પ્રિય યુવાન, મારી સલાહ માગવા બદલ ખૂબ ખૂબ આભાર. મારી સાથે તારા સપનાઓ અને ભાવિ યોજનાઓની ચર્ચા કરવા બદલ પણ આભાર. હું જાણતો નથી કે આપણે ૫-૧૦-૧૫ વર્ષની તારા જીવનની યોજનાઓ વિશે કેવી રીતે ચર્ચામાં ઉતરી પડ્યા પરંતુ તે તારી યોજનાઓ સાકાર કરવા માટેની વાતો સાંભળી હું ખરેખર પ્રેરિત થયો છું.
છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે મળતા રહ્યા છીએ. પરંતુ તારા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ હું સમજી શક્યો ન હતો. તારા અંતર્મુખી સ્વભાવે તારામાં કેટલું પેશન (જુસ્સો) અને મહત્ત્વકાંક્ષાઓ છે એ મને જાણવા દીધું ન હતું. તારા ઉજ્જવળ ભવિષ્ય માટેની તારી કેટલીક યોજનાઓથી હું સમજી શકીઓ છું કે તને સંતોષ મળશે જે તને સફળ બનાવશે. તું તો સફળ બનીશ જ પરંતુ તારા કુટુંબ સમાજ અને આ દેશને પણ આનાથી ઘણો લાભ થશે હું તારા ઉજ્જવળ ભવિષ્યને જોઈ રહ્યો છું. તારા રોજીંદા જીવનમાં તું કેટલો વ્યસ્ત બની જવાનો છે. એ હું અત્યારથી જાઈ શકું છું. પરંતુ એ માટે તારે સૌ પ્રથમ તારા ફોનથી છુટકારો મેળવવો પડશે!
તારી પાસે ઘણા મોટા સપનાઓ છે, પરંતુ તારા દિવસનો ઘણો સમય તારા ફોન પર ખર્ચાઈ જાય છે. ઇન્ટરનેટ પર ફાલતુ ચીજો જોવા-વાંચવામાં ગેમ્સ રમવામાં!
તારો સમય કીંમતી છે. આ તારો ‘સુવર્ણયુગ’ છે. સપનાઓનો સાકાર કરવાનો સમયગાળો છે. કોઈ મહાપુરૂષે કહ્યું હતું કે જો તમે જીવનને પ્રેમ કરતા હોવ તો સમય બગાડવાનું છોડી દો. કેમકે જીવન સમયનું બનેલું છે. તારે વધારે સમય સોશિયલ મીડિયા કે ઓનલાઈન ફોન પર વ્યતીત કરવો ન જોઈએ એવું હું માનું છું. હું તારી ટીકા કરવા નથી માગતો પરંતુ આ એક સત્ય છે. અને માત્ર તું જ નહીં તારા જેવા હજારો લાખો યુવાનો ઓનલાઈન ઇન્ટરનેટના ‘બંધાણી’ અર્થાત્ એડીકટેડ થઈ ગયાં છે. તે પોતે જ કહ્યું હતું કે તારા જાગવાનો મોટા ભાગનો સમય સ્ક્રીન જોવામાં પસાર થાય છે. પછી એ સ્માર્ટ ફોનની સ્ક્રીન હોય કે કોમ્પ્યુટરની. તું આ રીતે સમય વ્યતીત કરે એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ હું કહી શકું છું કે તે ઘડેલી યોજનાઓ અને સ્વપ્નાઓને સાકાર કરવા માટે આ બાબત બહુ મોટો અવરોધ છે. જો તું સારી રીતે અને ‘મોટા’ માણસોની રીતભાતથી જીવવા માગતો હોય તો તારી લાઈફ સ્ટાઈલ બદલવાની જરૂર છે. તારે ‘જીવવું’ પડશે – જીવવાની રીતે! આ રીતે તું જાણે છે આપણામાંના મોટા ભાગના ‘જીવી’ નથી રહ્યા. આપણામાંના મોટા ભાગના લોકો ‘પાત્રો’માં ઉતરતાં નથી.
મોટાભાગના લોકો ‘પાત્રો’માં ઢળતા નથી, ખરેખર જીવતાં નથી. આપણે બધા એવી રીતે વર્તીએ છીએ જાણે આપણે ઘણું બધું કરીએ છીએ. જ્યારે આપણી ફેવરીટ ટીમ રમીને જીતે ત્યારે આપણે કહીએ છીએ કે ‘આપણે જીતી ગયાં!’ જો કે એમાં આપણો કોઈ રોલ નથી હોતો. આપણે કશું વધારે કર્યું નથી હોતું. આપણે મેદાનના સ્ટેન્ડમાં હોઈએ અથવા ઘરમાં સોફામાં હોઈએ ત્યારે ખેલાડીઓને જીતતા જોઈએ છીએ. તેમને અનુભવ હોય છે. આપણે સાઈડમાં બાજુમાં હોઈએ છીએ. કોઈ પણ ખેલાડી, સંગીતકાર, કલાકાર, એક્ટર કે પરફોર્મર કહી શકે છે કે મેદાનમાં હોવું કે સ્ટેજ પર હોવું, પ્રેક્ષક બનીને જોવા કરતાં અલગ હોય છે. ઊંચાઈ વધારે ઊંચી અને નીચા વધારે નીચાણમાં હોય છે જ્યારે આપણે જીવનમાં ‘મેદાન પર’ હોઈએ છીએ ત્યારે એમાં આપણા પર વધારે જોખમ હોય છે. આપણને નકારી દેવામાં આવે છે. આપણે નિષ્ફળ પણ જઈ શકીએ છીએ. કદાચ આપણને વાગી પણ જાય. પરંતુ હું માનું છું કે એ જ ક્ષણો સૌથી વધુ યાદગાર હોય છે જ્યારે આપણે એની પાછળ લાગી ગયાં હોઈએ છીએ, જ્યારે આપણે મોટું કે સારૂં રમીએ છીએ.
હે યુવાન, હું નથી ઇચ્છતો કે તું નાનું કે ખરાબ રીતે રમે તારા વડીલ તરીકે હું તને સીધી રીતે નહીં કહું તો કોણ કહેશે? હું તને કોઈ ઉપદેશ આપવા નથી બેઠો. હા હું જાણું છું યુવાનોને ઉપદેશ નથી ગમતા. પણ હું તો મારા અનુભવ તારી સાથે શેર કરી રહ્યો છું. કેમકે હું પણ ક્યારેક તારી જેમ યુવાન હતો. તું સમયના જે માર્ગ પરથી અત્યારે પસાર થઈ રહ્યો છ. ઘણા સમય પહેલાં હું ત્યાંથી પસાર થઈ ચૂક્યો છું. હું તારી જગ્યાએ હતો ત્યારે કદાચ મારી જગ્યાએ અત્યારે હું છું ત્યારે ત્યાં કોઈ ન હતું. અથવા તો મેં એ સાંભળ્યું ન હતું. તેથી જ હું ઇચ્છું કે તને એ બતાવું જે મેં જાઈ લીધું છે અને તું હજી જોવાનો છે. હું તારા જીવનની પડખે કોઈને જોઈ રહ્યો છું. તારી પાસે મહાન વિચારો અને યોજનાઓ છે પરંતુ તેને સાકાર કરવા માટે તું કોઈ પગલાં નથી લઈ રહ્યો. તું સંબંધો જાળવી રાખવા માંગે છે પરંતુ તું નવા લોકોને મળવા માગતો નથી. તારી ભવિષ્યની યોજનાઓ મહાન છે પણ તું તારો મોટાભાગનો સમય ફોન પર પસાર કરી રહ્યો છે. હું તને પૂછું છું, એ કંઈ બાબતો છે જે તને જીવનમાં વધુ સક્રીય થતાં અટકાવે છે? તું શા માટે રૂબરૂમાં મોઢઆ મોઢ લોકોને મળતો નથી કે એમની સાથે વાતચીત કરતો નથી? શા માટે તને ઓળખવા માટે મારે આટલો સમય ગયો? હું માનું છું કે આના જવાબ આત્મવિશ્વાસમાં છુપાયેલા છે.
