય પક્ષોને આગ્રહ કર્યો કે તેઓ નાણાં, શક્તિ અને નફરતભર્યા નિવેદનોના પ્રયોગથી દૂર રહે અને પોતાની ચૂંટણી ઝુંબેશને જનકલ્યાણ પર કેન્દ્રિત રાખે. સાથોસાથ તેમણે ભારતના ચૂંટણી પંચ પાસે માંગ કરી કે તે પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરે અને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરે. પ્રોફેસર સલીમ એન્જિનિયરે એ બાબત પર ભાર મૂક્યો કે મજબૂત લોકશાહી પ્રક્રિયા, નાગરિક સ્વતંત્રતાઓનું સન્માન અને કાયદાનું પાલન જ ન્યાય, શાંતિ અને સ્થિરતાની ખાતરી છે, અને તમામ પક્ષોએ વ્યાપક સામાજિક હિતમાં જવાબદારી દર્શાવવી જોઈએ.
જમાઅતે ઈસ્લામી હિંદના નાયબ અમીર, એસ. અમીનુલ હસને ‘FCRA’ માં સૂચિત સુધારાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ ફેરફારો વહીવટીતંત્રને અસાધારણ સત્તાઓ આપે છે. તેમણે ખાસ કરીને એ જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો જે હેઠળ વહીવટીતંત્ર દ્વારા વિદેશી નાણાકીય સહાયથી સ્થાપિત સંસ્થાઓ, જેવી કે શાળાઓ, હોસ્પિટલો અને કલ્યાણકારી સંસ્થાઓની મિલકતો પર નિયંત્રણ મેળવી શકાય છે. તેમણે ચેતવણી આપી કે સ્પષ્ટ દેખરેખ વિના સત્તાનું કેન્દ્રીકરણ સિવિલ સોસાયટી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને સામાન્ય ભૂલોને આધારે પણ સંસ્થાઓને હેરાન કરવામાં આવી શકે છે. જોકે સામાજિક સંસ્થાઓમાં પારદર્શિતા અને જવાબદારી અનિવાર્ય છે, તેમ છતાં આ સુધારાઓ સંસ્થાઓના કાર્યમાં બિનજરૂરી દખલગીરી અને ન્યાયના સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. તેમણે માંગ કરી કે આ સૂચિત સુધારાઓ પર વ્યાપક પરામર્શ કરવામાં આવે અને બિલમાં યોગ્ય સુધારા કરવામાં આવે જેથી જનતાનો વિશ્વાસ અને કલ્યાણકારી સંસ્થાઓની કાર્યક્ષમતા જળવાઈ રહે.
પ્રોફેસર સલીમ એન્જિનિયરે વિશેષરૂપે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ચાલી રહેલી ‘SIR’ ની પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જનતાને મતદાર યાદીમાં નામ નોંધાવવામાં પડી રહેલી મુશ્કેલીઓ ગંભીર બાબત છે. તેમણે ભારતના ચૂંટણી પંચને અનુરોધ કર્યો કે તે આ પ્રક્રિયાને પારદર્શક, ન્યાયી અને સૌ માટે સુલભ બનાવે, અને જોડણીની ભૂલો કે વહીવટી ખામીઓના કારણે લોકોને મતાધિકારથી વંચિત ન રાખે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકીય પક્ષો, સિવિલ સોસાયટી અને અન્ય સંસ્થાઓ મળીને આ કાર્યમાં જનતાની સહાય કરે. પ્રોફેસર સલીમ એન્જિનિયરે જણાવ્યું કે જમાઅતે ઈસ્લામી હિંદ આ દિશામાં તાલીમ કાર્યક્રમો, વર્કશોપ અને સ્વયંસેવકોની ફોજ તેમજ હેલ્પ સેન્ટરો દ્વારા લોકોના માર્ગદર્શનનું કાર્ય કરી રહી છે. દેશભરમાં હેલ્પ સેન્ટરો અને હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવ્યા છે, જેના દ્વારા અત્યાર સુધી લાખો લોકોની મદદ કરવામાં આવી છે.
એસ. અમીનુલ હસને અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીની સખત શબ્દોમાં નિંદા કરતા તેને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું, અને કહ્યું કે આ સ્થિતિ પ્રદેશની શાંતિ માટે ગંભીર ખતરો છે. તેમણે રહેણાંક વિસ્તારો, શાળાઓ, હોસ્પિટલો અને વસાહતો પર હુમલાના અહેવાલો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેના પરિણામે કિંમતી જાનહાનિ અને પાયાની સુવિધાઓને નુકસાન થયું છે, જે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન છે. આ માટે વૈશ્વિક સ્તરે જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે તાત્કાલિક યુદ્ધવિરામ, વાટાઘાટો અને રાજદ્વારી ઉકેલ પર ભાર મૂકતા કહ્યું કે ઈરાનને આત્મરક્ષણનો અધિકાર છે, પરંતુ તમામ પક્ષોએ સંયમ જાળવવો જોઈએ. તેમણે ભારત સરકારને પણ અપીલ કરી કે તે તણાવ ઘટાડવા અને શાંતિપૂર્ણ ઉકેલ માટે સક્રિય ભૂમિકા ભજવે.
