Monday, February 3, 2025
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલોસ એંજલસનો 'લોસ' અને આપણી પ્રતિક્રિયા

લોસ એંજલસનો ‘લોસ’ અને આપણી પ્રતિક્રિયા

લોસ એન્જલસમાં ભભૂકી ઊઠેલી આગ માત્ર અમેરિકાના જ નહીં, બલ્કે સમગ્ર વિશ્વના ઇતિહાસની સૌથી ભયાનક હોનારતોમાંની એક તરીકે યાદ રહેશે. જંગલમાંથી ફેલાયેલી આ વિનાશક આગે વિશાળ વિસ્તારને ચપેટમાં લઈ લીધો. ૭ જાન્યુઆરીથી શરૂ થયેલી આ વિનાશક આગે લોસ એન્જલસ શહેરના પેલિસેડ્‌સ, ઇટન, કેનેથ અને હર્સ્ટ જેવા વિસ્તારોમાં લગભગ ૧૬૦ ચોરસ કિલોમીટર વિસ્તારને ખાખ કરી નાખ્યો છે. ૪૦,૦૦૦ એકર વિસ્તાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આ લખાય છે ત્યાં સુધી ૨૪ લોકોના મોત થયા છે અને હજારો ઇમારતો સળગીને ખાખ થઈ ગઈ છે.

કરોડો ડોલરની મિલકત અને કુદરતી સંપદાના નુકસાન ઉપરાંત, લગભગ બે લાખ લોકોને પોતાના ઘર છોડીને જવું પડ્યું. આલીશાન બંગલાઓ, સરકારી ઇમારતો અને નાગરિક સુવિધાઓ બળીને ખાખ થઈ ગઈ. લોકો નિરાશામાં ડૂબીને તેમની આખી જિંદગીની કમાણી બળીને ખાખ થતી જાેઈ રહ્યા છે. આબોહવા પરિવર્તનને કારણે વધુ ખરાબ હવામાનની સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકન જંગલોમાં આગ લાગવાની ભયાનક ઘટનાઓ પહેલાં પણ બનતી રહી છે, પરંતુ આ આગ કદાચ અમેરિકન ઇતિહાસની સૌથી ખતરનાક આગ સાબિત થઈ છે.

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આ આગની તાકાત સામે ર્નિબળ દેખાઈ રહ્યો છે, આ સ્થિતિ કેટલી વિકટ છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા જેવા વિકસિત અને અદ્યતન દેશની એજન્સીઓ અને અધિકારીઓ લાચાર લાગી રહ્યા છે. સીએનએનના એક રિપોર્ટ મુજબ, કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શન (Cal Fire)ના ડેપ્યુટી ચીફ બ્રાયસ બેનેટે (૧૨ જાન્યુઆરી)ના રોજ જણાવ્યું હતું કે, “આપણને પ્રકૃતિ માતા પાસેથી થોડા વિરામની જરૂર છે.” તેમણે કહ્યું, “આપણી પાસે અગ્નિશામક કર્મચારીઓ છે, આપણી પાસે પાણી છે, આપણને સમયની જરૂર છે.” અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને આ આપદાને “યુદ્ધના દૃશ્ય” જેવી ગણાવી હતી, જ્યાં ભારે વિનાશ જાેવા મળ્યો હતો. કાશ મિસ્ટર બાઇડન અમેરિકાના હાથે દુનિયામાં થતા યુદ્ધના વિનાશ, ખાસ કરીને ગાઝાના યુદ્ધના વિનાશને અનુભવી શકે. આગના પ્રત્યક્ષ દર્શીઓના મતે તેમણે આવી તબાહી પહેલાં ક્યારેય જાેઈ ન હતી. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે આ વિનાશ એવો છે, જાણે અહીં કોઈ બોમ્બ ફાટ્યો હોય. સૌથી મોટી વાત, પૂરી દુનિયાને મુશ્કેલીમાં મદદ કરવાનો ભરોસો આપનાર અમેરિકા કુદરતના પ્રકોપ સામે ખુદ બેબસ અને લાચાર લાગે છે. રાહત અને બચાવ માટે તેને કૅનેડા અને મેક્સિકો જેવા દેશો પાસેથી મદદ લેવી પડી છે.