જીવન વિશેની અસ્પષ્ટતાઓએ તને જીવનમાં વધુ આત્મવિશ્વાસુ બની સક્રીય બનવા માટે અટકાવી રહી છે. હું જાઉં છું કે તારો ફોન અને વીડીઓ ગેમ્સ આત્મવિશ્વાસના અભાવને પૂરવા માટેનાં સાધનો બની ગયાં છે. આ આત્મ-છલના છે, જે તને વ્યસ્ત હોવાનો ડોળ કરવામાં કામ આવે છે અને જીવનના કડવા અને વાસ્તવિક જોખમો લેવા માટે સક્ષમ બનાવવાને બદલે અસક્ષમ બનાવે છે. તારી સમસ્યા ફોન નથી, પરંતુ આત્મવિશ્વાસનો સ્તર છે. હું તને તારા બેજોડ અવાજને શોધવામાં મદદરૂપ થવા માગુ છું. તારામાં અંદરખાને છુપાયેલી એક અદ્ભૂત ભેટ કે જે તું દુનિયાને આપવા માંગે છે એને શોધવામાં મદદ કરવા માગુ છું. હું માનું છું કે જ્યારે તું એ શોધી કાઢીશ ત્યારે તું સૌથી વધુ આનદિત થઈશ. હું તારાથી શું સાંભળી રહ્યો છું કે તને કોઈ તારાથી અસહમત થાય કે તને જોયા દેખાડે ત્યારે તું સરળતાથી વિચલિત થઈ જાય છે. તારી પોતાની આત્માનુભૂતિ એમના નિર્ણયમાં તરત જ ધ્વસ્ત થઈ જાય છે તું તારા પૂર્વજો અને મોટેરાઓની બનાવેલી રૂઢિઓ અને જાતિ નિયમો ભુલી જવા માગે છે. હું જાણું છું કે આ સારી અનુભૂતિ નથી, તેથી હું આશા રાખુ છું કે તું જે કંઈ છે એમાં વધુ મજબૂત અને સ્પષ્ટ બને એ માટે આપણે સાથે મળીને કંઈક કરી શકીએ છીએ. તું આત્મવિશ્વાસથી છલોછલ હશે તો જે પ્રકારનું જીવન તું ઇચ્છે છે એ માટે જોખમ લેતાં પણ તને આવડી જશે.
જો તું સારૂં અને ભવ્ય જીવન જીવવા માગતો હોય તો માર્ગમાં આવતી અડચણો બાબતે કોઈ ભૂલ ન કરતો તું ઠોકરો પણ ખાઈશ અને બીજાની ટીકાઓ સાંભળવાનું પણ તારે ભોગે આવશે. ત્યારે એવો સમય આવશે કે તારે સુરક્ષિત રહીને રમવાની ફરજ પડે, તું જરૂર પુરતો આત્મવિશ્વાસ કેળવી ચૂક્યો હોય અને જ્યારે આગળ વધવા કરતાં પાછળ ખસવામાં વધારે લાગણી ધવાતી હોય ત્યારે તું માનજે કે તુ આગળ ડગલું ભરવાને લાયક થઈ ગયો છે. જ્યારે તને અનુભૂતિ થઈ જશે કે તારી પાસે ગુમાવા જેવુ કશું જ નથી ત્યારે તું મોટી છલાંગ લગાવવા તૈયાર હોઈશ.
જીવનમાં તું તારો પોતાનો માર્ગ કંડાર, તારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ, તારી જાતમાં આત્મવિશ્વાસ પેદા કર. તારૂં ઉજ્જવળ ભવિષ્ય તારી પ્રતિક્ષામાં છે. બસ તું તારા ડગલાં માંડવાનું શરૂ તો કર.! •••
(ડેવિડ ક્લોના એક લેખના આધારે)