લોસ એન્જલસમાં લાગેલી બેકાબૂ આગ અને તેના કારણે થયેલા જાનમાલના નુકસાનથી એ સાબિત થયું છે કે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ પણ કુદરતી આફત સામે ર્નિબળ સાબિત થઈ શકે છે. આવી વિપત્તિની સ્થિતિમાં, ઈરાને પણ દુશ્મનાવટ ભૂલીને અમેરિકાને દરેક પ્રકારની મદદ કરવાની ઓફર કરી છે. તેહરાન દ્વારા અમેરિકાને મોકલવામાં આવેલા સંદેશમાં જણાવાયું છે કે ખાસ સાધનોથી સજ્જ આગ બુઝાવવાની ટીમો ત્યાં પહોંચવા માટે તૈયાર છે. ઈરાનની આ ઓફર સ્વાગતપાત્ર છે અને માનવતા અને ઇસ્લામીક શિક્ષણ સાથે સુસંગત છે. દુશ્મનાવટ અમેરિકી સરકાર અને શાસકો સાથે હોઈ શકે છે, પરંતુ અમેરિકી સમાજ અને લોસ એન્જલસની જનતા સૌ એ જ એક ઈશ્વરના બંધુઓ છે, જેની ઉપાસના મુસ્લિમો કરે છે.

ઈશ્વરના અંતિમ દૂત હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું હતું કે “અલ-ખલ્કુ અયાલુલ્લાહ” એટલે કે દુનિયાના બધા જીવો, જેમાં માણસો અને અન્ય પ્રાણીઓ પણ સામેલ છે, અલ્લાહનું કુટુંબ છે. તેથી, ઈરાનની પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. ઇકના (ICNA) અમેરિકન મુસ્લિમોની એક મુખ્ય અને વિશ્વાસપાત્ર સંસ્થા છે અને તેની રાહત સંસ્થા “ઇકના રિલીફ” સંયુક્ત રાજ્ય અમેરિકાની તમામ કુદરતી આફતોમાં આફતગ્રસ્ત લોકો સુધી પહોંચવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. લોસ એન્જલસની આ ભયાનક આફતમાં પણ તેના સેંકડો સ્વયંસેવકો આફતગ્રસ્ત વિસ્તારમાં સમયસર પહોંચી ગયા છે અને પૂરી લાગણી અને ક્ષમતા સાથે પીડિતોની મદદમાં લાગેલા છે. અમેરિકન અખબારોએ ‘ઇકના’ના યોગદાનને આવરી લીધું છે. ‘ઇકના’એ લોસ એન્જલસના આફતગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયે ખાદ્ય સામગ્રી, કપડાં અને દવાઓનું વિતરણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. “ઇકના રિલીફ” અગાઉ કોરોના મહામારી અને તોફાનથી પ્રભાવિત લોકોની મદદ કરતી રહી છે.

ઈશ્વરના આજ્ઞાકારી ઈશભક્તોની પ્રતિક્રિયા આવી જ હોય છે. ઈશ્વરના અંતિમ દૂત, જે દુનિયા માટે “રહેમત” બનીને આવ્યા હતા, એક વાર ફરમાવ્યું હતું કે “મારૂં ઉદાહરણ એવી વ્યક્તિ જેવું છે જે કોઈએ પ્રગટાવેલી આગની નજીક છે. પતંગિયા આ આગ તરફ લપકી રહ્યા છે અને હું એક એક પતંગિયાને પકડીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.”

આ સાથે સોશિયલ મીડિયા પર કેટલાક યુવાનો ગાઝા પર પડતા બોમ્બ અને કેલિફોર્નિયામાં લાગેલી આગને સરખાવતાં “કુદરતી આફત” ગણાવી રહ્યા છે, જે ખૂબ જ હલકું વર્તન છે. રસપ્રદ વાત એ છે કે ગાઝામાં થયેલા અત્યાચારો સામે સૌથી વધુ પ્રતિક્રિયા અમેરિકન નાગરિકો, ખાસ કરીને કેલિફોર્નિયાના વિદ્યાર્થીઓ પાસેથી આવી હતી. લોસ એન્જલસ આ રાજ્યનું સૌથી મોટું શહેર છે. ઇઝરાયલની ક્રૂરતા સામેના આ વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમોની સાથે મોટી સંખ્યામાં અમેરિકન બિન-મુસ્લિમ નાગરિકો પણ જાેડાયા હતા.

આ વાત વધુ રસપ્રદ છે કે કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઘણા મહિનાઓ સુધી ઇઝરાયલી અત્યાચારો વિરુદ્ધ માત્ર વિરોધ પ્રદર્શન જ નહીં, પરંતુ તેનું નેતૃત્વ પણ કર્યું. આવો પ્રતિકાર કોઈ મુસ્લિમ દેશમાં દસમા ભાગનો પણ નહીં થયો હોય. કુદરત ક્યારે, કોની પાસેથી અને કેવી રીતે બદલો લે છે, તે તો ફક્ત કુદરત અથવા પોતે “અલ-કાદિર” (કુદરતના રચયિતા) જ જાણે છે. આપણી જવાબદારી માનવીય સંવેદના વ્યક્ત કરવાની અને પોતાના ભાગનો સેવાભાવ અને રાહત કાર્ય કરવાની છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments